A.UPVANJAN17

28/12/2017

સંભારણા//જોરાવરસિંહ જાદવ

મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ રાજની રૈયત સાથે ગરબીની રમઝટ બોલાવી

(આનંદ-ઉપવન જાન્યુઆરી 2017/પાના 17થી 19)

     મારું માદરે-વતન (માતૃભૂમિ) ભાવનગર છે, એટલે મારા ગામની વાત કરતાં છાતી ગજગજ ફૂલે છે.-ગોપાલ પારેખ

ભારતની ધરતી માથે આઝાદીના અજવાળાં ઊતર્યાં ઈ મોર્ય સૌરાષ્ટ્રમાં થઈ ગયેલાં જાણીતા રાજકૂળોમાંનું એક મહત્ત્વનું ગોહિલ રાજકૂળ છે. ઈતિહાસના જર્જરિત પાનાં બોલે છે કે સેજકજી ગોહિલે 12મી 13મી સદીમાં ખેરગઢથી આવીને પાંચાળની ધરતી પર ‘સેજકજી’ ગામનું તોરણ બાંધી ત્યાં રાજધાની સ્થાપી. ગોહિલોની રાજધાની સમયાન્તરે ઘોઘા, ઉમરાળા અને શિહોરમાં ફરતી રહી. એ પછી પરાક્રમે અને પ્રજા વત્સલ રાજવી ભાવસિંહજીએ ઈ.સ. 1723માં ભવનગરની સ્થાપના કરી રાજધાનીનુ6 શહેર બનાવ્યું. આઝાદી પછી દેશના નાનામોટાં રાજ્યોનું ભારતમાં વિલીનકરણ થયું ત્યારે ભાવનગર પ્રથમ વર્ગનું સલામી રાજ્ય હતું. એ વખતે દસ લાખ રૂપિયાનું સાલિયાણું મળતું હતું.મારે આજે ભાવનગર રાજ્ય કે સાલિયાણાની નહીં પણ જેમની જન્મશતાબ્દી ધામધૂમથી ઉજવાઈ ગઈ એવા ભાવેણા(ભાવનગર)ના પ્રજા વત્સલ મહારાજા શ્રીમંત કૃષ્ણકુમારસિંહજીના જીવનના વણસ્પર્શ્યા પ્રસંગો અને ઘટનાઓની વાત કરવી છે.

19 મે 1912માં જન્મેલા રાજવીનું જન્મશતાબ્દી વર્ષ ઉજવવા ભાવનગર મહાનગરપાલિકાના મેયરશ્રીના અધ્યક્ષપદે નીમાયેલ મહોત્સવ સમિતિએ નિલમબાગ  ચોકમાં મહારાજા સાહેબની પ્રતિમાને ફૂલહાર કરી એક વર્ષ સુધીના કાર્યક્રમોનુ6 આયોજન કર્યું હતું. તેમના અવસાનના 48 વર્શ પછીએ પ્રજા આ રાજવીને ભૂલી નથી. એમની દિલાવરી, દાતારી સત્કર્મો, સુવહીવટ અને પ્રજા કલ્યાણની ભાવના અને સમર્પણશીલતાને આજેય સહુ યાદ કરે છે.

ભાવનગરના વિદ્વાન પ્રાધ્યાપક અને પ્રિ. ડૉ. ગંભીરસિંહજી ગોહિલ આ સત્ત્વશીલ રાજવીનું જીવનચરિત્ર તૈયાર કરી પ્રગટ કર્યું છે.

ઈ.સ. 1919 માં મહારાજા ભાવસિંહ્જીનું અકાળ અવસાન થયું ત્યારે યુવરાજ કૃષ્ણકુમારસિંહજીની ઉંમર 7 વર્ષની હતી. તેમની સગીર અવસ્થા દરમ્યાન ઈંગ્લેન્ડ ખાતેની ઉચ્ચ કારકીર્દિ જતી કરીને ભાવનગર આવેલા સર પ્રભાશંકર પટ્ટણીના અધ્યક્ષ સ્થાને રચાયેલી વહીવટી સમિતિએ રાજ્યનો કારોબાર સંભાળી લીધો.

બારતેર વર્ષની ઉંમરે ભાવનગર આવેલા ગાંધીજી સાથે કૃષ્ણકુમારસિંહજીની મુલાકાત યોજાઈ. જેમનાથી તેઓ ઘણા પ્રભાવિત થયા. દીર્ઘદૃષ્ટારાજનીતિજ્ઞ અને વિચક્ષણ બૌદ્ધિક સર પ્રભાશંકર પટ્ટણીનુ6 સાનિધ્ય અને માર્ગદર્શન તેમનું ઘડતર-બળ બની રહ્યા. રાજકોટની રાજકુમાર કોલેજમાં અભ્યાસ કર્યા પછી કૃષ્ણકુમારસિંહજીને ઈંગ્લેન્ડની વિખ્યાત પબ્લીક સ્કૂલ હેરોમાં મૂકવામાં આવ્યા. ત્યાં ત્રણ વર્ષ અભ્યાસ કરી ક્રિકેટ, ફૂટબોલ, નિશાનબાજી વગેરેનો શોખ કેળવ્યો. ઈ.સ.1931માં કૃષ્ણકુમારસિંહજી પુખ્ત વયના થતાં રાજ્ય વહીવટની ધૂરા સંભાળી લીધી. તે જ્સ વરસે ગોંડલના યુવરાજ શ્રી ભોજરાજજીનાં સુપુત્રી વિજયાબા સાથે તેમના લગ્ન લેવાયાં. વિજયાબાનાં ધાર્મિક, પ્રેમાળ, સરળ અને ઉમદા સ્વભાવે પણ તેમનાં જીવનમાં પ્રભાવક રંગો પૂર્યા હતાં એમ ડૉ.ગંભીરસિંહજી ગોહિલ નોંધે છે.

કૃષ્ણકુમારસિંહજી ઉચ્ચ વહીવટી કૂનેહ અને પ્રેમકલ્યાણની પ્રખર ભાવના ધરાવતા રાજવી હતા. પ્રજાવત્સલતાનો આદર્શ સેવનાર મહારાજા સમયાન્તરે ચાંચ બંદરના બંગલે કે ગોપનાથના બંગલે હવાફેર માટે જતા અને ત્યાં થોડા દિવસ રહીને આરામ કરતા. એ વખતે આજુબાજુ પંથકના ગામડાંમાં આકસ્મિક મુલાકાતે પહોંચી જતા. એ વખતે ગોપનાથ ઢૂંકડા એક ગામે નવરાત્રી પ્રસંગે રમાતી ગરબી, પંથકના પચાસ ગાઉ માથે વખણાય. રાજમાંથી સંદેશો ગયો કે બાપુ આઠમની રાતે તમારી ગરબી જોવા પધારે છે.

અઢારસો પાદરનો ધણી ગરબી જોવા પધારે છે એ જાણીને ગામલોકોનો આનંદ હિલોળે ચડ્યો. ગરબી ગાનારાને રમનારાઓના કેડિયાની કસો તૂટવા માંડી. એમના અંતરના આનંદમોરલાવ ટહૂકી ઊઠ્યા. ગામના ચોરાની સફાઈ થઈ ગઈ. ઢોલિયા ઢળાઈ ગયા. આણાંત વહુઓએ લાવેલી પટારામાં મૂકેલી નવીનકોર રજાઈયું પથરાઈ ગઈ. ગાદી તકિયા નંખાઈ ગયા. કુંભારો આવીને ઠંડા પાણીના ચીતરેલાં માટીના ગોળા ભરીને મૂકી ગયા. ભાવેણાના ભૂપ ગરબી જોવા પધારે છે એ વાત જાણીને અડખે પડખે ના પાંચ પચ્ચીસ ગાઉ માથે આવેલા ગામના લોકો ગાડાં, ઘોડા અને ઊંટિયા માથે સ્વાર થઈને અહીં ઊમટી પડ્યા. અવનિ માથે અંધારાના ઓળા ઊતર્યાં ન ઊતર્યાં ત્યાં કૃષ્ણકુમારસિંહજી પધાર્યા.

કટ કટ કટ પગથિયાં ચડીને ચોરે આવ્યા. પ્રજાજનોના વંદન ઝીલીને ઢોલિયા માથે બિરાજમાન થયા અને તકિયાને અઢેલીને બેઠા. સૌની ખબર અંતર પૂછતા પડખે બેઠેલા મુખીને પૂછ્યું: ‘પટેલ, શું ચાલે છે? માતાજીની ગરબી રમવા માટે તમારું ગામ બહુ જાણીતું છે એમ સાંભળ્યું છે.’

ગામના નવરાત્રી ઉત્સવની પ્રશંસા સાંભળીને ગામેતીઓના અંતરમાં આનંદના રંગ સાથિયા પુરાણા એક બે ઉત્સાહી આગેવાનો એકસાથે બોલી ઊઠ્યા: ‘જી મહારાજ ! આ ગામમાં ગરબી રમવાની પરંપરા પાંચ પાંચ પેઢીથી હાલતી આવે છે. અમારી ગરબીની તો વાત નો’ થાય. ભારે રંગત જામી જાય ઈમાંય જો માવઠાનો વરહાદ વરહી ગ્યો હોય ને પછીજુવાનિયા ગરબી રમઝટ બોલાવે ઈ બીજી ભતની હોય. ગરબી પુરી થાય ત્યાંતો ધરતી માથે વેંત વેંત ઊંડું કુંડાળું કોરાઈ જાય હો.’

મહારાજા રાજી થતાં બોલ્યા: ‘તમારાં સંપીલા ગામમાં માતાજીની માંડવડી આગળ આવી રૂડી ગરબી થતી હોય તો એમાં રમવાનો લ્હાવો આજ હુંય લઈશ.’ આવી વિસ્મયતાભરી વાત સાંભળતાં જ ગામના આગેવાનોના મોં પર આનંદ ઉચાળા બાંધીને હાલતો થયો. સૌ સ્તબ્ધ બનીને એકબીજાની સામે તાકી રહ્યા. મહારાજા ગામ આખાના લોક સાથે ગરબી રમે ઈ વાત કોઈને ગળે ઊતરતી નહોતી. એક વયોવૃદ્ધ ભાભાથી નો રહેવાણું. એ ઊભા થયા ને બે હાથ જોડીને બોલ્યા: ‘બાપુ આ તો અમારી ગામડિયા લોકની ગરબી. આપના જેવા રાજરજવાડાથી અમારા ભેળા નો’ રમાય.’

‘શું હું શક્તિની ભક્તિ કરવાને લાયક નથી ગણાતો? ’

‘અરેરે, બાપુ આ શું બોલ્યા? આવું બોલીએ તો મા ખોડિયાર અમારી જીભ જ ખેંહી લ્યે. ભાવેણાના માથે તો ખોડિયારમાના ચાર હાથ છે. માની અમીદૃષ્ટિ છે.’વૃદ્ધ ભાભા બોલી ઊઠ્યા.

‘તો વડીલ તમે આવું કેમ બોલ્યા?’

‘બાપુ !વાત જાણે એમ છે કે અમારી ગામડિયાઓની ગરબી સરખે સરખા  સમોવડિયાને રમવા માટેની હોય છે. ગરબી રમનારે સામે આવનારને  ગોઠણ સુધી નમી તાળી દઈ આગળ જવાનું. એક બીજાને પગે લાગવાનું. વરહને વચલે દાડે કંઈ મન દુ:ખ થયા હોય ઈ હંધુય ભૂલીને આનંદ માણવાની ગરબી છે. એટલે અમે ગરબીમાં ગામના વાળંદ, ઘાટઘડા કુંભાર, મેરાઈ, મોચી જેવા વસવાયાને ભેળાં રમવા દેતા નથી. કાઠી, દરબારો અને રાજપૂતોની વસતીનું ગામ છે આ લોકો સ્વપ્નામાંય કોઈની સામે ઝૂકવાનું પસંદ કરતાં નથી. આપનાથી ગામલોકો આગળ ઝૂકીને રમવાની ગરબી ન ગવાય. ’એક ગામડિયાએ પેટછૂટી વાત કરીને રહસ્ય ઉઘાડું કરી નખ્યું.

‘ભાઈ, આ તો હડહડતો અન્યાય કહેવાય. માતાજીની ભક્તિ કરતી વખતે અહંને ઓગાળી નાખવો જોઈએ. માને તો બધાં જ બાળકો સરખાં ગણાય. માડીના દરબારમાં ઊંચનીચના ભેદભાવ ન રખાય,. સૌ સરખાં ગણાય.’ આટલું બોલતા મહારાજાના મુખ પર જાણે કે વેદના લીંપાઈ ગઈ. તેઓ ગંભીર અવાજે બોલ્યા:

‘આજે મારે ગામેળું જોડે ગરબી ગાઈને ભેદની ભીંતડિયું ભાંગી નાખવી છે.’

ગામનું વસવાયું વરણ મહારાજાની મહાનતા જોઈ સ્તબ્ધ થઈ ગયું. શું ભાવેણાનો નાથ પોતે ઊઠીને આપણી સાથે ગરબી રમીને ઘૂંટણ સુધી નમીને ગરબીમાં તાળી આપશે? ધન્ય છે આવા સમદૃષ્ટિવાળા રાજવીને. વાયે અડીને વાત ગામ આખામાં વહેતી થઈ ગઈ.

સવર્ણો વસવાયાઓ જોડે ગરબી રમવાની ગડમથલ કરતા હતા ત્યારે કૃષ્ણકુમારસિંહજી એ એટલું જ કહ્યું’’: ‘ભાઈઓ, હું અઢારશો પાદરનો ધણી ઊઠીને મારી રૈયત જોડે તરોવરો કરૂં કે ઊંચક્નીચના ભેદભાવ રાખું તો એ બધા ક્યારે ઊંચા આવશે? ’રૈયત તો મારા રાજની શોભા છે. એ સૌને ભેળા લઈને હું ગરબીમાં જોડઈશ. કેડ્યેથી લળક લઈને પગ સુધી નમવામાં ભલે મને નાનપ લાગે.’

પછી તો ભાઈ ગરબીનો રંગ જામી ગયો. ગામ લોકોની સાથે વસવાયા વર્ગ હોંશભેર જોડાયો. કોઈ દિ’ ગરબીય નહીં રમનારા કે જોનારાય રંગેઅંગે ગરબી રમવા ઊતરી પડ્યા. ભાવનગરના રાજા સાથે ગરબી રમવાનો લ્હાવો કોણ જતો કરે? ઘૈડિયા વાતું કરે છે કે તે દિ’ બાપુ એક એક  ગ્રામજનના ગોઠણ સુધી નહીં પગના પંજા સુધી નીચા નમીને બબ્બે કલાક ગરબીમાં ફર્યા. ગામલોકો રાજવી સાથે ગરબી રમીને ધન્યતા અનુભવવા લાગ્યા. ગરબી પુરી થતાં પોતાને સવર્ણોમાં ખપાવતા સૌ કોઈએ મહારાજાની માફી માગી. વર્ણભેદ નહીં રાખવા બધા વચનબદ્ધ થયા. ત્યારે શ્રીકૃષ્ણસિંહજીના મુખ પર આનંદની અનેરી આભાવાળું સ્મિત રમતું હતું . અસ્પૃશ્યતા નિવારણના ઢોલ તો આપણે આજે વગાડીએ છીએ પણ પ્રજા કલ્યાણની ભાવનાવાળા ભૂપ એ કાર્ય તો વર્ષો પહેલા કરી ચૂક્યા હતા.

મહારાજાના શિક્ષણપ્રેમની એક ઘટના ‘સંકલ્પશક્તિ’એ આ મુજબ નોંધી છે. નગરવિકાસના કામો નિહાળવા અને નગરચર્ચા કરવા નીકળેલા મહારાજા સંધ્યાટાણે અંગત માણસો સાથે ચર્ચા કરતાં જઈ રહ્યા હતા. એવામાં એમની નજર એક ધૂની માણસ માથે પડી. એમને આશ્ચર્ય એટલા માટે થયું કે ધૂની જેવો જણાતો ખાદીધારી માણસ મેલાંઘેલાં નાનાં નાનાં ટાબરિયાંઓને પ્રેમપૂર્વક નવડાવી માથામાં તેલ નાખી વાળ ઓળી દેતો હતો. એને જોતાં જ મહારાજા થંભી ગયા. એમને મનમાં વીજળીના સળાવાની જેમ એક વિચાર ઝબકી ગયો.બાપુએ એમના ઢૂંકડા જઈને રાજ્યમાં સારી શિક્ષણ સંસ્થા ઊભી કરવા આર્થિક સહાય આપવાની તત્પરતા બતાવી, ત્યારે સેવાભાવી ખાદીધારી શુ કહે છે? ‘મને કોઈ સિક્ષણ સંસ્થા ઊભી કરી મોટું પદ લેવામાં રસ નથી. મને રાજ્યના પૈસાય જોતાં નથી. આપ આપવા ઈચ્છતા જ હો તો સામેની ખરાબાની જમીન મને આપો. મારે ગામના ગરીબ બાળકોને માટે એમાં હીંચકા બાંધવા છે. અને છોકરાંઓને ભેગાં કરી ધમપછાડા કરાવવા છે.’

મહારાજા આ માણસના હીરને પારખી શક્યા અને પછી બીજે દિવસે તાંબાના પતરે પડતર જમીન મહારાજા સાહેબે ‘યાવત્ ચંદ્ર દીવાકરો’

લખી આપી. એ પડતર જમીન ઉપર પાંગરેલી પ્રતિષ્ઠ સંસ્થા એટલે શિશુવિહાર-ભાવનગર. એ મહારાજાનું નામ કૃષ્ણકુમારસિંહજી. એ ભેખધારી માણસ એટલે માન. શ્રીમાનભાઈ ભટ્ટ. બેમાંથી એકેય હયાત નથી. હયાત છે પ્રજાના હ્રદયમાં એમની સ્મૃતિ.

*************************************************

 

 

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 654,662 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 277 other followers

તારીખીયું
ડિસેમ્બર 2017
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: