એક ઘડી, આધી ઘડી..1

એક ઘડી, આધી ઘડી…/સંપાદન: રમેશ સંઘવી/મીડિયા પ્રકાશન

પાનું :1

સત્સંગ

લાલબહાદુરશાસ્ત્રીના પત્ની લલિતાદેવી પોતાના નોકરને, એણે કંઈ ભૂલ કરી હોવાથી, ધમકાવતાં હતાં. શાસ્ત્રીજી કહે: ‘નોકરોની સાથે વિનમ્રતાભર્યું વર્તન રાખવું જોઈએ.’ લલિતાદેવી કહે: ‘આ લોકો પર અંકુશ ન રાખીએ તો મનમાની કરવા માંડે.’ આ સાંભળી શાસ્ત્રીજી હસતાં હસતાં કહે: ‘કુદરત કો નાપસંદ હૈ સખ્તી બયાન મેં, ઈસી વજહ તો દી  નહીં હડ્ડી જબાન મેં !’

*****

એક માણસે પયગંબર સાહેબને કહ્યું: ‘હે પયગંબર, હું અલ્લાહને વાસ્તે લડાઈમાં જવા ઈચ્છું છું.’મહમદ સાહેબ કહે : ‘તારી મા જીવે છે?’

‘હા.’ બીજું કોઈ તેનું પાલન-પોષણ કરનાર છે? ‘ના’ મહમદ સાહેબ કહે: ‘તો જા, તારી માની સેવા કર. કારણકે તેના પગમાં જન્નત છે.’

સુરતા

————————————————————

મંત્ર, તંત્ર સબ જૂઠ હૈ, મત ભરમો સંસાર,

સાર શબદ જાને બિના, કોઈ ન ઉતરસિ પાર.

–કબીર

સહજો ભજ હરિ નામ કો, છોડ જગત કા નેહ,

અપના  તો કોઈ હૈ નહીં, અપની સગી ન દેહ.

–સહજો

   સુવર્ણપ્રાશ

—————————————————–

મહાવીરવાણી

*પોતાના દુરાચારથી મનુષ્યનું જે અનિષ્ટ કરે છે એવું અનિષ્ટ તો શિરચ્છેદ કરવાવાળો શત્રુ પણ નથી કરી શકતો.

*ધર્મ ઉત્કૃષ્ટ મંગલ છે. ધર્મ એટલે: અહિંસા, સંયમ, તપ.

*ધર્મનાં દસ રૂપ છે: ક્ષમા, માર્દવ, આર્જવ, સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ, અકિંચનત્વ, બ્રહ્મચર્ય.

—————————————————–

સંભાર

———————————————————–

ચમત્કારોની દુનિયામાં ભરું છું હરકદમ, સાકી !

નિહાળું છું છલકતા જામમાં જનમોજનમ સાકી !

હજારો વાર તારા મયકદાથી છૂટવા માગું,

છતાં તારા ભણી લઈ જાય છે મારાં કરમ, સાકી !

નિહાળી હર અદા, હર ચાલ, હર કાનાફૂસી તારી,

તને પહેચાનું પણ રહી જાય છે, પાછો ભરમ સાકી !

–મકરંદ દવે

*****

હું ચોર હોઉં તો, બુદ્ધના નયનમાંથી

શાંતિ ચોરી ભાગી જાઉં !

–વિપિન પરીખ

*****

તમન્નાઓમેં ઉલઝાયા ગયા હૂં,

ખિલૌના દે કે બહલાયા ગયા હૂં.

—શાહ અજીમાબાદી

સં પૃષ્ટેન તુ વક્તવ્યં

–પૂછે તો જ બોલો.

સન્મતિ

————————————————

આજનો આરંભ છે. મારી ઈચ્છા મુજબ તેનો ઉપયોગ કરવાની ઈશ્વરે મને છૂટ આપી છે. હું એનો સદુપયોગ કરું કે એને વેડફી નાખું, પણ હું જે કંઈ કરું એનું મહત્ત્વ છે.  કારણક મારી આવરદાના એક દિવસના બદલામાં હું એ વાપરી રહ્યો છું. આવતીકાલ આવશે ત્યારે આજનો દિવસ એ સદાને માટે વિલાઈ  ગયો હશે અને એને સ્થાને મેં એનો જ ઉપયોગ કર્યો હશે અને એ જ માત્ર રહી જશે. મારે એમાંથી કંઈક પામવું છે, કંઈ ખોવું નથી.કંઈક ઉત્તમ,કંઈક ઊંચું.

*******

ગુજરાતના જાણીતા લોકસેવક બબલભાઈ મહેતા પ્રતિદિન પ્રાર્થના કરતાં: ‘પ્રભુ ! દુનિયાની એક પણ વ્યક્તિ વિશે મારા મનમાં કડવાં બીજ ન રોપાય એવી પ્રેમળતા મને આપ ! ’

*******

સ્વાસ્થ્યમંગલ

ઠંડા દિમાગ !

સ્વાસ્થ્યનું એક સૂત્ર છે—માથું, મસ્તિષ્ક ઠંડું રાખો. જે દિમાગને ઠંડું રાખી શકે છે તે આનંદથી દીર્ઘજીવન જીવી શકે છે. મનુષ્ય સેંકડો વર્ષ જીવી શકે તે માટે પ્રયોગો થઈ રહ્યા છે, તેમાં એક પ્રયોગ છે: શીતલીકરણ. માણસને ઠંડીમાં જમાવીને રાખી મૂકવામાં આવે અને સો-બસો વર્ષ પછી તેને પુન: ગરમી આપી ધબકતો-જીવતો કરવામાં આવે તો ? કીડી અને અન્ય જીવો પર આવા પ્રયોગો થયા છે અને સફળતા મળી છે. એવું પણ સંશોધન થયું છે કે શરીરનો આધાર મસ્તિષ્ક છે, જો તેને ઠંડું-શીતળ રાખવામાં આવે તો વ્યક્તિ દીર્ઘાયુષી થઈ શકે છે. અકાલમૃત્યુનું એક કારણ અશાંતિ, ભય, ગરમ દિમાગ છે. દિમાગ વારંવાર થવાથી, શરીરમાં વારંવાર આગ સળગી ઊઠે છે અને આગના એ ભડકાથી આપણી કોષિકાઓ જલદી નષ્ટ થવા માંડે છે !

–યુવાચાર્ય મહાપ્રજ્ઞ

સમુલ્લાસ

પતંગિયાની પાંખો છાપે, માણસ છે બિઝનેસ કરે છે.

ઝાકળ પણ પાઉચમાં આપે, માણસ છે બિઝનેસ કરે છે.

અજવાળાનો સ્ટોક કરીને, સૂરજને પણ બ્લોક કરીને,

પોતે તડકો થઈ વ્યાપે, માણસ છે બિઝનેસ કરે છે.

સંબંધોની ફાઈલ રાખીને, ચહેરા પર સ્માઈલ રાખીને

લાગણીઓ લેસરથી કાપે, માણસ છે બિઝનેસ કરે છે.

શબ્દ શબ્દને વાટી વાટી, અર્થોનું કેમિકલ છાંટી,

જળમાં પણ ચિનગારી ચાંપે, માણસ છે બિઝનેસ કરે છે.

માગો તે ટહુકા આલાપે, માણસ છે બિઝનેસ કરે છે.

ચકમક લોઢું ઘસતાં ઘસતાં, ફૂંક લગાવી હસતાં હસતાં,

જ્યાં જ્યાં સળગે ત્યાં ત્યાં તાપે, માણસ છે બિઝનેસ કરે છે.

પોતાનું આકાશ બતાવી, સૂરજ તારા ચન્દ્ર ગણાવી,

વાદળ ફૂટપટ્ટીથી માપે, માણસ છે બિઝનેસ કરે છે.

–કૃષ્ણ દવે

******

એક વૃદ્ધ સ્ત્રીને કોઈએ પૂછ્યું: ‘ઘડપણ શું છે?’

વૃદ્ધા કહે: ‘વર્ષો તો ચામાં પડેલી ખાંડ જેવાં છે. છેક છેલ્લો ઘૂંટડો જ સૌથી મીઠો લાગે !’

==================================================

શંભુભાઈ ગારિયધારથી આવેલા. નાનાભાઈને કહે, ‘નાનાભઈ, મારાં બહેન ખાદી નથી પહેરતાં, તેમને તમારે ખાદી પહેરવાનું કહેવું જોઈએ.’

‘હું તો ઘણું સમજાવું છું, પણ માનતી નથીને.’

‘ન માને તો પણ પહેરાવઈ જોઈએ. તમારાં પત્ની તરીકે એમનાથી બીજું ન પહેરાય.’

‘શંભુભાઈ, ગાંધીજીએ મને બે ધ્વજ પકડાવ્યા છે. ખાદીનો અને સ્ત્રી-સ્વાતંત્ર્યનો. કહો તો સ્ત્રી-સ્વાતંત્ર્ય્નો ધ્વજ મૂકે દઉં.’

શંભુભાઈ શું બોલે?

તેમના ગયા પછી મારી સામું જોઈને કહે, ‘એમને કેમ સમજાવું કે ખાદી એ પહેરવાની વસ્તુ છે, પહેરાવવાની નથી.’

મારી આંખમાં વધારે જિજ્ઞાસા જોઈ હશે એટલે કહે, ‘પરાણે ધર્મપ્રચાર કરીએ છીએ, મૂર્તિ તોડીએ છીએ ત્યારે મૂર્તિમાંથી ઈશ્વર ચાલ્યો જાય છે.’ મારા મનમાં પ્રકાશ-પ્રકાશ પથરાઈ ગયો.

–મનુભઈ પંચોળી ‘દર્શક’

—————————————————————–

 

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 535,840 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
નવેમ્બર 2017
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: