લોકસાહિત્ય અને મેઘાણી

 

લોકસાહિત્ય અને મેઘાણી

(મનુભાઈ પંચોલીની ખીસાપોથી“ભેદની ભીંત્યું આજ મારે ભાંગવી”માંથી)

સંપાદક: મહેન્દ્ર મેઘાણી/લોકમિલાપ,ભાવનગર.

મેઘાણીએ લોકસાહિત્યની જે સૃષ્ટિ ઊભી કરી તેના મૂળિયાં ક્યાં ક્યાં ફેલાયાં છે તથા તેના રસપ્રવાહને પરિણામે આપણા રાષ્ટ્રીય જીવન ઉપર તથા તેમના શિષ્ટ સાહિત્ય ઉપર શી અસર થઈ છે, તે જોવા આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. કારણકે આખરે સાહિત્યકારનું ઉત્તમમાં ઉત્તમ તર્પણ તેની છબીઓ પ્રગટ કરવામાં નથી કે તેના નામના માર્ગો ખુલ્લા મૂકવામાં નથી; તેનાં સર્જનને સમજવામાં જ તેનું બહુમાન થાય છે.

લોકસાહિત્યની જે સૃષ્ટિને એમણે સંગૃહિત કરી સંસ્કારી તેનું એક મહત્ત્વનું લક્ષણ એ દેખાયછે કે આજુબાજુના જીવન સાથે એ ગાઢભાવે સંકળાયેલી છે. લોકસાહિત્યની અંદર માત્ર માણસની જ વાતો નથી આવતી, પણ જેના સહકારથી માણસ જીવી રહ્યો છે તેની મમતાભરી વાત માણસની જોડાજોડ આવે છે. પછી ભલે તે જમીન હોય, ઘોડાં હોય, ગાયભેંશ હોય, પાણી-શેરડો હોય, ખળખળતી વહેતી નદી હોય, કે ગીરનું ગાજતું જંગલ હોય. લોકસાહિત્યની સૃષ્ટિની એ વિલક્ષણતા છે કે મનુષ્ય ત્યાં નથી એકાકી કે નથી એકાધિપતિ. માર્કસે જેને ‘એલિયેનેશન’ કહ્યું છે—આજુબાજુની સૃષ્ટિ જોડેનો પરભાવ, અને એમાંથી નીપજતો પોતાના વિશેનો પણ પરભાવ, જે અત્યારના યંત્ર-ઉદ્યોગી સમાજની મોટી સમસ્યા થઈ ગઈ છે—તેની એ સૃષ્ટિમાં હયાતી નથી. યંત્રોદ્યોગી સમાજમાં માણસ પોતાની જાતથી તથા પોતાની આજુબાજુની સૃષ્ટિથી અલગ પડી ગયો છે. એ તેમાં રહે છે, છતાં તેની જોડે કશો પોતીકો ભાવ અનુભવતો નથી. કશા જ ધ્યેય વિનાના, અસ્તિત્વ શેના માટે છે તેની કોઈ ખાતરી વિનાના, આ અતિ જટિલ જગતમાં માણસ વેરાન બિયાબાંમાં અટવાઈ ગયો છે.

લોકસાહિત્યમાં આજુબાજુની સૃષ્ટિ અને મનુષ્ય એક થઈ ગયાં છે. જેવા રસથી માણસનું વર્ણન થાય છે, એવા જ રસથી ઘોડાનું, ગાયોનું, નદીઓનું વર્ણન થાય. માણસ જ મહત્ત્વનો છે એવું નથી. કારણકે તે માણસના જન્મનું તેની આજુબાજુની સૃષ્ટિ વિના કશું જ મૂલ્ય નથી. પૃથ્વી એ માનવી માટે પેટ્રોલ કાઢવાનું, કોલસો કાઢવાનું કે સોનું કાઢવાનું સાધન નથી. ધરતી તો મા છે—

રે જી લાખા,

ખુંદી તો ખમે માતા ધરતી ને

વાઢી તો ખમે વનરાઈ;

કઠણ વચન મારાં સાધુડાં ખમે,

નીર તો સાયરમાં સમાય જી.

ધરતી, વનરાઈ, સાયર વિશેનો આ ભાવ લોકસાહિત્યમાં વણાયો છે. સમગ્ર સૃષ્ટિ સાથે માણસે જાણે ‘અનાક્રમણના કરાર’ (નૉન-એગ્રેશન પૅક્ટ) કરેલ છે. હું તારા પર આક્રમણ નહીં કરું, હું તને વાપરી નહીં કાઢું, તારી રાખ પર મારો વિજ્યધ્વજ નહીં ફરકાવું, તું મારું સાધન નથી, એમ જાણે કહ્યું છે. ‘નૉન-એગ્રેશન પૅક્ટ’ અધૂરો શબ્દ છે. સ્વાઇત્ઝરનો ‘રેવરન્સ ફોર લાઈફ’,જીવંત સૃષ્ટિ માટેનો અહોભાવ , વધારે સમુચિત શબ્દપ્રયોગ છે.

લોકસાહિત્યને મૂલવવા માટે જ આ સમજ બહુ ખપની છે. આપણે એ સમાજમાં પાછા જઈ શકીએ તેમ નથી. પણ તે સમાજ જે કારણે માનસિક રીતે તંદુરસ્ત, દિલાવર,ખેલદિલ રહ્યો હતો તે વસ્તુ આપણે નવા સમાજમાં નહીં લાવીએ તો આ સમાજ તુચ્છ બની જશે.

આનો અર્થ એવો નથી કે સૃષ્ટિની અંદર અન્યાય ક્યાંયે નથી, અથવા તો અણગમતા બનાવો નથી બનતા. મનુષ્યરચિત કોઈ સંસ્થા પૂરી નિર્દોષ હોતી નથી.

લોકસાહિત્ય આવી ઊણપો અને અન્યાયો વિષે સજાગ છે. જેણે એ સાહિત્ય સરજ્યું એણે નોંધમાં વેરાવંચાવાળું વર્તન રાખ્યું નથી. એ જમાનાના લોકોમાં અડદાપડદા વિનાની સીધી વાતો કરવાની ટેવ છે. એ વખતે બધું સીધું જ છે. અણઘટતું લાગે તોપણ સીધું જ કહે છે, અને તેથી એ બનાવ તરફ આપણો વિરોધ આપોઆપ પ્રગટે છે. આપણા મનની અંદર એ સ્થિતિ ચાલુ રહે તેવું થતું નથી. બે ગીતો બહુ જાણીતાં છે :

વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ.

ઘણા દહાડે વહુ પોતાને પિયર ગઈ, સુખદુ:ખની વતો થાય છે. મા પૂછે છે :”બહેન, તું કેમ દૂબળી છો ?” દીકરી કહે છે :

કવળા સાસરિયામાં જીવવું રે લોલ.

વાત સાંબળી તેની નણંદે; નણંદે જઈને ઘેર વાત કરી: ભાભી તો આપણા ઘરનું વગોણું કરતાં હતાં–

        વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ.

હવે એ ગવાય છે ત્યારે જે ઘરમાં આ બાઈ દુ:ખી થાય છે તેને માટે ‘મોટા’ શબ્દ વાપર્યો છે. પણ સાંભળનારના મનમાં ઊંધી જ પ્રક્રિયા થાય છે. આ મોટા મનાતા ઘર માટે વિરોધ જાગે છે. આ ગીતના ઢાળમાંથી કરુણ રસની સિતારી વહે છે. રચનારે તો તેમાં વરનો વાંક છે એવું પણ દર્શાવી દીધું નથી. એણે તો ‘મોટા’ ઘરની સામે તીર તાક્યું છે. એથી વર તો તેની પરણેતરને અફીણની વાડકી ધરી કહે છે, “કાં તમે પીઓ, કાંતો હું પીઉં; તમે ન પીઓ તો હું પી જાઉં.”

ઘટક દઈને ગોરાંદે પી ગયાં રે લોલ,

         ઘરચોળાની ઠાંસી એણે સોડ્ય જો.

    પતિ સામે એને રોષ નથી. નહીં તો ઘરચોળું  શું કામ સંભારે ? એ સમજે છે કે, મારો પતિ તો લાચાર છે આ ‘મોટા’ ઘર સામે. અરસપરસને ચાહનારાં છતાં લાચાર નવ-પરિણીતોની મનોવેદના આટલા  ટૂંકા શબ્દોમાં કોઈક સ્થળે રજૂ થઈ હશે.

 

આવું જ બીજું ગીત છે :

    નો દીઠી પાતળી પરમાર્ય રે, જાડેજી મા.     બહારગામ ચાકરીએ ગયેલો જુવાન લાંબા વખતે આવે હ્હે અને માને પૂછે છે : “ક્યાં ગઈ છે મારી પાતળી પરમાર્ય ?”

મા ગલ્લાંતલ્લાં મારે છે : “નાહવા ગઈ હશે, ખાંડવા ગઈ હશે, દળવા ગઈ હશે.”

દીકરા ! હેઠો બેસીને હથિયાર છોડ્ય રે, કલૈયા કુંવર,

 ધોણ્યું ધોઈને હમણાં આવશે રે.

    “નદીએ ધોવા ગઈ છે.”

    દીકરો વળી એમ કહે છે:

    “માડી ! નદી ને નવાણ હું જોઈ વળ્યો.”

    માડી ! નો દીઠી પાતળી પરમાર્ય રે, જાડેજી મા,

    મો’લું માં દીવો શગ બળે.

છેવટે ખબર પડે છે : નથી એની પાતળી પરમાર્ય. કેમ નથી ? એનાં લૂગડાં તો છે. જઈને એની બચકી ખોલે છે. શું જોયુ6 ? વણવપરાયેલી અકબંધ પડી છે બાંધણી. અંગે પણ અડાડી નથી. ટીલડી પણ એમ ને એમ પડી છે. ત્યારે એને ખબર પડે છે : મારી પરમાર્યે તો મારી ગેરહાજરીમાં સારું લૂગડુંય પહેર્યું નથી.

એના બચકામાં કોરી બાંધણી રે,

    એની બાંધણી દેખીને બાવો થાઉં રે, ગોઝરણ મા !

    મો’લુંમાં આંબો મોડિયો રે.   

    ‘ડિરેક્ટનેસ’ છે. આડકતરી કોઈ વાત છે જ નહીં: “એની બાંધણી દેખીને બાવો થાઉં”: મારો સંસાર સ્મશન થઈ ગયો.

    લોકોને આ બધું સાહિત્ય યાદ રાખીને સાચવવાનું છે. લંબાણ તો તેને પોસાય જ નહીં. એટલે  એટલું જ કહ્યું : “ એના બચકામાં કોરી બાંધણી રે.” બાકીનું સમજી લેવાનું. એમ કહેવાપણું નહીં કે વિવાહ-મેળામાં ગઈ નથી, મીઠાં ભોજન માણ્યાં નથી કે પલંગે સૂતી નથી. તે બધું વર્ણવવાની જરૂર નથી. ‘કોરી’ શબ્દ આવ્યો, એટલે બાકીની વાત આવી ગઈ. આવું કાળું કામ કરનારી માને પણ શું કહ્યું ? ‘ગોઝારણ’. લાંબી લપચપ નહીં. કહી નાખ્યું: “મો’લુંમાં આંબો મોડિયો રે.”

    આંબો. આંબા જેવું વૃક્ષ, દેવતાને પણ એનું ફળ દુર્લભ છે, તેવી મારી સ્ત્રી, તેને વાઢી નાખી—અને તે મો’લુંમાં? જે એનું આશ્રયનું, પરમ વિશ્વાસનું સ્થાન, તેમાં મોડી ? ઊગતાં જ ટૂંપો દીધો ? કેવો ગાઢ કરુણ છે “મો’લુંમાં દીવો શગ બળે રે”માં ! મારા રંગમહેલમાં દીવા ઝળહળે છે, દીવાની નિશાનીએ મન ત્યાં પહોંચી જાય છે, પન ત્યાં જોવા શું મળે છે ? ‘બચકામાં કોરી બાંધની રે, એની બાંધણી દેખી બાવો થાઉં.’

     આવું છે લોકસાહિત્ય. પોતાના આધારરૂપ સૃષ્ટિ સાથેનો અતલગ સંબંધ લોકસાહિત્યનો ચેતનવંતો તાંતણો છે. આ તાંતણો મેઘાણીએ માત્ર સાંભળ્યો કે નોંધ્યો જ નથી, અનુભવ્યો છે, ‘બ્લડઓફ હીઝ બ્લડ’ બની ગયો છે, રુધિરના કણકણમાં ઊતરી ગયો છે. એટલે એમણે જે સ્વતંત્ર વાંગ્મય સરજ્યું તેમાં પણ એ તાર બજ્યા કરે છે જ. બધે તેની સોડમ મહેકે છે.

             ******

    મેઘાણીએ લોકજીવનના સનાતન પ્રશ્નોને લોકસાહિત્યમાં જે રીતે અનુભવ્યા હતા તેને પોતાના સ્વતંત્ર ગાનમાં પણ યુગધર્મના વણાટમાં લઈ લીધા. મૈત્રી, પ્રણય, વૈર, મૃત્યુ, સત્તાશોખ આ બધા સનાતન ભાવો કે કોયડા છે; તેને લોક પોતાની રીતે ઉકેલવા પ્રયત્ન કરતું આવ્યું પણ છે. એ બધું હાલરડાંથી માંડી મરશિયા સુધી વાણીબદ્ધ થયું છે.મેઘાણી તેને રજૂ કરીને બેસી ન રહ્યા—તેનું ખાતર કર્યું.

    ગાંધીની રાહબરી નીચેનો ભારતીય સંગ્રામ ક્રાતિને લક્ષમાં રાખીને ચાલતો હતો. સમાજનાં બધાં પાસાંને બદલવાનું ગાંધીએ એલાન કરેલું—માત્ર રાજકીય પાસું તેનું લક્ષ્ય ન હતું. આ રાષ્ટ્રીય શાયરે પણ પોતાના સંગ્રહો કે સર્જનોમાં સમગ્ર સમાજને પકડમાં લીધો હતો. હાલરડાં, જોડકણાં-કુદકણાંથી માંડીને માનવની અંતિમ યાત્રા સુધી પણ આનો કદી ન વિરમતો તાર છે. કસુંબીના રંગનો.

    એમાંનું એક ઓછું જાણીતું ગીત ‘છેલ્લી સલામ’ લઈએ. બાપુએ બ્રિટિશ સરકારના 1935ના કોમી ચુકાદા સામે અનશન આરંભેલું. ગોળમેજીમાં ગયેલા ત્યારે તો તેમણે કહેલું જ કે, “હરિજનોને તમે હિંદુથી અલગ બેઠકો અને અલગ મતદાન આપશો તો હું મારો જાન હોડમાં મૂકીશ.” એ તો હાથીના દાંત, નીકળ્યા તે નીકળ્યા. પણ બ્રિટિશ સરકારને એમ કે ગાંધીએ તો બીજા રાજકીય નેતાઓની જેમ પોલી ધમકી આપી હશે, એટલે હરિજનોને અલગ મતાધિકાર આપ્યો. અને બાપુ તેને બદલાવવા –મૂળે તો જેમાંથી આ પ્રશ્ન ઊભો થયો હતો તે હિંદ્દ્દુઓનું માનસ બદલાવી અસ્પૃશ્યતા મિટાવવા—અનશન પર ઊતર્યા. એ અવસરે મેઘાણીએ સરજ્યું “સો-સો રે સલામું મારાં ભાંડુડાંને કે’જો રે.” તે જોઈએ ત્યારે આપણને ખ્યાલ આવે કે કવિની સ્વતંત્રતાકે સ્વાધીનતા કઈ ચીજ છે. કવિએ એમાં ગાંધીજીના આરાધ્ય રામને પણ ઠપકો આપ્યો છે, ધર્મની ધજાવાળાને ફટકાર્યા છે, ગુસાંઈ-મહંતોને સંભળાવવામાં પણ મણા નથી રાખી. કવિ તો કહે છે, જેનો તમે જાપ જપ્યો તે રામેય શું કર્યું ?—

    રઘુપતિ રામ મારા રુદાનો વિસામો—એણે

    ઋષિઓને વચન ખાધેલ ખોટ્યું હો જી;

    પ્રભુનામ ભજતો એણે પારાધી સંહારિયો રે

    એનું ઘોર પાતક આજે ઊમટ્યું હો જી.

‘ઉત્તરરામચરિત’માં આ શમ્બુક્વધની વાત આવે છે. એક બ્રાહ્મણનો જુવાન દીકરો મરી ગયો અને બ્રાહ્મણે રામચંદ્રજી પાસે ધા નાખી કે, “ તારા રામરાજ્યમાં બાપ પહેલાં દીકરો મરે તેવી અપ્રાકૃતિક ઘટના બને કેમ? તારા રાજ્યમાં ક્યાંક અઘટિત બીના બનેલી હોવી જોઈએ.”

(પાનું:33)

રામે ઋષિઓને પૂછ્યું, તો ઋષિઓ કહે : “શમ્બુક નામનો શૂદ્ર દંડકારણ્યમાં તપ કરે છે. શૂદ્રને તપ કરવાનો અધિકાર નથી, છતાં તે કરે છે. તેના પાપે આ બ્રાહ્મણનો દીકરો મરી ગયો છે. માટે તમે શમ્બુકવધ કરો તો આ બાળક જીવતો થશે.”

    પ્રભુનામ ભજતો એણે પારાધી સંહારિયો રે…

અસ્પૃશ્યોનાં આ દુ:ખો માટે તમારા રામ પણ જવાબદાર છે—ભલે આડકતરા. ગાંધીજીની યશસ્તુતિ કરતાં જેણે પાછું વાળીને જોયું નથી, તેને ગાંધીજીના રામ સામે ગાંધીજી ફરિયાદ કરે તેવું ગોઠવતાં સંકોચ નથી થયો. આ છતાં એ ગાંધીનાં અંતરતળ તે જાણે છે, એટલે આ પ્રકોપની જોડે જ બાપુની મૃદુતા, ઋજુતા અને પરમ કારુણિકનું સ્વરૂપ તેઓ ખડું કરી શક્યા છે. મૃત્યુના ઉંબરામાં ઊભા રહી શું કહે છે ?–

    “સો સો રે સલામું મારાં ભાંડુડાંને કહેજો.” એક નહિ, મારી સો સો સલામ કહેજો. આખા જગતને ઝાઝા જુહાર દેજો. અને નથી મળાયું તે સૌની માફી માગી લઉં છું. મળીને જ આવા મોટા ગામતરે નીકળાય. અવિનય થયો છે મારાથી. પણ માફ કરજો. વેળા નથી રહી સૌને સાંઈ માંઈ કરવાની. કારણ, અહીં તો ડુંગર સળગ્યો છે.

         એવા પાપદાવાનલમાં જલે છે જનેતા મારી,

        દિલડાના ડુંગર સળગ્યા—ઠરશે ન જી.

પાનું :34

    ખોરડું સળગ્યું હોય તો ઠારી પણ શકાય, પણ આ તો આખો ડુંગર સળગી ગયો છે. આખો સમાજ એવો ગગી ગયો છે કે—

   ટીપે ટીપે શોણિત મારાં તોળી તોળી આપું તો યે,

    પૂરાં જેનાં પ્રાશત કદીયે જડશે ન જી.

    આજનો જ નહિ, છેક રામ અને કૃષ્ણવારાનો–

કીધાં ખાખ ખાંડવવનને પાડું તણા પુત્રે તે દી…

છેદ્યાં, બાળ્યાં ગારદ કીધાં પૃથ્વીના પેટમાં, ને

અસુરો કહીને કાઢ્યાં વનવાસ જી;

    જીવતાંને કાજે જુદી નરકું બંધાવિયું, ને

    સદાનાં નરાધમ રાખ્યાં દાસીદાસ જી.

    આદિવાસીઓ, દૂબળા, હરિજનોને માથે વિતાડવામાં શું બાકી રાખ્યું છે.

    આવા સમાજનેય લળી લળીને કહે છે, “તમારી સામે મારે કાંઈ ‘પ્રોટેસ્ટ’ નથી, કોઈ ઝગડો નથી; હું તો મારા ભગવાનની સામે, એની ઘટમાળ સામે ફરિયાદ કરવા જાઉં છું.”

    હરિ કેરાં તેડાં—અમને આવી છે વધામણી રે,

    દલિતોને ઉત્સવ હાકલ પડી છે… જી,

    હસતાં મુખડાંની અમને વિદાયું દિયો રે, વા’લાં !

પાનું:35

    રખે કોઈ રોકે નયણાં રડીને હો…જી.

 “રોવાનુ6 ન હોય, મારાં વા’લાં, રોવાનું ન હોય ! હસીને મને વળાવો !” શેને લીધે આ લખાયું છે ? એમણે પોતે જ કહ્યું છે—ઇમાન પર નજર રાખવાથી. ઇમાન પર ચાલેછે આ બધું. ઇમાન ખોનાર પર સરસ્વતી રીઝતી નથી.

   આ ઇમાન પર મુસ્તાક રહેવાનું ઇજન તેમણે ‘શબદના સોદાગરને’ માં બધા સારસ્વતોને આપ્યું છે :

   હૈયા કેરી ધારણે તારે ઉર ઊઠે જે સૂર જી,

   એ જ સૂરોને, ઇમાની ભાઈ ! ગાયા કર ચકચૂર…

   જી જી શબદના વેપાર જી.

 મેઘાણીને મન આ ઇમાન વિનાનું ગાણું તે હાથચાલાકી કે નારીરંજણ-ખેલ હતું.

  અને ઇમાન પર ટકી રહેવું આ સંસારમાં કેવું વિકટ છે તે દર્શાવ્યું છે ‘તકદીરને ત્રોફનારી’ માં.

    સોરઠમાં ઘરેઘરે વ્યાપક ત્રાજવાં પડાવવાની બીનાને કાવ્યનું વાહન બનાવ્યું છે. ત્રાજવાં ત્રોફનારીનો લહેકો સાંભળી કોઈકને ત્રાજવાં પડાવવાનું મન થઈ જાય છે.  કેવી છે એ ત્રોફણહારી, અને કેવો છે એનો કસબ–

   નાની એવી કુરડી, ને માંહીં ઘોળ્યા દરિયા,

  બાઈ ! એણે કમખામાં સોય તો સંતાડી રે.

(પાનું:36)

   મનુષ્યજીવન—જીવન ગમે તેટલું લાંબું છતાં કેટલું અલ્પ છે !

   નચિકેતાને યમે લાંબું જીવન વરદાનમાં આપવા કહ્યું, ત્યારે નચિકેતાએ શું કહ્યું ? –“ગમે તેટલું લાંબું, તો પણ છેવટે તો અલ્પ  જ છે.” ગમે તેટલું લાંબું તોય અલ્પ કુરડી જેવડું, પણ તેમાં શું દરિયાદોલત છે ! તેમાં શું મહાસાગર સમાં તોફાન છે !  

    નાની એવી કુરડી, ને માંહીં ઘોળ્યા દરિયા.

   પોતે કોને કોને કેવાં કેવાં ત્રાજવાં ત્રોફી દીધાંછે તે ત્રોફનારી કહી બતાવે છે. ભર રે નીંદરમાં સૂતેલા ભરથરીના લલાટેથી લટ ખસેડીને રાજા ગોપીચંદની, માતાનાં આંસુએ ખરડાએલી, પીઠ ઉઘાડીને કહે છે : “આ મેં ત્રોફ્યાં છે.”  

    રામને રુદેથી એણે કોરે કરી પાંભરી,

    બાઈ ! એણે કીરતિની વેલડિયું ઝંઝેડી રે,

 કીધું કે : આ મેં ત્રોફિયાં હો જી.

  શુ6 એણે ફક્ત માણસોનાં અંગ પર જ ત્રાજવાં ત્રોફ્યાં છે ?  

   આભને ઉરેથી એણે આઘી કરી ઓઢણી,

   બાઈ !એણે નવ લાખ ટીબકી બતાડી રે,

(પાનું:37)

    કીધું કે : આ મેં ત્રોફિયાં હો જી.

કેવી જબ્બર ક્લ્પના છે ! વિધાત્રી કેવી સમર્થ છે ! આખાય બ્રહ્માંડના અવકાશ પર પથરાયેલી ઓઢણી આમ કરતાંક ઉઠાવી લીધી અને બતાવ્યાં લાખમલાખ છૂંદણાં.

  સાંભળનાર નારીનું આ જોઈને મન હાથમાં ન રહ્યું. દોડીને ત્રોફણહારીને કાય ધરી દીધી. વિધાતાની સોયે તો ઘંટી પર ટાંકણું ચાલતું હોય તેમ ઝપાટો બોલાવ્યો.

   ગાલે ટાંક્યાં ગલફૂલ, કાંઠે ટાંકી કાંકણી;

  બાઈ ! મારી ભમ્મર વચાળે ટીલ તાણી રે…

    પણ જ્યાં કાળજાની વચાળે મોરલો કોરવા મંડ્યો, ત્યાં સોયની વેદના ન વેઠાણી, જીવ હાથ નરહ્યો, ભાગ્યો. સ્મશાનની ચેહ સુધી જેનો રંગ ન જાય તેવાં છૂંદણાં પૂરા6 ન થયાં—કાળજું કોરું રહી ગયું.

    બિચારા પીટરને નહોતું ભાગવું પડ્યું? ઈશુના ક્રુસારોહણની આગલી રાતે તો ઈશુને કહ્યું હતું કે,’બધાયે તને છોડી જાશે, પણ હું નહિ જાઉં.’માનવીની દુર્બળતા પર હસી ઈશુએ કહેલું, “You shall thrice deny me before the cock crows.”  આવતા પરોઢે કૂકડો બોલે તે પહેલાં તું ત્રણ વાર મને ઇન્કારીશ.

    અને રોમન સિપાહી બરકંદાજોથી ઘેરાયેલો બિચારો પીટર, ઈશુનો મુકદ્દમો પૂરો થાય તે

(પાનું:38)

પહેલાં ત્રણ વાર બોલી ઊઠે છે : ‘હું તને ઓળખતો નથી.’ અને ઈશુ તેના તરફ સકરુણદૃષ્ટે જુએ છે ત્યારે ભોંઠપનો માર્યો ભાગે છે. પણ ફરી આવી એને જ નામે પ્રાણાર્પણ કરે છે. આવી જ છે માનવજીવનની વ્યથા ને કથા—કાળજામાં સૂયા પરોવવા બહુ કઠણ છે.  નટવાના દોર પર ચાલવું સહેલું છે, પણ ઇમાનને અતૂટ વળગી રહેવું તો બહુ કઠણ છે. બેલી !

    કવિતાનું ઇમાન, કવિની આસ્થાપીઠ કઈ ?

    આતમની એરણ પરે

    જે દી અનુભવ પછડાય જી…

    નિજનો અનુભવ જ્યારે શાંત અને સાક્ષીરૂપ આત્માની એરણ પર સ્વયંચિકિત્સાના ઘણ નીચે ઘડાય છે ત્યારે તેમાંથી –

         તે દી શબદ-તણખા ઝરે

        રગરગ કડકા થાય…

 કબીરે ભક્તની એકોપાસના દર્શાવતાં વર્ણવ્યું છે : ‘સબ રગ તાંત, રબાબ તન’. લોકસાહિત્યની અવ્યભિચારિણી ભક્તિ કરનાર આવા પુરુષને વંદના કરતાં હું ધન્યતા અનુભવું છું.

–મનુભાઈપંચોળી ‘દર્શક’  

                 **********

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 627,732 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
ડિસેમ્બર 2018
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: