હાસ્ય-માળાનાં મોતી(ખીસાપોથી)

હાસ્ય-માળાનાં મોતી(ખીસાપોથી)

(સંપાદક: મહેન્દ્ર મેઘાણી/લોકમિલાપ-ભાવનગર)

 

“જરા વિચારો, બાળકો,” શિક્ષકે કહ્યું, “આફ્રિકામાં અનેક વિસ્તારોમાં નિશાળ જ નથી ! તો આપણે શાના માટે પૈસા બચાવવા મથવું જોઈએ ?”

બાળકોનો હર્ષનાદ થયો : “આફ્રિકા જવા માટે !”

*****

એક ધનવાન ફિલ્મ-નિર્માતાની દીકરીને શાળામાં કોઈ ગરીબ કુટુંબ વિશે નિબંધ લખવાનું કહેવામાં આવ્યું. એના નિબંધની શરૂઆત આ રીતે થઈ : “એક હતું ગરીબ કુટુંબ. તેમાં બા ગરીબ હતી. બાપુ ગરીબ હતા. બાળકો ગરીબ હતાં. રસોઇયો ગરીબ હતો. મોટરગાડીનો ડ્રાઇવર ગરીબ હતો. કામવાળી ગરીબ હતી. માળી ગરીબ હતો. સહુ કોઈ ગરીબ હતાં…”

*****

“મોટો થઈને હું ધ્રુવપ્રદેશની સફરે જવાનો છું.” છ વરસના એક બાળકે બાપાને કહ્યું, “અને અત્યારથી જ તેની બરાબર તાલીમ  લેવા માંડવાનો છું.”

“એ કેવી રીતે?”

“રોજ તમે મને જો પાંચ-પાંચ રૂપિયા આપો તો હું સારી પેઠે આઇસક્રીમ ખાતો રહીશ, જેથી  ઠંડીની અસર મને થાય નહીં.”

*****

પરીક્ષાના પ્રશ્નપત્રમાં એક પણ સવાલનો જવાબ ન આપી શકનાર છોકરાએ પોતાને ઉત્તરવહી ઉપર એક સફાઈદાર લંબચોરસ દોર્યો ને અંદર લખ્યું:

“આ જગ્યા આવતે વરસે જોજો.”

*****

પરીક્ષામાં સહુથી ઓછા ગુણ લાવનાર પુત્રને પિતાએ કહ્યું: “વિનુ, તારા આટલા ઓછા માર્ક જોઈને મને એક વાતનો જરૂર સંતોષ થાય છે કે પરીક્ષામાં તેં ચોરી તો નહિ જ કરી હોય.”

*****

ઠોઠ વિદ્યાર્થી: “પણ સાહેબ, મને શૂન્ય માર્ક તો ન જ મળવા જોઈએ એમ માને લાગે છે”

શિક્ષક: “મને પણ એમ જ લાગે છે, પણ હું લાચાર હતો—શૂન્યથી ઓછા માર્ક આપવાનો મને અધિકાર નથી.”

*****

નિશાળમાં એક દિવસ બહુ ભણવાનું થયું પછી થાક્યોપાક્યો ઘેર આવેલો નાનો ફારુક એની અમ્માને કહે, “હું જૂના જમાનામાં  જન્મ્યો હોત તો કેવું સારું થાત !”

“કેમ એમ, બેટા?” માએ પૂછ્યું.

“કારણકે તો મારે આટલો બધો ઇતિહાસ ભણવો પડત નહિ !”

*****

સ્ત્રીઓનાં પગરખાંની એક દુકાનમાં પાટિયું: “દુકાનમાં દાખલ થયા પછી દસ જ મિનિટમાં તમારી ખરીદી કરી લો, તો દસ ટકા વળતર.”

*****

પોતે કેવો સચોટ નિશાનબાજ છે તે પોતાના પુત્રને દેખાડવાનું શિકારી પિતાએ નક્કી કર્યું. પુત્રને જંગલમાં લઈ જઈને, જમીન ઉપર બેઠેલા બતક ઉપર નિશાન તાકીને એમણે બંદૂકનો ઘોડો દબાવ્યો. પણ બતક નિશાન ચૂકવીને ઊડી ગયું. જરા પણ થડ્કયા વિના શિકારીએ દીકરાને કહ્યું: “ જો બેટા, દુનિયાની આઠમી અજાયબી હવે તું જોઈ રહ્યો છે—મરેલું બતક કેટલું સરસ રીતે ઊડી રહ્યું છે !”

*****

ભાવને કસવામાં જે કુશળતા સ્ત્રીઓ બતાવતી હોય છે તેવી પતિની પસંદગીમાં પણબતાવે, તો છૂટાછેડાના કિસ્સા નહિવત થઈ જાય.

*****

દીકરીએ આવીને જાહેરાત કરી કે અમુક યુવાન સાથે એણે વેવિશાળ કરી લીધું છે, એટલે તરત પિતાએ પૂછ્યું : “એની પાસે કાંઈ પૈસા છે?”

“તમે પુરુષો બધા  સરખા જ છો.” છોકરીએ જવાબ વાળ્યો. “એણે પણ તમારે વિશે એ જ પૂછેલું !”

*****

દરેક મા એવું ઝંખે છે કે પોતાને મળ્યો તેના કરતાં સારો વર પોતાની દીકરીને મળે. પણ તે એટલું તો સમજે જ છે કે પોતાના દીકરાને, એના બાપને મળી તેવી ઉત્તમ પત્ની નહિ જ મળે.

*****

અરે જુઓ તો ખરા—પેલી છોડીનાં જીંથરકાં કેવાં લાગે છે !”

“એ છોડી નથી, છોરો છે—અને એ મારો દીકરો છે.”

“માફ કરજો, મને ખબર નહિ કે તમે જ એના બાપ હશો.”

“બાપ નથી—હું એની મા છું !”

******

ગ્યાસતેલની દુકાને કતારમાં ઊભાં ઊભાં એક સવારે ગજરાબહેન અને બાળાબહેન વાતો કરતાં હતાં. એમનો વારો આવવાની તૈયારી હતી ત્યાં ગજરાબહેન પોતાનાં જોડીદારને એવું કહેતાં સંભળાયાં કે, “હાલ ને બઈ, આપણે લેનમાં છેવાડે જઈને ઊભાં રહીએ ! હજી તો મારે તને અલકમલકની કેટલીયે વાતો કહેવાની બાકી છે.”

*****

પતિ: હું નાટકની ટિકિટો લાવ્યો છું.

પત્ની : વાહ ! હું હમણાં જ તૈયાર થવા માંડું છું.

પતિ: એ બરાબર છે—ટિકિટો આવતી કાલની છે.

*****

“સોમવારે તમે કારેલાંનું શાક ને રોટલી ખાધેલાં, મંગળવારે ખાધેલાં, બુધવારે ખાધેલાં, ગુરુવારે પણ ખાધેલાં—અને હવે આજે શુક્રવારે કહો છો કે કારેલાં ભાવતાં નથી ! આમાં મારે રસોઈ કરવી કેવી રીતે?”

*****

પત્ની પતિને : હું પાડોશીને ત્યાં જઈને અબઘડી આવું છું. ચૂલે ચણાની દાળ મૂકી છે તેમાં પા-પા કલાકે જરા કડછી ફેરવતા રહેજો એટલે દાઝે નહીં.”

*****

હંસા : વાસણ ઊટકવા માટે તમે શેનો ઉપયોગ કરો છો?

નિમુ: આમ તો મેં ઘણા અખતરા કરી જોયા, પણ એમાં ઉત્તમ મારા વર નીવડ્યા છે.

*****

તેણે એની આગળ પરણવાનો પ્રસ્તાવ મૂકેલો. પણ પેલીએ ના પાડી દીધી.”

“પછી ?”

“એ બંને સુખેથી રહ્યાં.”

*****

ઘણા મહિના રાહ જોયા પછી એક ભારતીય દંપતીને અમેરિકાનું નાગરિકત્વ મળ્યાનો પત્ર મળ્યો. આથી ખુશ થઈ ગયેલા પતિ સાહેબે પત્નીને કહ્યું: “લે, આ જો, આપણને અમેરિકાનું નાગરિકત્વ મળી ગયું ”

પત્ની તે વખતે રસોડામાં વાસણ માંજતી હતી. ખબર સાંભળતાં જ તેણે હાથ ધોઈ નાખ્યા ને કહ્યું: “અચ્છા ! તો હવે ઝટ અંદર આવો અને આ વાસણ સાફ કરી નાખો.”

*****

“ઘરમાં મારું ચલણ છે !” એવું કહેનારો પુરુષ બીજાં જૂઠાણાં પણ નહિ ચલાવતો હોય એની શી ખાતરી ?

*****

આજીવન અપરિણીત રહેલા એક સજ્જને, જુવાનીમાં જે ત્રણ યુવતીઓએ એમની લગ્ન-દરખાસ્તો ઠુકરાવેલી તેમને પોતાની તમામ મિલકત વારસામાં લખી આપી, કારણ કે “જે સુખશાંતિ મેં જિંદગીમાં અનુભવ્યાં, તે એમને આભારી છે.”

*****

બધાએ જેને આજીવન બ્રહ્મચારી માની લીધેલા તેવા એક એક સજ્જ્ન અંતે, સાઠ વરસની ઉંમરે પરણી ગયા. મિત્રોએ એમને પૂછ્યું કે, “ત્યારે પછી આટલું બધું મોડું શીદને કર્યું ?”

સજ્જને ખુલાસો કર્યો: “જો એ કર્કશા નીકળે તો મારે એની સાથે ઝાઝા દિવસ કાઢવા ન પડે. પણ જો શાણી ગૃહિણી નીવડે તો એને ખાતર આટલી વાટ જોવાનું પણ લેખે લાગે.”

*****

તમારી પત્નીની વિવેકબુદ્ધિ પર ઝાઝો ભરોસો રખવા જેવું નથી ને ? જુઓ તો ખરા—તેણે કેવા માણસને જીવનસાથી તરીકે પસંદ કર્યો છે !

*****

એક જણે પોતાના મિત્ર પાસે કબૂલાત કરી કે, “ધોબી પાસે કપડાં ધોવરાવીને, હૉટેલનું ખાઈને અને કાણાંવાળાં મોજાં પહેરીને હું કંટાળેલો, એટલે પછી પરણી ગયો.”

“માળું, એ તો અચરજ કહેવાય !” મિત્રે જવાબ વાળ્યો, “કેમ કે એ જ કારણોસર મેં તો છૂટાછેડા લીધા !”

*****

તમે તમારી પત્નીની ટીકા કરો ત્યારે એક વાત ધ્યાનમાં રાખજો—કે પોતાના એ બધા દોષને કારણે જ તો એ જેને પરણેલી છે તેના કરતાં વધુ સારો વર મેળવી શકી નહોતી.

*****

“મારી પત્નીની યાદશક્તિ ભયંકર ખરાબ છે.”

“કેમ, એમને કશું યાદ નથી રહેતું કે શું?”

“ ના યાર, એને બધું જ યાદ રહે છે.”

*****

તમારી પત્નીએ તમારી સાથે જે રીતે વરતવું જોઈએ તેમ એ ન વરતતી હોય તો- તેનો પાડ માનજો !

*****

દરેક પુરુષને પત્નીની જરૂર રહેવાની જ. જ્યારે જ્યારે કાંઈક અવળું પડે તે દરેક વખતે એ કાંઈ સરકારનો વાંક થોડો જ કાઢી શકે છે ?

*****

વિજ્ઞાન માણસને એટલું લાંબું આયુષ્ય તો કદી નહિ સંપડાવી શકે કે જેમાં પત્નીની બધી ઇચ્છાઓ તે પૂરી પાડી શકે.

*****

બન્ને પત્નીઓની બાબતમાં તે કમનસીબ રહ્યો છે—પહેલી પત્નીએ તેને છૂટાછેડા આપી દીધા, તો આ બીજી આપતી જ નથી !

*****

તાલુકાની કોરટમાં એક ચોર ઉપર કામ ચાલતું હતું અને એને પકડી પાડનાર એક જોરાવર બાઈ સાક્ષીના પીંજરામાં ખડી હતી.

“આ માણસનો સામનો એકલે હાથે કરવામાં તમે ઘણી બહાદુરી બતાવી, બહેન !” મેજિસ્ટ્રેટ બોલ્યા. “તે બદલ તમને ધન્યવાદ, પણ હું એટલું પૂછું કે એના આટલા બધા દાંત પાડી નાખીને એને લોહીલુહાણ કરવાનું શું ખરેખર જરૂરી હતું ?”

“તે મને શી ખબર,” બાઈ તાડૂકી “કે  ઇવડો ઇ ચોર ત્યાંથી નીકળશે ? હું તો ત્રણ કલાકથી મારા ધણીની વાટ જોઈને મોડી રાત લગી બેઠી હતી, તે મને એમ કે રોયો ઇ જ હશે !”

*****

“પારુલ, સૌરભે મને ગઈ કાલે શું કહ્યું, ખબર છે? કહેતો’તો કે તેણે મારા જેવી દેખાવડી અને હોશિયાર છોકરી આજ સુધી જોઈ નથી.”

“અને તુંય કેવી મૂરખ છો, ભૈરવી !” પારુલે કહ્યું: જે માણસ તને પરણ્યા પહેલાં જ આમ છેતરી રહ્યો છે, તેની સાથે લગ્ન કરવા તું તૈયાર થઈ ગઈ છો ?”

*****

જમનાદાસ ને અજવાળીને પરણ્યાં સિત્તેરેક વરસ થઈ ગયાં હશે ત્યારે, છન્નું વરસની પાકી અવસ્થાએ જમનાદાસનું મરણ થયું. આ સમચાર અજવાળીને આપનાર દાક્તરને બીક હતી કે ડોશી બિચારાં એ ઘા જીરવી નહીં શકે. પણ બાઈ ઘણી ખમતીધર નીકળી.

“ઠીક ત્યારે,” તે બોલી, “હવે અંતે મને પસંદ પડે તે રીતે હું ચા બનાવી શકીશ.”

*****

લોકો જો બુદ્ધિપૂર્વક વિચાર કરતાં હોય તો ઘણા છૂટાછેડા  અટકી જાય—ઘણાં લગ્નો પણ.

*****

જગન: ત્રણ અઠવાડિયાંથી મેં મારી સ્ત્રી સાથે વાત જ નથી કરી.

મગન: અરે ! પણ એવું કેમ?

જગન: મને વચમાં બોલવું પસંદ નથી.

*****

કોઈ વ્યક્તિ લગ્નજીવન વિશે અદ્ ભુત વાતો કરે તો સમજવું કે –એ કુંવારી હશે.

*****

રંગીલા રોમિયાએ પહેલા માળની બારીની બહાર નિસરણી મંડીને પછી નીચેથી એક કાંકરો બારીના કાચ પર માર્યો. તરત બારી ઊઘડી અને સીડી પરથી સરકતી કપડાંની એક બેગ નીચે આવી, ને પાછળ રસીલા પણ ઊતરી આવી ને આશકને ભેટી પડી. એક રિક્ષામાં બેય ચડી બેઠાં.

“મોટા સ્ટેશને—ઝટ, ” પેલાએ સૂચના આપી, અને પ્રેમી પંખીડાંએ નિરાંતનો શ્વાસ લીધો.સ્ટેશને ઊતરીને જુવાને ખીસામાંથી પાકીટ કાઢ્યું.

“પૈસા કાંઈ લેવાના નથી.” રિક્ષાવાળો બોલ્યો. “બાઈના ધણીએ ભાડું પહેલેથી દઈ દીધું છે.”

*****

પત્ની સાથે દલીલમાં ઊતરતાં પહેલાં એટલી ખાતરી કરી લેવી કે તમારી વાત બિલકુલ સાચી જ છે—અને પછી એ વાત પડતી મૂકવી !

*****

પતિ-પત્ની એક સમાજસેવકની સલાહ લેવા ગયાં. “ છ વરસના અમારા લગ્ન-જીવનમાં,” પતિએ ફરિયાદ કરી, “એક પણ બાબત અંગે અમે સંમત થઈ શક્યાં નથી….”

“છ નહીં—સાત.” પત્નીએ સુધારો કર્યો.

*****

વેવિશાળ પહેલાં પેલો બોલતો ને પેલી સાંભળતી; વેવિશાળ પછી પેલી બોલતી ને પેલો સાંભળતો; લગ્ન પછી બંને બોલે છે ને પાડોશીઓ સાંભળે છે !

*****

આદર્શ પતિ એ છે જે, પોતાની પત્નીએ ન કહેલો શબ્દ બરાબર સમજતો હોય.

*****

પોતાની પત્ની સાથે જીભાજોડી કરતા કેટલાક પુરુષો હજેયે નીકળશે; બાકી ઘણાખરાએ તો એમ કહેતાં શીખી લીધું હોય છે કે, “તારી વાત બરાબર છે.”

*****

વીજળીના દીવાને ફૂંક મારીને ઓલવવાની કોશિશ હજીયે કરજો—પત્ની સાથે દલીલમાં જીતવાની કદી નહિ.

*****

રેડ લેઇકફોલ્સ નામના અમેરિકન ગામની પંચાયતનું જાહેરનામું: આ ગામનાં બંને કબ્રસ્તાનો શિયાળા દરમિયાન બંધ રહેશે. આથી જાહેર જનતાને જણાવવાનું કે આ વાતની નોંધ લે અને પોતાનું વર્તન તે મુજબ રાખે.”

*****

એક વૃદ્ધની અઠ્ઠાણુંમી વરસગાંઠે તેમની છબી પાડીને પછી ફોટોગ્રાફરે જતાં જતાં કહ્યું: “દાદા, તમે એક્સો વરસના થાવ ત્યારે પણ છબી પાડવા હું હાજર રહી શકીશ એવી આશા છે !”

“કેમ નહીં વળી ?” દાદાજી બોલ્યા :”હજી તો તારી તબિયત  ઘણી સારી દેખાય છે !”

*****

દરિયામાં ઓચિંતાનું તોફાન જાગ્યું ત્યારે જહાજના કઠેડા પર ઢળીને ઊભેલી એક યુવતી સમતોલપણું ગુમાવીને પાણીમાં જઈ પડી. તરત જ બીજી વ્યક્તિ મોજાંની વચ્ચે એની બાજુમાં ખાબકી અને લાઇફ-બોટે આવીને તેમને બચાવ્યાં ત્યાં સુધી એણે બાઈને ઊંચે ધરી રાખી. સહુ કોઈએ અચરજ વચ્ચે જોયું તો એ વીર પુરુષ જહાજ પરના સહુથી વયોવૃદ્ધ માનવી હતા—80 વટાવી ચૂકેલા. તેમની બહાદુરીના માનમાં સાંજે એક મિજબાની આપવામાં આવી. “ભાષણ કરો ! ભાષણ કરો !” એવી માગણી બીજા મુસાફરોમાંથી ઊઠી.

અંતે જૈફ સજ્જન હળવે હળવે ઊભા થયા અને ઉત્સાહ ભરેલા સમુદાય પર એક નજર ફેરવીને પછી બોલ્યા : “એક જ વસ્તુ હું જાણવા માગું છું—કે કોણે મને ધક્કો મારેલો ?”

*****

એ રેસ્ટોરાં પોતાના ગ્રાહકોની ઘણી કાળજી લે છે. તેમના વાનગીપત્રકને અંતે નજીકના બધા દાકતરોનાં સરનામાં છાપેલાં છે.

*****

એક દંપતી પોતાનું નાનું બાળક લઈને નાટક જોવા ગયું. ડોરકીપરે એમને ચેતવ્યાં કે જો બાળક અવાજ કરશે તો એમણે બહાર નીકળી જવું પડશે—જોકે ટિકિટના પૈસા પાછા મળી શકશે.

ખેલ અરધે પહોંચ્યો હશે ત્યાં પુરુષે સ્ત્રીના કાનમાં કહ્યું,”તને કેમ લાગે છે ?”

“કાંઈ બળ્યું નથી આમાં,” પેલીએ જવાબ દીધો.

“બસ ત્યારે, બાબલાને વળ દઈને ચીંટિયો ભર.”

*****

 

એક જુવાન સિનેમામાં બેઠો હતો. વિરામ દરમિયાન એક મહાકાય સન્નારી ઊઠીને એના પગનાં આંગળાં કચરતાં કચરતાં, એને બેઠકમાં દબાવી દઈને બહાર નીકળ્યાં. થોડી વારે, હાથમાં આઇસક્રીમ ને ધાણીના મોટા પડીકા સાથે એ પાછાં ફર્યાં. “હેં જુવાન, હમણાં તારા જ પગ મેં કચરેલા? ”

“કચરેલા તો ખરા, પણ હશે એ તો….”

“બસ.” બાનુ બોલી ઊઠ્યાં, “ત્યારે તો આ જ મારી લાઈન છે.”

*****

અધીરો ગ્રાહક : જે વેઇટરને મેં વરદી આપેલી તે શું તમે પોતે જ?

વેઈટર:   હા જી સાહેબ—કેમ?

ગ્રાહક : હું કંઈક ઘરડા થયેલા માણસને જોવાની આશા રાખતો હતો.

*****

એ હૉટેલનું ભલું પૂછવું. એક વાર મેં ફરિયાદ કરી કે, આ ડિશ ભીની કેમ છે ? તો જવાબ મળ્યો કે, એ તો સૂપ પીરસેલો છે !

*****

કુદરતી મૃત્યુ એટલે એવા પ્રકારનું મરણ કે જેમાં દાકતરની કશી મદદ ન લેવાઈ હોય.

*****

ધૂમ્રપાનની તબિયત પર ગંભીર અસર વિશે તેણે એટલા બધા લેખોને પુસ્તકો વાંચ્યાં છે કે તેણે નિર્ણય કરી નાખ્યો છે કે હવેથી –વાંચવાનું બંધ !

*****

મીઠાઈની એક દુકાનમાં જમવાની સગવડ પણ હતી. ત્યાં પાટિયું મૂકેલું હતું:”પેટ ભરીને જમો. પૈસાની બિલકુલ ફિકર કરશો નહિ. તમારા પુત્ર કે પૌત્ર બિલ ચૂકવશે તો પણ ચાલશે.”

ખાઉધરા ખાન્તિભાઈએ ત્યાં જઈને બેઠક જમાવી. પેટ ભરીને જાતજાતની મીઠાઈ ખાધી. પછી મોટા ઓડકાર ખાતાં એ પેટ ઉપર હાથ ફેરવી રહ્યા હતા. ત્યાં વેઇટરે આવીને બિલ ધર્યું. હસીને તે પાછું આપતાં ખાન્તિલાલે કહ્યું: “એના પૈસા મારો પૌત્ર ચૂકવશે, સમજ્યો ?”

પણ સાહેબ, આ બિલ આપે ખાધું તેનું નથી.” વેઇટરે ખંધું હસીને કહ્યું, “  આ  તો આપના દાદાજી અહીં જમી ગયેલા તેનું છે !”

*****

રણને કાંઠે આવેલા ગામને પાદર હારબંધ પાંચ હૉટેલો ખડી હતી. એમાંથી પહેલીની આગળ પાટિયું હતું: “ચા પીવાની છેલ્લી તક—અહીંથી આગળ ચાર હૉટેલ દેખાય છે તે તો ઝાંઝવાં છે !”

*****

નીચલા માળે રહેતો ભાડૂત ઉપલા માળના ભાડૂતને :”એ ! હવે તમારા નૃત્યની પ્રેક્ટિસ બંધ કરો તો સારું. તમારી આ ધબાધબથી તો હું ગાંડો થઈ જઈશ !”

“થઈ જ ગયા હશો !” ઉપલા માળેથી કોઈએ સુરીલા અવાજે કહ્યું: “નૃત્યની પ્રેક્ટિસ બંધ થયાને તો કલાક વીતી ગયો.”

*****

ભાડૂત: બહાર ભારે વરસાદ પડે છે અને છતમાં કેટલીય જગ્યાએથી પાણી ચૂવે છે, એ મેં તમને અનેક વાર કીધેલું છે; તો આમ ક્યાં સુધી ચાલશે ?

મકાનમાલિક : મને કેમ ખબર પડે ? હું કાંઈ હવામાનશાસ્ત્રી થોડો છું !

*****

એક નિષ્ણાત તબીબની મુલાકાત માગવા મેં ટેલિફોન કર્યો ત્યારે તેમના મંત્રીએ કહ્યું કે, વહેલામાં વહેલી મુલાકાત ત્રણ અઠવાડિયાં પછીની મળી શકે તેમ છે.

“ત્રણ અઠવાડિયાં !” હું ડઘાઈ ગયો : “ ત્યાં સુધીમાં તો હું કદાચ મરી પણ ગયો હોઉં !”

“એનો વાંધ નહીં,” મંત્રી બોલ્યા : “તમે કોઈ પણ મુલાકાત રદ કરાવી શકો છો.”

*****

બડેમિયાં જાફર થોડા વખતથી કામ પર નહોતા જઈ શકતા, કારણ કે એમને લાગુ પડેલી એક બીમારીનો ઇલાજ ગામના દાકતર કરી શકતા નહોતા. એ રોગના મોટા નિષ્ણાત શહેરમાં હતા, તેમને બીબીએ તેડાવ્યા. ‘વિઝિટ’ પતાવીને તબિબ વિદાય થયા ત્યારે જાફરે બીબીને પૂછ્યું,

”જ્યારે તેં એમને કીધું કે અત્યારે આપણી પાસે વિઝિટ—ફીના પૈસા નથી, ત્યારે એણે થોડો વખત ખમવાની હા પાડીને ?

“અરે હા રે હા, “ બીબીએ જવાબ દીધો. “એ તો બિચારા કહે કે તમારા વીમાની રકમ મને મળે ત્યારે હું ફી ચૂકવું તોયે ચાલશે.”

*****

મારા ભાઈ દાકતર છે તે પોતાના દરદીઓને ધ્રૂમ્રપાન બંધ કરવાનું કઈ રીતે કહી શકતા હશે, તેની મને નવાઈ લાગતી હતી. એ પોતે રોજનાં બે પાકીટ પૂરાં કરતા, એટલે એમની સલાહમાં રણકાર ન જ ઊઠે ને ?

“હું જે કહું છું તેની એટલી અસર નથી થતી.” એમણે સમજાવ્યું.”—એ કહેતાં કહેતાં હું જે  રીતે ખાંસી ખાઉં છું તેની થાય છે.”

*****

એંશી વરસનાં દાદીમાનો પગ ભાંગી જતાં ડૉક્ટરે પ્લાસ્ટર બાંધ્યું અને દાદર ચડવા—ઊતરવાની સખત મનાઈ કરી. બે મહિના પછી પ્લાસ્ટર ખોલીને જોતાં માજીને સાવ રૂઝ આવી ગયેલી માલૂમ પડી, એટલે ડૉક્ટરે માજીને દાદરો ઊતરવાની છોટ આપી.

“હા….શ ! ભઈલા !” માજી બોલ્યાં, “ભગવાન તારું ભલું કરશે. નળનો પાઈપ પકડીને દીવાલ પરથી ચડ-ઊતર કરીને હવે તો હું ભારે કંટાળી ગયેલી !”

*****

દરદી : ડૉક્ટર સાહેબ, મારા તો મોતિયા મરી ગયા છે. જિંદગીમાં આ મારું પહેલું ઑપરેશન છે.”

દાકતર: “ તમને શું થતું હશે તે કલ્પી શકું છું. મારું પણ આ પહેલું જ ઑપરેશન છે !”

*****

સામયિકના તંતીએ કવિને પાછા મોકલેલ ત્રણ લીટીના હાઈકુ સાથે આ નોંધ હતી : “ બહુ સરસ છે—સિવાય કે એનું લંબાણ.”

*****

બર્નાર્ડ શૉના એક નાટકના અમેરિકન નિર્માતાએ એક વાર તેમને વિનંતી કરી કે, નાટકને દસ મિનિટ જેટલું ટૂંકાવી આપો તો પ્રેક્ષકો ઘેર જવા માટે રાતની છેલ્લી ગાડી પકડી શકે. શૉએ તારથી જવાબ વાળ્યો :”ગાડીનો સમય બદલો.”

*****

ચૂંટણીમાં ઊભેલા બે ઉમેદવરો વિશે તમારો શો મત છે ?—એવા પુછાણના જવાબમાં એક મતદારે કહ્યું: “એમને જોઉં છું ત્યારે હું ભગવાનનો પાડ માનું છું કે બેમાંથી એક જ ચૂંટાઈ શકે તેમ છે.

*****

દાકતર સાહેબ, દાકતર સાહેબ, હું માઉથ-ઓરગન વગાડતો હતો ને ઓચિંતાનો એને ગળી ગયો.”

“હશે, આપણે તો કોઈ પણ બાબતની ઊજળી બાજુ જોવી –ધારો એ તમે મોટો પીઆનો વગાડતા હોત તો ?”

*****

કેટલાક દાકતરોને એટલી બધી  ધીકતી પ્રૅકટિસ ચાલે છે કે ઘણા દરદીઓને તે નિખાલસપણે કહી પણ દે છે કે, “ તમને કશું થયું નથી !”

*****

અમુક ઊગતા કવિઓની પ્રશસ્તિ જ્યાં થઈ રહી હતી તેવા એક સમારંભમાં કેટલાક હમદર્દો બોલી ઊઠ્યા :”પ્રેમાનંદો ને ન્હાનાલાલો ભુલાઈ ગયા હશે ત્યારે પણ એ વંચાશે.”

“હા,” છેવાડેથી એક બુઝર્ગે ટમકું મૂક્યું, “—પણ ત્યાં સુધી નહિ.”

*****

“ આ પુસ્તકની કિંમત ચાલીસ રૂપિયા ને સાત પૈસા કેમ રાખી છે? ચાલીસ રૂપિયા રાખી હોત તો ન ચાલત?”

ચાલીસ હોત, તો બિચારા લેખકને શું મળત ?”

*****

ભિખારી :આમ તો હું એક લેખક છું. મેં એક ચોપડી લખેલી :”પૈસા કમાવાની એકસો તરકીબો.”

વેપારી : તો પછી ભીખ શીદને માગે છે ?

ભિખારી :એ સોમાંની જ આ એક તરકીબ છે.

*****

નિરક્ષરતાની તરફેણમાં એક વાત જરૂર કહી શકાય : તેનાથી મથાદુખણ સાહિત્ય વાંચવામાંથી ઊગરી જાઓ છો.

*****

એક પુસ્તકાલયના ગ્રંથપાલને તેના મદદનીશે જ્યારે એવી ફરિયાદ કરી કે અમુક અમુક ચોપડીઓનું વસ્તુ બહુ અઘરું હોવાથી કોઈ એને વાંચતું નથી, ત્યારે એવી બધી ચોપડીઓ ભેગી કરીને ગ્રંથપાલે એમને એક આકર્ષક સ્થળે ગોઠવી ત્યાં પાટિયું માર્યું: સૂચના : આ પુસ્તકો વાંચવાં અઘરાં છે ને તેને માટે ઊંચા જ્ઞાનની જરૂર છે.” તરત જ એમાંથી એકેએક  ચોપડી, કોઈને કોઈ વાચકને નામે નોંધાઈને, ઊપડી ગઈ.

*****

એક વૈજ્ઞાનિકનો દાવો છે કે અમુક પ્રકારનું સંગીત બહેરાપણા માટે ઉપકારક નીવડી શકે છે. તો કેટલાકને એમ પણ લાગે છે કે અમુક પ્રકારના સંગીતમાં બહેરાપણું ઉપકારક નીવડી  શકે.

******

જે રાહ જોઈ શકે છે તેને દરેક વસ્તુ સાંપડે છે—કેટલીક વાર તો ઉછીનું આપેલું પુસ્તક પણ !

******

અરધા કલાકથી વયોલિન વગાડીને શ્રોતાઓને રીઝવવાની કોશિશ કરી રહેલા એક કલાકાર માટે હિંમતલાલે એમની બાજુમાં બેઠેલા ભાઈએને કહ્યું: “વાહ ! કલાકારનું વાયોલિનવાદન સાંભળીને મને પંડિત શિવનાથ અગ્નિહોત્રી યાદ આવે છે.”

બાજુમાં બેઠેલી વ્યક્તિ એકદમ વિચારમાં પડી ગઈ. પછી તેણે કહ્યું : “પંડિત શિવનાથ અગ્નિહોત્રી ? એવા તો કોઈવાયોલિનવાદક નથી !”

******

આઇસલેન્ડ દેશમાં એક જેલના કેદીઓને રોજ સવારે આજુબાજુના ખેડૂતોને ત્યાં દાડિયા તરીકે કામ કરવા જવા દેવામાં આવે છે. રોજ સાંજે એ પોતાની મેળે જેલમાં પાછા ફરશે, એવો ઇતબાર જેલના સત્તાવાળાઓ રાખે છે. પણ હમણાં એક કેદી મોડો મોડો છેક મધરાતે પાછો ફર્યો. ત્યારે જેલના દરવાજે ખડા સંત્રીએ  એને ઠપકો આપતાં કહ્યું:” ફરીથી આટલું મોડું થશે તો હું દરવાજો ખોલીશ નહીં.”

*****

માથું ભમાવી નાખે તેવા ‘આધુનિક’ કલાના કેટલાક નમૂનાઓ જેમાં રજૂ થયા હતા એવા ચિત્ર-પ્રદર્શનને દરવાજે આ સૂચના ચોડેલી હતી: “કૂતરાને અંદર લઈ જવાની મનાઈ છે.”

તેની નીચે, એ પ્રદર્શનમાં ‘જુલમ’માંથી પસાર થઈ ચૂકેલા કોઈ મુલાકાતીએ ઉમેરેલું: “—જીવદયા મંડળના હુકમથી.”

*****

પેંધા પડેલા મહેમાનોને વિદાય કરી આપનરી એક ધંધદારી અમેરિકન પેઢીએ જાહેર-ખબર આપી છે કે, “અમો એકથી આઠ સુધીનાં નવાં મહેમાનો, સરસામાન, છોકરાંછૈયાં ને ભસતાં કૂતરાં સાથે પૂરાં પાડી શકીશું, અને તમારા વણખપતા અતિથિઓને ત્રણ કલાક કે તેથી ઓછા સમયમાં એ હાંકી કાઢશે તેની ખાતરી આપીએ છીએ. અતિથિઓ વિદાય થયા પછી અમારા માણસો પણ થોડીક ફી લઈને તરત બહાર નીકળી જશે. આનાથી વધુ અપમાનજનક તરીકાઓ પણ ઉપલબ્ધ છે.

*****

મહેમાન-ખંડમાં ટાંગેલું એક ભીંતપત્ર : “ જગતમાં  પોતાના ઘર જેવું કોઈ સ્થળ નથી.”

*****

દરવાજે ટકોરા પડ્યા ને અમથાલાલે બારણું ઉઘાડ્યું, ત્યાં એમના જૂના મિત્ર ને એક મોટા કૂતરાને ઊભેલા જોઈને એમણે બેઉને અંદર લીધા.

કૂતરાએ ગારાવાળા પગે એમનો ગાલીચો રોળી નાખ્યો, એક તકિયાને ચાવી નાખ્યો, ને પછી જઈને તે ‘ સોફા-કમ-બેડ’ પર પડ્યો.

થોડા સમય પછી મહેમાન વિદાય થતા હતા ત્યારે અમથાલાલે, જરાક દાઢમાં બોલતાં, એમનો રૂપાળો કૂતરો ભૂલી ન જવાનું યાદ દેવડાવ્યું.

“મારો કૂતરો ?” અતિથિએ ઉત્તર વાળ્યો, “મને તો એમ કે એ તમારો હશે !”

******

માલિક: “હં, તો તમારે નોકરી જોઈએ છે, એમ ને? તમે કદી ખોટું બોલો છો?”

ઉમેદવાર : “ના, સાહેબ, પણ એ તો હું થોડા દિવસમાં જ શીખી શકું.”

******

મુખ્ય હિસાબનીસની નોકરી માટે આવેલા ઉમેદવારને કંપનીના માલિકે પૂછ્યું : “બોલો, 2+2 કેટલા થાય?”

“તમારે કેટલા કરવા છે, સાહેબ ?” ઉમેદવારે સામો પ્રશ્ન કર્યો.

એને નોકરી મળી ગઈ.

*****

એક કર્મચારી : “બિચારો પ્રકાશ લગભગ બહેરો થઈ ગયો છે. મને ડર છે કે એ નોકરી ગુમાવશે.”

બીજો : “ના રે ના, એની બદલી ફરિયાદ વિભાગમાં થઈ રહી છે.”

*****

સમય બચાવવાની ઘણી તરકીબો હોય છે. જેમ કે, આજે કરવું જ જોઈએ એવું કામ તમે કાલ પર ઠેલો, આજે કેટલો બધો સમય બચી જશે !

*****

તેને અનિદ્રાની એટલી ભયંકર તકલીફ થઈ ગઈ છે કે ઑફિસમાં પણ હવે તે ઊંઘી શકતો નથી.

*****

“મૃત્યુ પછીના જીવ્નમાં તમે માનો છો ?” સાહેબે પોતાના નવજુવાન કર્મચારીઓ પૈકી એકને પૂછ્યું.

“હા જી.”

“બદ, ત્યારે તો બધું બરોબર છે,” સાહેબે કહ્યું, “ગઈ કાલે તમારા દાદાની અંતિમક્રિયા  કરવા માટે તમે ગયા, પછી કલાકેક બાદ એ તમને મળવા અહીં આવેલા.”                                 *****

ગૃહિણી : “ અરે ભાઈ, આ દૂધ તાજું તો છે ને ?”

દૂધવાળો: “તાજું ? અરે બેન, હજી ત્રણ કલાક પહેલાં તો આ ઘાસ હતું, ઘાસ !”

*****

કોઈ પણ કામ કદી કાલ ઉપર મુલતવી રાખશો નહિ—જો તે પરમ દહાડે કરી શક્તા હો તો.

******

ગ્રાહક: “તમે સો રૂપિયે ખરીદેલી ઘડિયાળ સો જ રૂપિયે વેચો છો, તો ખર્ચા કેમ કાઢો છો?”

ઘડિયાળી : “ આ રીતે વેચેલી ઘડિયાળોના રીપેરિંગ-ચાર્જમાંથી.”

*****

બૈરુત નગરીની મુલાકાતે આવતા લોકો ત્યાંના ટેક્સી-ડ્રાઇવરોની બેફામ  ઝડપ અને બેપરવાહી જોઈને ગભરાઈ જાય છે, અને પછી લેબાનોનના આ પાટનગરમાં અકસ્માતોનુ6 પ્રમાણ ઓછું છે તે જાણીને તાજુબી અનુભવે છે. “એમાં નવાઈ પામવા જેવું કશું નથી,” એક ડ્રાઇવરે ખુલાસો કર્યો. “જેમને ગાડી ચલાવતાં બરાબર આવડતું નહોતું તે બધા ડ્રાઇવરો હવે મરી પરવાર્યા છે.”

*****

એક સદ્ ગૃહસ્થે ચાર રસ્તા આગળ લાલ બત્તી જોઈને ગાડી થંભાવી. એટલામાં પાછળથી આવીને એક પોલીસગાડી જોરથી એમની ગાડી સાથે ભટકાઈ.

આ અથડામણ પછી પણ એ આદમી ગાડીમાંથી જાતે બહાર નીકળીને પોતાની પાસે આવતો હતો, તે જોઈને પોલીસે નિરાંતનો શ્વાસ લીધો. પેલા સજ્જને પૂછ્યું: “હેં જમાદાર, હું અહીં આડો ન ખડો હોઉં ત્યારે તમે તમારી  ગાડી  કેવી રીતે ઊભી રાખો છો ?”

**************************************

 

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,820 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
ડિસેમ્બર 2018
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: