મારી અભિનવ દીક્ષા/કાશીબહેન મહેતા

મારી અભિનવ દીક્ષા/કાશીબહેન મહેતા

KASHIBEN

: ખીસાંપોથી

મારી અભિનવ દીક્ષા/કાશીબહેન મહેતા

સાભાર:લોકમિલાપ-પો.બો.23(સરદાર નગર), ભાવનગર 364001 ફોન(0278)2566402

ઈ-મૈલ.:lokmilap@gmail.com

    મારા જીવનમાં જે કાંઈ ખડતલપણું , સાદાઈ, સેવાપરિશ્રમ, ગરીબો પ્રત્યે પ્રેમ છે, તે બધું મને મારાં માતાપિતાએ વારસામાં આપ્યું છે. બાનું નામ સમરતબા અને બપુજીનું નામ છોટુભાઈ.

    મારી જન્મતારીખ ભાઈજીએ લખી રાખેલ છે:1919ની 18મી જાન્યુઆરી. એ વખતે મારા બાપુજી ધોરાજીમાં ભાઈજીની દવાની દુકાનમાં કામ કરે. બાપુજીને નાનપણમાં ભણવાનો કંટાળો, એટલે બહુ ન ભણ્યા. જેતપુરમાં જેઠાભાઈ ડૉક્ટરના દવાખાનામાં કમ્પાઉન્ડર તરીકે નોકરીએ રહી ગયા. દવાખાનામાં પોસ્ટ—મોર્ટમ કરવાનાં મડદાં આવે. બાપુજીને આવું આવું જાણવાની હોંશ, એટલે પોસ્ટમોર્ટમ કરતાં શીખી ગયા. એમ કરતાં કાપકૂપ , ટાંકા લેવા, પાટાપિંડી  વગેરે કામનો અનુભવ એમને થઈ ગયો. દરદીઓની સેવા-સારવારમાં બાપુજીને બહુ આનંદ આવતો. પણ કુટુંબે કહ્યું. “આમ સેવા કરવાથી દળદર નહિ ફીટે”. એટલે જેતપુર છોડી ધોરાજી મેડિકલ સ્ટોરમાં ભાઈ ભેગા આવ્યા. પણ બે ભાઈઓનું પોષણ થાય એટલો વેપાર ન હતો, એટલે બાપુજી ખામગાંવ (મહારાષ્ટ્ર) ગયા. એક શેઠને ત્યાં ખાવું-પીવું ને સાત રૂપિયાના પગારે નોકરી મળી ગઈ; રહેવાનું શેઠને ઘેર.

    બાપુજીનાં કામકાજ ને પ્રામાણિકતાની બજારમાં સુંદર છાપ પડેલી. એ જોઈ રવજીભાઈ એન્ડ કંપનીએ એમની સાથે ભાગીદારીની વાત મૂકી. શેઠની રજા લઈને બાપુજી ભાગીદાર બન્યા અને કપાસિયાનો વેપાર શરૂ કર્યો. જરા સ્થિર થયા એટલે અમને બોલાવી લીધાં. કપાસિયાના નમૂના ઘણા આવે તેનો જથ્થો ઘરમાં ઠીક ઠાક એકઠો થતો, એટલે બે ભેંસ લીધી. બા ઢોરને જીવની જેમ સાચવતાં.

    અમારા કુટુંબમાં ત્રણ પેઢીથી ધર્મના સંસ્કાર ચાલ્યા આવતા. ઘરનાં સ્ત્રી –પુરુષો વ્યાખ્યાનમાં જાય અને સાધુસંતોનો સત્સંગ કરે. સુધારાવાદી રાષ્ટ્રીય સાધુ એવા મુનિશ્રી નાનચંદ્રજી મહારાજ પ્રત્યે બાપુજીને ખૂબ ભાવ. સાને ગુરુજી પણ અમારે ત્યાં આવતા. એમના સત્સંગથી બાપુજીને રાષ્ટ્રીયતાનો રંગ લાગ્યો. ગાંધીજીનું સાહિત્ય હાથમાં આવ્યું અને બાપુજીમાં મોટો પલટો આવ્યો. એકદમ તેઓ રાગીમાંથી વૈરાગી બની ગયા. સ્વતંત્રતાની લડત શરૂ થઈ, બાપુજી જેલમાં ગયા. જેલમાંથી છૂટી, ધંધો બંધ કરી સેવા કરવાનો સંકલ્પ કર્યો. અમે સૌ શ્રીમદ્ રાજચંદ્રના ચાહક બુધાભાઈને ત્યાં અમદાવાદ આવી ગયા. બુધાભાઈ ત્યારે આશ્રમમાં રહેતા. આશ્રમમાં ગાંધીબાપુ માંદાંની બહુ સેવા કરતા. મારા બાપુજીને પણ એવો જ શોખ. એમની પાસેથી પ્રથમથી જ મને એવા સંસ્કાર મળ્યા કે કોઈ માંદું પડે તો એની સેવા કરવી ખૂબ ગમે.

    1938માં હરિપુરામાં મહાસભાનું અધિવેશન ભરાવાનું હતું. મૃદુલાબહેને એમાં સેવા કરવા તૈયાર હોય એવી સેવિકાઓને માટે શિબિર ચલાવી. એમાં હું દાખલ થઈ. મૃદુલાબહેને મને સૌરાષ્ટ્રનાં ગામડાંમાંથી સ્વયંસેવિકાઓની ભરતી કરવાનું કામ સોંપ્યું. હું ગામડામાં ફરી અને સો જેટલી બહેનોને તૈયાર કરી.

         **************

    એ જમાના પ્રમાણે અમારાં સગાં મારું સગપણ કરવા માટે બાપુજી પર પત્રો લખતાં. બાપુજી મને પૂછે ત્યારે હું કહેતી કે, “મારે મીરાં થવું છે, પરણવું નથી.”

    1937થી સંતબાલજી મહારાજના સત્સંગનો લાભ અમને મળવા લાગ્યો હતો. એમની સાથે વાતચીત કરવાનો પ્રસંગ આવતાં મેં કહ્યું, “મને લગ્ન કરવાની મુદ્દલ ઈચ્છા જ થતી નથી.”મારી દૃઢતા જોઈ સંતબાલજી મહારાજે ત્યારથી મારા સંકલ્પમાં પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું. માતાની માફક મારી ખબર રાખવા લાગ્યા અને બ્રહ્મચર્યવ્રતના પાલન માટે માર્ગદર્શન આપતા રહ્યા.

    એ જમાનામાં કોઈ કુમારિકા અવિવાહિત રહેવા દૃઢ હોય તો તેને દીક્ષાને માર્ગે વાળી દેવામાં આવતી. મારાં સગાં મને દીક્ષા લેવા સતત આગ્રહ કરવા લાગ્યાં, સાધુ-સાધ્વીઓ પણ ખેંચવા લાગ્યાં. પણ મેં કહી દીધું, “મને દીક્ષા લેવાનું મન જ નથી થતું, તો માથું મૂંડાવીને શું કરું ?” બહુ વિચારને અંતે સામાજિક સેવાની દૃષ્ટિએ મને નર્સીંગનો અભ્યાસ કરવાનો  વિચાર સૂઝ્યો. 1938માં વાડીલાલ સારાભાઈ હૉસ્પિટલ(અમદાવાદ)માં નર્સીંગનો પોણા ચાર વરસના અભ્યાસક્રમમાં મને પ્રવેશ મળ્યો. ત્યારે જૈન કે હિંદુ બહેનો આ તાલીમ લેવા આવતાં ન હતાં. હું એકલી અને બાકીનાં બધાં ખ્રિસ્તી બહેનો હતાં.

    કોલસાની કોટડીમાંથી વગર ડાઘે પસાર થઈ જવામાં ખૂબ સાવધાની રાખવી પડે છે, તેવું આ વ્યવસાયમાં પણ છે. ડગલે ને પગલે  પ્રલોભનો આવે. દરદીનાં સુખી સગાં ભેટો આપી લલચાવે. ડૉકટરોય લાલચ અને ભય બતાવી ડગાવવા પ્રયત્ન કરે. એ બધાંથી મુક્ત રહેવામાં માતા-પિતાના સંસ્કાર ને આત્મબળ અસરકારક નીવડેલાં. મને બધાં ‘વાઘણ’ કહેતાં, કેમ કે હું કોઈથી ડરતી નહિ અને કોઈ જરા એલફેલ કરે તો વાઘણની જેમ ઘૂરકતી. સમય જતાં શીલની સુવાસ પ્રસર્યા પછી ડૉક્ટરો પણ અદબ જાળવતા. સ્કૉલરશિપના જે પૈસા આવતા તે ગરીબ દરદીઓને દવા કે ફળફળાદિ લાવી આપવામાં હું વાપરી નાખતી.

    મારા અભ્યાસકાળ દરમિયાન અમદાવાદમાં હુલ્લડ થયું ત્યારે ઘાયલ થયેલા અસંખ્ય લોકો દવાખાનામાં આવતાં. ખાટલા પૂરા હોય નહિ, એટલે નીચે પથારી આપીએ. ડૉક્ટરો થાકે એટલે મારા જેવાને ટાંકા લેતાં ને પાટા બાંધતાં શીખવે. મને દરદી પ્રત્યે ખૂબ સહાનુભૂતિ, એટલે રાત—દિવસ જોયા વિના કામ કરતી.

                      **********

    ભાલમાં જેવુંપાણીનું દુ:ખ, એવું નળકાંઠામાં ઔષધનું દુ:ખ. ચોમાસામાં ક્યારીનાં પાણી ભરાયેલાં રહે અને ભાદરવામાં મેલેરિયાના ખાટલા ઘેરઘેર હોય. ગડગૂમડ, ખસ, મરડો તથા આંખનાં દર્દનો પાર નહિ, પણ પચાસ પચાસ ગામ વચ્ચેય એકેય દવાખાનું જોવા ન મળે. એમાંય બહેનોની પ્રસૂતિ વખતે કોઈ આરોવારો નહિ. 1944માં સંતબાલજી મહારાજ સાણંદમાં ચાતુર્માસ કરવા રહેલા ત્યારે બાપુજીના મંત્રીપણા નીચે વિશ્વવત્સલ ઔષધાલય સમિતિ રચવામાં આવી. મેં સાણંદમાં સેવા આપવાનું નક્કી કર્યું.

    ગામડાંની પ્રજા પ્રત્યે મને ખૂબ સહાનુભૂતિ હતી. એમાં પણ પ્રસૂતા બહેનોની પીડ ભાંગવા હું ખડે પગે રહેતી. એમનો સાદ સાંભળતાં હું ક્ષણવાર પણ થોભ્યા વિના દોડી જતી. ધીમે ધીમે મારા બાપુજી જ્યાં કામ કરતા હતા તે શિયાળ જેવા ઊંડાણના ગામડામાં એમને મદદરૂપ થવા હું હોંશે હોંશે ઊપડી ગઈ.

    શિયાળ એટલે ભાલ અને નળકાંઠાને સાંધતો બેટ. ચોમાસાના ચાર માસ એના ફરતું પાણી જ રહે, અને ઉનાળા-શિયાળામાં પગકેડીએ  બગોદરા પહોંચાય. બગોદરાથી સાત માઈલ ચાલીને અરણેજ કે ભૂરખીના સ્ટેશને પહોંચાય. તે સિવાય એ દિવસોમાં ન હતી સડક, નહોતી બસ કે નહોતાં વાહનવ્યવહારનાં બીજાં કોઈ સાધન.

    શરૂઆતમાં સંસ્થા પાસે પૈસા નહિ. અમે શ્રમ તથા સાદાઈથી રહેવાનું નક્કી કરેલું, બધાં કામ હાથે કરતાં. અત્યાર સુધી શહેરી જીવન જીવેલાં એટલે કૂવે પાણી ક્યાંથી ભર્યું હોય ? પાણી ભરવા જાઉં ત્યારે ઘડો જલદી ડુબાડતાં ન આવડે. ગામની નાની દીકરીઓ પણ હસે અને કહે “ઢગા જેવડી છે, પણ ઘડો ડુબાડતાં નથી આવડતું !” જાતે બેડું માથે ચડાવતાંય મને ન આવડે. પનિહારીઓ માથે એક દેગડું મૂકી આપે, છતાં ડોકી ડગમગે, એટલે ગામનાં બહેનો મશ્કરી કરે. મારે તણાવું પડે, તેથી બાપુજી પણ પાણી ભરવા સાથે આવે. બંને જણ માથે દેગડા મૂકી પાણી લાવીએ અને ગામ આખું કૌતુકથી જુએ. વગડામાં અમે છાણાં-લાકડાં વીણવા જતાં. ભાલમાં ઝાડનું નામ ન મળે, એટલે કરગઠિયાં પણ મહામહેનતે મળતાં.

    પાણીનું તો એવું દુ:ખ કે સાવ ડહોળુંય મહામહેનતે મેળવવું પડે. એમાં ફટકડી નાખતાંય એ ન આછરે. એક આખો દિવસ એને આછરવા દઈએ ત્યારે બીજા દિવસે એ નીતરીને માંડ પીવા જેવું થાય. પછી તો પીવાના પાણીનો ટાંકો ગામમાં આવવા લાગ્યો, પણ તે લેવા બહુ દૂર જવું પડે. વીરડા ગાળીને લોકો ટીપે ટીપે પાણી ભેગું કરતાં. વીરડાને કાંઠે રાત આખી પાણી મેળવવા ચોકી કરતા બેસે તો મળે, નહિતર રાતમાં જ એ ઊપડી જાય. અમારાથી એ બને તેમ ન હતું, એટલે ટાંકાનું જે પાણી મેળવી શકતાં તે અમે ઘીની જેમ વાપરતાં.

    કપડાં ને વાસણ ધોવાનું પાણી ભાંભરું ને ડહોળું તળાવનું. એમાં ઢોર પડે, માણસ નહાય, કપડાં ધુએ ને કાંઠે ગંદકી પણ કરે. એ રોગનું ઘર હોવાથી વાપરવાનું મન ન માને.બપોરે લૂ ઝરે અને ધૂળની ડમરીઓ ચડે, એટલે ઘરની બહાર નીકળવાનું તોબાહ ! આ બધું વેઠતાં અમે ગામ લોકો સાથે એવાં ભળી ગયાં કે એમની જેમ જ ધીમે ધીમે  એ મુશ્કેલીઓથી ટેવાઈ ગયાં. બાપુજી રોજ કહેતા : “ગુરુદેવની આજ્ઞા છે કે સમાજને વધારેમાં વધારે દેવું અને આપણે ઓછામાં ઓછું લેવું.” એથી સાદું, કરકસરિયું ને કામઢું જીવન અમારી દિનચર્યામાં વણાઈ ગયું. પછી તો એ એવું સદી ગયું કે બિલકુલ સ્વાભાવિક લાગવા માંડ્યું.

                      *********

   બાપુજી હાથમાં દવાની પેટી અને સાવરણો લઈને ગામડે ગામડે ફરે, સફાઈ કરે,ગામને દવા આપે અને સાંજે શિયાળ આવે. હું આવી અને અમે શિયાળમાં ઔષધાલયનો આરંભ કર્યો. ગામે મહાદેવના મંદિરનો આગળનો ભાગ અમને દવાખાના તરીકે વાપરવા આપ્યો.

    ગામના પાદરમાં જ કસ્ટમ ખાતાએ એના અધિકારી ને ચોકીદારો માટે બેઠા ઘાટનું મકાન ને ઓરડીઓ કરાવ્યાં હતાં. વીરમગામની લાઈનદોરી નાબૂદ થયા પછી એ મકાન અવાવરુ પડ્યું રહેતું હતું. પ્રાયોગિક સંઘે ગામના સહકારથી એ વેચાણ લીધું.મકાન હતું ભંગાર હાલતમાં. પાછળની ઓરડી ને ઓસરી અધિકારીના ઘોડા બાંધવાનો તબેલો હતો.

    ત્યાં અમે રહેવા ગયાં ખરાં, પણ રોજ સાપ ને વીંછી નીકળે. અમે લાકડાનો સાણસો બનાવરાવ્યો. સાપ-સાપોલિયાં નીકળે તે પકડીને દૂર મૂકી આવીએ. છાપરામાંથી વીંછી પડે. સૂતી વખતે ખાટલા નીચે તપેલું મૂકી રાખીએ. તપેલા પર ચારણી ને તેના પર ઈંટ રાખતા. ચીપિયો પડખામાં રાખીને સૂવાનું. વીંછી દેખાય એટલે ચીપિયેથી પકડી તપેલામાં નાખી, માથે ચારણી ઢાંકી, ઉપર ઈંટ મૂકી દઈએ અને તેને સવારમાં દૂર નાખી આવીએ.

    મકાનમાં એક મોટો નાગ રહેતો હતો, કરડે તો પાવળું પાણી ન માગીએ. જાણે ઘરનો માલિક હોય તેમ આખા મકાનમાં ફરતો. દિવસે કોઠી પાછળ પડ્યો રહે, રાત્રે ખાટલા નીચે કે સંડાસને પગથિયે પણ જોવા મળે. પણ કદી કોઈને ડંખ દીધો નહોતો. અમે એવાં ટેવાઈ ગયાં હતાં કે એની બીક પણ ન લાગતી. મેં સૂચના આપેલી કે આ ઝેરી નાગને કોઈએ છંછેડવો નહિ, એ કોઈને રંજાડતો નથી. ઘણાં વરસો બાદ જ્યારે હું બહારગામ ગઈ હતી ત્યારે બધાંએ ભેગાં થઈ એને પ્રભુના ધામમાં પહોંચાડી દીધો. બહારગામથી આવ્યા પછી ચાર દિવસ સુધી નાગને જોયો નહિ, એટલે મેં પૂછ્યું. બધાંનાં મોં પડી ગયાં. હું સમજી ગઈ ને બોલી, “તમે નાગને પ્રભુના ધામમાં મોકલ્યો લાગે છે. તેના પ્રાયશ્ચિત્ત તરીકે હું ત્રણ ઉપવાસ કરું છું. હવેથી તમે સાપ કે બીજાં જીવજંતુની હિંસા ન કરશો.”

    જોકે એ બધાનો ભય નિરર્થક ન હતો. અવારનવાર ગામમાં સાપ કરડવાના બનાવો બન્યાકરતા. એક વાર પર્યુષણ આવ્યાં. પર્યુષણમાં હું અઠ્ઠાઈ કરું. અઠ્ઠાઈ જેવી પૂરી થઈ અને પારણાં કરવા બેઠી ત્યાં એક ઘોડેસવાર આવ્યો; કહે: “કાશીબેન, મારા જુવાનજોધ દીકરાને સાપ કરડ્યો છે; જલદી ચાલો.” હું પારણાં કરવા ન રહી ને દવા લઈને ઘોડાપર બેસી ગઈ, દવા કરી. સાપ ઝેરી ન હતો, એટલે પ્રભુકૃપાએ દરદી બચી ગયો. સાંજે પાછી આવી ને પારણાં કર્યાં.

    પછી અમે મકાન રિપેર કરાવ્યાં. નળિયાં, ખપેડો વગેરે કાઢી નાખીને પતરાં નાખ્યાં. જેતપુરમાં મારાં મોટાં ભાભુ દેવલોક થયાં; એમની બધી ઘરવખરી મને આપવામાં આવી. પણ મેં તો બ્રહ્મચર્યનો સંકલ્પ કર્યો તે વખતથી જ પરિગ્રહ પણ છોડ્યો હતો, મિલકત રાખી નહોતી. એટલે મેં એ ઘરવખરી સંસ્થાને આપી દીધી. મારી પાસે મારો બિસ્તરો હતો. જમવા સંસ્થા આપતી હતી. કપડાંલત્તાં મારા ભાઈઓ પૂરાં પાડતા હતા. પછી મારે બીજી જરૂરિયાત જ ક્યાં રહી ?

    ઔષધાલય પ્રગતિ કરતું રહ્યું. ફરતા વીસ માઈલના વિસ્તારમાંથી લોકો આવવા લાગ્યા. પ્રસૂતિગૃહની વ્યવસ્થા થઈ અને દર વરસે 30-35 બહેનોને પ્રસૂતિગૃહમાં સારવાર આપવામાં આવતી. બાકી વિઝિટે જવું પડતું અને બાર માસે મને 300થી 1,000 વિઝિટો આવતી. શિયાળ રહેવા ગઈ પછી થોડા જ મહિનામાં મારે પાસેના ગામડે પ્રસૂતિના કેસ માટે જવાનું થયું. પ્રસૂતિ કરાવતાં બંગડી તો કાઢી નાખવી પડે. બંગડીનો મને બહુ શોખ. જે ઘરમાં પ્રસૂતિ કરાવવા ગઈ તેમાં એક મોટી દીકરી હતી, તેને મેં મારી બંગડી સાચવવા આપી. પ્રસૂતિ પછી મને બંગડી પાછી આપતાં પેલી બહેને પૂછ્યું,”બહેન, આવી બંગડી કેટલામાં મળે ?”

    મેં કહ્યું, “ બે રૂપિયામાં.”

    એણે બાજુમાં ઊભેલા એના બાપુ પાસે આવી બંગડી લાવવા બે રૂપિયા માગ્યા. બાપુએ ક્રોધાયમાન થઈ કહ્યું, “બહેનને જમાડવા માટે દસ રૂપિયા વેપારીને ત્યાંથી માંડ વ્યાજે લઈ આવ્યો છું, અને તારે બંગડી જોઈએ છે?” એમ કહીને એક ધોલ ચોડી દીધી.

    આ દૃશ્યે મને વિહ્ વળ કરી મૂકી: હું ગામડામાં સેવા કરવા આવી છું કે બીજાને દુ:ખી કરવા ? મેં મારી બંગડી પેલી બહેનને આપી દીધી અને મન સાથે નિશ્ચય કર્યો કે હવેથી બંગડી પહેરવી નહિ.

    જીવનમાં કેટલીક ઘટનાઓ આપણને ઊંચે લઈ જવામાં મદદરૂપ થતી હોય છે. હું કોઈ ત્યાગ કરવાના આશયથી ગઈ નહોતી, પણ પરિસ્થિતિએ જ મને સંકલ્પ આપ્યો અને મારાથી સંકલ્પ સહેજે લેવાયો.

                 *********

    ઔષધાલયના કામનો વિસ્તાર વધવા લાગ્યો. નળ સરોવરની સામે પારનાં લીંબડીનાં ગામો સુધી હોડીમાં બેસીને જવું પડતું. ઘોર અંધારામાંય  ઘોડે ચડી એકલાં-અટૂલાં જવામાં મને ડર નથી લાગ્યો. ગમે તેવા વિકટ સંજોગોમાં પણ દરદીની વહારે પહોંચી જવાય એ માટે હું સદા મારી જાતને કેળવતી રહી છું.

    જેમ જેમ હું ગામડામાં કામ કરતી ગઈ તેમ તેમ એનાં અજ્ઞાન, વહેમ, ગરીબી ને ગંદકીનો ખ્યાલ આવતો ગયો . હાડમારીભર્યા જીવને લોકોને મૂઢ બનાવી દીધા હતા. શિયાળની પઢારવાસમાં ઓરી, અછબડા ને માતાનો વાવર વ્યાપ્યો, એની જાણ થતાં અમે વાસમાં જઈ લોકોને સમજાવીએ પણ તેમની એક જ વાત હોય-માતાજીની આડી છે એટલે દવા તો ન જ અપાય. અમારી વાત જ ન સાંભળે અને અમે પહોંચીએ તે પહેલાં કૂબાનાં બારણાં બંધ કરી ચાલ્યાં જાય.

    એક પઢારના છોકરાને ભારે શીતળા નીકળ્યા. અમે એને સમજાવ્યું કે “માતાજી પોતાના બાળકનું બૂરું ન ઈચ્છે; એ તો એનું બાળક સાજું થાય એમાં જ રાજી થાય. માટે ચાલો, હું દવા કરું.” એણે હા કહી ત્યારથી રોજ હું એ બાળકની આંખો ધોવા, કાન સાફ કરવા પઢારવાસમાં જવા લાગી. પરિણામ સારું આવ્યું. શીતળા શમી ગયા ને બાળક કાંઈ પણ ખોડખાંપણ વિના હેમખેમ પાર ઊતરી ગયું. એથી પઢારોને વિશ્વાસ બેઠો. કોઈને કાંઈ થાય તો એ મને જોવા બોલાવી જવા લાગ્યા જેમ જેમ તેમની સાથે સંપર્ક વધતો ગયો તેમ તેમ હું એમને લખતાં, વાંચતાં ને ગણતાં શીખવતી ગઈ; આમ એ અભણોને આંખ આવી. ધીરેધીરે એમના વહેમ ઓછા થયા.

    ભરચોમાસું હતું. સાંજનો સમય હતો . એ વખતે કેસરડીથી એક ઘોડેસવાર આવ્યો ને કહેવા લાગ્યો : “ કાશીબા હાલો, ખાટલો થાતો નથી.” પેટી તૈયાર કરીને હું ઘોડા પર બેસી રવાના થઈ. જોરદાર વરસાદ વરસતો હતો. રસ્તામાં બે કાંઠે વહેતી નદી આવી. મને તરતાં આવડતું ન હતું. સામે કાંઠે બે માણસ બેઠેલા હતા. અમને આવેલાં જોઈ તે કાંઠે આવ્યા. મને લાકડીઓથી બે બાજુથી બેય જણાએ ખભેથી પકડીને નદી પાર કરાવી. પછી નીતરતાં કપડે ઘોડા પર બેઠી. ઘોડો પણ ઘડીમાં આમ પગ મૂકે ને ઘડીમાં તેમ મૂકે, એટલે મારું શરીર ડોલમડોલ થયા કરે. સમતુલા માંડ જળવાતી. ત્રણ કલાકે કેસરડી પહોંચ્યાં. જઈને જોયું તો બે વાઘરણો દાણા જોવા બેસી ગયેલી. બીજી બહેનો પેલી બાઈના પેટ પર ધક્કા મારતી હતી. દરદી બૂમાબૂમ પાડતી : “મરીગઈ રે…મરી ગઈ.” મેં જઈને પહેલાં તો એ બધાંને વિવેકથી ઘડીક ઓરડાની બહાર જવાનું કહ્યું, પણ મારું સાંભળે જ નહિ. ઊલટાની મને ઘાંટા પાડી કહેવા લાગી : “ ચાલી જા, નહિ તો મેલડીમા ઝાડા-ઊલટી કરાવી તને મારી નખશે.” મેં કહ્યું, “ભલે મારી નાખે, પણ અત્યારે તો તમે અહીંથી જાવ.” એ બધી ગાળો દેતી દેતી બહાર નીકળી.

    પછી દરદીને ગ્લુકોઝનો બાટલો ચડાવ્યો, એટલે એનામાં શક્તિ આવી. ત્યાં બાળકના હાથનું દર્શન થયું. બાળક આડું હતું. હાથ કાપીને બાળકને ફેરવી તો જ જન્મી શકે તેમ હતું. સાથે હથિયાર હતું નહિ. ગામમાંથી ધારિયું મગાવી, તેને ઉકાળી ને તેનાથી હાથ કાપી નાખ્યો. બાળકને ફેરવી, પ્રસવ કરાવી દીધો. ત્રણ ટાંકા આવ્યા, પણ બાઈ બચી ગઈ. આખું ગામ ભેગું થઈ ગયું હતું. બહેનો તો મને વહાલ કરવા લાગી. ઘર સાવ ગરીબ હતું. એટલે હથિયાર ઉકાળવા તપેલું પણ પડોશીને ત્યાંથી લાવેલા, સામેથી વીસ રૂપિયા એને રાબ, દૂધ વગેરે માટે મેં આપ્યા.લીમડાનાં પાનની પથારી એ જ એનું અન્ટિસેપ્ટિક. સાતમે દિવસે ટાંકા કાઢવા ગઈ, ત્યારે જોયું તો જરાય સેપ્ટિક થયેલું નહિ. પંદર દિવસ પછી એ બહેન ઘાસની ગાંસડી લાવતી થઈ ગઈ.

    મૂળીબાવળીથી તેડું આવ્યું. આવનાર ભાઈ કહે, “મારી દીકરીને ખાટલો નથી થતો; કાશીબા, ચાલોને.” હું ઘોડે બેસી રવાના થઈ. રસ્તે કીચડ, ઘોડું ઊભું રહી ગયું. છેવટે બે કિલોમીટર લાકડીના ટેકે ચાલતી ગઈ. પછી બે જણ માંડ બેસી શકે એવી હોડી, જેને ત્યાં તડિયો કહે છે તેમાં બેઠાં. એ તડિયો પણ કાણાવાળો: તેડવા આવનાર સતત છાલિયાથી પાણી ઉલેચ્યા કરે.હોડીને વાંસડાથી હલેસાં મારે ત્યારે પાણીની છાલકોથી કપડાં ભીંજાય. એવી સ્થિતિમાં રાતે દસ વાગ્યે રાણગઢ પહોંચ્યાં. મોડું થઈ ગયું હતું, એટલે સામે ઘોડો લઈને તેડવા આવેલા તે રાહ જોઈ જોઈને ચાલ્યા ગયેલા.

    કાદવ ખૂંદતાં ખૂંદતાં અમે મૂળબાવળીએ પહોંચ્યાં. પેટ્રોમેક્સ સળગાવીને આખું ગામ રાહ જોતું બેઠું હતું. જોયું તો પ્રસૂતિને વાર હતી. મેં દરદીને ઘેનનું ઇન્જેક્શન આપીને સુવાડી દીધી. હું ગરમ પાણીએ નહાઈ. ઘરનાંનાં ઘેરદાર કપડાં પહેરી દરદી પાસે જ સૂતી. સવારે અગિયાર વાગ્યે બાળકનો જન્મ સરળતાથી થયો. ગામમાં ઘેર ઘેર મેલેરિયાના ખાટલા છે તે જાણ્યું, એટલે પચાસ દરદીઓને દવા ને ઇન્જેકશનો આપીને બીજે દિવસે રાતે આઠ વાગ્યે શિયાળ પાછી આવી.

                 ********

    એક વાર ચોમાસામાં બગોદરા વિઝિટે જતાં ઘોડો ભડક્યો અને આડો પડી ગયો. હું નીચે પાણી અને ચીકણી માટીમાં પડીને ફસાઈ ગઈ. હાથ ઊંચા કરીને જેમ નીકળવા મથું તેમ તેમ ઊંડા ઊતરતું જવાય.બૂમો સાંભળી એ ભાઈ દોડી આવ્યા, મને કાદવમાંથી કાઢી ઘોડે બેસાડી બગોદરે લઈ ગયા. દરદીને સમયસર સારવાર આપી શકાઈ.

    એક વાર, જનશાળીથી માણસ તેડવા આવ્યો. મેં ઘોડા પર સાધનોની પેટી ખોળામાં લીધી. પેટીમાંનાં હથિયાર ખખડ્યાં ને ઘોડો બે પગે ઝાડ થયો. લગામ સખત ઝીલી રાખી, સખત પકડથી હથેળી છોલાઈ ગઈ, હું પડી નીચે. થાપાના હાડકામાં તિરાડ પડી. પાછળ આવતો માણસ રડવા લાગ્યો. મેં કહ્યું. “હવે જલદી મીઠાપુર પહોંચ અને ગાડાનું કહે, એટલે વહેલા જનશાળી પહોંચી જઈએ.”

    ગાડું આવ્યું. ચાર-પાંચ ગોદડાં પણ સાથે લાવેલા. ફરતાં ગોદડાં વીંટાળી મને ગાડામાં ગોઠવી. જનશાળી આવ્યું એટલે બહેનો ઊંચકીને મને દરદી પાસે લઈ ગયા . બાળક મરી ગયેલું જણાયું અને દરદીના પેટમાં પુષ્કળ પાણી ભરાયું હતું. દરદીને ગ્લુકોઝનો બાટલો ચડાવ્યો ને ઇંજેક્શન આપ્યું. મરેલા બાળકનો પ્રસવ થયો, બાઈ બચી ગઈ. પછી તરત ગાડું જોડાવી સૂતી સૂતી શિયાળ પહોંચી. ત્યાં પાદરે બસ ઊભેલી ને ઊપડવાની તૈયારીમાં હતી. બાપુજીને સંદેશો મોકલ્યો, એ આવી પહોંચ્યા. અમે અમદાવાદ ગયાં સીધાં દવાખાને. ફ્રેક્ચર હતું એનો ઉપાય કરાવી બીજે દિવસે શિયાળ ગઈ. પથારી પાસે જ દવાખાનું ગોઠવી દીધું. સૂતાં સૂતાં દરદીને તપાસતી અને દવા કે ઇન્જેકશન આપતી. પડી ગયાની ખબત વડોદરે પહોંચતાં જ ભાઈ ને ભાભી દોડતાં આવ્યાં. કહે, “ઘરે ચાલો, ત્યાં સારી સારવાર થશે.” મેં કહ્યું, આસપાસ ચાલીસ માઈલના ઘેરાવામાં ડૉક્ટર કે દવાખાનું નથી. દરદીને છોડીને મારાથી કેમ અવાય ? પહેલી દરદીની માવજત, પછી મારી. મને તો દરદીની આશિષથી જલદી સારું થઈ જવાનું છે.” બન્યું પણ એમ જ. દોઢ માસમાં તદ્દન સારું થઈ ગયું.

    એક સાંજના વરસતા વરસાદમાં ઝાંપથી તેડું આવ્યું. ઊંટ પર એકદમ ઊપડી. બૅટરીના પાવર ખલાસ થઈ ગયા હતા એટલે ફાનસ લીધું, પણ તે હોલવાઈ ગયું. છતાં ભગવાન ભરોસે ઊંટ મારી મૂક્યો. ચાર કલાકે પહોંચ્યાં. વરસાદ સતત ચાલુ જ હતો. ઘનઘોર રાતમાં ઝાંપ પહોંચી તો ખરી, પણ પગે એવી ખાલી ચડી ગઈ હતી કે ઊતરાય જ નહિ. મને તેડીને દરદી પાસે મૂકી.

    નાનકડો ગોળ કૂબો. તેમાં એક પથારી પણ માંડ રહી શકે. પહેરેલી સાડીને એટલાં થીગડાં લગાડેલાં કે મૂળ સાડીનું કપડું ક્યું તે જ  ખ્યાલ ન આવે.ઘરમાં એક પણ પિત્તળની તપેલી જોવા ન મળે. વેપારીને ત્યાંથી તપેલું મગાવીને સાધનો ઉકાળવાં પડ્યાં. દરદીને પ્રસૂતિ પહેલી જ હતી. ‘ફોરસેપ’ (ચીપિયા)ની જરૂર પડે તેમ લાગ્યું. પ્રભુનું નામ લઈ ‘ફોરસેપ’ કર્યું. બાઈ ને બાળક બેઉ બચ્યાં. આપવા જેવું એ ભાઈ પાસે કશું નહોતું. ઊલટાનું મેં પડોશીને વીસ રૂપિયા આપીને કહ્યુ. “બાઈને રાબ વગેરે પાજો. “ ટાંકા આવ્યા હતા. એ કાઢવા ગઈ ત્યારે ફરી ઊંટ પર બેસીને જવાનું થયું. ટાંકા સારા રહેલા ને બાળક તંદુરસ્ત હતું.

    ચોમાસા પછી બાઈ શાક લઈને આવી. “કાશીબા ! તમે મને બચાવેલી, શાક દેવા આવી છું.” મેં કહ્યું, “પૈસા લે તો લઉં.” એ શરમાતી બોલી: “છોકરાને ટોપલામાં નાખીને લાવી છું.” મેં તેને રમાડ્યો ને પાંચ રૂપિયા આપ્યા. માનું હેત તેમ જ ગરીબી વચ્ચેય ઝળકી ઊઠતી દિલની અમીરી જોઈને મારું હ્રદય આનંદથી ભરાઈ ગયું.

                 ********

   રાતે આઠ વાગ્યે અમે પ્રાર્થના કરતાં હતાં એ વખતે ભામસરાથી તેડું આવ્યું. વરસતા વરસાદમાં ચીકણો ગારો ખૂંદતાં ત્રણ કલાકે ત્યાં પહોંચ્યાં. જોયું તો બાળક પેટમાં મરી ગયું હતું, અને તેના ઝેરની અસરથી દરદીને લીલી ઊલટી થતી હતી. જો પ્રસૂતિ કરાવું તો લોહીની જરૂર પડે.એટલે ગામના આગેવાનોને અમદાવાદ લઈ જવા કહ્યું. એ બધા કહે : “સાવ ગરીબ છે, પૈસોય નથી; અને ચાર બાળકો છે. મજૂરી કરીને માંડ ખાવા ભેગાં થાય છે, ત્યાં અમદાવાદ લઈ જવાનું કેવી રીતે કરે? “મેં કહ્યું, “અમારે વિઝિટ કે દવાના પૈસા નથી લેવા. ઉપરાંત દરદી, તેના પતિ અને મારા પ્રવાસનું ખરચ હું ઉપાડીશ.” પછી ઘરમાંથી ત્રણ ખાલી માટલાં લાવીને મૂક્યાં અને કહ્યું:”આટલું અમે કર્યું, હવે ગામની પણ કાંઈ ફરજ ખરીને ? જેને આપવાની ઈચ્છા હોય તે અનાજ આ માટલામાં નાખી જાય. “શરૂઆત મુખીએ કરી. એમાં પંદર દિવસ ચાલે એટલાં દાળ, ચોખા ને લોટ થઈ ગયાં. પડોશી બહેન કહે, “છોકરાં હું સાચવીશ.” આમ ગોઠવાયું.

    સડક ગામથી બે કિલોમીટર દૂર હતી. દરદીને ખાટલામાં સુવાડી સડકે લાવ્યા. પાલડી ઊતરી સીધા વાડીલાલ હૉસ્પિટલમાં કેસ દાખલ કરાવ્યો. ડૉક્ટર કહે, “લોહી આપવું પડશે.”દોડતી બ્લડબૅંકમાં ગઈ. મારું લોહી લેવાનું કહ્યું.લોહીની બૉટલ લઈ પ્રસૂતિ ગૃહમાં પહોંચી. બાળક જન્મ્યું ને બાઈ બચી ગઈ. બાઈને એનાં

સગાંને ભળાવી બગોદરા પહોંછી. ત્યાંથી પેટી માથે ઉપાડી પાંચ માઈલ ચાલતી શિયાળ પહોંચી ગઈ.

        વીરમગામ તાલુકાના કાયલા ગામમાંથી બે બુકાની બાંધેલા માણસો મધરાતે આવ્યા ને કહે : “વાઘાભાઈ મુખીને ઝાડોપેશાબ બંધ થઈ ગયા છે. ઝટ આવો.” બહારગામથી શાંતાબહેન  આરામ લેવા મારે ત્યાં આવેલાં એ તો રાતવેળાએ આ બે બુકાનીધારી માણસો અને તેમનો મુસ્લિમ પહેરવેશ જોઈને જ ડરી ગયાં; ધીમેથી બોલ્યાં: “બારણું ઉઘાડતાં જ નહિ.” મેં કહ્યું, “આવી મેઘલી રાતે ભરવરસાદમાં મુશ્કેલી વગર કોઈ ન આવે. આપણે ભગવાન પર ભરોસો રાખવો જોઈએ.” હું તો તૈયાર થઈ ઘોડા પર ચડી. પણ શાંતાબહેને મનથી બાધા લીધી: બહેનનું મોઢું જોયા પછી પાણી પીશ.

    ત્રણ કલાકે કાયલા પહોંચ્યાં. આખું ગામ પેટ્રોમેક્સ સળગાવી રાહ જોતું બેઠું હતું. દરદીને ભીને કપડે જ તપાસ્યા. પેટમાં ગેસ ઘણો હતો. ઝાડો-પેશાબ બંધ, એટલે દુખાવાથી દરદી બરાડા પાડતા આળોટે. એક વૃદ્ધ ભાઈને સાથે રાખી એનીમા આપી. થોડી જ વારમાં ઝાડો-પેશાબ થઈ ગયાં. વ્યાકુળતા મટી ગઈ ને વાઘાભાઈને શાંતિ થઈ. પણ એનીમાની નળી કઢી ત્યારે એટલા જોરથી ઝાડો છૂટી ગયેલો કે મારાં કપડાં એનાથી બગડી ગયેલાં. મેં સ્નાન કર્યું, એમની બીબીનો પહેરવેશ પહેરી લીધો. મુસ્લિમ પરિવારનાં બહેનો તો મને ભેટી-ભેટીને ચૂમી-ચૂમીને વહાલ કરવા લાગ્યાં.

    જો સાધકની દૃષ્ટિ સાફ હોય તો નર્સિંગનું કામ એવું છે કે દરદીનું શરીર જ સેવાનું સાધન બની જાય છે. નિત્ય શરીર સાથે કામ લેવાનું હોવાથી શરીરની જડતા ને અનિત્યતાનું ભાન થાય છે, ને તેમાં રહેલા પરમાત્માનાં દરદીરૂપે દર્શન થાય છે. ઉપરાંત લિંગભેદના ભાવ વિસરાય છે. આ કામમાં નાતજાત કે સ્ત્રી-પુરુષના ભેદ રહેતા જ નથી.

        1947માં સંતબાલજી મહારાજે સાણંદમાં કાર્યકર્તાઓનો ચાર માસનો વર્ગ રાખ્યો. ગામડાના પ્રશ્નોની ચર્ચા થતી. આરોગ્યના પ્રશ્નમાં મૂળનો રોગ કાઢવાના ઉપાયોની સમજણ આપવામાં આવતી. અમે બાપ-દીકરી પણ અવારનવાર વર્ગનો લાભ લેતાં.

    એમાં એક વખત મહારાજશ્રીએ કહ્યું: “તન, મન અને આત્માનો રોગ શું છે? કેમ થાય છે, અને કેમ મટે ? એનું જ્ઞાન અપાય. અજ્ઞાન જાય એવી સમજ તો આપવી જ પડે. સમજ આવી હોય તો પણ જ્યાં પોતાની મહેનતના પ્રમાણમાં ભાવ ઓછા મળે, ગરીબી જ ભરખી લે અને અપોષણથી રોગ થાય, ત્યાં દવા શું કામ કરે ?સાજો થાય ત્યાં ફરી માંદો પડે ! એટલે, ગામડાંના લોકોને એમના કામના બદલામાં પોષણ જેટલા દામ મળે, તો જ સાજા રહેવા જેટલો આહાર મળી શકે. માટે ખેડૂતમંડળ ઊભાં કરી એને પૂરા ભાવ મળે અને યુક્તાહાર મળે તેવા ઉપાય પણ અજમાવવા જોઈએ. તેમનું શોષણ ન થાય માટે સહકારી મંડળી દ્વારા ધિરાણ ને જરૂરિયાતની વસ્તુઓ મળે તેવા હાટની વ્યવસ્થા પણ ગોઠવવી જોઈએ. તેમને વહેમમાંથી છોડાવવા જોઈએ. સાફ-સુઘડ રહેવાની ટેવ પાડવી જોઈએ. આમ આપણું કામ કેવળ દવા દેવાનું કે સારવાર કરવાનું નહિ, ગામડાંને સર્વાંગી વિકાસની દૃષ્ટિએ ઘડવાનું છે. આપણે જ્ઞાનપૂર્વક સેવા-દયાનાં કામ કરવાનાં છે. સેવા એ સાધન છે અને સાધ્ય તે સમાજનું સર્વાંગી શ્રેય છે. ભારે કરવેરા, વ્યાજખોરી, નફાખોરી વગેરેના સકંજામાંથી ગામડું છૂટે નહિ ત્યાં સુધી રાહત, સુધારણા અને સેવાનાં કામ થીગડાં જેવાં બની રહેશે.”

    ગુરુદેવનો સમાજ-રચનાનો પ્રયોગ લક્ષમાં રાખીને અમે ખેડૂત મંડળની પ્રવૃત્તિને પણ અમારા કાર્યનો પાયો ગણ્યો. શિયાળમાં સહકારી મંડળી ને ભંડાર શરૂ થયાં. વ્યાજ-વટાવ ને ધીરાણનું કામ કરનારા, માલ અગાઉથી ખંડી લેનારા, પોતાની ધાક કે વગથી ગામ પર પકડ રાખનારાં માથાભારે તત્ત્વોમાં સળવળાટ થયો અને કેટલાકે આવીને મને કહ્યું પણ ખરું કે, “કાશીબા, તમે દવાદારૂ ભલે કરો, પણ અમારા રોટલા પર હાથ ન નાખો. તમે મંડળી ઊભી કરો છો, તો અમારા વ્યાજની આવક બંધ થશે. ભંડારે સસ્તો માલ આપો, તો અમારા હાટે કોણ આવે ? માટે ઈ મંડળીવાળું રહેવા દો. અમારી આજીવિકા બંધ થશે તો તમને ગામમાં રહેવું ભારે થઈ પડશે.” અને પછી તો જાસાચિઠ્ઠીઓ પણ આવવા લાગી. મેં તો એક જ વાત કરી કે, “અમે તો સંતબાલજી કહે તેમ કરીએ. કોઈનાં ડરાવ્યાં કે મોતથી લગીરે ન ડરીએ. મોત તો એક જ વાર આવે છે. “ આથી સૌ સમજી ગયા કે કાશીબહેનને મોતની બીક બતાવવી ફોગટ છે. પછી જ્યારે ગણોતિયાની પડખે રહી પઢારો વગેરેને જમીન અપાવવા નવલભાઈ, અંબુભાઈ ને અમે સાથે ગયાં ત્યારે દરબારો બંદૂકો લઈ ડરાવવા આવ્યા. પણ ડગે એ બીજાં ! આવાં થોડાં સ્થાપિત હિતોને બાદ કરતાં ગામે મને દીકરી પેઠે રાખી છે. ગામ બહારના બંગલામાં એકલી રહું, પણ ક્યારેય કડવો અનુભવ નથી થયો.

    પઢારોમાં જેમ જેમ કામ થતું ગયું, તેમ તેમ ધીમો ગણગણાટ શરૂ થયો : આ લોકોને જમીન મળશે તો આપણું કામ કોણ કરશે? પઢાર અત્યંત ગરીબ કોમ. મોસમના દિવસમાં મજૂરી કરે અને દરિયાકાંઠે થેગ-મોથ, મચ્છી વગેરે પર જીવનનિર્વાહ કરે. તેમને પડતર જમીન અપાવી. જાતમહેનતથી પાણી લાવી ખારી જમીન મીઠી કરાવી. પાંચસો રૂપિયા ઉછીના લાવી શેર-ભંડોળની સગવડ અપાવી અને મંડળી શરૂ થઈ. ધીરધાર કરનારાઓ ધમકાવે કે, હવે કોઈને પાશેર ઘઉં પણ ઉધાર નહીં દઈએ. એટલે અમે રેશનિંગની દુકાન કરી. મંડળી પાંચ વર્ષમાં તો ચાલીસ હજારનું ધિરાણ કરી શકે એવી સદ્ધર બની ગઈ.સાત વરસમાં મંડળીએ બિયારણ-બૅંક કરી, તૂટેલા બંધો જાતમહેનતે બાંધ્યા, માટીકામના કૉન્ટ્રાક્ટ લેતી થઈ, ભંગી, હરિજન, વાઘરી ને પઢારો સાથે મળીને કામ કરવા લાગ્યા.

    આમ નૈતિક, પ્રાગતિક બળો અને સ્વાર્થી સ્થાપિત હિતો વચ્ચે એક ગજગ્રાહ શરૂ થઈ ચૂક્યો હતો, જેમાં પ્રગતિ શુભ બળોની થતી હતી. એવામાં એક પ્રસંગ બન્યો કે જેણે કપરી કસોટી કરી. ગામડામાં કામ કરનારને કાવાદાવાનો કેટલી હદ સુધી સામનો કરવો પડે છે તે સમજવા માટે આ પ્રસંગ ઉદાહરણ છે.

    હું અને બાપુજી શિયાળમાં જ્યાં રહેતાં હતાં તે મકાનની બાજુમાં કેટલીક ઓરડીઓ હતી. એમાં ડૉકટર, કમ્પાઉન્ડર અને એક ખાદી કાર્યકરનાં કુટુંબો રહેતાં હતાં.કમ્પાઉન્ડર ભાઈને તેમનાં પત્ની સાથે મનમેળ નહોતો, એટલે એ સાથે રહેતાં નહિ પરંતુ મારી પ્રેમપૂર્વકની સમજાવટથી એ પોતાના પતિ સાથે રહેવા આવ્યાં. એને છએક માસ થયા. બંનેનો સંસાર રાગે પડી ગયો હતો.

    1957માં મુનિશ્રી સંતબાલજીના ચાતુર્માસ બાવળા પાસે આદરોડા ગામમાં ચાલતા હતા. અવારનવાર હું તેમની પાસે જઈ આવતી. એક વાર અમદાવાદથી પાછાં ફરતાં અળવીનાં પાન લેતી આવેલી. સવારે ઔષધાલય જવા નીકળી ત્યારેતારાબહેનને અળવીનાં પાન આપ્યાં અને કહ્યું કે, પતરવેલિયાં બનાવજો, આપણે બપોરે ખાઈશું. હું દવાખાને ગઈ. તારાબહેનને અળવીનાં પાન બાફવા પ્રાઈમસની જરૂર છે, એવી ખબર આવતાં કમ્પાઉંડર ભાઈ દવાખાનેથી પ્રાઈમસ લઈ જઈ ઘેર આપી આવ્યા. તારાબહેને પાન પ્રાઈમસ પર બાફવા મૂક્યાં હતાં. દરમિયાન પ્રાઈમસની ઝાળ એમના સાડલાને લાગી અને એ સળગી ઊઠ્યાં. એમની બૂમો સાંભળીને બાજુની ઓરડીમાંથી ડૉકટરનાં પત્ની દોડી આવ્યાં. તારાબહેનને આગમાં સપડાયેલાં જોઈ, એ દોડીને દવાખાને આવ્યા ને ખબર આપી. હું, ડૉક્ટર ને તારાબહેનના પતિ બંગલે ગયાં. પણ અગ્નિદેવે પોતાનું કાર્ય પૂરું કરી નાખ્યું હતું. તારાબહેનનું આખું શરીર ભડથું થઈ ગયું હતું. બહેન છેલ્લા શ્વાસ લઈ રહી હતી. માંડ માંડ એ બિચારી બોલી શકી કે, “કાશીબહેન, મારો અંગૂઠો લઈ લ્યો, જેથી મારા મૃત્યુ પછી નકામા એમને કોઈ હેરાન ન કરે.”

    મેં કહ્યું, “તું જરાય ચિંતા ન કર. હેરાન કરવાવાળું કોણ છે ? અમે બેઠાં છીએ ને !”

    મેં તરત ભાઈલાલભાઈને કહ્યું, “તાકીદે પ્રાઇમસ લઈને દવાખાને પહોંચો અને ઇન્જેક્શનનાં સાધનો ગરમ કરી જલદી લઈ આવો. “

    એ દોડતા ગયા અને સાધનો લઈ પાછા આવ્યા. ત્યાં સુધીમાં તો ખેલ ખલાસ થઈ ગયો. ગામમાં ખબર પડી. આખું ગામ ભેગું થઈ ગયું. સૌએ મળીને એના અંતિમ સંસ્કાર કર્યા.

    આ ઘટના આંખો સામે જોવાથી ડઘાઈ ગયેલા ડૉક્ટરને ગામના મુખી પોતાને ઘેર તેડી ગયા. કમ્પાઉન્ડરભાઈ પોતાની માતા પાસે સાણંદ ગયા. એટલે ખાદી કાર્યકર પણ ગામને ઝાંપે સર્વોદય યોજનાના મકાનમાં રહેવ્વા ગયા. આ દિવસોમાં બાપુજી બહારગામ હતા, એટલે બંગલામાં હું એકલી રહી ગઈ.

    મુખીએ આ તક બરાબર ઝડપી. એમણે એવી તો આબાદ વાત ગોઠવીને મૂકી કે જેની કોઈ કલ્પના પણ ભાગ્યે જ કરી શકે. બીજા જ દિવસથી ગામમાં એ ચણભણ ચાલવા લાગી:

    “તારાબહેન પ્રાઇમસની ઝાળથી બળી ગઈ, એ વાત જ કાશીબહેને ઉપજાવી કાઢેલી છે. પ્રાઇમસ તો ત્યાં હતો જ નહિ; બંગલાનો પ્રાઇમસ તો બંગલામાં જ પડ્યો હતો. એને બંગલામાં પડેલો કેટલાય માણસોએ જોયો છે. એટલે પ્રાઇમસ કમ્પાઉન્ડરના ઘરમાં હતો જ નહિ. આ તો કાશીબહેન અને કમ્પાઉન્ડર વચ્ચે આડો વહેવાર હતો ને તારાબહેન રહેવા આવ્યાં એટલે આડખીલી થઈ પડ્યાં, માટે  કાશીબહેને તારાબહેનને સળગાવી મૂકી !”

    આવી વાતને વા લઈ જાય છે. કોઠ ગામના પોલીસથાણે નનામી અરજી પણ ગઈ. પોલીસે ગામમાંથી લોકોનાં નિવેદન લેવા માંડ્યાં. બંગલામાં પડેલ પ્રાઇમસને જોનારાંનાં નિવેદન પણ લેવાયાં. બળીને મરણ થવા છતાં મુખીને કેમ જાણ ન કરી ? પોલીસથાણે કેમ ખબર આપી નથી ? પોસ્ટ-મોર્ટમ કેમ કરવામાં ન આવ્યું? શબને તરત અગ્નિસંસ્કાર કેમ કરી નાખ્યો? આથી કેસ પાકો થાય છે.

    હું શાંત રહી. સહેજ પણ ગભરાઈ નહિ. પૂરા આત્મવિશ્વાસથી મારું કામ કરતી રહી. મને થયું કે લાવને મહારાજશ્રીને આ વાત તો કરું ! એટલે હું આદરોડા ગઈ. મહારાજશ્રીને માંડીને વાત કરી.

    મહારાજશ્રી ઊંડા વિચારમાં પડી ગયા. એ વિશે એમનું સારી પેઠે ચિંતન ચાલ્યું. મોડેથી હું શિયાળ જવા નીકળી ત્યારે મહારાજશ્રીએ મરક મરક હસતાં પણ ગંભીરતાથી મને કહ્યું, “ એમ કરીએ તો ? કોચરિયાથી વીરાભાઈને શિયાળ મોકલીએ; એ આખા કિસ્સાની તપાસ કરે.”(વીરાભાઈ ખેડૂત મંડળના એક આગેવાન હતા.)

    આ સાંભળીને મારે માથે હિમાલય તૂટી પડ્યો હોય એવું અનુભવવા લાગી. અશ્ચર્ય, દુ:ખ અને શરમથી દિગ્મૂઢ બની ગઈ. ધરતી મારગ આપે તો સમાઈ જાઉં, એમ થઈ આવ્યું. શું જવાબ આપવો એ સૂઝયું નહિ.

    મહારાજશ્રીએ ફરી પૂછ્યું : “ કેમ, બરાબર ને ?”

    એક તરફથી મહારાજશ્રી તરફની અનન્ય શ્રદ્ધા ને ભક્તિ, બીજી તરફ મારા પર આવેલી આંધીમાં આશ્વાસન આપવાને બદલે તપાસ પંચ નીમવા જેવી અકલ્પય વાત મહારાજ્શ્રી પોતે કરે, તો તેની અસર કેવી થાય !

    જ્કવાબ ‘હા’ ક્ર ‘ના’માં આપવો જોઈએ એટલે હું માંડ માંડ કહી શકી કે, “ભલે, મોકલો.”

    વીરાભાઈ શિયાળ આવ્યા. બાપુજીએ આશ્વાસન આપ્યું કે , “મહારાજશ્રી જે કાંઈ કહે તેમાં સૌના કલ્યાણની જ વાત હોય.”

    એક દિવસ હું નજીકના મીઠાપુર ગામે ગઈ હતી. કોઠ થાણાના ફોજદાર ત્યાં આવેલા હતા. એ કહે : “તમારું નિવેદન લેવાનું છે, તમારા મકાનની જડતી લેવાની છે.”

    મકાનની ચાવી હતી તે ફોજદાર તરફ લંબાવીને મેં કહ્યું: “લ્યો આ ચાવી. જાવ શિયાળ, તમારે જે કાંઈ જડતી લેવી હોય કે તપાસ કરવી હોય તે ખુશીથી કરો, ઘરમાં બધું ખુલ્લું છે. જવાબ તમને અહીં વિઝિટે આવેલી નહિ આપું. શિયાળ આવીને આપીશ.”

    ફોજદાર બિચારા સાવ ચૂપ થઈ ગયા. ચાવી લેવા જેટલી હિંમત પણ ન કરી શક્યા.

    કોઠ-પોલીસની તપાસમાં કાંઈ ફાવ્યા નહિ, એટલે મુખીએ સી.આઈ.ડી. મારફત તપાસ કરાવવાની તજવીજ કરી. એ ખાતાના ફોજદાર એક દિવસ ગુંદી આશ્રમમાં આવ્યા અને અંબુભાઈને કહેવા લાગ્યા : “મેં તપાસ કરી છે. વાતમાં કાંઈ માલ નથી. આ બધી મુખીની રમત છે.” અને પોલીસ તપાસનું પ્રકરણ પૂરું થયું. વીરાભાઈએ તપાસ કરીને જે કાંઈ અહેવાલ મહારાજશ્રીને આપ્યો હોય એ તે જાણે. પણ એક દિવસ નાનચંદભાઈ (હાલના સ્વામી જ્ઞાનચંદ્રજી) ગુંદી આવ્યા ને અંબુભાઈને કહેવા લાગ્યા : “કાશીબહેન જેવાં પવિત્ર બહેન પર મુખીએ જે તદ્દન ખોટાં આળ ચડાવ્યાં અને લોકોમાં જે ઝેરી વાતાવરણ પેદા કર્યું, તેની પોલીસ-તપાસમાં ભલે કંઈ જ ન વળ્યું, એમનું ધાર્યું ભલે ન થયું, પણ મુખીના આ કાવાદાવા તો ખુલ્લા પાડવા જ જોઈએ. કાશીબહેન જેવાં નીડર, પવિત્ર બહેને આ બધું સહન કર્યું, પણ બીજાં કોઈ બહેન હોત તો તે આપઘાત જ કરત. એટલે મુખીને બોધપાઠ આપવો જોઈએ.”

    અંબુભાઈએ શિયાળ જઈ શું કરવું એ વિશે વિચાર કરી લીધો. આ તરફ શિયાળના મુખીનાં પત્ની બીમાર પડ્યાં હતાં. એ બાઈએ મને બોલાવી. હું જેવી ડેલીમાં દાખલ થઈ કે મુખીએ પત્ની પર ક્રોધે ભરાઈને કહેવા માંડ્યું : “ આ રાંડને શા માટે બોલાવી ! એના હાથે તે સારું થતું હશે ?”

મુખીનાં પત્ની જાજરમાન હતાં. મારે માટે ખૂબ આદરમાન રાખતાં. એમણે પતિને ગરવાઈથી જવાબ આપ્યો : “ લાજ-શરમ રાખો જરા. આ સતીસાધ્વી જેવાં કાશીબહેનને માથે સાવ ખોટું આળ ઓઢાડ્યું છે તેથી રૌ રૌ નરકમાં પડશો નરકમાં ! દવા તો હું એમની જ લેવાની છું . મોત આવશે તોય એમને હાથે જ મરવું કલ્યાણ માનીશ.”

    પત્નીનો અ જવાબ મુખી નીચા મોંએ સાંભળી રહ્યા. મેં મુખીને હસતાં હસતાં કહ્યું ક્ર, “તમે ના પાડશો તોય તમારે ત્યાં જરૂર પડશે ત્યારે હું તમારી બધાંની દવા કરવા આવવાની.”

    દરમિયાન, નક્કી કરેલા દિવસે નાનચંદભાઈ અને અંબુભાઈ શિયાળ આવ્યા. એમણે બેએક દિવસ ગામમાં ફરી લોકસંપર્ક સાધી લીધો. પછી મુખીને પત્રથી સૂચના આપી ત્રણ દિવસની મહેતલ આપી જણાવ્યું કે, “ કાશીબહેનને માથે ખોટું આળ ચડાવી જે એમને હેરાન કરવામાં આવ્યાં, તે તમારી ભૂલ હતી એ વાતનો સ્વીકાર કરી, ગામની જાહેર સભામાં લેખિત કબૂલાત કરી માફી માગો, નહિતર તમારા આ અપરાધ સામે લોકમત જાગ્રત કરી શુદ્ધિ પ્રયોગ કરવામાં આવશે.”

    ત્રણ દિવસ પૂરા થયા. સાંજ પડી. મુખી કાગળમાં લખીને લાવ્યા. અમે કહ્યું, “રાત્રે જાહેર સભામાં આવીને એ વાંચો અને માફી માગો. ” કબૂલ થયા. રાતે ગામની મોટી સભા થઈ એમાં મુખીએ માફી માગી.

    નાનચંદભાઈ અને અંબુભાઈએ આ આખા કિસ્સાની વિગતો લોકો સમક્ષ મૂકી અને મુનિશ્રી સંતબાલજીની દૃષ્ટિ જે સમજ્યા હતા એ પ્રમાણે સમજાવીને કહ્યું:

 “સતી સીતાની પવિત્રતા માટે રામચંદ્રજીના મનમાં સહેજ પણ શંકા નહોતી. છતાં ભવિષ્યમાં લોકાપવાદને બિલકુલ ગુંજાશ ન રહે એ દૃષ્ટિએ અગ્નિપરીક્ષાનો વિધિ કરવામાં આવ્યો હતો. આ કિસ્સામાં કાશીબહેન વિશે પણ મહારાજશ્રીના મનમાં કશી શંકા નહોતી. છતાં  ખેડૂત મંડળી જેવી તટસ્થ સંસ્થાના પીઢ પ્રમુખ વીરાભાઈને તપાસ માટે મોકલીને લોકાપવાદને માટે સ્થાન રહેવા દીધું નથી. રામરાજ્યમાં તે દેશ-કાળની પરિસ્થિતિમાં ધોબીની ખોટી ટીકાનો સમાજમાંથી કોઈએ પ્રતિકાર કર્યો નહિ. તેથી પતિ રામે રાજા તરીકે પોતાના કર્તવ્યપાલનમાં દૃઢ રહીને સીતાનો ત્યાગ કર્યો, ને એ રીતે એક આદર્શ દાખલો બેસાડ્યો કે રામરાજ્યમાં રાજા પણ એક ધોબીની ટીકાને માન આપીને સર્વાનુમતિના આદર્શ પ્રત્યે આદર વ્યક્ત કરે છે. રામરાજ્યની આ સ્થિતિમાં પૂર્તિ કરવા માટે મહારાજશ્રી સમાજ જાગ્રતિનું તત્ત્વ ઉમેરી શુદ્ધિ પ્રયોગ સૂચવે છે. મુખી એ ખોટું આળ કાશીબહેન પર ચડાવ્યું તો ખુદ લોકો જ એ અપરાધનો જવાબ મુખી પાસે માગે, પરિણામે સમાજ કાશીબહેનનો બચાવ કરે છે એ જાણી હ્રદયને સમાધાન મળે.”

    આમ આ અગ્નિકસોટીમાંથી હું અણીશુદ્ધ પસાર થઈ. હવે મનેસૌ કાશીબહેનને બદલે ‘કાશીબા’ કહેવા લાગ્યાં. અને આજે પણ હું કોઈનો પણ દોષ જોયા વિના સૌને સમાનભાવે મારું માતૃવાત્સલ્ય પીરસ્યે જાઉં છું.

 *********************

Advertisements
વિશે

I am young man of 77+ years

Posted in miscellenous
One comment on “મારી અભિનવ દીક્ષા/કાશીબહેન મહેતા
  1. hasmukh33 કહે છે:

    I had met Kashiben once at Baroda where her Father Chhotubhai was living. At that time I was guest of Chhotubhai.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 351,403 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 280 other followers

તારીખીયું
નવેમ્બર 2018
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓક્ટોબર   ડીસેમ્બર »
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: