પુસ્તક:-મઝહબ હમેં સિખતા

આપસમેં પ્યાર કરના

લેખક :- ડો. મહેબૂબ દેસાઇ

કોમી એખલાસનું ધામ : ભાવનગર

ગુજરાત-સૌરાષ્ટ્રનાં શહેરોમાં ભાવનગરનું એક સંસ્કાર ભૂમિ તરીકે જાણીતું છે. કલા-સાહિત્ય, શિક્ષણ-વ્યાયામ, રાજકારણ જેવાં ભિન્ન ક્ષેત્રોમાં હિંદુ-મુસ્લિમની સહિયારી ભાગીદારીએ અદભુત પ્રદાન કર્યું છે. કાચચિત્રોમાં એક સમયે ભાવનગરમાં કાનજીભાઇ મોચી સાથે ઇબ્રાહીમ લાખાણી, નૂરીબહેન, ઝુબેદાબહેનનાં નામો જાણીતાં હતાં. તો સાહિત્ય ક્ષેત્રમાં કૃષ્ણલાલ શ્રીધરાણી અને ઝવેરચંદ મેઘાણી સાથે બેફામ, શાહબાજ, બરકત વીરાણી અને કિસ્મત કુરેશી જેવાં નામો પણ લોકજીભે રમતાં હતાં. શિક્ષણમાં હરભાઇ ત્રિવેદી, નાનાભાઇ ભટ્ટ સાથે વ્યાયામ પ્રવૃત્તિમાં યુવાનોમાં જાણીતા બહાઉદ્દીન શેખ અને સ્વામીરાવ જેવા નરબંકાઓના નામો ઇતિહાસનાં પાનાંઓ પર અંકિત થયેલાં છે. ભાવનગરના ઇતિહાસમાં મહેકતા આવા કોમી એખલાસને યાદ કરીએ છીએ ત્યારે એક ફકીરે ભાવનગરના દીવાન પ્રભાશંકર પટ્ટણીને આપેલી દુવા યાદ આવી જાય છે.

1902માં પ્રભાશંકર પટ્ટણી દીવાન થયા પછી એક વાર મહારાજા ભાવસિંહજી ધરમપુર ગયા ત્યાં પોલો રમતા રમતા ઘોડા પરથી પડી ગયા અને બેભાન થઇ ગયા. એ સમાચાર ભાવનગરનાં દીવાન પટ્ટણીસાહેબનેમળ્યા. પ્રભાશંકર પટ્ટણી એક એક હજાર રોકડા રૂપિયાની ત્રણ થેલીઓ લઇ ધરમપુર દોડ્યા ગયા. સંકલ્પ એવો કરેલો કે ધરમપુર ગામમાં પ્રવેશતાં જ દરબારગઢ સુધીના માર્ગમાં જે જે ગરીબ ગુરબાં મળે તેને ખેરાત (દાન) રૂપે રૂપિયા આપતા જવા. દરબારગઢના દરવાજે એક અંધ ફકીર બેઠા હતા. પ્રભાશંકરે મુઠ્ઠી ભરી તેમના હાથમાં રૂપિયા ધરી દીધા.

“યા અલ્લાહ, યે કૌન ફરિશ્તા હૈ ?” વૃદ્ધ ફકીરે પ્રભાશંકરનો હાથ પકડતાં કહ્યું. પ્રભાશંકર ઉતાવળમાં હતા એટલે બોલી ઉઠ્યા,

“બાબા, અત્યારે મને જવા દો, મારા મહારાજ બેભાન પડ્યા છે.”

ફકીરબાબાને આ વિધાન સાંભળી કંઇક અમંગલ બન્યાનો અહેસાસ થયો. અને તેઓ બોલી ઉઠ્યા,

“બચ્ચા, જા તું જિસકે પાસ જા રહા હૈ, વો તેરે જાને કે બાદ આધે ઘંટેમેં તુઝસે બાતેં કરને લગેગા.”

અને પ્રભાશંકર ઉતાવળા પગે દરબારગઢમાં પ્રવેશ્યા. જેવા તેઓ મહારાજ ભાવસિંહજીની પથારી પાસે પહોચ્યા કે ભાવસિંહજી ભાનમાં આવવા લાગ્યા. થોડી વારમાં તો પ્રભાશંકર સાથે વાતોએ વળગ્યા હતા. પોતાના મહારાજને તંદુરસ્ત જોઇ પ્રભાશંકર પટ્ટણીને પેલા અંધ ફકીરબાબા યાદ આવી ગયા. મહારાજા-સાહેબની રજા લઇ તેઓ ફકીરબાબા પાસે આવ્યા. થેલીમાંથી મુઠ્ઠી ભરીને રોકડા રૂપિયા કાઢી ફકીરબાબાને આપતા બોલ્યા,

“ફકીરબાબા, મેરે મહારાજા ઠીક હો ગયે હૈં. લિજિયે યે રૂપિયે રખીયે.”

ફકીરબાબાએ પ્રભાશંકરના હાથને અટકાવતાં કહ્યું,

“બચ્ચા, મુઝે રૂપિયા નહિ ચાહીએ, લેકીન અગર તુ માને તો મેરી એક શર્ત હૈ.”

“કહીયે ફકીરબબા.”

“તું મેરે સાથ યહ ફૂટપાથ પર બૈઠ. ઔર એ રૂપિયે જરૂરતમંદો કો બાંટ. ખુદા તેરે મહારજ કી  ઔર તેરી ઇજ્જત બઢાયેગા.”

અને ફકીરબાબાની વિનંતી સ્વીકારી ભાવનગર રાજ્યના દીવાન સર પ્રભાશંકર પટ્ટણી સિક્કાઓની થેલીઓ લઇ ફૂટપાથ પર ફકીરબાબા સાથે બેઠા. સાંજ સુધી જરૂરતમંદોને સિક્કા આપતા રહ્યા. સાંજે પ્રભાશંકરે એ અંધ ફકીરબાબાની રજા લઇ ત્યાંથી ઊઠ્યા ત્યારે ફકીરબાબાએ ખુશ થઇ દુવા દેતાં કહ્યું,

“તેરે બાદશાહ કે મુલ્કમેં ભગવાન કે ભક્ત ઔર ખુદા કે બંદે દોનોં મહોબ્બતકી મિસાલ (દષ્ટાંત) બનકે રહેંગે.”

એ ફકીરબાબાની દુવા-પ્રાર્થના ભાવનગર રાજ્યમાં ચારેકોર પ્રસરી ગઇ. કોમી એખલાસ ભાવનગરની સાંસ્કૃતિક પરંપરાનો એક અદ્રિતીય હિસ્સો બની ગઇ. તેની સાક્ષી પૂરતા મહાપુરુષો અને ઘટનાઓથી ભાવનગર નો ઇતિહાસ મિસાલ રૂપ બની ગયો છે.

ભાવનગરના બે નરબંકાઓ શ્રી સ્વામીરાવ, જેઓ ભારતના સ્વાતંત્ર્ય-સંગ્રામના ઇતિહાસમાં પૃથ્વીસિંહ આઝાદ તરીકે જાણીતા છે અને શ્રી બહાઉદ્દીન શેખ જેમના વિશે તખ્તસિંહ પરમારે લખ્યું છે,

“બહાઉદ્દીનની અટક શેખ. પૂરું નામ બહાઉદ્દીન ઉસ્માન શેખ. પણ એ મુસલમાન છે એવું કોઇ દિવસ નહોતું અનુભવ્યું. અખાડામાં કે બહાર તેમના સંસર્ગમાં હિંદુપણું કે મુસ્લિમપણું યાદ જ નહોતુ આવતું. માત્ર ભારતીયપણું જ લક્ષણમાં રહેતું, ઊપસતું. બહાઉદ્દીનભાઇના વ્યકતિત્વનું આ ન ભુલાય તેવું લક્ષણ. એ પૂરેપૂરાં રૂંવાડે રૂંવાડે હિંદી. ને એમનો શિષ્યવર્ગ હિન્દી જ રહે તેમની અસર.”

આ બંને નામો ભાવનગરના ઇતિહાસમાં ‘મિયાં-મહાદેવની જોડી’ તરીકે જાણીતાં છે. એક સમયે ભાવનગરમાં કોમી તંગદીલી વ્યાપી. ત્યારે પણ મિયાં-મહાદેવની આ જોડીએ જહેરાત કરી કે મિયાં બહાઉદ્દીન શેખ મંદિરની રક્ષા કરશે અને મહાદેવ સ્વામીરાવ મસ્જિદની રક્ષા કરશે. એ ઘટનાનો ચિતાર આપતા સ્વામીરાવ લખે છે,

“જ્યારે મંદિર અને મસ્જિદ પર હુમલો થવાનો ભય હતો ત્યારે મેં નગરજનોને વિશ્વાસથી કહ્યું કે બંને સ્થાનો પર કંઇ જ નહિ થાય. જે નવજવાનોને મેં સામાજિક કાર્યો મટે તૈયાર કર્યા હતા, તે તમામને ભેગા કર્યા. સૌ જાણતા હતા કે મારો અંગત મિત્ર મુસ્લિમ છે. અમારા વચ્ચે અનહદ મહોબ્બત છે. અમે એક જ થાળીમાં જમીએ છીએ. અને એટલે જ અમે ‘મિયાં-મહાદેવની જોડી’ તરીકે ભાવનગરમાં જાણીતા છીએ. શહેરમાં અમે જાહેર કરી દીધું કે મિયાં મંદિરની રક્ષા કરશે અને મહાદેવ મસ્જિદની રક્ષા કરશે. મહાદેવના મૃત્યુ પછી જ કોઇ જ કોઇ હિંદુ મસ્જિદમાં દાખલ થઇ શકશે. અને મિયાંના મૃત્યુ પછી જ કોઇ મુસ્લિમ મંદિરને હાનિ પહોંચાડી શકશે. મંદિર-મસ્જિદની રક્ષા કાજે મિયાં-મહાદેવ પોતાના જાનની પણ પરવા કરશે નહિ. અને અમારા સાથીઓ સાથે આખા શહેરમાં ફરતા રહ્યા. પરિણામે વાતાવરણ શાંત થઇ ગયું. અને મંદિર અને મસ્જિદ સુરક્ષિત રહ્યાં.”

ભાવનગર શહેરની આવી કોમી એખલાસની પરંપરાના કાંગરા ધર્મના નામે ક્યારેય ખંડિત થયા નથી. વર્ષોથી આંબાચોકમાં નારેશ્વર મહાદેવનું મંદિર અને જુમ્મા મસ્જિદ આવેલાં છે. નારેશ્વરના મંદિરની સંધ્યાની આરતી અને જુમ્મા મસ્જિદની મગરીબની અઝાન એકસાથે મધુર લયમાં વર્ષોથી ભાવનગરની પ્રજા માણે છે. ભાવનગર જિલ્લાના પરમ આદરણીય સંત-કથાકાર મોરારિબાપુ કથા સમયે કાસમની પાણીની પરબડી ભક્તજનોને તૃપ્ત કરવા હંમેશાં હાજર જ હોય છે. અને એ જ કથામાં પૂજ્ય મોરારિબાપુ મુસ્લિમ શાયરોની શાયરીઓ ટાંકી બંને સંસ્કૃતિઓનો અદભુત સન્વય સાધે છે ત્યારે તેમનામાં એક સાચા સામાજિક સંતનાં દર્શન સૌને થાય છે.

આવા કોમી એખલાસથી તરબતર ભૂમિ પર જ રજબલી ગુલામઅલી લાખાણી (19-9-1946) જેવો કોમી એખલાસના આશક જન્મે એ સ્વાભાવિક છે. ભાવનગરમાં 1942ની હિન્દ છોડો ચળવળમાં સક્રિય રહેલા રજબઅલી માટે પોતાના કોમી એખલાસના વિચારોને પ્રસરાવવા ભાવનગરની ભૂમિ સાંકડી લાગી અને સમગ્ર ગુજરાતને ભાઇચારાનો પાઠ  ભણાવવા અમદાવાદની વાટ લીધી. અમદાવાદમાં 1946માં ફાટી નીકળેલાં કોમી રમખાણોના અગ્નિને ઠારવા રજબઅલી અને તેમના પરમમિત્ર વસંતરાવ હેગિષ્ટ અમદાવાદની સડકો પર પ્રેમનું શસ્ત્ર લઇ ‘હિન્દુ-મુસ્લિમ ભાઇભાઇ’ના નારાઓ સાથે નીકળી પડ્યા. અને હિન્દુ-મુસ્લિમ વચ્ચેના રોષ્નો અગ્નિ ઠારવામાં બંને મિત્રોએ શહીદી વહોરી લીધી. એ દિવસ હતો 1 જુલાઇ 1946. ભાવનગરના એ સપૂતનું બલિદાન કોમી એકતા માટે સીમચિહન રૂપ છે.

ભાવનગરના શાસકોએ પણ હિંદુ-મુસ્લિમ એકતા-ભાઇચારાનાં અનેક દષ્ટાંતો પૂરાં પાડ્યાં છે. ભાવસિંહજીના માનીતા ચોકીદાર ફત્તેહખાન અને તેમના પુત્ર જમાદાર મક્કેખાનથી માંડીને કૃષ્ણકુમાર સિંહજીના વાહનચાલક કાસમ સિપાઇ સાથેનો રાજઘરાનાનો સંબંધ ઊંચનીચના ભેદભાવોથી પર હતો. જમાદાર મક્કેખાનને તો તેઓ 7 ઑક્ટોબર 1968ના રોજ 90 વર્ષ્ની વયે અવસાન પામ્યા ત્યાં સુધી જીવાઇ રૂ. એકસો રાજ્ય તરફથી ચૂકવવામાં આવતી હતી. માત્ર મુસ્લિમ કોમ પ્રત્યેજ નહિ, અન્ય લઘુમતી સમાજ પ્રત્યે પણ શાસ્કોનો પ્રેમ અદભુત હતો. તેનું ઉત્તમ દષ્ટાંત પારસી સદગૃહસ્થ ડૉ. બરજોરજી હતા. ભાવનગરના દીવાનપદ પરથી વિઠ્ઠલભાઇ રાજીનામું આપી નિવૃત્ત થયા ત્યારે ડૉ. બરજોરજીને ભાવનગરના દીવાન બનાવવામાં આવ્યા હતાં.અને ત્યારે ભાવસિંહજીના આ પગલાની પ્રજાએ પ્રશંસા કરી હતી. ભાવનગરની આ કોમી એખલાસની પરંપરા છેક બાલમંદિરનાં ભૂલકાંઓને પહોંચાડતા ઘોડાગાડીવાળા અલીભાઇઓ સુધી પહોંચે છે. વર્ષોથી ભાવનગરનાં ભૂલકાંઓને ઘોડાગાડી અને હવે રિક્ષામાં શાળાએ લઇ જતા અને સંભાળપૂર્વક ઘરે પહોંચતા કરતા મુસ્લિમ રિક્ષાચાલકો વિશ્વાસ અને પ્રેમ પર શંકા કરવી અસ્થાને છે.

આવા કોમી એખલાસના મંદિર સમા ભાવનગરમાં હિંદુ-મુસ્લિમ એકતા, એખલાસ કે મહોબ્બ્તને લૂણો લગાડતી કોઇક ઘટના ક્યારેક ઘટે છે ત્યારે પેલા ફકીરબાબાના શબ્દો યાદ આવી જાય છે,

‘તેરે બાદશાહ કે મુલ્કમેં ભગવાન કે ભક્ત ઔર ખુદા કે બંદે દોનોં મહોબ્બતકી મિસાલ બનકે રહેંગે.’

અને અનાયાસે ઘટેલી એ દુ:ખદ ઘટનાઓને હ્રદય એકાએક ભૂલી જઇ પુન: એખલાસના વાતાવરણમાં ધબકવા આતુર બની જાય છે.

(પાનાં નંબર 32 થી 35)

 

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 558,327 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
ડિસેમ્બર 2017
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: