કૃષ્ણ અને માનવસંબંધો—હરીંદ્ર દવે પ્રકરણ:14 (gita)

કૃષ્ણ અને માનવસંબંધો—હરીંદ્ર દવે

પ્રકરણ:14

ગીતા

કૃષ્ણ અને માનવસંબંધો—હરીંદ્ર દવે

પ્રકરણ:14

       મહાકવિ વ્યાસ એ સર્જક તરીકે પ્રયોગશીલ પણ છે. એક તો એ કુળકથા કહી રહ્યાં છે, ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર વ્યાસના સંતાનો છે. એ કથામાં પોતાને પાત્ર તરીકે પણ લાવે છે. સાથે જ મહાભારતના આ વિરાટ યુદ્ધની રજેરજ વિગતનું વર્ણનકઈ રીતે વાચક સમક્ષ રજૂ કરવું એ કસબ પણ એમણે વિચારી લીધો છે. ભીષ્મપર્વના પ્રારંભમાં જ વ્યાસ ધૃતરાષ્ટ્રને મળે છે અને કહે છે કે તારે જો આ ઘોર સંગ્રામ જોવો હોય તો હું તને દિવ્યદૃષ્ટિ આપવા તૈયાર છું. પણ ધૃતરાષ્ટ્ર આ જ્ઞાતિવધને જોઈને જીરવી શકે એમ નથી. જન્મ ધરીને જે જોઈ શક્યા નથી, એ માત્ર કુલસંહારને જોવા માટે દૃષ્ટિ મેળવે એ વિધિવક્રતા ધૃતરાષ્ટ્રને સ્વીકાર્ય નથી. છતાં આ સંગ્રામમાં શું થશે એ જાણવા માટેની ઉત્સુકતા લેશ પણ ઓછી નથી. આથી વ્યાસ સંજયને દિવ્યદૃષ્ટિ આપે છે.આ દૃષ્ટિથી સંજય સર્વજ્ઞ બને છે. ગુપ્ત કે પ્રગટ બધી જ વાતો સંજયના જાણવામાં આવશે. દિવસે કે રાતે જે કંઈ બનશે એ આ સંજય જાણી શકશે. એ થાકશે નહીં. શસ્ત્રો એને સ્પર્શશે નહિ. આ મહાયુદ્ધમાંથી એ બચી જશે.

    આ પછી વ્યાસ આ યુદ્ધની ઘોરતાનું બિહામણું દૃશ્ય ઊભું કરી ધૃતરાષ્ટ્રને  કહે છે :

   કાલોડયં પુત્રરૂપેણ તવ જાતો વિશાં પતે,

   ન વધ: પૂજ્યતે વેદે હિતં નૈતત્કથંચન.

                      (ભીષ્મ.4:5)

   સાક્ષાત કાળ તારે ત્યાં પુત્રનું રૂપ લઈને જન્મ્યો છે. વેદમાં વધ નથી પૂજનીય, નથી હિતકારી.

   અને પાછો દુર્યોધને, જે સંહાર આરંભ્યો છે એ કેવો છે ? જેની જરૂર નથી, જે નિવારી શકાય એમ છે એવા સંહારની એને લત લાગી છે..

     વ્યાસ પણ એ જાણે છે કે ધૃતરાષ્ટ્ર ઉપર ઉપરથી પોતે અસહાય છે એવું કહ્યા કરે છે, પણ રાજવી તરીકેના પોતાના હકનો ઉપયોગ કરી યુદ્ધને નિવારવા મથતો નથી. જે કદી સમજવાનો નથી એ દુર્યોધનને સમજાવવા જરૂર મથે છે પણ એ વ્યર્થ છે એ વાત એ જાણે છે. કૃષ્ણ છે ત્યાં જય છે એ વાત ગાઈવજાડી તેના કાન સુધી પહોંચાડવામાં આવી છે, છતાં અંતરથી ધૃતરાષ્ટ્ર માને છે કે દુર્યોધનની સેના મોટી છે; એને પક્ષે ભીષ્મ, દ્રોણ, કર્ણ વગેરે મહારથીઓ છે. એટલે એ જીતશે એવું પોતાનું આંતરમન કહ્યા કરે છે.વ્યાસ ધૃતરાષ્ટ્રના એ ભ્રમને આ શબ્દોથી ભાંગે છે :

    ન બાહુલ્યેન સેનાયા જ્યો ભવતિ ભારત,

   અધ્રુવો હિ જ્યો નામ દૈવં ચાત્રપરાયણમ્,

   જયન્તો હ્યપિ સંગ્રામે ક્ષયવંતો ભવન્ત્યુત.

                          (ભીષ્મ.4:35)

    બહુ મોટી સેના હોય તો જ વિજય થાય એ કંઈ નક્કી નથી, જય અધ્રુવ –અનિશ્ચિત છે: એ દૈવને પરાયણ છે, એટલે કે ભાગ્યાધીન છે: કેમકે જેમને વિજય મળવો જોઈએ એવા પણ સંગ્રામમા હારી જાય છે.

   વ્યાસે આ શબ્દો દ્વારા કહેવાનું હતું એ બધું જ કહી દીધું. હવે ધૃતરાષ્ટ્ર અને સંજય વચ્ચેનો વાર્તાલાપ આગળ ચાલે છે. ધૃતરાષ્ટ્ર પોતાના મનને કોઈ બીજા માર્ગે વાળવા ચાહે છે. પોતાના પુત્રો પોતાના વશમાં નથી એ તો પોતે વ્યાસને જ કહી ચૂક્યા છે : એટલું જ નહિ ધૃતરાષ્ટ્ર પોતે સાચું શું કે ખોટું શું એ બરાબર સમજે છે. પણ એમણે પોતે જ પોતાના પિતા વ્યાસ પાસે કબૂલ્યું છે તેમ:

  હે તાત, લોક સ્વાર્થની વાત આવે ત્યારે સંમોહ પામે છે : અને હું પણ એવા લોકોમાંનો એક છું.

સ્વાર્થે હિ સંમુહ્યતિ તાત લોકો

           માં ચાપિ લોકાત્મકમેવ વિદ્ધિ.

                      (ભીષ્મ. 4:11)

  ધૃતરાષ્ટ્ર પોતે લોકોત્તર હોત તો કદાચ પુત્રને યુદ્ધના માર્ગેથી  પાછો વાળી શક્યા હોત. હવે જ્યારે પોતે એ નથી કરી શકયા અને પુત્રનો વિજય નિશ્ચિત નથી એવું લાગે છે ત્યારે પોતાનું ધ્યાન બીજી તરફ વાળવા માગે છે. એ કહે છે : ‘આ પૃથ્વી માટે થઈને રાજવીઓ જીવનનો મોહ જતો કરે છે; એકમેકની હત્યા કરે છે. આ જોતાં લાગે છે કે આ પૃથ્વીમાં કોઈક ગુણ હોવા જોઈએ. સંજય, તને તો હવે જ્ઞાનચક્ષુ પ્રાપ્ત થયાં છે એટલે તું મને પૃથ્વીનો આ ક્યો પ્રભાવ છે તેનું વર્ણન સંભળાવ.’

    સંજય અહીં ઉત્ક્રાન્તિની કથા કહે છે. પ્રાણી બે પ્રકારનાં છે. સ્થાવર અને જંગમ. જંગમ પ્રાણીના ત્રણ પ્રકાર છે :ઈંડામાંથી પ્રગટ થનારાં, પ્રસ્વેદમાંથી પ્રગટ થનારાં અને જરાયુથી ઉત્પન્ન થનારાં. આ જંગમ જીવોમાં જરાયુજ—જરાયુથી જન્મવાવાળા શ્રેષ્ઠ છે. આમાં સિંહ, વાઘ, વરાહ, પાડો, હાથી, રીંછ અને વાનર; એ સાત અરણ્યવાસી છે. જ્યારે મનુષ્ય, ગાય, બકરી, ઘેટું, ઘોડો, ખચ્ચર અને ગધેડો એ સાત ગામવાસી છે. આ ચૌદમાં પાંચ સ્થાવર ભૂતો –એટલે તૃણકે વનસ્પતિ ઉમેરાય એટલે ઓગણીસ થાય. એમાં આકાશ, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આદિ પંચ મહાભૂતો ઉમેરાય એટલે ચોવીસ થાય. ચોવીસ વર્ણની ગાયત્રીની માફક આ ચોવીસ ભૂતોવાળી ભૂમિ પણ ગાયત્રી છે.

    ભૂમૌ હિ જાયતે સર્વં ભૂમૌ સર્વં પ્રણશ્યતિ,

    ભૂમિ: પ્રતિષ્ઠા ભૂતાનાં ભૂમિરેવ પરાયણમ્.

                             (ભીષ્મ. 5:20)

   ભૂમિમાંથી સૌ જન્મે છે : ભૂમિમાં જ સૌ નાશ પામે છે, ભૂમિ જ સૌ ભૂતોની—જીવોની પ્રતિષ્ઠા કરે છે. ભૂમિ જ સૌનું આશ્રય સ્થાન છે.

    આવી ભૂમિ માટે અનિત્ય જીવો હંમેશાં સંહાર આચર્યા જ કરે છે એ વાત પર સંજય ભાર મૂકે છે. ભૂમિનું—ભૂમિ પરના પર્વતો, નદીઓ વગેરેનું વર્ણન સંજય પાસેથી સાંભળ્યા પછી ધૃતરાષ્ટ્ર કહે છે : હવે એમાંથી જે ભારતવર્ષમાં દુર્યોધનનું મન લોભાયેલું છે અને મારું મન લોભાયેલું છે એ ભારતવર્ષનું તું વિસ્તારથી વર્ણન કર.

    ધૃતરાષ્ટ્રના આ શબ્દો સાંભળી હવે જેને જ્ઞાનચક્ષુ પ્રાપ્ત થયાં છે એ સંજ્ય સૌ પ્રથમ તો જવાબ આપે છે :

     ન તત્ર પાંડવ ગૃદ્ધા: શ્રુણુ રાજન્ વચો મમ,

    ગૃદ્ધો દુર્યોધનસ્તત્ર શકુનિશ્ચાપિ સૌબલ: .

                            (ભીષ્મ.10;3)

   રાજન, તમે મારી વાત સાંભળો. પાંડવોનું મન એમાં લોભાયેલું નથી. માત્ર દુર્યોધન અને સુબલ-રાજનો પુત્ર શકુનિ, એ બેનું મન આમાં લોભાયેલું છે.

    સંજય આ સ્પષ્ટતા કર્યા પછી જ ભારતવર્ષનું વર્ણન કરે છે. એમાં પણ ભરતખંડમાં રહેતી આર્ય, મ્લેચ્છ તથા સંકર જાતિઓ  જે નદીઓનાં જળ પીએ છે તેની બાવીસ શ્લોકોમાં અપાયેલી યાદી મનોરમ છે. ભારતવર્ષનાં શહેરો અને પ્રદેશોનાં નામની યાદી  પણ એટલી જ આકર્ષક છે.

     વ્યાસની કથા કહેવાની રીત નાટ્યાત્મક છે. આ બધું કહ્યા પછી અચાનક ચૌદમા અધ્યાયનો આરંભ થાય છે ત્યારે યુદ્ધભૂમિમાંથી ભૂત-ભવિષ્યની જાણકારીવાળો પ્રત્યક્ષદર્શી સંજય આવીને કહે છે :

   હતો ભીષ્મ: સાન્તનવો ભરતાનાં પિતામહ:.

                           (ભીષ્મ.14:13)

  હે મહારાજ, ભરતવંશના પિતામહ શાંતનુના પુત્ર ભીષ્મ માર્યા ગયા.

   સ શેતે નિષ્ટનન્ભૂમૌ વાતરુગ્ણ ઈવ દ્રુમ:,

   તવ દુર્મન્ત્રિતે રાજન યથા નાર્હ: સ ભારત.

                     (ભીષ્મ.14:13)

   (પરશુરામ જેવાને જેણે હંફાવ્યા હતા અને દસ દિવસમાં જેણે દસ અર્બુદ સૈનિકોને મારી નાખ્યા) એ ભીષ્મ આજે તમારી કુમંત્રણાને કારણે વાયુથી તૂટી પડેલા વૃક્ષની માફક ભૂમિ પર પડ્યા છે. એ કદી આવી સ્થિતિને યોગ્ય ન હતા, છતાં.

   આમ અચાનક સંજય દસ દિવસ આગળ નીકળી જાય છે અને પછી દસ દિવસ દરમ્યાન શું થયું તેની વાત પશ્ચાત્ કથનની રીતિથી કહે છે.

    ભીષ્મ હણાયા, શરશ્ય્યા પર પડ્યા, એ વાત ધૃતરાષ્ટ્રને વિચલિત કરી મૂકે છે. એ ભીષ્મ કઈ રીતે હણાયા એ વાર જાણવા માગે છે. સંજય વિગતે બધી વાત કરે છે. તેમાં બે મહત્ત્વની વાત આવે છે. યુધિષ્ઠિર કૌરવોની ભીષ્મ-દ્રોણ આદિના નેતૃત્વથી સજ્જ એવી સેનાને જોઈ વિષાદ અનુભવે છે. ત્યારે અર્જુન તેને કહે છે : ‘ યત; કૃષ્ણસ્તતો જય:’ એવું નારદે કહેલું વાક્ય તમે ભૂલી ગયા ? આગળ કહે છે:

    ગુણભૂતો જય : કૃષ્ણે પૃષ્ઠતોડન્વેતિ માધવમ્’

    અન્યથા વિજ્યશ્ચાસ્ય સંનતિશ્ચાપરો ગુણ:.

                          (ભીષ્મ. 21:13)

   જય એ કૃષ્ણનો ગુણ છે. એ માધવ જ્યાં હોય ત્યાં  એની પાછળ પાછળ આવે છે. વળી વિજય જેમ કૃષ્ણનો ગુણ છે એમ સંનતિ (સત પ્રત્યેની ગતિ) એ તેમનો બીજો ગુણ છે.

     યુધિષ્ઠિરને આ રીતે આશ્વાસન આપ્યા પછીથી જ્યારે બંને સેનાઓ પોતપોતાના વ્યૂહ અનુસાર ગોઠવાયેલી છે, ત્યારે કૃષ્ણ અર્જુનને કહે છે, તું રથમાંથી નીચે ઊતરી દુર્ગાસ્તોત્રનો પાઠ કર. રથની નીચે ઊતરી કૃતાંજલિ—હાથ જોડેલો અર્જુન એ સ્તોત્રનો પાઠ કરે છે. પ્રત્યેક પુરાણમાં આ પ્રકારનાં સ્તોત્રો આવે છે. આ સ્તોત્રોનો મહિમા પછીથી સ્થપાતો હોય છે.મહાભારતમાં આવાં સ્તોત્રો બહુ ઓછાં છે. એમાંનું આ એક સ્તોત્ર છે. આ સ્તોત્ર પૂરું થતાં જ દેવી પ્રગટ થઈ અર્જુનને કહે છે :

   હે પાંડવ, સ્વકલ્પકાળમાં જ તું શત્રુઓને જીતીશ. કારણ કે એક તો તું દુર્ઘર્ષ પુરુષ છે—અને પાછી એમાં નારાયણ ની સહાયતા છે.

    મહાભારતકાર આ ‘નારાયણસહાયવાન્ ’ એ વાતને વારંવાર ઘૂંટે છે. અર્જુન દુર્ઘર્ષ છે એટલા માટે નહિ પણ નારાયણ એની સહાયતા કરે છે, એ માટે એ શત્રુઓને જીતી શકશે.

    સંજય દિવ્યદૃષ્ટિથી આ બધું જુએ છે અને વર્ણવે છે. અને પછી આ બધાને અંતે પોતે જે કંઈ નિર્ણય પર આવ્યો છે તે ધૃતરાષ્ટ્ર સમક્ષ મૂકે છે :

    જ્યાં ધર્મ છે ત્યાં જ દ્યુતિ અને કાન્તિ છે; જ્યાં લજ્જા છે ત્યાં જ શ્રી તથા બુદ્ધિ છે. જ્યાં ધર્મ છે ત્યાં કૃષ્ણ છે, અને જ્યાં કૃષ્ણ છે. ત્યાં જય છે.

   સંજયનું આ વાક્ય અવારનવાર ઉદ્ ઘોષિત થતાં મહાભારત વાક્યોમાં સૌથી મહત્ત્વનું છે.

      પણ ધૃતરાષ્ટ્ર જેનું નામ ! આ વાક્યને ગળી જાય છે. આ આખું વાક્ય એવું છે જે ભાગ્યે જ કોઈ ગળી શકે. આ સાંભળ્યા પછી માણસ મૂઢ થઈ જાય. પણ ધૃતરાષ્ટ્ર,જેણે ભીષ્મ હણાયા છે એ જાણી લીધું છે એ છતાં હાર્યો  જુગારી હારેલી બાજી પાછી મેળવવા માટે રમતો જાય એ રીતે પ્રશ્ન પૂછે છે : કોણે પહેલો પ્રહાર કર્યો? ક્યા પક્ષના યોદ્ધાઓ વધારે ઉત્સાહમાં હતા ? ક્યા પક્ષના યોદ્ધાઓની માળાઓ તાજી અને સુગંધવતી હતી?

    સંજય તેનો પણ સમુચિત ઉત્તર આપે છે. પણ પોતાના યુદ્ધ-ઉત્સુક પુત્રોની યુદ્ધમાં શી ગતિ થઈ  એ જાણવા માટે આતુર ધૃતરાષ્ટ્ર ભીષ્મપર્વના ત્રેવીસમાં અધ્યાયમાં આ પ્રશ્ન કરે છે:

    ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ:,

    મામકા: પાણ્ડવાશ્ચૈવ કિમકુર્વત સંજય.

                          (ભીષ્મ.23:1)

    શ્રીમદ્ ભાગવદ્ ગીતાના નામે આ દેશ તેમજ પરદેશમાં સુવિખ્યાત  ગ્રંથ હવે પછીના અઢાર અધ્યાયોમાં વિસ્તરે છે. ગીતાનો બોધ એ કૃષ્ણના મુખેથી પ્રગટેલાં શાસ્વતીમાં મઢાયેલાં વચનો છે. છતાં એ ગીતાનો આરંભ કોનાથી થાય છે ?ધૃતરાષ્ટ્રના પ્રશ્નથી.

    ગીતા, ગંગા, ગાયત્રી અને ગોવિંદ એ ચાર ‘ગ’ કારનું અનુશીલનકરનારને પુનર્જન્મ નથી થતો. આ ગીતામાં કૃષ્ણે 620 શ્લોકો કહ્યા છે. અર્જુનના મુખમાં 75 શ્લોકો મુકાયા છે. ધૃતરાષ્ટ્રના મુખમાં કેવળ એક જ શ્લોક મુકાયો છે. પણ એ શ્લોકથી ગીતા આરંભ પામે છે.

    ગીતા વિશે આપણે ત્યાં  અનેક ભાષ્યો થયાં છે; આપણા મહાન આચાર્યોએ એના વિશે વિગતે ચર્ચા કરી છે. ગીતાના પ્રથમ અધ્યાયને તથા બીજા અધ્યાયના પ્રથમ અગિયાર શ્લોકોને  ઘણા ગીતાની પ્રસ્તાવના માને છે. શંકરાછાર્ય વગેરે આચાર્યોનાં ભાષ્ય એ પછીના શ્લોકો પર જ લખાયાં છે.

   ગીતાનો આરંભ સ્વાર્થના એક પ્રશ્નથી થાય છે: ‘મામકા: ’શબ્દ વિશેપૂરતું લખાઈ ચૂક્યું છે. ધૃતરાષ્ટ્રને પોતના પુત્રો અને પાંડવો વચ્ચે શું થયું એ જાણવું છે. ધૃતક્રાષ્ટ્ર આ પ્રશ્ન પૂછે છે ત્યારે યુદ્ધના દસ દિવસ વીતી ગયા છે. ‘ફલેશબૈક’ થી હવે આખી વાત કહેવાઈ રહી છે. સંજય જ્યારે આખી પરિસ્થિતિ વર્ણવે છે, ત્યારે દસ દિવસમાં દસ અર્બુદસેનાનો ભીષ્મે નાશ કર્યો છે. આ જાણ્યા પછી પણ ‘મામકા:’ના પરાક્રમ વિશે, તેઓના વિજયની એષણા વિશેની ઇંતેજારી છે.

  સ્વાર્થના આ પ્રશ્નની સામે અર્જુનનો વિષાદયોગ તોળવા જેવો છે.ધૃતરાષ્ટ્રને માત્ર પોતાના પક્ષે ‘મામકા: ’લાગે છે; સામે પક્ષે તો પાંડવો છે. જ્યારે અર્જુનને તો પોતાના પક્ષે  અને સામા પક્ષે માત્ર પોતાના જ બંધુજનો દેખાય છે.

   તત્રાપશ્યત્ સ્થિતાન્પાર્થ: પિતૃનથ પિતામહાન્.

  આચાર્યાન્માતુલાન્ભ્રાતૃન પુત્રાન્પૌત્રાબ્સાખીંસ્તથા.

   શ્વસુરાન્સુહ્ર્દશ્ચૈવ   સેનયોરુભયોરપિ.

   તાન્સમીક્ષ્ય સ કૌન્તેય: સર્વાન્બન્ધૂનવસ્થિતાન્ .

                          (ભીષ્મ.23;26-27)

      અર્જુન ઉભય સેનામાં પોતાના કાકા, દાદા, આચાર્ય, મામા, ભાઈઓ, પુત્રો, પૌત્રો, મિત્રો, શ્વસુરો વગેરેને જોઈ રહ્યો.

    અર્જુન ઉભય સેનામાં ‘મામકા: ’જુએ છે. એટલે જ ધૃતરાષ્ટ્રના પ્રશ્નમાં સ્વાર્થ છે; અર્જુનના પ્રશ્નમાં સ્વાર્થથી પર એવો વિષાદ છે. આ એ જ અર્જુન છે, જેણે હજી થોડા સમય પહેલાં યુધિષ્ઠિરને આશ્વાસન આપ્યું હતું કે જ્યાં કૃષ્ણ છે ત્યાં જય છે ! અને હવે આટઆટલા વિષાદયોગો પછી અર્જુનનોવિષાદયોગ આરંભાય છે. અર્જુનનો આ વિષાદ અને તેના ઉત્તરમાં ક્ષુદ્ર-હ્રદયદૌર્બલ્યને ત્યાગીને ઊભા થવાના કૃષ્ણના આદેશ છતાં અર્જુન ‘ન યોત્સ્યે’  (હું યુદ્ધ નહિ કરું) એમ કહી ચુપ થઈ જાય છે ત્યારે પ્રહસન્નિવ (હસતાં હસતાં) હૃષીકેશ પોતાનું કથન આરંભે છે. આ દસમા શ્લોકથી ગીતાનો આરંભ થાય છે. આ દસમા શ્લોકથી જ શાંકરભાષ્યનો આરંભ થાય છે.

    ઉભય સેનાની મધ્યે વિષાદગ્રસ્ત અર્જુન ‘યુદ્ધ નહિ કરું ’ એમ કહી ઊભો રહ્યો છે. અને મંદ મંદ હસતા ભગવાન શ્રીકૃષ્ણ તેને ગીતા કહેવાનો પ્રારંભ કરે છે.

******************************************

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,191 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
ઓક્ટોબર 2018
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: