અગાધ રૂપનું દર્શન//વિનોદ જોશી

 (સ્વરસેતુ ન્યૂઝ ડાયજેસ્ટ-ડિસેમ્બર2015/પાના: 14-15)

 મેશ ન આંજું,  રામ !

લેશ જગા નહીં, હાય સખીરી !

નયન ભરાયો શ્યામ.

એક ડરે હું રેખ ન ખેંચુ ભલે હસે વ્રજવામ,

રખે નયનથી નીર વહે તો સંગ વહે ઘનશ્યામ;

મેશ ન આંજું,  રામ !

કાળા કરમનો કાળો મોહન કાળું એનું નામ,

કાજળની વળી કાળપ લાગે કરશે કેવાં કામ ?

મેશ ન આંજું,  રામ !

–નીનુ મઝુમદાર

 

     ગણ્યા ગણાય નહીં, વીણ્યા વીણાય નહીં  તોય નાની શી આંખડીમાં જેમ તારાઓ સમાઈ જાય તેમ ઘણી વાર નાનકડા એવા કાવ્યમાં સમુદ્ર જેવી વિશાળ લાગણીઓનો ગોટમોટ સમાઈ જાય છે. કેવળ એક બિંદુ આખા સિંધુનો અનુભવ કરાવે એવો કોઈ ચમત્કાર આ કાવ્યમાં થયો છે. તેંના કવિ નીનુ મઝુમદાર કવિ તો ખરા જ, સાથે સંગીતકાર પણ ખરા. તેમની રચનાઓને સાંગીતિક ધોરણે પણ તપાસી શકાય. મન્નાડે એ ગાયેલું જાણીતું ગીત

’પંખીઓએ કલશોર કર્યો, ભાઈ ધરતીને સૂરજ ચૂમ્યો’ એ નીનુ મઝુમદારની રચના છે તે અહીં યાદ કરાવું.

     અહીં લીધેલા કાવ્યમાં રાધાની ઉક્તિ છે.કૃષ્ણપ્રેમમાં ગળાડૂબ બનેલી રાધા, જેના અંગેઅંગમાં કૃષ્ણ સિવાય જાણે બીજું કશું સમાયું નથી. એવું કહો કે એ કૃષ્ણથી સભર છે. સભર જ નહીં, છલોછલ છે. હવે તેમાં વિશેષ કશું સમાઈ શકે એમ જ નહીં. એ આખેઆખી કૃષ્ણમય છે.

           કોઈ ગોપીએ રાધાની કાજળવિહોણી આંખો જોઈ કાજળ આંજી લેવા કહ્યું તેના ઉત્તરમાં આ કાવ્ય છે. રાધાના મુખે એ અવતર્યું છે, કવિ તો જાણે નિમિત્તમાત્ર છે ! રાધા કહે છે

’લેશ જગા નહી, હાય સખીરી !

નયન ભરાયો શ્યામ’

 પોતે કેમ કરીને આંજણ આંજે? આંખોમાં જગ્યા જ નથી. ત્યાં તો શ્યામ ભરાઈને બેઠો છે.કેવી સુંદર બચાવપ્રયુક્તિ ! રાધાને જાણે અત્યારે જ ખબર પડી હોય અને ખબર પડતાં જ જાણે ફાળ પડી હોય તેમ ‘હાય, સખીરી !’ એવો ઉદ્ ગાર કરે છે. કેવું નાટક !’નયન ભરાયો શ્યામ’એમ એ કહે છે. તેમાં પણ કંઈક સમજવાનું છે. રાધા કહી શકી હોત કે ‘નયન સમાયો શ્યામ.’પણ ‘ભરાયો’ એમ કહે એટલે પોતાની અનિચ્છા છતાં જાણે પરાણે આવીને કૃષ્ણ આંખોમાં બેસી ગયો છે તેવું એ પ્રતિપાદિત કરવા માંગે છે.જે ગમે છે તેના ઈન્કારની રીત પ્રેમની ઉત્કટતાની નિશાની છે. પ્રેમનો સ્વીકાર તો યેન કેન રીતે પ્રગટી જ જાય છે. પછીની પંકતિઓ જુઓ:

‘એક ડરે હું રેખ ન ખેંચું ભલે હસે વ્રજવામ,

રખે નયનથી નીર વહે તો સંગ વહે ઘનશ્યામ;’

     રાધા કહે છે એક જ ડરથી પોતે કાજળની રેખા ખેંચવાનું ટાળે છે.વ્રજવનિતાઓને હસવું હોય તો ભલે હસે. પણ પોતે કાજળ આંજે અને કંઈક એવું બને કે આંખોમાં નીર છલકાય તો કૃષ્ણ તેની સાથોસાથ વહી જાય. આ કારણ છે કાજળ નહીં આંજવાનુંહમણાં તો ‘નયન ભરાયો શ્યામ’તેવું બોલતી રાધાને કૃષ્ણ આંખોમાંથી કોઈપણ રીતે સરકી તે મંજૂર નથી છે ને પ્રેમનો સૂક્ષ્મ એકરાર !

     રાધાને ખબર પડીકે આ તો મનની વાત કહેવાઈ ગઈ. નહોતી કહેવી અને કહેવાઈગઈ. એટલે એણે ફેરવી તોળ્યું. કૃષ્ણની કૂથલી કરવી શરૂ કરી દીધી. પ્રેમની ઉત્કટતાની આ પણ એક મુદ્રા છે. મુખથી નિંદા પણ હકીકતે તે પ્રશંસા. સાહિત્યના શાસ્ત્રીઓ એને વ્યાજસ્તુતિ અલંકાર કહે છે. ગંગા નદી વિશે કોઈ નિંદા કરે અને કહે કે ગંગામાં વિવેકભાન જ નથી. એ તો પાપીઓને સ્વર્ગમાં

 લઈ જાય છે, એવી વાત થઈ. રાધા કહે છે:

 ‘કાળા કરમનો કાળો મોહન કાળું એનું નામ,

કાજળની વળી કાળપ લાગે કરશે કેવાં કામ?’

     આપણે રાધાને પૂછીએ કે કૃષ્ણ કાળા કરમનો હોય તો એને ઠાંસી ઠાંસેને કેમ આંખોમાં ભર્યો છે? કાજળની રેખ આંકવા જેટલી પણ જગ્યા તો રહેવા દીધી નથી ! રાધાનો તર્ક તો એવો છે કે એનું નામ પણ કૃષ્ણ છે, એનાં કામ પણ કૃષ્ણ છે, કાળા છે. એના ઉપર વળી કાજળની કાળપ લાગે તો વાત ક્યાં જઈને અટકે? એ કરતાં કાજળ ન આંજવામાં જ સાર છે. ગોપીએ રાધાના અંગશોભનમાં કાઢેલી થોડીક ખોટનો રાધાએ કેવો તર્કબદ્ધ   ઉત્તર આપ્યો છે !

     એ ઉત્તર સાંભળીને તો ગોપી પણ આપણી જેમ સંમત થઈ ગઈ હશે.કે પણ એક વાત અહીં વણઉકેલી રહેશે તો ચાલશે નહીં. લાગે છે કે તો એવું કે આ કાવ્ય રાધા અને ગોપીના સાયુજ્યનું કાવ્ય છે. પણ એવું નથી. આ કાવ્ય સાયુજ્યનું નહીં , વિરહનું કાવ્ય છે, કૃષ્ણ સન્મુખ હોય તો તેને આંખોમાં સાચવી લેવાનો સવાલ આવતો જ નથી. ‘નયનથી નીર વહે’ એવા શબ્દો અહીં અમસ્તા જ નથી. તેમાં વિરહની તીવ્રતા પ્રતિબિંબિત થાય છે. કવિએ ચાતુરીપૂર્વક અહીં આંસુને બદલે નીર શબ્દ એવો શબ્દ વાપર્યો છે. જેથી કવિતા ઉઘાડી ન પડી જાય. પણ નયનથી નીર નહીં, આંસુ જ વહી શકે એ નર્યા સત્યને સમજીને ચાલીએ તો વાત તરત જ પકડાઈ જાય તેમ છે. એક બાવરી પોતાના પિયુનું જે સ્મરણ સાચવીને બેઠી છે તે સ્મરણને લગીરે ઠેસ ન વાગે અને જે કંઈ પોતાની મૂડી રોપે સંચિત છે તે પ્રેમ અકબંધ રહે તેની ખેવના આ કાવ્યમાં લાક્ષણિક રીતે વ્યક્ત થઈ છે. કાજળ અહીં આંજવા જેવી નાનકડી વાતમાં પણ પ્રેમનું કેવું અગાધરૂપ અહીં નિર્માણ પામે છે!

     સાચી કવિતા આપણને હંમેશાં આવા અગાધ રૂપનું દર્શન કરાવતી હોય છે.

***************************************************************

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Posted in miscellenous
One comment on “
  1. nabhakashdeep કહે છે:

    ભાવથી ધન્ય કરી દેતી ને સરસ તરબતર કરતું કાવ્ય વિવેચન……આપનો ખૂબ ખૂબ આભાર સાથે શેર કરીશ.. ંઆકાશદીપને આંગણે
    રમેશ પટેલ(આકાશદીપ)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 327,410 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 285 other followers

તારીખીયું
જાન્યુઆરી 2018
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ડીસેમ્બર   ફેબ્રુવારી »
1234567
891011121314
15161718192021
22232425262728
293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: