હરિરસ :ભજનો:41 થી 52

HRS-TWO

હરિરસ :ભજનો:41 થી 52

ભજન ક્રમાંક

શીર્ષક

પાના નં

41

પ્રભુ એવીદયા કર તું

1

42

જો દેખોં સો રામ સરીખા

2

43

મારી નાડ તમારે

2

44

આટલો સંદેશો

3

45

પ્રભુનું નામ રસાયણ

5

46

હરિને ભજતાં

6

47

પ્રેમળ જ્યોતિ તારો

7

48

મંગલ મંદિર ખોલો

9

49

પ્રભો અંતરયામી

10

50

મારાં નયણાંની આળસ રે

11

51

ગુજારે જે શિરે તારે

13

52

એક જ દેચિનગારી

14

(41)

પ્રભુ એવી દયા કર તું,

પ્રભુ એવી દયા કર તું, વિષય ને વાસના છૂટે;

ત્રિધા—તાપો સહિત માયા, જરાયે ના મને જૂટે.

                                   પ્રભુ એવી દયા કર0

પરાયા દોષ જોવાની, ન થાઓ, વૃત્તિ  કે ઈચ્છા.

સુતાં કે જાગતાં મનમાં, મલિન વિચાર ના ઉઠે

                                   પ્રભુ એવી દયા કર 0

રહે નહિ, વસ્તુની મમતા, બધામાં હો, સદા સમતા;

રહે નહિ,  દંભ દિલડામાં, ત્રિગુણની શૃંખલા તૂટે,

                                   પ્રભુ એવી દયા કર 0

વૃત્તિ ને ઈન્દ્રિયો મારી, રહે તલ્લીન, તારામાં;

પ્રભુ ‘વલ્લભ’ રહી શરણે, અલૌકિક ભક્તિ-રસ લૂંટે.

                                   પ્રભુ એવી દયા કર0

સદાયે ભાવના તારી, નિરંતર ભાન હો તારું;

રહું  ‘એકતાર’ તારામાં નહિ બીજું સ્ફૂરણ ફૂટે.

                               પ્રભુ એવી દયા કર0

કવિ વલ્લભ

***********************************

(42)જો દેખા સો રામ સરીખા

ગુરુ કૃપાંજન પાયો મેરે ભાઈ

             રામ બિના કછુ જાનત નાહીં.       ધ્રુ0

અંતર રામ બાહિર રામ

             જહં દેખૌં તહં રામ હી રામ.         ગુરુ0

જાગત રામ સોવત રામ

             સપનેમેં દેખૌં રાજા રામ            ગુરુ0

એકા જનાર્દની ભાવ હી નીકા

             જો દેખૌં સો રામ સરીખા.      ગુરુ0

             ભક્ત એકા

*********************************

(43)મારી નાડ તમારે હાથે

મારી નાડ તમારે હાથે હરિ સંભાળજો રે,

મુજને પોતાનો જાણીને પ્રભુપદ પાળજો રે.       ધ્રુ0

પથ્યાપથ્ય નથી સમજાતું, દુ:ખ સદૈવ રહે ઊભરાતું,

મને હશે શું થાતું, નાથ નિહાળજો  રે.         મારી નાડ0

અનાદિ આપ વૈદ્ય છો સાચા, કોઈ ઉપાય વિષે નહિ કાચા,

દિવસ રહ્યા છે ટાંચા, વેળા વાળજો રે.       મારી નાડ0

વિશ્વેશ્વરશું હજી વિસારો, બાજી હાથ છતાં કાં હારો ?

મહા મૂંઝારો મારો નટવર ટાળજો રે.       મારી નાડ0

કેશવ હરિ મારું શું થાશે, ઘાણ વળ્યો શું ગઢ ઘેરાશે?

લાજ તમારી જાશે, ભૂધર ભાળજો રે.        મારી નાડ0

             કેશવદાસ

*************************************

(44) આટલો સંદેશો

આટલો સંદેશો, મારા ગુરુજી ને કે’જો રે.

    એ… સેવકના-હ્ર્કદયમાં રે’ જો હો, જી.

                                 આટલો0

સેવાને સ્મરણ અમે કોના રે કરીએ

         તેનો આદેશ અમને દેજો રે….

                               આટલો0

કાયાનું દેવળ અમને લાગે છે, કાચું રે,

         એ… તે ઘર બતલાવી અમને દેજો, હો જી.

                               આટલો0

કાયા પડશે ને હંસ ક્યાં જઈ સમાશે રે;

    એ… તે ઘર બતલાવી અમને દેજો, હો, જી.

                               આટલો0

અમને ને તમને વા’લા, તમને ને અમને રે,

    એ…જનમો—જનમ પ્રીતિ રે’  જો, હો, જી.

                                 આટલો0

બ્રહ્મસ્વરૂપ મારી નજરું માં આવે રે,

    એ…મુક્તિનો મારગ અમને કે’જો હો, જી.

                                   આટલો0

                      અંબારામ

***************************************

(45) પ્રભુનું નામ રસાયણ

પ્રભુનું નામ રસાયણ સેવે, પણ જો પથ્ય પળાય નહિ,

તો તેનું ફળ લેશ ન પામે, ભવરોગો કદિ જાય નહિ.

પહેલું પથ્ય અસત્ય ન વદવું, નિંદા કોઈની થાય નહિ;

નિજ વખાણ કરવાં નહિ સુણવાં, વ્યસન કશુંય કરાય નહિ.

જીવ સકલ આતમસમ જાણી, દિલ કોઈનું દુભવાય નહિ;

પરધન પથ્થર સમાન ગણીને, મન અભિલાષ ધરાય નહિ.

દંભ  દર્પ કે દુર્જનતાથી, અંતર અભડાવાય નહિ;

પરનારી માતા સમ લેખી, કદી કુદૃષ્ટિ કરાય નહિ.

હુ6 પ્રભુનો પ્રભુ છે મમરક્ષક, એહ ભરોસો જાય નહિ.

જે પ્રભુ કરશે તે મમ હિતનું, ને નિશ્ચય બદલાય નહિ.

કર્યુ6, કરું છું ભજન આટલું, જ્યાં ત્યાં વાત કરાય નહિ;

હુ6 મોટો મુજને સહુ પૂજે, એ અભિમાન ધરય નહિ.

જન સેવા તે પ્રભુની સેવા, એહ સમજ વિસરાય નહિ;

ઊંચ-નીચનો ભેદ પ્રભુના, મારગડામાં થાય નહિ.

નામ રસાયણ સેવે સમજી, કષ્ટ થકી કદી કાય નહિ;

એ પથ્યોનું પાલન કરતાં, મરતાં સુધી ડરાય નહિ.

પથ્ય રસાયણ બન્ને સેવે, માયામાં લલચાય નહિ;

તો ‘હરિદાસ ’ તણા સ્વામીને, મળતાં વાર જરાય નહિ.

                 હરિદાસજી

 *********************************

(46)હરિને ભજતાં

 હરિને ભજતાં હજી કોઈની લાજ જતા નથી જાણી રે

જેની સુરતા શામળિયા સાથ વદે વેદ વાણી રે..  ટેક

વા’લે ઉગાર્યો પ્રહલાદ હરણાકંસ માર્યો રે

વિભીષ્ણ ને આપ્યું રાજ, રાવણ સંહાર્યો રે        …હરિને0

વા’લે નરસિંહ મહેતાને હાર, હાથો હાથ આપ્યો રે

ધ્રુવને આપ્યું અવિચળ રાજ, પોતાનો કરી સ્થાપ્યો રે

…હરિને0

વા’લે મીરાં તે બાઈનાં ઝેર, હળાહળ પીધાં રે

પાંચાળીના પૂર્યાં ચીર, પાંડવ કામ કીધાં રે     …હરિને0

આવો હરિ ભજવાનો લાહવો ભજન કોઈ કરશે રે

કર જોડી કહે પ્રેમળદાસ, ભક્તોના દુ:ખ હરશે રે …હરિને0

                                            પ્રેમળદાસ

(47)

પ્રેમળ જ્યોતિ તારો દાખવી

પ્રેમળ જ્યોતિ તારો દાખવી

મુજ જીવન-પંથ ઉજાળ               ધ્રુ.

દૂર પડ્યો નિજ ધામથી હું ને ઘેરે ઘન અંધાર,

માર્ગ સૂઝે નવ ઘોર રજનીમાં, નિજ શિશુને સંભાળ,

                           મારો જીવન-પંથ ઉજાળ.   1

ડગમગતો પગ રાખ સ્થિર મુજ; દૂર નજર છો ન જાય,

દૂર માર્ગ જોવા લોભ લગીર ન, એક ડગલુંબસ થાય,

                           મારે એકડગલું બસ થાય. 2

આજ લગી રહ્યો ગર્વમાં હું ને માગી મદદ ન લગાર,

આપ-બળે માર્ગ જોઈને ચાલવા હામ ધરી મૂઢ બાળ,

                              હવે માગું તુજ આધાર. 3

ભભકભર્યા તેજથી હું લોભાયો, ને ભય છતાં ધર્યો ગર્વ,

વીત્યાં વર્ષો ને લોપ સ્મરણથી સ્ખલન થયાં જે સર્વે,

                           મારે આજ થકી નવું પર્વ.     4

તારા પ્રભાવે નિભાવ્યો મને પ્રભુ આજ લગી પ્રેમભેર,

નિશ્ચે મને તે સ્થિર પગલેથી ચલવી પહોંચાડશે ઘેર.

                        દાખવી પ્રેમળ જ્યોતિની સેર.    5

કર્દમ ભૂમિ કળણભરેલી, ને ગિરિવર કેરી કરાડ,

ધસમસતા જળ કેરા પ્રવાહો, સર્વ વટાવી કૃપાળ,

                             મને પહોંચાડશે નિજ દ્વાર.    6

 રજની જશે ને પ્રભાત ઊજળશે , ને સ્મિત કરશે પ્રેમાળ,

દિવ્યગનોનાં વદન મનોહર મારે હ્રદયે વસ્યાં ચિરકાળ,

                          જે મેં ખોયાં હતાં ક્ષણ વાર.   7

       કાર્ડિનલ ન્યૂમેન

       અનુ. નરસિંહ દિવેટિયા

**************************************

 

(48) મંગલ મંદિર ખોલો

મંગલ મંદિર ખોલો દયામય !

                મંગલ મંદિર ખોલો

જીવન વન અતિ વેગે વટાવ્યું

                     દ્વાર ઊભો શિશુ ભોળો,

તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો,

                શિશુને ઉરમાં લો લો.

નામ મધુર તમ રટ્યો નિરંતર

                     શિશુ સહ પ્રેમે બોલો.

દિવ્ય તૃષાતુર આવ્યો બાળક

                     પ્રેમ અમીરસ ઢોળો.

     નરસિંહરાવ દિવેટિયા

 

 

(49) પ્રભો ! અંતરયામી

પ્રભો ! અંતર્યામી ! જીવન જીવના ! દીન શરણા !

પિતા ! માતા ! બન્ધુ ! અનુપમ સખા ! હિતકરણા !

પ્રભા, કીર્તિ, કાન્તિ, ઘન, વિભવ, સર્વસ્વ જનના !

નમું છું, વંદું છું , વિમલ-મુખ સ્વામી જગતના !

સહુ અદ્ ભુતોમાં તુજ સ્વરૂપ અદ્ ભુત નીરખું ,

મહા જ્યોતિ જેવું નયન શશિને સૂર્ય સરખું;

દિશાની ગુફાઓ, પૃથિવી ઊંડું આકાશ ભરતો,

પ્રભો ! તે સહુથી યે પર પરમ તું દૂર ઊડતો.

અસત્યો માંહેથી પ્રભુ ! પરમ સત્યે તું લઈ જા,

ઊંડા અંધારેથી પ્રભુ ! પરમ તેજે તું લઈ જા;

મહા  મૃત્યુમાંથી અમૃતસમીપે નાથ ! લઈ જા,

તું—હીણો હું છું તો તુજ દરસનાં દાન દઈ જા.

પિતા ! પેલો આઘે જગત વીંટતો સાગર રહે,

અને વેગે પાણી, સકલ નદીના તે ગમ વહે.

વહો એવી નિત્યે, અમ જીવનની સર્વ ઝરણી,

દયાના પુણ્યોના પ્રભુ તુજ મહાસાગર ભણી.

થતું જે કાયાથી, ઘડીક ઘડી વાણીથી ઉચારું,

કૃતિ ઈન્દ્રિયોની મુજ મન વિશે ભાવ જ સ્મરું,

સ્વભાવે બુદ્ધિથી; શુભ—અશુભ જે કાંઈક  કરું.

ક્ષમા દૃષ્ટે જોજો, –તુજ ચરણમાં  નાથજી ! ધરું.

                      ન્હાનાલાલ

(50) મારાં નયણાંની આળસ રે

મ્હારાં નયણાંની આળસ રે, ન નીરખ્યા હરિને જરી;

એક મટકું ન માંડ્યું રે, ન ઠરિયાં ઝાંખી કરી.

શોક મોહના અગ્નિ રે,  તપે ત્હેમાં તપ્ત થયાં;

નથી દેવના દર્શન રે, કીધાં  ત્હેમાં રક્ત રહ્યા.

પ્રભુ સઘળે વિરાજે રે, સૃજનમાં સભર ભર્યાં;

નથી અણુ પણ ખાલી રે, ચરાચર માં ઊભર્યા.

નાથ ગગનના જેવા રે, સદા મને છાઈ રહે;

નાથ વાયુની પેઠે રે, સદા મુજ ઉરમાં વહે.

જરા ઉઘડે આંખલડી રે, તો સન્મુખ તેહ સદા;

બ્રહ્મ—બ્રહ્માંડ અળગા રે, ઘડીયે ન થાય કદા.

પણ પૃથ્વીનાં પડળો  રે, શી ગમ ત્હેને ચેતનની ?

જીવેસો વર્ષ ઘુવડ રે, ન ગમ  ત્હોયે કંઈ દિનની.

સ્વામી સાગર સરીખા રે, નજરમાં ન માય કદી;

જીભ થાકીને વિરમે રે,  ‘વિરાટ’  ‘વિરાટ’ વદી.

પેલાં દિવ્ય લોચનિયાં રે, પ્રભુ ક્ય્હારેં ઊઘડશે?

આવાં ઘોર અંધારાં રે, પ્રભુ ક્ય્હારે ઊતરશે?

નાથ ! એટલી અરજી રે, ઉપાડો જડ પડદા;

નેના ! નીરખો ઊંડેરું રે, હરિવર દરસે સદા.

આંખ આળસ છાંડો રે, ઠરો એક ઝાંખી કરી;

એક મટકું તો માંડો રે, હ્રદય ભરી નીરખો હરિ.

         ન્હાનાલાલ

*******************************************

(51) ગુજારે જે શિરે તારે

ગુજારે જે શિરે તારેજગતનો નાથ તે સ્હેજે,

ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે.

દુનિયાની જૂઠી વાણી વિશે જો દુ:ખ વાસે તો,

જરાયે અંતરે આનંદ ના ઓછો થવા દેજે.

કચેરી માંહી કાજીનો નથી હિસાબ કોડીનો,

જગત કાજી બનીને તું વહોરી ના પીડા લેજે

જગતના કાચના યંત્રે ખરી વસ્તુ નહિ ભાસે,

ન સારા કે નઠારાની જરાયે સંગતે રહેજે.

રહેજે શાંતિ—સંતોષે સદાયે નિર્મળે ચિત્તે,

દિલે જે દુ:ખ  કે આનંદ કોઈને નહિ કહેજે.

વસે છે ક્રોધ વૈરી ચિત્તમાં  તેને તજી દેજે.

ઘડી જાયે ભલાઈની મહાલક્ષ્મી ગણી લે.

રહે ઉન્મત સ્વાનંદે ખરું એ સુખ માની લે.

પીએ તો શ્રીપ્રભુના પ્રેમનો પ્યાલો ભરી પીજે.

કટુ વાણી સુણે જો કોઈની વાણી મીઠી કહેજે.

પરાઈ મૂર્ખતા કાજે મુખે ના ઝેર તું લેજે.

અરે પ્રારબ્ધ તો ઘેલું ! રહે છે દૂર માગે તો.

ન માગ્યે દોડતું આવે, ન વિશ્વાસે કદી રહેજે.

પ્રભુના નામનાં પુષ્પો પરોવી  કાવ્યમાળા તું

પ્રભુની પ્યારી ગ્રીવામાં પહેરાવી પ્રીતે દેજે.

કવિરાજ થયો, શી છે પછી પીડ તને કાંઈ

નિજાનન્દે હંમેશાં ‘બાલ ’ મસ્તીમાં મજા લેજે.

                      –બાલાશંકર કંથારિયા

********************************************

(52) એક જ દે ચિનગારી

એક જ દે ચિનગારી મહાનલ

             એક જ દે ચિનગારી.      ધ્રુવ

ચકમક લોઢું ઘસતાં ઘસતાં

             ખરચી જિંદગી સારી,

જામગરીમાં તણખો ન પડ્યો,

             ન ફળી મહેનત મારી.     …મહાનલ.

ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો,

             સળગી આભ—અટારી,

ના સળગી એક સગડી મારી

             વાત વિપતની ભારી.     …મહાનલ.

ઠંડીમાં મુજ કાયા થથરે,

             ખૂટી ધીરજ મારી,

વિશ્વાનલ, હું અધિક ન માગું,

             માગું એક ચિનગારી. …મહાનલ.

                               –હરિશંકર ભટ્ટ

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 535,836 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
ઓક્ટોબર 2018
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: