બાનો ફોટોગ્રાફ/ગિરીશ ગણાત્રા

JP4

બાનો ફોટોગ્રાફ/ગિરીશ ગણાત્રા

(જન્મભૂમિ-પ્રવાસી,રવિવાર, 4/11/2018 /મધુવન પૂર્તિ/પાનું:2)

    સવારે ઑફિસ પહોંચ્યો કે યોગેશભાઈનો ફોન આવ્યો:

    ‘ એક ખૂબ જ જરૂરી કામ હતું.’

    ‘બોલો ને !’

    ‘પપ્પાએ કહેવડાવ્યું છે કે કોઈ ઍક્સપર્ટ ફોટોગ્રાફરનું કામ છે. તમારી પબ્લિસિટીની લાઈનમાં તમે આવા ફોટોગ્રાફરને ઓળખતા જ હો. એટલે બેસ્ટમાં બેસ્ટ ફોટોગ્રાફર સૂચવોને ! ભલે મોંઘો હોય, પણ  કામ ‘એ’ ક્લાસનું થવું જોઈએ. છે કોઈ ધ્યાનમાં?’

    ‘ધ્યાનમાં તો ઘણા છે, પણ કામ કેવા પ્રકારનું છે એના પરથી ખ્યાલ આવે.’

    ‘વાત જાણે એમ છે કે પપ્પાનાં મમ્મી એટલે કે મારાં દાદીમાનો એક ખૂબ જ જૂનો ફોટો છે—આજથી ચાળીસ-પચાસ વર્ષ પર પડાવેલો. અગાઉના વખતમાં ગામમાં ગામમાં ફોટો પાડવાવાળા આવે ને ક્રાઉન સાઈઝમાં ફોટો પાડીને આપે ને, એવો ! બ્લેક ઍન્ડ વ્હાઈટ છે, પણ હવે એ જૂનો થઈ ગયો છે. ફોટો પણ પીળો પડી ગયો છે. દાદીમાનો માત્ર આ એક જ ફોટો છે. પપ્પાની ઈચ્છા છે કે જો કોઈ ઍક્સપર્ટ ફોટોગ્રાફર હોય તો એને ઉઠાવ આપી, ફરીથી કલર પૂરી બ્લો અપ(મોટી સાઈઝમાં ) એ કરી આપે. કામ ખૂબીનું છે…એનો ચાર્જ ચૂકવવા આપણે તૈયાર છીએ.

    યોગેશભાઈ અંગત ગણાય એવા સ્નેહી-ધંધામાં ખૂબ જ બાહોશ, એના પિતા રમણભાઈ પણ ધંધાની અટપટી રમતના જાણકાર. હમણાં હમણાં જ એમણે એક નવો બંગલો બંધાવ્યો હતો. એના દિવાનખંડમાં રમણભાઈ માનો મોટો ફોટો મૂકવા માગતા હતા.

    એક ઓળખીતા ફોટોગ્રાફરને વાત કરી યોગેશભાઈ પાસે મોકલી આપ્યો. પંદરેક દિવસ પછી યોગેશભાઈનો ફરી ફોન આવ્યો :

    ‘યાર, કામ પડ્યું છે. આજે સાંજે ઘેર આવી શકશો ?’

    ‘કેમ શું થયું ?’

    ‘લોચો લાગી ગયો છે—પેલો ફોટોગ્રાફર નહિ ?’

    ‘હા, હા, શું થયું? કંઈ ફીની બાબતમાં….’

    ‘ના.ના.’ યોગેશભાઈએ કહ્યું, ‘ફીની બાબતમાં તો પહોંચી વળાય એમ છે, પણ એની અને પપ્પા વચ્ચે જરા મતભેદ ઊભો થયો છે. સાલ્લો, શું મસ્ત ફોટોગ્રાફર છે !  જૂના ફોટાને ટચ કરી, એવી આબાદ પ્રિન્ટ્સ  કાઢી કે…’

    ‘તો વાંધો ક્યાં આવ્યો?’

    ‘એ તો યાર, તમે ઘેર આવો ત્યારે ખબર પડશે. તો આવો છો ને? સાથે જમીશું…’

    સાંજે યોગેશભાઈને ઘેર ગયો ત્યારે પેલા ફોટોગ્રાફર મિત્ર ને રમણભાઈ બેઠા હતા, સામે એમની બાની દસ—બાર કલર ફોટોની પ્રિન્ટ્સ પડી હતી ને બન્ને વચ્ચે ચર્ચા ચાલી રહી હતી.

 ચર્ચાનો મુદ્દો હતો ફોટાવાળા માજીના વસ્ત્રપરિધાનનો. રમણભાઈનાં માએ જ્યારે ફોટો પડાવ્યો હશે ત્યારે સાદી સાડી પહેરીને પડાવ્યો હશે. એ સાડીમાં ત્રણ થીંગડાં હતાં. ફોટાને બ્લો અપ (મોટી સાઈઝમાં—એન્લાર્જ ) કરતાં પેલાં ત્રણ થીંગડાં સ્પષ્ટ દેખાતાં હતાં એટલે ફોટોગ્રાફર મિત્રે એવા જ કોઈ મૉડેલને સારી સાડી પહેરાવી ફોટો પાડ્યો ને પછી ટ્રિક ફોટોગ્રાફી કરી એ સારી સાડી રમણભાઈનાં માના ફોટા પર લઈ લીધી.

    બસ આ જ વાંધો હતો બન્ને વચ્ચે.

    રમણભાઈ કહે, ફોટામાં ભલે થીંગડાં દેખાય; ને ફોટોગ્રાફર મિત્ર કહે આમાં ઍસ્થેટિક સેન્સ જળવાતી નથી.

    વાતને ચર્ચાનો રંગ ચડી ગયો હોવાથી એને ત્યારે તો દાબી દીધી. ‘કાલે વાત, તમે નિર્ણય કરીને મને કહેજો.આજે તો મોડું થાય છે એટલે જઉં છું. પણ હા, આટલી મહેનત કરીને બાના વ્યક્તિત્વમાં ઓપ આપ્યો છે તો એને દાબી દેવાની વાત ન કરશો. કાલે ફોન કરું છું,’કહી ફોટોગ્રાફરે વિદાય લીધી.

    રાત્રે જમીને અગાસીમાં ખુરશી નાખીને બેઠાં. વાતની ગાડી ધીમે ધીમે પાટે ચડાવી હળવેકથી રમણભાઈને કહ્યું:

    ‘રમણભાઈ, પેલી થીંગડાંવાળી સાડી બદલી નાખીએ તો મુશ્કેલી ક્યાં પડે છે? મને લાગે છે કે ફોટોગ્રાફરે જહેમત લઈ એ જમાનામાં પહેરાતી સાડીની ડિઝાઈન પસંદ કરી…’

    ‘વાત સાડીની કે ડિઝાઈનની નથી, એનાં થીંગડાંની છે. એ રહેવાં જ જોઈએ.’

    ‘પણ એમ કેમ?’

    ‘એનું કારણ છે. તમને કદાચ નહીં સમજાય. હું મારી બાને જે રીતે ઓળખું છું એવાં જ એ ફોટામાં લાગે, એ એવાં જ દેખાય એમ ઈચ્છું છું. તો જ મારી બા, મને મારી બા લાગશે. આ ફોટોગ્રાફરે બતાવેલી સાડીમાં બા બા જ લાગતા નથી…’

    ‘કારણ?’

        ‘બહુ મોટું છે’, પાંસઠ વર્ષના રમણભાઈએ  આંખ સાફ કરતાં કહ્યું.એમણે ભૂતકાળ ઉખેડ્યો.

    ‘તમને ખબર નહિ હોય, પણ મારા બાપુજી, એટલે કે મારા પિતા અમે નાના હતા ત્યારે ઘર છોડીને ચાલ્યા જતા હતા. તે વખતે અમે ત્રણ ભાંડરડા બહુ નાના, માંડ ચાર-સાત વર્ષના. હું સૌથી નાનો. એ નાનકડા ગામમાં ત્યારે ખૂબ હો-હા મચી ગયેલી. અમને માએ કેવી રીતે ઉછેરીને મોટા કર્યા હશે, કેવી રીતે ભણાવ્યા હશે એ તો મા જ જાણે.’

    પણ જેમ જેમ અમે મોટા થતાં ગયા તેમ તેમ માની મુશ્કેલીનો અમને ખ્યાલ આવવા લાગ્યો. ઘરની પરિસ્થિતિમાં કોઈ ફેરફાર થયો નહોતો. હા, અમે મોટા થતા હતા ને અમારી જરૂરિયાતો વધવા લાગી હતી. જરૂરિયાતમાં વળી બીજું શું? કપડાં ને ખાવાનું. તે વખતે માએ દમ ભીડીને કામ કર્યું હતું.

    આ એક લાંબી વાત છે, પણ એને છોડી દઈએ.

    એ પછી, અમે એક પછી એક ભાઈઓ ગામની બહાર નીકળ્યા—શહેરમાં. કમાવા. શહેરમાં અમારા ત્રણેય ભાઈઓના તકદીર ઝળક્યાં. સારું એવું કમાયા. કમાઈ કમાઈને અમે ગામમાં નવું ઘર બાંધ્યું એમાં બધી સાધનસામગ્રી વસાવી. બાને કોઈ જાતની તકલિફ ન પડે એનું અમે ધ્યાન રાખ્યું, કારણ કે બા ગામ છોડીને શહેરમાં આવવા તૈયાર નહોતી.

    અમે ત્રણેય ભાઈઓ દર મહિને બાને સારી એવી રકમ મોકલાવતા. છતાંયે જ્યારે બા સાથે થોડા દિવસ રહેવા ગામમાં આવતા ત્યારે બા તો એવી ને એવી જ હતી. ન કંઈ સારાં કપડાં કે ન કોઈ ઠઠેરો. એ જેવી હતી એવી ને એવી જ રહી. રાત્રે જમીને હીંચકે બેસી અમે બાની મજાક પણ ઉડાવતા કે બા બહુ કંજૂસ છે. આટલા બધા, ધરવ થઈ જાય એટલા પૈસા મોકલાવીએ છીએ છતાંયે એક સારું કપડું લેવાનો બાનો જીવ નથી ચાલતો.

    એટલે, જ્યારે બા એક દિવસ ઈશ્વરને ઘેર ચાલી નીકળી ત્યારે એની ઉત્તરક્રિયા વખતે અમે ગામ આવ્યા. અમને એમ હતું કે બાએ ખૂબ પૈસા બચાવ્યા હશે, પણ ઘર વીખ્યું ત્યારે ખબર પડી કે બા પાસે ગણ્યાંગાંઠ્યાં રૂપિયા સિવાય કશું જ નહોતું.

    છેવટે ક્બાટમાં રાખેલી એક ડાયરીમાંથી બાનો હિસાબ નીકળ્યો.

    અમે મોકલાવેલા પૈસા બા તુરત ખરચી નાખતી. બાજુના મોટા ગામમાં આવેલા  એક અનાથાશ્રમમાં છોકરાઓને દત્તક ગણીને બા ઉછેરતી. છેલ્લાં પચીસ વર્ષમાં બાએ કેટલા છોકરાઓને ઉછેરીને ભણાવ્યાં  ને પગભર કર્યા એનો ચિતાર જ્યારે ખરખરો કરવા આવેલા અનાથાશ્રમના વૃદ્ધ ગૃહપતિએ આપ્યો ત્યારે અમને ખબર પડી કે બાએ અહીં પૈસા વેરીને કેટકેટલા છોકરાઓનાં જીવનમાં જળ સીંચ્યાં હતાં !

    અને બાની પેટીમાંથી માત્ર પાંચ જ સાડલાઓ નીકળ્યાં—બધાયે નાનાંમોટાં થીંગડાંવાળા.

    આ મારી બા હતી, થીંગડાંવાળા સાડલાથી શોભતી.

    હવે હું ફોટોગ્રાફરને કેમ સમજાવું કે મારી બાને તમે નવો સાડલો પહેરાવશો તો પછી એ મારી બા નહિ હોય…

    રમણભાઈ ઊભા થઈને અગાસીના એક અંધારા ખૂણામાં જતાં રહ્યાં.

**************************************

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 658,610 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 277 other followers

તારીખીયું
નવેમ્બર 2018
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: