શાંત તોમાર છંદ-23

SH-23

શાંત તોમાર છંદ/સંપાદન:રમેશ સંઘવી0 રમણીક સોમેશ્વર

/મીડિયા પબ્લિકેશન

આતમ કેરી વાણી વિભાગ

પાના: 46-47

=========

દોહરો

કબીરા ખડા બાજાર મેં, લિયે લૂકાઠી હાથ I

જો ઘર ફૂંકે આપના, ચલે હમારે સાથ  II

–કબીર

********

આરત

હે પરમ પ્રભુ !

અમારા વિચારોને એટલા ઉદાર કરો કે

બીજા માણસનું દૃષ્ટિબિંદુ અમે સમજી શકીએ.

અમારી લાગણીઓને એટલી મુક્ત કરો કે

બીજાઓ પ્રત્યે અમે તેને વહાવી શકીએ

અમારા મનને એટલું સંવેદનશીલ કરો કે

બીજાઓ ક્યાં ઘવાયા છે તે અમે જોઈ શકીએ.

અમારા હ્રદયને એટલું ખુલ્લું કરો કે બીજાઓનો

પ્રેમ અમે ઝીલી શકીએ.

અમારા ચિત્તને એટલું વિશાળ કરો કે પોતાના

અને પારકાના ભેદથી ઉપર ઊઠી શકીએ.

હે પરમાત્મા !

અમારી દૃષ્ટિને એટલી ઉજ્જવળ કરો કે

જ્ગતમાં રહેલાં તમારાં સૌંદર્યો અને સત્ય

અમે નીરખી શકીએ.

અમારી ચેતનાને એટલી સૂક્ષ્મ કરો કે તમારા

તરફથી અનેકવિધરૂપમાં આવતા સંકેતો પારખી

શકીએ અને તમારું માર્ગદર્શન પામી શકીએ.

(‘પરમ સમીપે’માંથી)

***************************************************

સંબંધોનું સંતુલન

આપણે આપણું જીવન મુખ્યત્વે શરીર અને મન દ્વારા જ અનુભવીએ છીએ. કેવું છે આપણું શરીર? કોઈનું ખૂબ જાડું તો કોઈનું અતિ દૂબળું, વિવિધ રોગોનું જાણે ઘર. ગેસ, અપચો, કબજિયાત, શરદી, ભૂખ ન લાગવી, ક્યાંક અતિ આહાર, ક્યાંક અનિદ્રા તો ક્યાંક અતિનિદ્રા. અને કેવું છે આપણું મન? ચિંતા, દુ:ખ, ક્રોધ, અસંતોષ, લાલસા, લોભ, ઈર્ષા, અશાંતિ, ભય, અસલામતી, તનાવ વગેરેથી ઘેરાયેલું . આ બધું હોય પછી જીવનમાં સ્વસ્થતા, પ્રાંજલતા, પ્રસન્નતા ક્યાંથી આવે.

વિમલા ઠકાર એક પ્રાજ્ઞ વિદૂષી છે. તેઓ જીવન અંગે સરસ વાત કહે છે: “નાની નાની ક્ષુલ્લક વાતોમાં મનને રોકીને માણસ એવો તો ગૂંચવાઈ જાય છે કે પછી હીરા જેવી જિંદગી ખોઈ બેસે છે. તે જીવનની સાર્થકતા પામી શકતો નથી. ખરેખરનું જીવન કઈ રીતે જીવાય ! જીવન અબઘડી છે. જીવન જીવવાનું તમે મૂલતવી રાખી શકો નહીં. જીવન એટલે સતત શીખવાની અવસ્થા. જગત સતત બદલાય છે તેથી અંતિમ ક્ષણ સુધી વાસી ન બને એ જીવન છે.”

આગળ જતાં વિમલાતાઈ સમજાવે છે કે જીવન તો સંબંધોમાં જીવવાનું છે. તેઓ કહે છે, “ પ્રત્યેક સંબંધ તમને કંઈ ને કંઈ નવું શીખવવા જ આવે છે. સંબંધને તમે એવી રીતે જીવો કે તમે ક્યાંય લપટાવ નહીં. ક્યાંય અટકો નહીં. પ્રત્યેક સંબંધ તમે નિર્મળ ચિત્તથી જીવી લો તો તમારી મુક્તિનું કારણ પણ બની શકે છે. સંબંધોમાં જ તમારી શાંતિની, તમારી સ્વતંત્રતાની કસોટી થાય છે. જીવન તો દ્વૈતનો રાસ છે. સુખ, દુ:ખ, માન-અપમાન જીવનનાં ફલક પર તો હોવાનાં જ. એમાં જો સંતુલન ન રહે તો એ શાંતિ શાની?”

સંબંધોના સંતુલનની ચાવી આપતાં તાઈ કહે છે: “ સૂતી વખતે તમારી દિનચર્યા પૂરેપૂરી તપાસી લો. રોજમેળ કાઢી લો કે ક્યાં કેવી રીતે સંતુલન ગુમાવ્યું? ક્યાં આસક્ત થયા? ક્યં ક્રોધ, લોભ, ઈર્ષ્યા ઊભા થયાં? અંદરની ગ્રંથિઓને સમજવા માટેનો આ એક અકસીર ઉપાય છે. એ જોતાં જોતાં ગ્રંથિઓની ગાંઠ ખરવા માંડશે.” નિરીક્ષણથી આ કળા શીખવા જેવી છે. ચાલો, પ્રયત્ન કરીએ.

–રમેશ સંઘવી

=============================================

પ્રેરક પ્રસંગ

ચીન દેશના તત્વચિંતક કન્ફ્યુશ્યશના આશ્રમમાં અનેક છાત્રો  અભ્યાસ કરવા આવતા. આશ્રમ છોડીને જતી વખતે તેઓ ગુરૂને એક અંતિમ પ્રશ્ન પૂછતાં, જેનું યથોચિત સમાધાન ગુરુ કરી આપે, એવી ત્યાંની પરંપરા હતી.

એક વિદ્યાર્થી ખૂબ જ હોંશિયાર અને ચપળ હતો.

તેણે ગુરુજીને ગૂંચવવાનું નક્કી કર્યું. અંતિમ પ્રશ્ન પૂછવા જતી વખતે  તેણે એક પક્ષીને પોતાના બે હાથ વચ્ચે પકડ્યું.

તેનો પ્રશ્ન હતો, “ મારા હાથમાંનું પક્ષી જીવતું છે, કે મરેલું છે.”

સંભવિત બંને જવાબો ખોટા પાડવાની શક્યતા એણે પોતાના હાથમાં રાખી. ગુરુ સમજી ગયા કે જો હું પક્ષીને જીવતું કહીશ તો એ દબાવીને મારી નાખશે અને જો મરેલું કહીશ તો હાથ ખુલ્લા કરીને ઉડાડી મૂકશે.

ગુરુ પણ આખરે ગુરુ જ હતા. એમણે બહુ માર્મિક જવાબ આપ્યો. તેમણે કહ્યું કે તારા પ્રશ્નનો જવાબ તારા હાથમાં છે. (અર્થા તું ધારીશ તો પક્ષી જીવતું રહેશે, તું ધારીશ તો મરી જશે,)

ઉપરોક્ત કથા ખુબ જ માર્મિક તેમજ સૂચક છે. કન્ફ્યુશિયસે આપેલો જવાબ સાર્વત્રિક તેમજ સનાતન છે. આપણને મૂંઝવતા બધા જ પ્રશ્નનો જવાબ આપણા હાથમાં જ છે. તેથી જ તો આપણા ઋષિમુનિઓએ સવારના ઊઠતાવેંત જ કર દર્શન (હસ્ત દર્શન) કરવાનો સૌને આદેશ આપ્યો છે.

*********

પમરાટ

સદાચારમાં ઈશ્વરના બધા

કાયદા આવી જાય છે.

*********************************************

પથ્ય

સત્ત્વવિહોણો ખોરાક જેના કુદરતી ખનિજ તત્ત્વો તથા વિટામીનો દૂર કરવામાં આવ્યા હોય, તે ટાળવો જોઈએ. ખાસ કરીને સફેદ ઝેર ગણાતાં મેંદો અને સફેદ ખાંડનો પરહેજ કરવો જરૂરી છે. કારણકે મોટા ભાગના રોગો માટે રીફાઈન્ડ સ્ટાર્ચ અને રીફાઈન્ડ સુગર જવાબદાર ગણાયાં છે. જેમાં રિકેટ્સ ઓસ્ટોમેલેસિયા, ડાયાબીટીસ, આર્થરાઈટીસ અને હ્રદયરોગોનો સમાવેશ થાય છે. પોલીશ કરેલા ચોખાને બદલે હાથછડના ચોખા, મેંદાને બદલે ઘઉંનો થૂલા સાથેનો લોટ અને સફેદ પાસાદાર ખાંડને બદલે ગોળ વાપરી શકાય.

*********

અતિ આહાર ન કરો. દુનિયાભરમાં સમૃદ્ધ સમાજમાં ભૂખમરાની સ્થિતિને લીધે ઓછા પરંતુ અતિશય આહારને કારણે જ વધુ માણસો મરે છે.ઘણાખરા ખાઉધરાઓના ખોરાકનું 1/3 એમને પોષે છે, 2/3 જેટલું પ્રમાણ એમના ડૉકટરોને પોષે છે, એમ નોંધાયું છે. ફ્રેન્ચમાં એક બહુ સાચી કહેવત છે કે, “ આપણી કબર જમવાના છરી—કાંટા તથા ચમચીથી આપણે જ ખોદીએ છીએ.

–ડૉ.એમ.એમ. ભમગરા

*********

હાસ્યોપચાર

તમે એકસો વર્ષના થયા તેના કારણમાં કંઈ કહી શકો?

–હા, કારણ એ જ કે હું સો વર્ષ પહેલાં જન્મ્યો હતો !

*******

ઈન્દ્રિયોનો નાથ મન છે, મનનો નાથ પ્રાણવાયુ છે,

પ્રાણવાયુનો નાથ લય છે,

માટે તે પ્રાણના નાથ એવા લયનો આશ્રય કરો.

–વરાહ ઉપનિષદ

==========================================

 

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,194 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
નવેમ્બર 2017
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: