હરિનો મારગ છે શૂરાનો—પ્રીતમ

Harino

હરિનો મારગ છે શૂરાનો—પ્રીતમ

(ભજનયોગ/સંકલન:શ્રી સુરેશ દલાલ/એમેજ પ્રકાશન)

 હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને;

પ્રથમ પહેલું મસ્તક મૂકી, વળતી લેવું નામ જોને

સુત વિત્ત દારા શીશ સમરપે, તે પામે રસ પીવા જોને;

સિંધુ મધ્યે મોતી લેવા, માંહી પડ્યા મરજીવા જોને.

મરણ આગમે તે ભરે મૂઠી, દિલની દુગ્ધા વામે જોને;

તીરે ઊભો જુએ તમાસો, તે કોડી નવ પામે જોને.

પ્રેમપંથ પાવકની જ્વાળા, ભાળી પાછા ભાગે જોને;

માંહી પડ્યા તે મહાસુખ માણે, દેખનહારા દાઝે જોને.

માથા સાટે મોંઘી વસ્તુ સાંપડવી નહિ સહેલ જોને;

મહાપદ પામ્યા તે મરજીવા, મૂકી મનનો મેલ જોને;

રામઅમલમાં રાતા માતા, પૂરા પ્રેમી જન જોને;

 પ્રીતમના સ્વામીની લીલા, નીરખે રજનીદિન જોને.

    પ્રીતમ આપણો મધ્યકાલીન કવિ(ઈ.સ. 1718—1798) આ પદ અત્યંત પ્રસિદ્ધ છે. પાઠ્યપુસ્તકમાં પણ અવારનવાર લેવાય છે. સંસાર વિકટ છે એ સ્વીકારી લઈએ તોપણ સંસારને છોડવો પણ મુશ્કેલ છે. એની વ્યર્થતા સમજાયા પછી પણ  સંસાર છૂટ્યો છૂટતો નથી. સાર નથી આ સંસારમાં, એમ કહેવું સહેલું છે પણ અસારતાનો અનુભવ કર્યા પછી પણ બહુ ઓછી વ્યક્તિઓ સંસારને એક્ઝાટકે છોડી શકે છે અને ઈશ્વરને રસ્તે વળી શકે છે.

    માણસ મનનો મજબૂત હોય. અંદરથી પૂરેપૂરો શૂરવીર હોય. જેનામાં કાયરતાનું નામનિશાન ન હોય એ જ હરિનો મારગ લઈ શકે. કાયર માણસો મરતા પહેલાં લાખ વાર મરતા હોય છે. જે લોકો સંસાર છોડું કે ન છોડું, ઈશ્વરનો પંથ લઉં કે ન લઉં એની દ્વિધામાં ને એના વિકલ્પમાં અટવાતા હોય એવા ભીરુઓનું કામ નથી. માથું મૂકવાની તાકાત હોવી જોઈએ. એક વાર જેનું નામ લીધું  તે લીધું.બધું જ છોડવું પડે, સુત, સંપત્તિ, પત્ની. જે બધું જ છોડે એને અઢળક અને મબલખ ઈશ્વર મળે. સંસારનો રસ જેને ખારો લાગે એને જ પરમનો પ્રેમરસ મીઠો લાગે. સાગરમાંથી માછલી પકડવી સહેલી છે. કિનારા પર ઊભા રહીને જાળ ફેલાવીને માછલી પકડવી એ મોટી વાત નથી પણ જેણે મોતી લેવું હોય તેણે તો મરજીવા થઈને સમંદરમાં કૂદી પડવું જોઈએ. મરણનો ભય ન હોય. પીડાની પડી ન હોય. જે ભયમુક્ત અને ચિંતામુક્ત હોય એવા નરવિરલાને જ હરિનો મારગ મળે. તીરે ઊભા રહીને  તમાશો જોવે એના હાથમાં કોડી પણ ન આવે. શંખલા, છીપલાંની વાત તો દૂર રહી.

    કવિએ એક પછી એક અદ્ ભુત પંક્તિ આપી છે. એ જમાનામાં પણ કવિની કલમે શબ્દનું કેટલું બધું સંમાર્જન કર્યું છે.કવિતાની કેટલીક પંક્તિઓ તો કહેવતરૂપ થઈ જાય  એવી છે. પ્રેમપંથ પાવકની જ્વાળા . કવિએ સમજણપૂર્વક પાવક શબ્દ વાપર્યો છે. અગ્નિ શબ્દ મૂકી શક્યા હોત, પણ પાવક એટલે પવિત્ર અગ્નિ છે. ઉમાશંકરે એક વાર પ્રવચનમાં કહ્યું હતું કે સંસ્કૃત ભાષાને કારણે આપણી ભાષાને કેવાકેવા શબ્દો મળી શકે છે. અંગ્રેજીમાં તો ફાયર અને પ્યોરફાયર એમ કહેવું પડે. અહીં તો પાવકમાં જ બધું આવી જાય. પ્રેમનો રસ્તો જ્વાળાનો પંથ છે. કેટલાક લોકો તો જોઈને જ ભાગે, પણ એક વાર જે ભીતર ઝુકાવે તે મહાસુખ માણે છે. સુખ ક્ષણિક છે. મહાસુખ ચિરંતન છે, કારણકે એને પ્રભુનો સ્પર્શ મળ્યો છે. જે આ મહાસુખ પામતા નથી એ તીરે ઊભીને તમાશો જોનારા—દેખનહારા દાઝતા જ હોય છે. પ્રભુનો પ્રેમ સીધો અને સસ્તો નથી. માથા કરતાં પણ મોંઘો છે. એ સહેલાઈથી સાંપડે નહીં ને જેને સાંપડે તે ભાગ્યવાન. જેનું હું પદ જાય એને મહાપદ મળે. જે કિનારો છોડે એને દરિયો મળે. જે મરજીવો થાય એને મોતી મળે. રામઅમલનો કેફ જ જુદો. જે ઈશ્વરના પ્રેમમાં તે અધૂરા નહીં, પણ પૂર્ણ પ્રેમી કહેવાય. આવા પ્રેમીઓ પ્રીતમના સ્વામીની લીલા રાત-દિન નિરંતર નીરખતા હોય છે.

*******************************

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,189 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
ઓક્ટોબર 2018
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: