gandhibapu -11

ગાંધી-બાપુ-11

(કુદસિયા જૈદીના ગાંધીબાબા નો અનુવાદ/નવજીવન પ્રકાશનમંદિર)

પ્રકરણ-11

પાના:43 થી 47

મા—“હરિ, બે જણ  વચ્ચે તિરસ્કર પેદા કરવો અને તેમની વચ્ચે ફૂટ પડાવવાનું કેટલું સહેલું અને બે જણ વચ્ચે મેળ કરાવવો અને તેમની વચ્ચે મહોબત અને પ્રેમ પેદા કરવો એ કેટલું અઘરું છે એ તું ક્યાં નથી જાણતો? મૂર્ખ હિંદુ અને મુસલમાનો પણ પોતાનો રસ્તો ચૂકી ગયા,ગાંધીજીનો પ્રેમનો સંદેશ વિસારે પાડી એકબીજા સાથે ઝગડવા લગ્યા અને થોડા જ વખતમાં સ્વતંત્રતાની મજલ નજર સામેથી ખસી ગઈ.

“હિંદુ અને મુસલમાનોને આ રીતે લડતા અને એકબીજાંનું લોહી વહેવડાવતા જોઈને મહાત્માજીના દુ:ખનો પાર ન રહ્યો. દિલ્હીમાં હિંદુઓ અને મુસલમાનો વચ્ચે આવી લડાઈ થઈ એટલે મહાત્માજી ત્યાં પહોંચ્યા અને ત્યાં તેમણે એકવીસ દિવસના આકરા ઉપવાસ કર્યા. પોતાના ઉપવાસ અને પ્રાર્થનાથી  તેઓ લોકોમાં પરસ્પર પ્રેમ જાગ્રત કરવા માગતા હતા.

“ઉપવાસના અગિયાર દિવસ તો લોકોએ જેમતેમ કરી કાઢ્યા. બારમે દિવસ દાકતરે કહ્યું કે હવે ગાંધીજી ઉપવાસ નહીં છોડે તો તેમની જિંદગીને જોખમ છે. આ સમાચાર સાંભળતાંવેંત દેશ પર જાણે અંધકાર છવાઈ ગયો. ગાંધીજીના બધા સાથીઓએ તેમ જ દાકતરે ગાંધીજીને ઉપવાસ છોડવા માટે ખૂબ દબાણ કર્યું. તે દિવસે વળી ગાંધીજીનો મૌનવાર હતો એટલે તેમણે એક ચબરખી પર લખી જણાવ્યું કે ‘ઈશ્વર પર ભરોસો રાખો, પ્રાર્થનાની શક્તિ મોટી છે.’ તે રાત ઘણી ભયાનક વીતી. બધા લોકોએ આખી રાત જાગતા રહી ઈશ્વરને ગાંધીજીની જિંદગી બચાવી લેવાને આજીજી કરી.”

હરિ—“મા, તો શું ભગવાને એ લોકોની પ્રાર્થના કાને ધરી?”

મા—“હા. તેમણે આપણા સૌની આજીજી સાંભળી. બીજે જ દિવસે સવારે મહાત્માજીની તબિયત પહેલાં કરતાં ઘણી સારી છે એવા સમાચાર દેશભરમાં ફેલાઈ ગયા. એકવીસ દિવસ પૂરા થતાં ગાંધીજીએ પારણાં કર્યાં. પારણાં વખતે તેઓ ખૂબ પ્રસન્ન જણાતા હતા !

“તે દિવસે ગાંધીજીના બધા સાથીઓ સવારે ચાર વાગ્યે ઊઠયા. ઊઠીને પ્રાર્થના કરી. બપોરે બાર વાગ્યે ગાંધીજી પારણાં કરવાના હતા. પારણાં કરતાં પહેલાં સૌથી પહેલું કુરાન વાંચવામાં આવ્યું. કુરાન વાંચ્યા પછી એક ખ્રિસ્તી મિત્રે એક ગીત ગાયું. એ ગીત પછી ગીતાનો પાઠ કરવામાં આવ્યો અને ત્યાર બાદ ગાંધીજીએ સંતરાનો રસ લઈ પોતાના ઉપવાસ છોડ્યા.

“ આ પ્રસંગે પંડિત મોતીલાલ નેહરુ, દેશબંધુ ચિત્તરંજન દાસ, મૌલાના મોહમદ અલી, હકીમ અજમલખાન તેમ જ સ્વામી શ્રદ્ધાનંદ વગેરે જે હિંદુમુસલમાન આગેવાનો હાજર હતા તેમણે ગાંધીજીને કોલ આપ્યો કે હિંદુમુસ્લિમ એકતા માટે પોતે બધું જ કરી છૂટશે. ગાંધીજીના આ ઉપવાસ પછી ઘણા લાંબા સમય  સુધી હિંદુમુસ્લિમ એકતા કાયમ રહી.

“ત્યાર પછી ગાંધીજીએ અસ્પૃશ્યતાનિવારણનું કામ ઉપાડ્યું અને સ્પૃશ્ય-અસ્પૃશ્યનો ભેદભાવ દૂર થાય તે માટે પ્રયત્નો કરવા માંડ્યા. તે  દિવસોમાં ત્રાવણકોરના બ્રાહ્મણો હરિજનોને અમુક રસ્તાઓ પરથી પસાર થવા દેતા નહોતા. આ વાત જાણવામાં આવતાં જ ગાંધીજી ત્રાવણકોર ગયા. ત્યાં તેમણે તેમનું સત્યાગ્રહનું જૂનું શસ્ત્ર ફરી અજમાવ્યું અને ત્રાવણકોરની બધી સડકો હરિજનો માટે ખુલ્લી કરાવી.

“ તે જ દિવસો દરમિયાન ગુજરાતના બારડોલી તાલુકામાં ખેડૂતો અને સરકાર વચ્ચે ઝગડો પડ્યો. ગાંધીજીને આ વાતની જાણ થઈ. સરકાર ખેડૂતો પર જુલમ કરે છે એવું જાણવા મળતાં તેમણે સરદાર વલ્લભભાઈ પટેલને બારડોલી મોકલ્યા અને તેમને ખેડૂતોની આગેવાની લેવા જણાવ્યું. કુનેહ અને અથાગ પરિશ્રમથી સરદારે સરકારને માત કરી. બારડોલીની લડતમાં ખેડૂતોની જીત થઈ.

“દેશમાં અશાંતિ સારી પેઠે વધતી જતી હતી. આખા દેશમાં ‘મહાત્મા ગાંધીજીની જય’ના પોકારો ગાજી રહ્યા હતા. હિંદુસ્તાનને સંપૂર્ણ સ્વતંત્રતા અપાવવા માટે લોકો જેલમાં જવા તેમ જ પોતાનું બલિદાન આપવાને તત્પર હતા.

“1930ની સાલમાં કૉંગ્રેસે ત્રિરંગી ઝંડાને રાષ્ટ્રધ્વજ તરીકે સ્વીકાર્યો. મહત્મા ગાંધીએ તો 1921ની સાલથી તેને રાષ્ટ્રધ્વજ તરીકે સ્વીકાર્યો હતો.

“આ ઝંડામાં ઉપરનો કેસરી રંગનો પટ્ટો બહાદુરીનું, વચ્ચેનો સફેદ પટ્ટો પવિત્રતાનું અને નીચેનો લીલો પટ્ટો શાંતિ અને ખુશાલીનું પ્રતીક છે. વચમાં જે ચરખો મૂકેલો છે તે મહેનત અને મજૂરીની કદર કરવાનો પાઠ આપે છે. આ ઝંડો કોઈ એક ધર્મ કે જાતિનો નથી પણ આમજનતાનો છે. તેને માન આપવું એ દરેક હિંદીનું કર્તવ્ય છે.

“દેશવાસીઓ આઝાદી મેળવવા માટે આતુર હતા પણ અંગ્રેજો તેમની માગણીને ઠોકરે મારતા હતા. એટલા માટે ગાંધીજી કાનૂનભંગ કરી સરકાર સામે સત્યાગ્રહ કરવા ચાહતા હતા. તેઓ એવા કાનૂનનો ભંગ કરવા માગતા હતા કે જેને તોડવાથી આમજનતાને લાભ થાય. તેમણે મીઠાના કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું. મીઠું ગરીબ તેમ જ તવંગર સૌ કોઈની જરૂરિયાતની ચીજ છે. દરિયાના પાણીમાંથી અને અમુક જગ્યાની જમીનમાંથી જેની ઈચ્છા થાય તે મીઠું બનાવી શકે. પણ સરકારે એવો કાયદો કર્યો હતો કે સરકાર સિવાય બીજા કોઈને મીઠું બનાવવાની છૂટ નથી. આથી સરકાર મીઠાના વપરાશ મારફતે મનમાન્યો વેરો વસૂલ કરી શકતી. ગાંધીજીને મતે મીઠા પરના વેરાનો બોજો અમીરો કરતા ગરીબો પર વધારે પડતો હતો. એટલા માટે તેમણે મીઠાના કાયદાને તોડવા માટેની તૈયારી કરવા માંડી અને ગુજરાતના દાંડી ગામે જઈ મીઠું બનાવવાનો નિર્ણય કર્યો. દાંડી જતાં પહેલાં તેમણે ઉપવાસ કર્યા અને અગણ્યાએંસી સાથીઓ સાથે તેઓએ સાબરમતી આશ્રમથી દાંડી જવાને કૂચ શરૂ કરી. સૌથી આગળ ગાંધીજી અને તેમની પાછળ ત્રણ ત્રણની હારમાં ચાલી નીકળ્યા. દરેક સત્યાગ્રહીએ ખભે એક લાકડી લીધી હતી અને તેને એક છેડે એક નાનો બિસ્તરો લટકતો હતો. ગાંધીજી જ્યાં જ્યાંથી પસાર થતા ત્યાં ત્યાં લોકો તેમનાં દર્શને આવતા. રસ્તાઓ પાણી છાંટીને તૈયાર રાખતા. ફૂલ અને નાળિયેરથી સૌ ગાંધીજીને વધાવતા. રસ્તામાં તેઓ રોકાતા, ભાષણો કરતા અને ઉપદેશ આપી આગળ ચાલતા. આ રીતે ચાલતાં ચાલતાં બારમી માર્ચે નીકળેલા ગાંધીજી પાંચમી એપ્રિલે દાંડી પહોંચ્યા. દાંડી ગુજરાતના દરિયાકિનારે આવેલું બંદરી ગામ છે. અમદાવાદથી બસો માઈલ છેટું છે.

“મહાત્માજીએ કાનૂનભંગ કરી મીઠું બનાવતાંની સાથે સૂતેલો દેશ જાણે જાગી ઊઠ્યો. લોકોએ ઠેરઠેર મીઠું બનાવી સવિનય કાનૂનભંગ કર્યો. સરકાર પણ તેટલી જ નિર્દયતાથી તેમના પર તૂટી પડી.

“ચોથી મેની રાતે હથિયારબંધ પોલીસોએ ગાંધીજીની ઝૂંપડીને ઘેરી લીધી. ગાંધીજી અને તેમના સાથીદારો નિરાંતે ઊંઘતા હતા તેવામાં એક અંગ્રેજ અમલદારે ગાંધીજી પર બૅટરી નાખી અને પૂછ્યું, ‘ તમે મોહનદાસ કરમચંદ ગાંધે છો?’ ગાંધીજીએ કહ્યું,’તમે મને લેવા આવ્યા છો? થોડી વાર બેસો. હું જરા હથમોં ધોઈ લઈ તમારી સાથે આવું છું.’ ગાંધીજીએ દાતણ કર્યું અને મોં ધોયું. પોલીસ અમલદાર તેમનો બિસ્તરો લઈ ઊભો રહ્યો. મોં ધોઈ લઈ ગાંધીજીએ પ્રાર્થના કરવા માટે થોડો સમય રોકાવાની રજા માગી. તેમના સાથીઓ સાથે તેમણે પ્રાર્થના કરી અને ભજન ગાવામાં આવ્યું. સૌએ એક પછી એક મહાત્માજીને પ્રણામ કર્યા. એક સિપાઈએ ખાદીના બે નાના થેલાઓ ઉપાડી લીધા. આ થેલામાં ગાંધીજીએ જરૂરી ચીજો લીધી હતી. ગાંધીજી સૌની આગળ ચાલ્યા અને લૉરીમાં બેઠા. તેમની પાછળ પોલીસો પણ લૉરીમાં ગોઠવાયા. આ રીતે રાતને વખતે પોલીસો ચોરની માફક આવ્યા અને ગાંધીબાપુને પકડી ગયા.”

હરિ—“પણ એ બધાએ બૂમાબૂમ કેમ ન કરી? બૂમાબૂમ કરત તો લોકો દોડી આવત અને તેમને પોલીસો પાસેથી છોડાવી લેત ને?”

મા—“ પોલીસ કે સરકારની સામે થવામાં હિંસા કે જબરદસ્તી કરવી પડે એવું ગાંધીજી કદી નહોતા ઈચ્છતા. એતું જાણે છે, છતાં આવો સવાલ કેમ પૂછે છે?”

હરિ—“ હા મા, એ વાત તો મને યાદ જ ન રહી ! વારુ, પણ પછી શું થયું તે તો કહે !”

————————————————–

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 327,410 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 285 other followers

તારીખીયું
ઓક્ટોબર 2017
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« સપ્ટેમ્બર   નવેમ્બર »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: