ભજ ગોવિંદમ્/શંકરાચાર્ય

આસ્વાદ અને અર્થઘટન:સુરેશ દલાલ/ઈમેજ પબ્લિકેશન્સ

શ્લોક: 9

પાના: 60 થી 65

અનંતનો ગુંજારવ

સત્સંગત્વે નિસ્સંગત્વે

નિસ્સંગત્વે નિર્મોહત્વમ્

નિર્મોહત્વે નિશ્ચલચિત્તં

નિશ્ચલચિત્તે જીવન્મુક્તિ:…9…

 

સત્સંગ હોય તો અનાસક્તિ મળે. અનાસક્તિને કારણે

મોહમાંથી છૂટકારો થાય. જે નિર્મોહી થાય તેને નિશ્ચલ

તત્ત્વ મળે અને જેને એક વાર નિશ્ચલ તત્ત્વ પ્રાપ્ત થયું

એને પ્રાપ્ત થાય જીવનમુક્તિ. આ જીવનમુક્તિ માટે

ગોવિંદની આરાધના કર…9…

શંકરાચાર્ય નિર્ગુણના ઉપાસક. નર્યા અદ્વૈતવાદી, જ્ઞાનમાર્ગી. અહીં ગોવિંદની વાત કરીને સગુણ વ્યક્તિનો મહિમા સમજાવે છે. ભક્તિની વાતને એ દરેક શ્લોકને અંતે ગૂંથે છે. ઘૂંટે છે. એમની વાતમાં તર્કબદ્ધતા, તર્કસૂત્રતા અને તર્કશુદ્ધતા છે. આપણી પરંપરામાં સત્સંગનો કોઈ જુદો જ મહિમા છે. કોઈક જ માણસ પોતાને તુંબડે તરી શકે છે. હકીકતમાં તરવાનુ તો પોતાને જ તુંબડે હોય છે. પણ સાધનાના પથ પર ચાલતાં ચાલતાં જો કોઈ ગુરુ મળે, જો કોઈ પારસમણિ મળે તો ગલીકૂંચીમાંથી નીકળી જઈને આપણને ઈશ્વરનો રાજમાર્ગ મળે. ગ્રંથો ગમે એટલા વાંચો, પણ પારકાના શબ્દો આપણાં અંધારાં ઉલેચી ન શકે અને આપણે અજવાળાથી વંચિત રહીએ. ગુરુની તલાશમાં નીકળીએ પણ સાચા ગુરુ સહજ નથી મળતા, કારણ કે હોતા જ નથી. હોય છે તો વિરલ હોય છે. ગુરુ પોતે જ જો અજ્ઞાનમાં અટવાતા હોય તો શિષ્યનો ઉદ્ધાર તો એ ક્યાંથી કરી શકે? અખા જેવા કવિને પણ એવું ગાવું પડ્યું:

ગુરુ કર્યા મેં ગોકુળનાથ

ઘરડા બળદને ઘાલી નાથ

ગુરુ એ ઈશ્વરનો સંદેશવાહક છે, પન ઈશ્વર નથી. મનની ઊંચી અવસ્થાએ કશાયની આસક્તિ ન હોવી જોઈએ—ધર્મ, સંપ્રદાય કે ગુરુની પણ નહીં. ગુરુ અમુક હદ સુધી મદદ કરી શકે. આપણી આસપાસ જે કરોળિયાનાં જાળાંઓ રચાયાં છે એને વેરી-વિખેરી શકે. પ્રકાશના અવતરણ માટે આપણને સજ્જ કરી શકે. ધ્યાન અને યોગને માર્ગે લઈ જઈ શકે, પણ ઈશ્વરનો સંયોગ તો આપણા દ્વારા આપણે જ કરવાનો હોય છે. ગુરુ પથ અને દિશા બતાવી શકે, પણ રસ્તો તો આપણે જ પગલે કાપવાનો હોય છે.

એક શિષ્ય સતત ફરિયાદ કરતો હતો કે જીવનમાં બધું જ મળ્યું, પણ ક્યાંય સદ્ ગુરુ ન મળ્યા. પછી કોઈકે એને સામો પ્રશ્ન પૂછ્યો કે તું પોતે સદ્ શિષ્ય છે? તારામાં તારાપણું છે? તારી પોતાની કોઈ સજ્જતા છે? તારું કોઈ દૈવત—કૌવત ખરું? ઈશ્વર પ્રપ્તિ માટેની તારી ઝંખના કે તાલાવેલી કઈ? લોઢું હોય તો પારસમણિને સ્પર્શે કંચન થાય. પણ ચામડું જ હોય અને આપણે ચર્મઉદ્યોગમાં રચ્યાપચ્યા હોઈએ તો પારસમણિ પણ એને કાંઈ ન કરી શકે. માણસમાં પોતામાં હીર હોવું જોઈએ. ખમીર હોવું જોઈએ. સાત્ત્વિકતા માટેની અભીપ્સા હોવી જોઈએ. તળેટીમાં ભલે હોય પણ આંખ સામે શિખર હોવું જોઈએ. અખાએ તો કહ્યું કે ગુરુ થા તારો તું જ. સદ્ ગુરુ આપણી બહાર નથી.એક અવસ્થા એવી આવે છે કે જો ગુરુ ન મળે તો આપણે જ આપણો સત્સંગ કરવો જોઈએ. સત્સંગ એ બહુ મોટી વસ્તુ છે. સત્સંગ તમને આસક્તિમાંથી છોડાવે છે. આપણે આસક્તિમાં એટલા બધા રચ્યાપચ્યા ને ડૂબેલા છીએ કે આસક્તિમાંથી છૂટવું સહેલું નથી અને જે આસક્તિમાંથી છૂટે છે એને માટે દૈવી તત્ત્વ દૂર નથી. આસક્તિ લૌકિક છે. દૈવી તત્ત્વ અલૌકિક છે. આસક્તિ કોની?સૌથી પહેલાં તો આપણને આપણી આસક્તિ હોય છે. આપણી આસક્તિ એટલે આપણી કાયાની આસક્તિ. આપણને આપણા મનની માયા લાગી હોય છે. આપણે આપણા અહંકારને વળગીને બેઠા હોઈએ છીએ. અહ  આવ્યો એટલે ‘હું’ અને ‘મારું’ આવ્યું. મારી પત્ની, મારાં બાળકો, મારો ધંધો, મારો હોદ્દો, મારી સંપત્તિ, મારો બંગલો, મારો અસબાબ—આમ કાયા અને મનની માયા સાથે વ્યક્તિઓ અને અનસક્તિ કેળવવાની છે. મોહમાંથી છૂટીને નિર્મોહી થવાનું છે. જે માણસ નિર્મોહી થાય એ રાગદ્વેષથી પર થાય. મારા-તારાનાં વલણ અને વળગણથી મુક્તિ પામે. ગીતામાં પણ આ જ વાત કહેવાઈ છે. જે નિર્મોહી થાય છે એને જ કોઈ નિશ્ચલ, અવિચળ, અડીખમ, સઘન અને ગહન તત્ત્વ પ્રાપ્ત થાય છે. આ તત્ત્વ તે આપણી આસપાસના વિરોધો કે વિરોધાભાસ નહીં, પણ સૂર્ય જેવું નર્યું સત્ય. આ સત્ય સાથે જેનો નાતો બંધાયો અને અતૂટ રહ્યો એની પાસે સત્યનું સાતત્ય પણ રહે. દયારામ એટલે જ ગાય છે:

નિશ્ચેના મહેલમાં વસે મારો વાલમો

આ એ જ દયારામ છે કે જેણે વૈયાકરણોની ઠેકડી ઉડાડી અને કહ્યું: વસ્તુને શું જાણે વ્યાકરણી? જે લોકો વ્યકરણના નિયમો જાણે છે એ લોકો દયારામના ઉદાહરણ પ્રમાણે ખાંડની બરણીની બહાર ફરતી કીડી જેવા છે—વ્યાકરણીઓ બહાર ફરતા હોય એને ગળપણ શું છે એની ખબર ન પડે. એ લોકો ભાષાના નિયમો જાણે પણ ભાષાનું સર્જન ન જાણે. અખો તો આગળ વધીને એટલે સુધી કહે છે કે કહેવાતા જ્ઞાનીઓની સ્થિતિ –‘ખાતા ખાંડ ને ચાવતા રેત.’ આ નિશ્ચલ તત્ત્વનો સાક્ષાત્કાર ભક્તને માટે પણ શક્ય છે. એક વાર સાક્ષાત્કાર થયો પછી એ કોઈ મોહમાં કે જાતદ્રોહમાં નહીં પડે. એને જીવનમુક્તની દશા પ્રાપ્ત થાય. આ જીવનમુક્તિ એટલે આપણે જ ઊભાં કરેલાં બંધનોમાંથી મુક્ત થવું તે.ગળે ઘૂંટડો ઊતરે એ રીતે શંકરાચાર્ય વાતને ક્રમબદ્ધ રીતે મૂકે છે. અંતિમ ધ્યેયને પ્રાપ્ત કરવાનાં એક પછી એક પગથિયાં રચી  આપે છે. એક પરથી બીજા પગથિયા પર જવું જેટલું આસાન લાગે છે એટલું નથી. પહેલી તો સત્સંગ માટેની સજ્જતા. સજ્જતા પછીનું બીજું પગથિયું તે અનાસક્તિ. અનાસક્તિ પછી નિર્મોહીની અવસ્થા. નિર્મોહી થયા પછી સત્યનો સાક્ષાત્કાર અને એક વાર સત્યનો સાક્ષાત્કાર થાય પછી ક્યાંય અસત્ય રહે જ નહીં.

ગીત કદાચ આ વાતને સ્પષ્ટ કરે તો કરે:

હું મારા વળમાંથી છૂટી વહી રહ્યો દેવળમાં !

પર્વતની આ પીળી માયા પીગળતી વાદળમાં !

અલકમલકને દેશ મને લઈ જાય સાંજની હવા

ડાળ ડાળ પર ફૂલ ફૂલ આ લાગે રણઝણવા

કદી નહીં બંધાઉં હવે આ શિખરોની સાંકળમાં

હું મારા વળમાંથી છૂટી વહી રહ્યો દેવળમાં !

અહો ! તૃણને સરવર વ્હેતા પતંગિયાના રંગ

કશું ન લેવું મારે એનો જંપ્યો અહીં ઉમંગ

અનંતનો ગુંજારવ મ્હેકે પળના ખીલ્યા કમળમાં

હું મારા વળમાંથી છૂટી વહી રહ્યો દેવળમાં !

——————————————

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 327,410 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 285 other followers

તારીખીયું
ઓક્ટોબર 2017
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« સપ્ટેમ્બર   નવેમ્બર »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: