અનિયંત્રિત આવશ્યકતાઓનો આતંક —ચંદ્રકાન્ત શેઠ

A.ANAND9

અનિયંત્રિત આવશ્યકતાઓનો આતંક

—ચંદ્રકાન્ત શેઠ

અખંડ આનંદ [ઓક્ટોબર-નવેમ્બર, 2018/પાનું: 9]

( ધરતીનાં ધરુ, આકાશના ચરુ)

    સર્વ પ્રાણીઓમાં મનુષ્ય જ એવું પ્રાણી છે જેની જરૂરિયાતો બેસુમાર છે અને રોજ-બ-રોજ વધતી જ રહી હોવાનું જોઈ શકાય છે. મનુષ્યની પાયાની જરૂરિયાત તો ખાવાપીવાની—રોટી—કપડાં—મકાનની પણ એ જરૂરિયાતે પણ દુનિયાભરમાં કેવી અને કેટલી ધૂમ મચાવી છે ! મસમોટી હોટલો ને રેસ્ટોરાંનાં મૂળમાં માણસની ભૂખ છે અને એ ભૂખનાંયે અવનવી રીતે વલયો વિસ્તરતાં રહેલાં હોય છે. આમ તો ‘કરતલભિક્ષા ’ અને ‘તરુતલવાસ ’—એ આપણી (જો કે વાસ્તવમાં તો જોગી-ફકીરની) લઘુતમ આવશ્યકતા; પણ આપણે  ત્યાં અટકતા નથી. આપણે તો આપણી ભૂખને વધારતા રહી છપ્પનભોગ સુધી વિસ્તારીએ છીએ ! આપણને ખાટ કે ઢોળિયો મળે તેથી રાહત થતી નથી, આપણને તો મખમલના ગાદીતકિયા ને રત્નજડિત છત્રપલંગો જોઈએ છે. તૉલ્સ્તૉયે સૂચવ્યું છે તેમ, મનુષ્યને મરવા ટાણે તો કબર-પૂરતી જગ્યા જોઈતી હોય છે પણ આપણને તો મસમોટી મહોલતો ને રંગ—મહેલો જોઈએ છે ! પંડ વામનનું અને અપેક્ષાઓ વિરાટની ! ભલે આપણે જીર્ણ થતા જઈએ પણ આપણી તૃષ્ણાઓ તો અ-જીર્ણ—જુવાન જ રહેતી હોય છે.(તૃષ્ણાન જીર્ણા વયમેવ જીર્ણા :  ) આપણી અનિયંત્રિત અપેક્ષાઓ આપણી સુખશાંતિને હરી લે છે અને આપણને સતત અવગતિયાની જેમ દોડતા રાખે છે. કહેનારે સાચું કહ્યું છે—આપણને આપણી આશાની બેડીઓ જ દોડાવ્યા કરતી હોય છે.

    આપણી જઠરને રોજરોજ કેટલો ખોરાક જોઈએ ? નિરાંતે રહેવા-સૂવા માટે આપણી પાસે એક મઢી કે મઢૂલી હોય તો પૂરતી નથી શું? પરંતુ આપણા અહમ્ -પુરુષની મીઠી નજર હેઠળ, કામ, ક્રોધ, લોભ જેવા ખવાસો પોતાની મનમાની કરતાં એવી તો ભેદી જાળ ગૂંથતા હોય છે કે એમાંથી કેમ બહાર નીકળવું—છૂટવું એ આપણા જીવનનો યક્ષપ્રશ્ન બની રહે છે. એમણે તો નગરસંસ્કૃતિની—માર્કેટિંગ ને ઍડવર્ટાઈઝિંગની એક માયાવી ભુલભુલામણી ખડી કરી દીધી છે !

    આપણેવિલાસ—વૈભવના વ્યામોહમાં ‘નીતિનાશના માર્ગે ’   કે આત્મહ્રાસની વાટે તો ચડી ગયા નથી ને ? આપણે તો ધરતીના જાયા; પણ ધરતીને—એના પર્યાવરણને સૌથી વધારે પ્રદૂષિત કરતા હોઈએ તો તે આપણે જ. આપણને ગાંધીજીની રીતે સીધીસાદી રીતે, વધુમાં વધુ કુદરતની સાથે સુમેળ સાધીને જીવવું ફિક્કુંફસ લાગે છે ! આપણને તો મિર્ચમસાલાના તમતમાટ ને ધમધમાટ જોઈએ છે ! આપણે એમાં વિકાસ જોઈએ છીએ ! અને પરિણામે આપણે આપણા તન-મનને –આપણાં જીવનને વિકૃત કરે—ભ્રષ્ટનષ્ટ કરે એવાં અનિષ્ટ વિષાણુઓને નોતરી બેસીએ છીએ. સાત્ત્વિકતાનો સ્વાદ ભૂલીને, રાજસિક ને  તામસિક તત્ત્વોના દોર્યા આપણે દોરાઈએ છીએ. સાદાઈને સરળતાનો, શિસ્ત અને સંયમનો સત્ત્વરસ આપણે ગુમાવી બેસીએ છીએ અને તેથી અજંપાના—અશાંતિના અને અસ્વસ્થતાના શિકાર બનીએ છીએ. આપણે તેથી જ સાવધ થવાની તાતી ઘડી આવી લાગી છે. સમયસર ચેતીશું તો બચીશુ અને બચીશું તો આપણે આપણામાંના સત્ત્વતત્ત્વને-આપણી અસલિયતને પરખી શકીશું. અને સાચા આનંદના મૂળ સ્ત્રોતને પામી શકીશું.

             ********

9-બી, પૂર્ણેશ્વર ફલેટ્સ, ગુલબાઈ ટેકરા પર, અમદાવાદ -380015

ફોન: 079=26300928

************************************

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,194 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
ઓક્ટોબર 2018
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: