ઝવેરચંદ મેઘાણીના વાર્તા-પ્રસંગો -2

ઝવેરચંદ મેઘાણીના વાર્તા-પ્રસંગો-2

(મનુભાઈ પંચોલીની ખીસાપોથી“ભેદની ભીંત્યું આજ મારે ભાંગવી”માંથી)

સંપાદક: મહેન્દ્ર મેઘાણી/લોકમિલાપ,ભાવનગર.

 

વાર્તા-પ્રસંગ:પાંચ

જે સૃષ્ટિ મેઘાણીએ ઊભી કરી છે તેમાં આણલદે જુઓ, જેને આપણે ‘શેત્રુંજીને કાંઠે’ ની વાર્તામાં મળીએ છીએ.

નાનપણમાં દેવરો અને આણલદે સાથે રમ્યાંછે. નાનપણમાં એમ છે કે અમે બે પરણશું, અને પછી પરણી શકતાં નથી. આ ગરીબ છે ને પેલી શ્રીમંત છે. આણલદેને બીજે ઠેકાણે પરણાવી દે છે, ઢોલરા જોડે. અદ્ ભુત વાર્તા છે. કોઈ શિષ્ટવાર્તા પણ એવી નખશિખ કંડારેલી નહિ હોય. આ શું કાંઈ મેઘાણીએ લખી છે ? મેઘાણીએ તો સહેજસાજ સુધારા કર્યા હશે. એ તો કંઠોપકંઠ ચાલ્યું આવ્યું છે. ત્યાં ગયા પછી તો આણલદે ઘરકામ કરવામાં પાછું વાળી જોતી નથી, પણ ઢોલરાને કહી દે છે કે દુનિયાની નજરે ભલે એ તેની પરણેતર હોય, પણ વેવારમાં નહિ. અને પછી ઢોલરાને ભાન થાય છે કે, ‘અરેરે, હું એમ માનતો હતો કે દુનિયાના બજારમાં સ્ત્રીઓ વેચાતી મળે છે. પણ માણસે માણસે ફેર છે, હો ! આને વેચાતી નો લેવાય.’ એટલે પોતે ગાડું જોડીને, તેમાં આણલદેને બેસાડીને દેવરાને ઘેર લાવીને  એને કહે છે, “ આ તારી હતી, ભૂલમાં હું લઈ ગયો હતો અને મારી બહેનની જેમ રહી છે. એ તો તારી છે. અને હવે હું તને પરણાવવા આવ્યો છું.” દેવરો તરત જ પોતાની બે બહેનોને તૈયાર કરે છે. બે માંડવા નખાય છે: એકમાં આણલદે ને દેવરો, અને બીજામાં ઢોલરો ને દેવરાની બે બહેનો. ત્યારે ઢોલરો કહે છે કે, “અરે ! અરે ! હું કાંઈ એવી આશાએ આવ્યો હતો !” ત્યારે કહે : પણ બોલ્ય મા–

દીકરિયું દેવાય, પણ વઉવું દેવાય નહીં;

એક સાટે બે જાય, ઢાલ માગે તોય ઢોલરો.

 

સાંભળ્યું નથી હો, કે પોતાની પરણેતરને આવીને કોઈ આપી ગયો હોય. સીતા સારુ થઈને તો રામ-રાવણ વચ્ચે શું થયું, મારા બાપ ! જેવું તેવું નથી થયું. અરે, નહીંતર રાવણને મંદોદરીએ કેટલો સમજાવ્યો હતો. બધાએ સમજાવ્યો હતો. પણ ઈ રાવણ, ભાઈ ! સત્તા અને સોનામાં ચકચૂર , બાપ ! ઇ માન્યો જ નહીં. નહીંતર એણે ઢોલરાની જેમ સીતાનું કર્યું હોત તો !’ રામાયણ’ નો કેવો ખુશખુશાલ અંત આવ્યો હોત ! પણ ઈ શિષ્ટ સમાજ છે, અને આ લોક છે. શા માટે લોકમાં આ આવે છે, અને શિષ્ટમાં કેમ નથી આવતું? લોકમાં પણ ક્યારેક પતન શરૂ થાય છે. પણ તમે દાખલો યાદ રાખજો કે, શા માટે એવી બુદ્ધિ રાવણને સૂઝતી નથી ? શા માટે આવી બુદ્ધિ કર્ણ-દ્રૌપદી વચ્ચે સૂઝતી નથી? શા માટે પાર્વતી દેવદાસની હોવા છતાં દેવદાસને પહોંચાડી નહીં ? કરુણારસની કુપ્પીસમી એ રચનામાં ચરિત્રચિત્રણની કમીના નથી.પાર્વતીને ક્યો અભાગી વિસરી શકે ? આવી સ્વાધીન બુદ્ધિ, આવો નિર્મળ નેહ ક્યાં ચિતરાયો છે બીજે ? પણ તેનો અંત આંસુભીનો કેમ? આણલદેનો કેમ નહીં ? ધન-દોલત, માલિકીની ઘેરી બુભુક્ષામાંથી જન્મતા આબરૂના ખ્યાલોએ, લોક હ્રદયને ઘેરી લીધું નથી. ત્યાં તે સર્વોપરી નથી; દેવદાસના સમાજમાં છે.

દરિયો ડોળી આ બધું શોધી શોધીને આપણી પાસે મૂક્યું છે.અને એમાંથી જીવનનાં કેટલાંક મૂલ્યો, જીવનના કેટલાક કેડા, જીવનના કેટલાક પ્રકાશસ્તંભો એમણે આપણી પાસે ખડા કર્યા છે. આનાં અજવાળાંઓમાં સૌરાષ્ટ્ર, અને કાંઈક અંશે ગુજરાત પણ, ખાનદાનીભરી એકતાના અમીઘૂંટ પી શક્યું.

******

વાર્તા પ્રસંગ: –છ

ગજાભાઈ નામે એક દરબાર અને ગામ વાવડી. ખળામાં બધું અનાજ આવ્યું છે. પટેલને મનમાં થયું કે, આટલું બધું અનાજ મેં મજૂરી કરી પેદા કર્યું, અને આ દરબાર એમ ને એમ મફતનો ભાગ લઈ જાય છે. એટલે પહેલાં રાત્રે એક ગાડું ભરી અનાજ ઘર ભેગું કરવા વિચાર્યું. તેણે ગાડું ભર્યું, પણ લોભી ઘણો. પચીસ મણ ભરવાને બદલે ચાલીસ મણ ઠાંસી દીધું. વધારે ભારવાળું ગાડું ગામના પાદરે પોગ્યું ત્યાં એક પૈડું નીકળી ગયું. પછી માટી મૂંઝાણો. એકલો ચાલીસ મણનું ગાડું શી રીતે ઊંચું કરે ? કેવી રીતે પૈડું ચડાવે ?

સવારના પહોરમાં મોંસૂઝણું થયું ત્યાં એક જણ બુકાની બાંધીને ચાલ્યો આવે. ઈ જ ગામના દરબાર ગજાભાઈ. માથે બાંધેલું, અને પૂરું અજવાળું નહીં, એટલે દરબાર ઓળખાય નહીં. પટેલે કોઈ વટેમાર્ગુ સમજી એને જ કહ્યું કે “જરાક ટેકો કરાવોને, આ પૈડું નીકળી ગયું તે ચડાવી દઉં.”

દરબાર સમજી ગયા :આપણો ખેડુ છે, અને અનાજ છાનુંમાનું  લઈ જવું છે. પણ કશું બોલ્યા નહિ. મનમાં વિચાર્યું કે, આપણો ખેડુ છે; ઈ પકવે છે એટલે કોક વાર આવું થાય. આપણે સારા માણસને ઉઘાડો નથી પડવો; ઈ બિચારો શરમાઈ જશે. એટલે એણે તો નીચું જોઈને ટેકો કરી, ગાડું ઊંચું કરી પૈડું ચડાવરાવ્યું.

થોડા દિવસ પછી દરબારને ત્યાં કોઈ મહેમાન આવ્યા હશે. ગામમાંથી ગાદલાં ભેગા કરવા કોટવાળ નીકળ્યો. આ પટેલને ત્યાં ગયો એટલે પટલાણી કહે કે, “તમારી સારુ કાંઈ વહુઓનાં આણાં નથી કરાવ્યાં. અમે ગાદલાં-બાદલાં નહીં દઈએ.”

ના પાડી એટલે કોટવાળ ખિજાણો ને જેમ તેમ બોલ્યો હશે. પટેલ આવ્યા એટલે પટલાણીએ કહ્યું: બે બદામનો કોટવાળ જેમ તેમ બોલી ગ્યો, વગેરે.

પટેલ કહે : “ આવા ગામમાં રહેવું જ નથી. ગાડાં ભરીને આપણે તો બીજે ગામ જાશું.”

આડોશી-પાડોશી સૌ પટેલને સમજાવવા આવ્યા કે, “આમ ગામ છોડીને ચાલ્યા ન જવાય, આપણે કોટવાળને સમજાવશું; બીજે જશો ત્યાંયે આવું જ હશે.”

પણ પટેલ તો બસ, માને જ નહીં. ઈ તો વટમાં ને વટમાં ગાડાં ભરીને હાલતા થઈ ગયા. ચોરા પાસેથી ગાડું પસાર થયું. ચોરા ઉપર દરબાર બેઠેલા. દરબાર હેઠાઊતર્યા. પટેલને ગાડાં પાસે જઈ પટેલના કાનમાં કહે : “જ્યાં જાવ ત્યાં ગાડાને કેડ્ય આપીને પૈડું ચડાવી દે એવો ધણી ગોતજો. બીજું કાંઈ નહીં, આટલું ધ્યાનમાં રાખજો.”

પટેલ એકદમ ચમકી ગયા. એને થયું કે, આ ગજાભાઈએ તે દી મને ટેકો આપી પૈડું ચડાવ્યું’તું ? પટેલે ગાડાં પાછાં વાળ્યાં.

ત્યારે કહેવાનું શું છે ? એવો ધણી ગોતવો, એવો આગેવાન ગોતવો, કે જે આપણી એબ ઉઘાડી ન પડવા દે; ઊલટું ટેકો આપીને ગાડું હાલતું થાય એવું કરી દે. ઈ કાંઈ તે જ દિવસે જરૂરી હતું એમ છે ?સહકારી મંડળીઓમાં આ વિચાર જરૂરી નથી ? આ ટ્રસ્ટની સંસ્થાઓમાં આ વિચાર જરૂરી નથી ? પંચાયતના પ્રમુખ કે પ્રધાનો માટે આ વિચાર જરૂરી નથે ?જ્યાં જ્યાં સમૂહ ભેગો થય છે અને આગેવાન નિર્માણ કરવાના હોય છે ત્યાં બધે જ આ વિચાર છે.

*****

વાર્તા-પ્રસંગ:સાત

એવી જ એક વાત છે.

દેપાળદે ગોહિલ સીમમાં ફરવા નીકળ્યા છે. વાવણીનો સમય છે. ખેડૂતો ઊંધું ઘાલીને વાવણિયો ચલાવ્યે રાખે છે. એમાં જોયું તો એક ખેતરમાં વાવણિયે એક બાજુ એક બળદ જોડેલ, ને બીજી બાજુ એક બાઈ.

દરબારે એ ખેતર તરફ ઘોડું વાળ્યું. હાંકનાર જાતનો ચારન લાગ્યો. “ ભાઈ, આ શું કરે છે ?”

“બળદ એક જ છે, વાવણી ન કરું તો ઊભું વરસ ખાઉં શું ? કોઈ પારકી નથી !”

“અરર, આવું તે હોય ? હું હમણાં બળદ મગાવી દઉં છું.” માણસને દોડાવ્યો. મોંમાગ્યા પૈસા આપી બળદ લઈ આવવા હુકમ કર્યો અને પેલા ચારણને કહે, “હવે તો બાઈને છૂટી કર, કાંઈક તો દયા રાખ્ય.”

“અરે, બહુ દયા આવતી હોય તો તું જ જૂતી જાને !”

રાજા દેપળદે ઘોડા ઉપરથી હેઠે ઊતરી બાઈને કહે, “બહેન, ખસી જા.” અને પોતે જૂતી ગયા. વાવણિયો બેએક ઉથલ ફર્યો હશે, ત્યાં બળદ આવી ગયો.

તે સમયે રાજા-પ્રજાના આ સંબંધો હતા, આગેવાન અને અનુયાયીઓના આ સંબંધો હતા.

એ સંબંધોમાં કેવી મુક્તતા હતી !

કધાચ કોઈને એમ થાય કે આ તો બધું લોકસાહિત્ય છે. એમાં કેટલું સાચું હશે, કેટલું ખોટું હશે ? પૂરી તો ખબર નથી. પણ પ્રબળ ઐતિહાસિક સત્ય તેની પાછળ પડેલું છે. તે દહાડે પણ પરાક્રમીઓ, પ્રેમીઓ, વૈરાગ્ય પર ઓળઘોળ કરનારા પાકતા જ હશે. લોકો તેને જોઈ મુગ્ધતા-રોમાંચ- અહોભાવની રસહેલી અનુભવતા જ હશે. આ વિરલ અનુભવ યાદ રહી જતો હશે—કાઢ્યો કઢાતો નહિ હોય.

********

 

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 621,397 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 273 other followers

તારીખીયું
ડિસેમ્બર 2018
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: