bhaj govindam.shlok:7

ભજ ગોવિંદમ્/શંકરાચાર્ય

આસ્વાદ અને અર્થઘટન:સુરેશ દલાલ/ઈમેજ પબ્લિકેશન્સ

શ્લોક: 7

પાના: 48

બાલસ્તાવત્ક્રિડાસક્ત-

સ્તરુણસ્તાવત્તરુણીસક્ત:

વૃદ્ધસ્તાવચ્ચિંતાસક્ત:

પરે બ્રહ્મણિ કોડપિ ન સક્ત:….7….

શૈશવનો સમય રમતમાં વીતી જાય છે. જુવાની જાય

છે યુવાન સ્ત્રીની આસક્તિમાં. વૃદ્ધાવસ્થા ચિંતનમાં. આમ

પરમ બ્રહ્મની કોઈને પણ પડી છે ખરી?

જ્યાં આસક્તિ રાખવાની હોય ત્યાં રાખતા નથી. આવી

પરિસ્થિતિમાં ગોવિંદનું ભજન એ જ સ્વજન…7…

શંકરાચાર્યની વાણી ભક્તની વાણી હોય તોપણ એની પાછળ જ્ઞાનની ભૂમિકા છે. જ્ઞાનનો ભાર હોય છે. ભક્તિનો ભાર હોતો નથી. જ્ઞાન સાથે તર્ક સંકળાય છે. ભક્તિ સાથે ભાવ સંકળાય છે. ભાવની ભૂમિકામાં સમર્પણ હોય છે. આત્મસંવેદન હોય છે. આત્મનિવેદન હોય છે. જ્ઞાનમાં ક્યાંક ‘હું જાણું છું’ નો ઘમંડ છે. ગમે એટલું જ્ઞાન હોય પણ એની એક હદ હોય છે. જ્ઞાની માણસ મુગ્ધ નથી હોતો. નિર્દોષ નથી હોતો. એ બધું જાણી જાય છે કે એની પાસે મુગ્ધતા નથી રહેતી. કવિતામાં મુગ્ધતા હોય છે. જ્ઞાન માટે કોઈ કવિતા નથી વાંચતું. કવિતા ઘણું બધું કહે છે અને છતાં કશું કહેતી નથી. જ્ઞાનનો બોજો હોય છે. એટલે એનો થાક પણ હોય છે. કવિતામાં સમજણ અને આનંદ છે, એટલે હળવાશ છે. જ્ઞાની શંકરાચાર્ય એમ ને એમ ભક્ત નહીં થયા હોય, ક્યારેક એમને જ્ઞાનની પણ નિષ્ફળતા સમજાઈ હશે. આ ભજ ગોવિંદમ્ નો ફુવારો જ્ઞાનની ભૂમિમાંથી પ્રગટ્યો છે.

આપણે જીવન જીવતા પણ નથી અને જીવનનો વિચાર પણ કરતા નથી. જો કેવળ જીવનનો વિચાર કરીએ તો એ વિચાર જ એટલો બધો સમય લઈ લે કે જીવન જિવાય નહીં. જ્ઞાન પૃથક્કરણ કરે છે. સમજણ સંયોજન કરે છે. સમજણ ત્યારે જ પ્રગટે જ્યારે તમે ઓતપ્રોત અને એકાકાર થયા હો. વ્યક્તિ કે વસ્તુની મહિતી, એજ્ઞાન નથી. વ્યક્તિ કે વસ્તુની સમજણ એ જ્ઞાનની બહારની વસ્તુ છે અને ભક્તિની અંદરની વસ્તુ છે. જ્ઞાન આંજે પણ છે અને માંજે પણ છે. ભક્તિ તમારા જીવનના પાત્રને પાત્રતા આપે છે.

આપણે નાના હોઈએ ત્યારે રમકડાંથી રાજી થઈએ. રમકડાંની દુનિયા એ કોઈ પણ દુનિયા કરતાં વધારે સાચી અને વધારે જીવંત લાગે. હમણાં એક નાનકડી છોકરીને મળ્યો હતો. એની પાસે દસ-બાર જુદી જુદી ઢીંગલીઓ હતી. દરેક ઢીંગલીનું નામ હતું. કોઈકનું નામ સોના, કોઈકનું નામ રૂપા, કોઈકનું નામ લોપા, કોઈકનું નામ ગોપા. એની પાસે એક તંબુ જેવું ઘર હતું. આ ઘરમાં એ ઢીંગલીઓને લઈ જતી અને એની સાથે વાતચીત કરતી. એની આસપાસ જીવતા જાગતા માણસો હતા, પણ એ બધા કરતાં ઢીંગલીઓ એને વધારે વ્હાલી લાગતી. બાળક પાસે વિસ્મય છે. વિસ્મયનું એક જગત છે. એનાં રમકડાં એનું સારસર્વસ્વ છે. આ રમકડાંની સૃષ્ટિ અને એની સ્મૃતિ જીવનભર એની સાથે હોય છે. પછી આપણે મોટા થઈએ છીએ. આપણે એના એ જ હોઈએ છીએ. રમકડાં બદલાય છે. બચપણમાં રમકડાં હતાં, તો યૌવનમાં એક નવું રમકડું મળ્યું અને તે સ્ત્રી. સ્ત્રી હોય તો એને માટે પુરુષ. કશું એમ ને એમ મળતું નથી. દરેકની કિંમત ચૂકવવી પડે છે. આપણે કિંમત ચૂકવીએ છીએ એ જાણતા પણ નથી હોતા. યૌવન આવ્યું એનો અર્થ એવો કે શૈશવની સાથે વિસ્મય પણ ગયો અને વિસ્મયની સૃષ્ટિ પણ જાણે કે કાયમને માટે સમાપ્ત થઈ. યૌવનને એનો નશો હોય છે. એનો કેફ હોય છે. લોહીનો ઉછાળો હોય છે. શરીર અને મનની માંગ હોય છે. શરીર અને મન એકમેકને છેડ્યા કરે છે. છંછેડ્યા કરે છે. માણસમાં પશુ જાગે છે.શરીર આદિમ અને પાશવી થઈ જાય છે. એક કવિએ કહ્યું છે એમ ‘ધ નીપલ્સ સ્ટેર લાઈક એનિમલ આઈઝ’—સ્તનની દીંટડીઓ પશુની આંખ જેમ તાકી તાકીને જોયા કરે છે. દરેક માણસે છેવટે તો મોડાં-વ્હેલાં પણ પોતામાં રહેલા પશુને અંકુશમાં લેવું જ પડે.

આ યૌવન પછી વૃદ્ધાવસ્થાનો સમય આવે છે. નરસિંહ મહેતાએ તો એક પદમાં ચિત્કાર કર્યો :ઘડપણ કેણે મોકલ્યું?—જાણ્યું જોબન રહે સૌ કાળ. બહુ ઓછી વ્યક્તિઓ વૃદ્ધાવસ્થાને સૌંદર્યપૂર્ણ કે અર્થપૂર્ણ બનાવી શકે છે. દરેકમાં એક યયાતિ બેઠો છે. દરેક જણ નર્મદની જેમ ઝંખે છે: ‘ હરિ તું ફરી જોબનિયું આપે.’ વૃદ્ધાવસ્થા એક એવી અવસ્થા છે કે બળવંતરાય ઠાકોર કહે છે એમ: ‘કશુંય નહિ કાબૂમાં, ન મન, નો’ર્મિ, દેહે નહીં.’ વૃદ્ધાવસ્થા સાથે લાચારી સંકળાયેલી છે. વિષાદ સંકળાયો છે. આંખનું તેજ ઓછું થઈ ગયું છે. નસો ઉપસી આવી છે. કાને ઓછું સંભળાય  છે. પગમાં જોમ રહ્યું નથી. નરસિંહના શબ્દોમાં ‘ઉંબરા ડુંગરા થઈ ગયા છે.’ વૃદ્ધાવસ્થા પછીની કઈ અવસ્થા છે એ માણસ જાણે છે. મરણથી ફફડતો રહે છે. આંખ સામે વૈતરણી દેખાય છે. માણસ આમ ને આમ, ચિંતામાં કંતાતો જાય છે.

શૈશવની વાત તો જુદી છે, પણ યૌવન વખતે માણસને ઈશ્વર વિશે સહેજ પણ સ્મરણ રહેતું નથી. સરતા સંસારમાં

ઈશ્વરનું વિસ્મરણ થઈ જાય છે. એ પામરતામાં એટલો આળોટે છે કે એને પરમતાનો પરિચય જ થતો નથી. એ બાહ્યસૃષ્ટિમાં એટલો અટવાય છે કે એની આંતરદૃષ્ટિનો ઉઘાડ જ થતો નથી. એની પાસે આચરણનું કોઈ વ્યાકરણ નથી. સમજણની કે શાણપણને કોઈ સંહિતા નથી. વૃદ્ધાવસ્થામાં એ ચિંતા કરે છે, પણ પ્રાર્થના કરતો નથી. ચિંતનની કોઈ ભૂમિકા નથી. સમજણનો કોઈ આધાર નથી. આખા ભવમાં એ ભાવશૂન્ય થઈને જીવે છે. પોતાની ચિંતા કરે છે, પણ ઈશ્વરની-ચિતામણિની એને કોઈ સ્મૃતિ રહેતી નથી. એની પાસે કરોળિયાનું જાળું છે, પણ મધપૂડો નથી. એનો દ્રાક્ષમંડપ સુકાઈ ગયો છે અને રુદ્રાક્ષ તરફ એની ગતિ-મતિ નથી. માણસની પ્રત્યેક અવસ્થામાં આ સ્થિતિ હોય તો અંતિમ અવસ્થામાં એ દુર્દશાથી ફફડતો જ રહેવાનો. જિંદગી આખી જેણે ફૂલોના રંગો સાથે પરિચય બાંધ્યો એ માણસ સુગંધની આત્મીયતા શી એ ક્યારેય જાણી નહીં શકે. ‘ભજ ગોવિંદમ્ ‘એ શબ્દો પોપટની જેમ રટવાના નથી હોતા. એનો મોટેમોટેથી શુકપાઠ ન હોય, પણ મૂકપાઠ હોય. ઈશ્વરનેપામવાનીએક જ ભાષા છે—અને તે મૌનની. રહસ્યમય કવિતા પણ આવા મૌનમાંથી જ પ્રગટે છે. એ શબ્દોથી ઘણું બધું કહે છે અને મૌનથી કશું  જ નથી કહેતો.

મનુષ્યની આ ત્રણ અવસ્થા કઈ રીતે સાર વિના પસાર થઈ જાય છે એનું ચિત્રણ આ રચનામાં છે. જે કદાચ મૂળ વાતને સમજવામાં ઉપકારક થઈ પડે.

રંગ રંગનાં કાગળિયાં ની કચ્ચર ઊડે

ઊડે આસપાસ

ને શ્વાસ શ્વાસમાં બૂડે–

શૈશવના એ દિવસો મારા:

પ્રકાશમાં ક્યાં ગયા પીગળી નાના નાના તેજલ તારા?

એમાં મારી

અને અમારી

આમતેમ

ને તેમ આમ

ને કેમ આમ?

ને પ્રેમ અમની થઈ રહી હરફર:

તારીખનાં કાગળિયાંની કચ્ચર કચ્ચર ઊડે

ઊડે આસપાસ

ને શ્વાસ શ્વાસમાં બૂડે–

યૌવનના આ દિવસો મારા:

બપોરના સૂરજને માટે અંધકારનાં પાણી ખારાં !

પીળાં પીળાં ખરી ગયેલાં

પાન પાનનો ચૂંથઈ ગયેલો માળો:

એમાં મારો

અને અમારો

આમ તેમ

ને તેમ આમ

ને કેમ આમ?

–ને કેમ આમ?

–પણ રઝળી રહ્યો બુઢાપો:

બેવડ વાંકા વળી જતાને, ઢળી જતાને કેમ કરીને ઝાલો?

જ્યાં

ધોળી, ભૂરી, ઊની ઊની રાખ પવનમાં ઊડે

ઊડે આસપાસ

ને શ્વાસ શ્વાસમાં બૂડે

મરણ પછીના દિવસો મારા;

મરણ પછીની રાતે

એક અભાગી,

સૂનકારની સૂકી આંખે કાંતે:

–મારા મરણ પછીની રાતે !

અંતે અવિનાશ વ્યાસની પંક્તિ યાદ આવે છે:

રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે,

મૃત્યુલોકની માટીમાંથી માનવ કહીને ભાખ્યાં રે.

—————————————

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 327,410 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 285 other followers

તારીખીયું
ઓક્ટોબર 2017
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« સપ્ટેમ્બર   નવેમ્બર »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: