અંતિમ પર્વ –મણકો-47

(અંતિમ પર્વ:સંપાદન:રમેશ સંઘવી/મીડિયા પ્રકાશન જૂનાગઢ ફોન: 0285-2650505)

પાના:94-95

મરમ

જિતાત્મન: પ્રશાન્તસ્ય પરમાત્મા સમાહિત:

શીતોષ્ણસુખદુ:ખેષુ તથા માનાપમાનયો:

 

શ્રીમદ્ ભગવદ્ ગીતા

(હે અર્જુન) જે ઠંડી-ગરમી, માન-અપમાનને અવિચલિત રહી સહી લે છે , તેનો જ આત્મા આત્મજયી, પ્રશાન્ત અને સમાધાનવાન રહે છે, તેને પરમાત્માનો અનુભવ થાય છે.

**************

મન સબ પર સવાર હૈ, મન કે હાથ ન પાંવ

જો મન પર અસવાર હૈ, સો વિરલા કોય.

+++++++++++++++++

મૌક્તિકમ્

કાર્ય કરો તો એવી રીતે કરો કે તમે સો વર્ષ

જીવવાના છો અને પ્રાર્થના કરો તો

એવી રીતે કરો કે કાલે જ તમારું મોત થવાનું છે.

++++++++++++++++++++++++++++++

જીવન એટલે એક પછી એક બધું છોડતા જવાની કળા.

**************

સારી રીતે જીવે તે કદી ખરાબ રીતે મરે નહીં.

**********************

જીવતા રહેવાની  એક માત્ર શરત છે: મરી જવું !

************************************

જરા વિચારીએ

આપણે ત્યાં સામાન્ય રીતે કોઈનું મરણ થાય પછી શ્રદ્ધાંજલિ સભા વખતે કે શોકસભા બાદ બે મિનિટનું મૌન પાળવાનો રિવાજ છે. પણ આવું જ મૌન વ્યક્તિના મરણ પછી તરત પળાતું હોય તો કેવું સારું? રોકકળ, છાતી કૂટવી એ બધાંને બદલે ખરેખર જો એ વખતે ઉપસ્થિત તમામ વ્યક્તિઓ માત્ર બે મિનિટ માટે મૌન ધારણ કરી લે તો મરનારનો આત્મા શાંતિથી મૃત્યુના મંગલદ્વારમાં પ્રવેશી શકે.

************

ઓશો રજનીશ મોતને એક ઉત્સવ ગણે છે. રામનારાયણ પાઠક મૃત્યુમાં મંગલ જુએ છે. નર્મદે ગાયું છે: ‘નવ કરશો કોઈ શોક રસિકડાં.’ જે.કૃષ્ણમૂર્તિ તો કહે છે:’ વિદ્યાર્થીઓ થોડાક સમજણા થાય પછી એમના અભ્યાસક્રમમાં મરણનો વિષય દાખલ કરવો જોઈએ.’ વિમલા ઠકારે કહ્યું છે: ‘ઈશ્વરનો આભાર માનો કે માણસને જીવતો રાખવા માટે મૃત્યુ છે.’ ટાગોરે લખ્યું છે:’ …અને મૃત્યુમાં એ જ અજ્ઞાત પ્રગટ થશે જેને હું હંમેશાની જેમ ઓળખતો રહ્યો છું. કારણ કે મેં આ જીવનને પ્રેમ કર્યો છે અને મને ખબર છે કે મૃત્યુને પણ એ જ રીતે પ્રેમ કરીશ.’

દીવાનું તેલ ખૂટે અને દીવો બૂઝાઈ જાય એ બરાબર, પણ કોડિયામાં રહેલું તેલ ઢોળીને દીવો બુઝાવી દેવો એ યોગ્ય ન કહેવાય. આત્મહત્યા કરીને માણસ એવું જ કરે છે. લોકો જીવનથી કંટાળીને, અસહ્ય દર્દથી કે બદનમીથી બચવા આત્મહત્યા કરતા હોય છે. જે જીવ ભગવાને આપ્યો છે એ લેવાનો અધિકાર માત્ર એને જ છે. આપઘાત કરી લેવાથી મુશ્કેલીઓ, દુ:ખોનો અંત આવતો નથી.

******************

કોઈ વ્યક્તિ મરી જાય ત્યારે એની પાછળ પોક મૂકીને રડતા લોકો, મરનારનાં બે મોઢે વખાણ કરનાર લોકો ખૂબ જોવા મળે છે, પણ એ જ્યારે જીવતો હોય છે ત્યારે કોઈ તેની કદર નથી કરતું. કોઈ તેને પોરસ નથી ચડાવતું. ‘એની ખોટ ક્યારેય નહીં પુરાય.’ એવું કહેનારાઓએ માણસની હયાતીમાં એની કદર કરી હોત તો એનું મૃત્યુ સુધરી જાત અને આપણું જીવન.

રાજ ભાસ્કર

(‘મૃત્યુ: જિંદગીનો ક્લાઈમેક્સ’માંથી)

************************************

જો આપણા દરેકનાં દુ:ખો અને દુર્ભાગ્યનાં પોટલાં બાંધીને તેનો ઢગલો કરવામાં આવે અને પછી તેમંથી સહુને દુ:ખ સરખે ભાગે વહેંચી લેવાનાં હોય,તો મોટાભાગના લોકો પોતાનું અસલ પોટલું ઉપાડીને ચાલતા થાય.

સોક્રેટિસ

************************

મધુ

હું જીવનની મુશ્કેલીઓ વચ્ચે રહીશ

એની ગલી કૂંચીઓને આંતરીશ

એના સંઘર્ષમાં ભાગ લઈશ–

કોઈક રીતે, ગાતાં ગાતાં—અને

રસ્તાને છેડે પડછાયાઓ લાંબા થતા જાય

ત્યારે છેક છેલ્લા લાંબા પડચાયામાં હું ડૂબી જઈશ

ત્યારે પણ ગાતાં ગાતાં

–રોઝેલ મોન્ટગોમરી

+++++++++++++++++

તને કોણે કીધું મરણની બાદ મુક્તિ છે ?

રહે છે કેદ એની એ, ફક્ત દીવાલ બદલે છે.

અમૃત ઘાયલ

****************

મૃત્યુને ‘રાઝ’ અંત જીવનનો નહીં ગણું,

બદલે છે જીવ એ તો કલેવર નવાં નવાં.

‘રાઝ’નવસારવી

******************

સાવરે અધૂરું મારું આયખું !

હે જી એના બાકી છે રે કોડ અપરંપાર રે

ભાઈ ! એને ગગન ભરીને દીધો વાયરો

તોય એના ખૂટે છે શ્વાસ  વારંવાર રે

એવું સાવ રે અધુરું મારું આયખું.

***********************

મહેફિલ

રંજ ભી હૈ, ગમ ભી હૈ, હસરત ભી હૈ, અરમાન ભી,

ઈક જરા સે ઘર મં, તૂને કિતને મહેમાં ભર દિયે !

નાશાદ

********************************

ચેતવણીઓ

એંશી વર્ષના ડોશીમા મૃત્યુ પામ્યાં. પરલોકમાં ઈશ્વરને દોષ દેવા લાગ્યાં કે તારે થોડો વધારે સમય તો મને આપવો જોઈતો હતો ને ! એક ઘડીનીય ચેતવણી આપ્યા વિના મને બોલાવી લીધી. ભગવાન કહે: ‘માજી, એંશી વર્ષની લાંબી મુદત દરમિયાન તમને કેટલી બધી ચેતવણી આપી હતી? તમારા દાંત ગયા તે પ્રથમ ચેતવણી. પછી કાને બહેરાશ આવી એ પછી આંખે ઝાંખપ આવી,  મોં પર કરચલીઓ પડી, ઘૂંટણની મુશ્કેલી થઈ, કમર ઝૂકી ગઈ, હાથ ધ્રૂજવા માંડ્યા—કેટલી બધી ચેતવણીઓ આપી, છતાં તમ કહો છો એકેય ચેતવણી ન આપી !

********************************************

જાગૃત રહેજો !

જામનગરના વ્યાસજી(સી.આર. વ્યાસ) ના પિતાનો સ્વર્ગવાસ થયો ત્યારે અંતિમ પળોમાં વ્યાસજીએ પિતાજીને કહેલું: ‘જુઓ ભાઈ, તમે હવે માંદગીની પીડામાંથી મુક્ત થઈ રહ્યા છો. તમારી કોઈપણ ઈચ્છા હોય તો જણાવી દો એટલે કોઈ ઈચ્છાઓના બોજ સાથે સફર કરવી ન પડે. મૃત્યુ સમયે તમે જાગૃત રહેશો તો તમને મૃત્યુની મીઠાશ, મજા, મધુરતા પ્રાપ્ત થશે. તમે મૃત્યુ સમયે એકલા જ જવાના છો. સાથે આવશે  તમારાં કર્મો, પણ એનીય પક્કડ છૂટી જશે, જો તમે જાગૃત હશો. તમારી છેલ્લી પળોમાં  રહેલો આનંદ તમોને નવલું, સુંદર, શિવકારી શરીર આપશે, જેથી તમે પરમ તત્ત્વને પામી શકો. જુઓ, મૃત્યુનું મહાદ્વાર કેવું  રળિયામણું છે. મૃત્યુ એક અવસર છે. નવજીવનને નિરખવાનો અને આ શરીર ધારણ કરવાનો હેતુ પૂરો કરવાનો. મૃત્યુ તો ઊર્જાની લીલા છે. આપ તે માટે જાગૃત રહેજો.’

–પુષ્કર ગોકાણી

**********************************************

મિજલસ

1922માં થયેલ ચૌરીચૌર હત્યાકાંડથી દ્રવિત ગાંધીજીએ પોતી શરૂ કરેલી અસહકારની લડત મોકૂફ રખી. એ કારણે દેશભરમાં અને કાર્યકરોમાં હતાશા વ્યાપી ગઈ. મહાવીર ત્યાગીએ એક સભામાં ગાંધીજીની ઉપસ્થિતિમાં પોતાની નિરાશા વ્યક્ત કરતાં કહ્યું: ‘આપણા શાસ્ત્રો કહે છે વૈતરણી પાર કરતી વખતે જેઓ ગાયનું પૂછડું ઝાલી રાખે છે તેઓ પાર ઉતરી જાય છે. અમે એ જ આશાએ  ગાંધીજીનું પૂછડું પકડ્યું હતું. હવે તેઓ અધવચ્ચે અટકે તે  કેમ ચાલે?’

ગાંધીજી કહે, ‘પૂછડું તમે ઝાલ્યું હતું, પૂંછડાંએ તમને નહોતા ઝાલ્યા !’

**********************************************

 

 

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 522,834 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
સપ્ટેમ્બર 2017
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
252627282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: