ઝવેરચંદ મેઘાણીના વાર્તા-પ્રસંગો
(મનુભાઈ પંચોલીની ખીસાપોથી“ભેદની ભીંત્યું આજ મારે ભાંગવી”માંથી)
સંપાદક: મહેન્દ્ર મેઘાણી/લોકમિલાપ,ભાવનગર.
પાનું:8
મહાત્મા ગાંધીએ અસ્પૃશ્યતા-નિવારણનું બહુ મોટું આંદોલન ચલાવ્યું, હરિજનો—અછૂતોનો ઉદ્ધાર કર્યો. મેઘાણીના સાહિત્યની અંદર હરિજનોની વાર્તાઓ છે.
વાર્તા-પ્રસંગ :પહેલો
ખાંભાની એક આહીરાણી. દુકાળ પડ્યો એટલે મિતિયાળા પોતાના ભાઈ પાસે ગઈ, કાંઈક ટેકો લેવા માટે. ઘેર ગઈ ત્યાં ભાઈ જોઈ ગયો કે બહેન આવે છે, એટલે પાછલે બારણેથી નીકળી ગયો. એની વહુને પૂછ્યુંકે, “ભાભી, મારા ભાઈ ક્યાં?” તો કહે, “તમારા ભાઈ તો ગામ ગયા છે.”
બહેને જોયું કે, મને કાંઈક આપવું પડે એ બીકે ભાઈ નાસી ગયો છે. રોતી રોતી પાછી ચાલી. ત્યં પરવાડે જોગડો ઢેઢ રહે. નાનું એવું ગામ. સૌ એકબીજાને ઓળખે. બાઈને રોતી જોઈને જોગડો કહે, “બહેન, બા, શું કામ રડે છે ? ”
“ મારો ભાઈ મરી ગયો.”
જુઓ આ લોકવાણી: ‘મારો ભાઈ મરી ગયો.’ દેહ છે એ જીવનની નિશાની છે જ નહીં, પણ દેહ મારફતે તમે શું પ્રગટ કરો છો તે તેની નિશાની છે :’મારો ભાઈ મરી ગયો.’
“અરે ! શું વાત કર છ ?”
ત્યારે કહે છે : “હું એને ઘેર ગઈ ત્યારે દાણા આપવા પડે તે બીકે પાછલા બારણેથી ચાલ્યો ગયો.”
:પણ એમાં રુએ છે શા માટે? હું તારો ભાઈ નથી કે? આવ ઘરમાં.”
એક ગાડી જુવાર ભરી દીધી અને છોકરાને કહે :” આ ગાડું ફુઈને ત્યાં મૂકી આવ.”
છાંટ નાખીને જુવાર આપી હશે ? છાંટ લઈને લીધી હશે ?—કાંઈ ખબર નથી. પણ લોકોએ નોંધ્યું કે એક હરિજને કહ્યું કે, ‘હું તારો ભાઈ !’ અને એને લેવામાં સંકોચ ન થયો.
થોડા દહાડા પછી મિતિયાળા ઉપર કાઠીઓનું કટક આવ્યું અને લડતાં લડતાં જોગડો મરાણો. માણસે બાઈને સંદેશો આપ્યો : ‘ જોગડો મરાયો !’ બાઈ ઊંચે ચડીને ઘરને ગાર્ય કરતી હતી ત્યાંથી પડતું મૂક્યું અને શું મરશિયા ગાયા !-
તું વણકર ને હું વણાર,
નાતે કાંઈ નેડો નહીં;
તું હરિજન અને હું આયરાણી. નાતજાતનો કોઈ સંબંધ સંભવે નહિ—
તારા ગણને રોઉં, ગજમાર !
હે ‘ગજમાર’ કહેતાં હાથીને મારવાવાળા ! ધીંગાણામાં જેણે કંઈક કાઠીઓને મારી નાખ્યા એવો શૂરવીર તું મારો ભાઈ.
એ ઇ તારી જાતને ન જોઉં, જોગડા !
જ્યારે સમાજમાં આ રચાયું હતું ત્યારે મહાત્મા ગાંધીનો જન્મ નહોતો થયો.
*******
વાર્તા-પ્રસંગ બીજો
વાંકાનેર દરબારગઢમાં મામેરાનો સમય છે. રાજાની રાણી રાહ જુએ છે કે, મારો દીકરો પરણે છે, તો પિયરિયાં કાંઈક બધું લઈને આવશે. હવે બન્યું છે એવું કે, પેલા લોકો ભૂલી જ ગયા છે. આનું પિયર ગાંફમાં—ભાલમાં, ભુલાઈ ગયું. હવે શું થાય ? અને અહીંયાં બધાં રાણીની મશ્કરી કરે છે. બાઈ છે ઈ રોવે છે મહેલના પછવાડે એક બારીમાં બેસીને. ત્યાં નીકળ્યો એક ઢેઢ. તે ગાંફનો, કંઈક કામે આવેલો. તેને થયું કે લાવને, બહેનને કંઈ કહેવા-કારવવાનું હોય કે સંદેશો દેવાનો હોય તો લેતો જાઉં. તે જઈને જુએ છે ત્યારે બહેન કહે કે, “જોને, મારે તો આવું થયું છે. કોઈ ખબર નથી આવ્યા અને મામેરાનું ટાણું થઈ ગયું છે. આ લોકો મને પીંખી ખાશે !”
“એમાં શું મુંઝા છ ? ફિકર કર્ય મા, હું જાઉં છું ત્યાં.” એ તો ગયો વાંકાનેરના રાજસાહેબ પાસે. જઈને ઊભો રહ્યો, સલામ કરી.
“ક્યાંથી આવો છો ?”
“ગાંફથી. મામેરાનો સમય છે તે મામેરાની વાત કરવા આવ્યો છું.”
“અહોહો ! વાંહે ગાડાં ચાલ્યા આવતાં હશે, ખરું ને ? રથબથ ભરીને આવે છે ને મામેરું ભાણેજ માટે ?”
“ બાપુ, ગાંફના દરબાર કાંઈ ગાડાં ભરીને મામેરું મોકલે ? અરે ! એણે એમ કહ્યું છે કે, અમારું ખસ્તા ગામ મામેરામાં આપી દેવામાં આવે છે.”
બે હજારની વસ્તીનું ગામ. ઈ કહે, ‘આપી દેવામાં આવે છે !’
રાજા તો જાણે જોઈ જ રહ્યો કે શું બોલે છે !
“કાંઈ કાગળ-બાગળ ?”
“કાગળ-બાગળ શું હોય ? શું અમારા દરબારને એની રૈયત ઉપર વિશ્વાસ નથી, કે વળી કાગળ મોકલવો પડે ? અમારા બાપુને રૈયત ઉપર પૂરો ભરોસો છે, એટલે મને મોકલ્યો છે. મોઢામોઢ તમને ખસ્તા આપી દીધું.”
મહેલમાં તો બધે આનંદ-ઓચ્છવ થઈ રહ્યો. આણે તો પછી મૂઠીઓ વાળીને મારી જ મૂક્યાં. એને એમ થયું કે, ઓલ્યા ખબર કાઢવા જશે અને કાંઈ ગોટાળો થઈ જશે ! એટલે એ તો સીધેસીધો ગંફ જઈને ઊભો રહ્યો. બાપુને ક્હે, “મારવો હોય તો મારો અને ઉગારવો હોય તો ઉગારો. હું એવું કામ કરીને આવ્યો છું કે જે કરવું હોય તે કરજો.”
:શું છે પણ ?”
ત્યારે કહે કે, આપણી બહેનને મામેરું કરવાનું હતું અને હું તો મામેરામાં ખસ્તા ગામ આપી આવ્યો છું.”
“અરે ! હા, હા, મામેરું તો અમે ભૂલી જ ગયેલા !”
“પણ બાપુ, હું તો ખસ્તા આપીને આવ્યો છું. બહેન બિચારી બહુ આંસુડાં પાડતી’તી.”
દરબાર ઊભા થઈ એની પીઠ થાબડે છે કે, “રંગ છે, રંગ છે ! અરે, તને ઠપકો આપવાનો હોય ? જા, બધી ઢેઢવાડાની બાઈઓને બોલાવી લાવ. આપણે ત્યાં ગીત ગાવાં છે.”
ઢેઢવાડાની બધી બાઈઓનાં ગીતથી દરબારગઢ ગાજી ઊઠ્યો. આજ તો એમણે ખસ્તા ગામ આપ્યું હતું-બાપુએ નહિ, એવા તૉરમાં ને તૉરમાં ગીતનાં પૂર વહ્યાં તે દહાડે.
*********
વાર્તા-પ્રસંગ:3
નેસડા ગામની એક હરિજનની છોકરી બરવાળા પરણાવેલી. પછી તેને ધણીની હારે બન્યું નહીં હોય , એટલે પિયર આવતી રહી. તો પેલા એના ધણીએ બરવાળાના બે કાઠીઓને સાધ્યા. કહે કે, તેને ઉપાડી લાવો. એટલે તેને ઉપાડીને ભાગ્યા આ બે કાઠીઓ.
એનો બાપ ને ભાઈઓ રોતાં રોતાં ગયા સિહોરમાં. ત્યારે રાજધાની ભાવનગરમાં નહીં, એટલે સિહોરમાં જઈને દરબારગઢમાં રોતાં રોતાં બેઠા. અને એમ કહે કે “અરે બાપા, અમારા ઢેઢનું કોઈ ધણી નહીં ? અમારી દીકરીને ઉપાડી ગયા ને પારેવડીને મારી નાખશે.” શુ કરે? ઈ રોતાં રોતાં બેઠા છે, ઈ રોવે છે, ત્યાં ઉપરથી રાજાનો કુંવર હેઠો ઊતર્યો—જેને પછીથી આતાભાઈ કહ્યા.
આતાભાઈ જુવાન, સોળ-સત્તર વરસનો હશે. તેણે કહ્યું કે, “ શું છે ?”
ત્યારે કહે કે, “અમારી દીકરીને કાઠી ભગાડી ગયા છે.”
આતાભાઈ બોલ્યા: “ઘોડી મગાવ, ઘોડી મગાવ.” સામાનબામાન નાખ્યો નહીં ને ઘોડેસવાર થઈને જાય છે. ત્યાં તેનો બાપ અખેરાજજી કહે, “અરે, બેટા, તારે જવાનું ન હોય. તું હજુ નાનો છે. આપણી ફોજ મોકલીએ છીએ.”
“ ફોજ કે’દી જાય ? ત્યાં સુધીમાં તો બાઈને ઠેકાણે કરી દીધી હોય ! મૂકી દ્યો. મને જવા દ્યો.”
“અરે ભાઈ, એમ ન જવાય.”
ત્યારે કહે :”રાખ્ય, રાખ્ય, ભગતડા, એમ રાજ નો થાય !”
બાપને શું કહે છે ?—‘ભગતડા, એમ રાજ નો થાય !”
બાપનું કાંડું છોડાવીને મારી મૂકી ઘોડી અને ચમારડી આગળ બેય કાઠીને ભગાડીને દીકરીને પોતાની બેલાડ્યે બેસાડીને આવ્યા ગઢમાં. મૂકી બાપના ખોળામાં અને કહે, “ આ તમારી દીકરી.”
ત્યારે લોકમાં હરિજન હતા. હરિજનસેવાની વાતો નહોતી, અને એ કલ્પના પણ નહોતી, પણ એ હરિજનો માટેની એક અમીસરવાણી તે સમાજમાં વહેતી હતી.
મેઘાણીની વાર્તા વાંચીને અમને એમ સમજાયું કે મહાત્મા ગાંધી આ ભૂમિમાં શું કામ પાક્યા અને આફ્રિકામાં કેમ ન પાક્યા; કાંઈક કારણ હોવું જોઈએ અને અમારા મનનું એક અનુસંધાન થઈ ગયું.
*********
વાર્તા-પ્રસંગ:ચોથો
જત મુસલમાનની છોકરી. સિંધનો બાદશાહ સુમરો વાંહે પડેલો. ભાગતાં ભાગતાં ભીમોરાના ગઢમાં આવીને ઊભાં રહ્યાં અને ત્યાં એને આશરો આપ્યો પરમાર રાજપૂતોએ.લડાઈ થઈ પરમારો અને સિંધના સુમરાઓ વચ્ચે—એક મુસલમાન છોકરીને રક્ષવા માટે. લડાઈમાં ઘાયલ થયાનુ6 દૃશ્ય છે :ડુંગરની ટેકરી ઉપર બે જોદ્ધા પડ્યા છે : એક જત અને બીજો પરમાર.નીચે પરમાર છે અને ઉપર જત; જત મુસલમાન અને પરમાર હિંદુ. ઉપરથી જતનુ6 લોહી દડતું દડતું નીચે આવે છે અને પેલા પરમારના લોહીમાં ભેગું થાય તેમ છે. ત્યારે પેલા જતને એમ થયુ6 કે, અરેરે, આની અવગતિ થશે. એટલે પોતાના લોહીની આડી પાળ બાંધે છે. હળવે હળવે પેલો પરમાર, જેનું નામ આસો તે, કહે છે :
ઇસા, સુણ આસો કહે,
મરતાં પાળ્ય મ બાંધ્ય;
જત પરમારાં એક જો,
રાંધ્યો ફરી મ રાંધ્ય.
“આપણે તો બધા એક થઈ ગયા. એક નિર્દોષ બાળાને માટે લડતા લડતા મર્યા. હવે આપણે નોખા કેવા ? રંધાઈ ગયું. ફરી વાર રાંધ્ય તોય ઈ છે ને ન રાંધ્ય તોય ઈ છે. આ આડશ ન રાખ્ય, ન રાખ્ય આપણી વચ્ચે.” આ તે દીથી જત-પરમાર હજી પરણે છે. પરણવાનો પ્રતિબંધ નથી બન્ને વચ્ચે.
ત્યારેઆ છે લોકસંસ્કૃતિ. લોક એટલે હિંદુ પણ નહીં, ને લોક એટલે મુસલમાન પણ નહીં. લોક એટલે વાણિયો પણ નહીં, અને લોક એટલે બ્રાહ્મણ પણ નહીં. લોક એટલે કણબી પણ નહીં અને લોક એટલે હળ પકડવાવાળા કે બરછી પકડવાવાળા પણ નહીં. એવું કાંઈ નહીં .
********
વાર્તા-પ્રસંગ -પાંચ
મેઘાણીની બે વારતાઓ ફરી ફરી વાંચી જવા જેવી છે :એક ‘વેર’ અને બીજી ‘દુશ્મનોની ખાનદાની.’
ચોટીલા સંમેલનમાં ચામુંડાની ટેકરી બતાવીને મેં કહ્યું હતું કે, આટેકરી ઉપર ભોકો વાળો આવીને ઊભો રહ્યો હતો, લડવા માટે.બોલાવ્યો હતો ચોટીલાના રામ ખાચરે. લડવા માટે આવેલો, કારણ કે રામ ખાચરના ભત્રીજાને ભોકા વાળાએ મારી નાખેલો. રામ ખાચરે વેર લેવાનું હતું. દરમિયાન રામ ખાચરની દીકરી હળવદ ચૂડીઓ પહેરવા ગઈ, ત્યાં હળવદના રાજાએ તેને રોકી દીધી. ત્યારે અહીંયાં રામ ખાચરને મૂંઝવણ થઈ પડી કે આ ભોકા વાળા સાથે લડવા ન જઈયે તોયે મુશ્કેલી, અને હળવદના રાજા સાથે લડવા ન જઈએ તોપણ મુશ્કેલી. કરવું શું? ત્યાં દીકરીની આબરૂ જાય છે, અહીં અમારી આબરૂ જાય છે. મૂંઝવણની જ્યારે ભોકા વાળાને ખબર પડી ત્યારે ભોકા વાળાએ શું કહ્યું ? “લડવું હશે તો પછીથી લડાશે. આપણે હમણાં વેરને ભોંમાં ભંડારી દઈએ. તારી દીકરી છે ઈ મારી નથી ? લડવાના બીજા ક્યા6 મોકા નથી ?પણ જો દીકરીની આબરૂ એક વાર ગઈ, તો મારે ને તારે આ દુનિયામાં મોઢું દેખાડાશે નહીં. વેર જૂનાં નથી થતાં.” અને સાથે જઈને દીકરીને બચાવી આવ્યા. બચાવીને એ જ ચોટીલાના પાદરમાં પોતાનાં ઘોડાં અલગ તારવતાં કહે, “જાવ, હવે લગન કરીને તમે બહાર નીકળો પછી આપણે લડી લઈએ. અમે ટેકરી ઉપર બેઠા છીએ.”
વેર કરવું હોય તોય આવું કરવું જોઈએ ! વેર તો હોય દુનિયામાં. ઈ તો ચાલ્યું આવે છે. પણ વેર વેરની વચ્ચે ફેર છે. પેલાએ તો કહ્યું કે, “બહાર અમે બેઠા છીએ. બહેનને પરણાવીને તમે આવો.” પણ એ કન્યા રામ ખાચરની જ દીકરી ન હતી; ભોકા વાળાની ભત્રીજી પણ હતી ને ?કાંઈક તો આવ્યું હોય ને એમાં વંશનું પોત ! તે ઈ હેઠે ઊતરી ગઈ અને કહે, “ભોકાકાકા, તમે મને દ્રુપદી જાણી—કે આ કાઠીનું કુરુખેતર કરાવી નાખું, બેય કુળનું, બાપાનું અને કાકાનું ? માંહી માંહી લડવું જ હતું, તો મને અહીં લાવ્યા જ શા સારુ ? ત્યાં જ રાખવી હતી ને ! ત્યાં મરવા દેવી હતી. મને અહીં સુધી લાવવાની શી જરૂર હતી ? હવે લડવું હોય તો મારી ગરદન પર પહેલાં તલવાર ફેરવો.” ગરદન નમાવીને ઊભી રહી.
અને ભોકા વાળો ને રામ ખાચર બંને ભેટી પડ્યા. છોકરીનાં લગન કર્યાં અને વેર ભૂલી ગયા.
અદભુત 🙏
[…] નિરવ પર ઝવેરચંદ મેઘાણીના વાર્તા-પ્રસંગ… […]
So so salam apda rastriya sayar ne