અંતિમ પર્વ –મણકો-46
(અંતિમ પર્વ:સંપાદન:રમેશ સંઘવી/મીડિયા પ્રકાશન જૂનાગઢ ફોન: 0285-2650505)
પાના:92-93
મરમ
સ્વર્ગસ્થિતાનામિહ જીવલોકે ચત્વારિ ચિહનાનિ ભવન્દિ દેહે
દાનપ્રસંગો મધુરા ચ વાણી દૈવાર્ચનં બ્રાહ્મણતર્પણ ચ
ચાણક્યનીતિ
સ્વર્ગલોકમાંથી જે લોકો ભૂમિ પર મનુષ્યરૂપે અવતરેલા છે, તેમનામાં ચાર ચિહ્નો હોય્સ છે: દાન દેવું, પ્રિય વાણી બોલવી, દેવપૂજા કરવી અને ગુણકર્મથી જે બ્રાહ્મણ હોય તેમનું તર્પણ કરવું અર્થાત્ તેમને પ્રસન્ન કરવા.
લાલચ, લોભ ન મોહ, એકલભલા અનીદ
હરિજન ઐસા ચાહિએ જૈસા બનકા સિંહ
*********
મૌક્તિકમ્
કોઈ મનુષ્યને એ સુખી હતો એમ કહેવું નહીં,
એ મરી જાય ત્યાં સુધી !
સોફોક્લીસ
**************
મૃત્યુનું કારણ કોઈ રોગ કે
અકસ્માત નથી પણ જન્મ છે !
હેંરી ડેવિડ થોરો
*********** ****************
મૃત્યુ :જીવનનું સૌથી સુંદર સાહસ !—ચાર્લ્સદોહમાન
**************************
મરજીવા
ભગવાન બુદ્ધના અંતિમ દિવસો નજીક હતા. તેમણે શિષ્ય આનંદને કહ્યું:’આનંદ, હવે હું વૃદ્ધ થયો છું.’ એમણે કહ્યું:’ જેમ ઘસાયેલું ગાડું અન્યની મદદ વિના આગળ ન વધી શકે તેવું તથાગતનું શરીર થઈ ગયું છે. આનંદ, તમે જ તમારા દીપ બનીને રહો અને સત્યને છોડશો નહીં.’છેલ્લા વ્યાખ્યાનમાં કહે:’ હે ભાઈઓ, તથાગતનું અંતિમ વિલોપન ટૂંક સમયમાં થશે. જે કાયમ છે તેની ખોજ તમે કરો અને તમારા નિર્વાણ માટે પરિશ્રમ કરો.’આનંદ રડવા લાગ્યા, તો કહે: વસ્તુનો સ્વભાવ છે છૂટા પડવાનો.’ આનંદને કહે: ‘ જે ધર્મનું પાલન કરશે, તેને હમેશાં તથાગતની હાજરી વર્તાશે.’
**********************
ત્રણ શરીર
આપણને મળેલું આ માનવશરીર બાહ્ય નજરે એક હોવા છતાં એક નથી, ત્રણ છે: સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીર.
સ્થૂળ શરીર એટલે ‘હાડ ચામ, લોહી માંસ, કફ—પિત્ત, મળ-મૂત્રથી ભરેલું શરીર.’ આપણે જે દૈનિક ક્રિયાઓ કરીએ છીએ તે આ સ્થૂળ શરીર દ્વારા કરીએ છીએ. મૃત્યુ થતાં આ સ્થૂળ નિશ્ચેતન, જડ બને છે.
સૂક્ષ્મ શરીર એટલે ભાવનાઓ, ઈચ્છાઓ, વાસનાઓ, લાગણીઓ. આપણા સ્થૂળ શરીરને સૂક્ષ્મ શરીર ચેતનવંતુ રાખે છે અને તેને લીધે સુખદુ:ખદ લાગણીઓનો અનુભવ થાય છે. આ શરીર આપણી નસેનસમાં વ્યાપ્ત છેતેને પ્રાણમય શરીર કહેવાય છે.
કારણ શરીર એટલે બુદ્ધિ, વિચારો, કલ્પનાઓ, સાધના આદિ. માણસજે બૌદ્ધિક, વિચારની ક્રિયાઓ કરે છે તે આ કારણ શરીર સાથે સંબંધિત છે. કારણ શરીરમાં જીવાતું જીવન ઉચ્ચતમ, દિવ્ય છે.
મોટાભાગના મનુષ્યો મુખ્યત્વે સ્થૂળ શરીરમાં જ રહે છે. એટલે કે દેહભાવનાથી કે શરીરભાવનાથી જીવે છે. સ્થૂળ શરીર જ સર્વસ્વ છે એમ માને છે. સ્થૂળ શરીરને સારાં સારાં કપડાં ઘરેણાં, સૌંદર્ય પ્રસાધનોથી શણગારે છે. દેહાભિમાનથી ફૂલાય છે. તે કર્મેન્દ્રિયોની મદદથી સ્થૂળ શરીર પાસે શારીરિક પ્રવૃત્તિઓ કરાવે છે.
પરંતુ જ્યારે કોઈ મનુષ્ય ઈચ્છઓ કરે છે ત્યારે તે જુદી જુદી લાગણીઓ અનુભવે છે., અને કામનાઓની સૃષ્ટિમાં વિચરે છે. ત્યારે તે પોતાના સૂક્ષ્મ શરીરનો ઉપયોગ કરે છે.
એથી આગળ વધીને જ્યારે કોઈ મનુષ્ય વિચારે છે, કલ્પનાઓ કરે છે, ધ્યાન અને આત્મનિરીક્ષણમાં ઊંડો ઊતરે છે ત્યારે તે કારણ શરીરમાં રહેતો હોય છે.
જાગતો હોય ત્યારે જીવાત્મા સ્થૂળ શરીરમાં હોય છે, સ્વપ્નામાં તે સૂક્ષ્મ શરીરમાં હોય છે અને પ્રગાઢ ઊંઘમાં હોય છે ત્યારે તે કારણ શરીરમાં પહોંચી જાય છે. સ્થૂળ શરીર એ નિમ્ન કક્ષાને અવસ્થા, સૂક્ષ્મ શરીર એ ઉચ્ચતર અવસ્થા અને કારણ શરીર તે ઉચ્ચતમ અવસ્થા છે.
(’મૃત્યુ અવતાર’માંથી)
————————————————————
મધુ
જૂઠ્ઠાણાંની વચ્ચે
જીવતો માણસ
સાચું ગણશે ખરો, મરણને?
–પન્ના નાયક
*************************
આમ છે જો કે અસંભવ વાત, પણ
યત્ન તો કરિયેં, કદાચિત મન મરે !
હોય છે બહાનું ફક્ત મરનારનું–
જાય છે સહુ લોક નિજના ખરખરે !
હરેશ તથાગત
*************************
ભીતરી ગિરનારનાં કોતરગુફા ઘૂમી વળો,
કોક જનમે ચેતવેલો ક્યાંક ધૂણો હોય પણ.
–રાજેન્દ્ર શુક્લ
***********************
એન અંકાશી આવ્યાં છે નોતરાં
જીવ હવે મેલો આ ફોલવાનું ફોતરાં !
ખંખેરી ધૂળ બધી નાખો ને મેલ ચડ્યા
ધોઈ લિયો ખળખળતી ગંગમાં !
ચોખ્ખી ચણાક કરી જાતને આ ઓચ્છવમાં
અણથંભ્યા રમવા દો રંગમાં !
ઈજન આવ્યાં રે આગોતરાં,
જીવ દિયો ફંગોળી જર્જર આ જોતરાં .
–જયંત પાઠક
**********************
મિજલસ
‘મારા પાડોશીને બરાબર એક મહિના પહેલાં ખબર પડી ગઈ હતી કે એ, પોતે ક્યાં, ક્યે દિવસે અને કેટલા વાગે મરી જવાના છે!’
‘વાહ ! એ તો કમાલ કહેવાય ! શું તેઓ જ્યોતિષી છે?’
‘ના, જજસાહેબે કહેલું !’
++++++++++++++++++++++
કબરમાં જ શાંતિ !
એક વેપારી પાસે 150 ઊંટ સામાનથી લાદેલાં હતાં અને 40 જેટલા સેવકો હતા. તે વેપારી પાસે એક મુસાફર મહેમાન બનીને રહ્યો. વેપારી પોતાની બડાઈ મારવા લાગ્યો:’ મારો આટલો સામાન તુર્કસ્તાનમાં છે. આટલો સામાન ફલાણા શહેરમાં છે. આટલી મોટી જાગીર છે, હજુ વેપાર વધારવો છે. હજુ ખૂબ ધન ભેગું કરવં છે અને પછી એકાંતમાં શાંતિથી રહેવાનું મન છે. અત્યારે તો મારા ઉપર કામનો બોજો એટલો બધો છે કે હું શાંતિથી રહી જ શકતો નથી.’
આ સાંભળી મુસાફર કહે:’મનની તૃષ્ણાઓ શાંતિથી રહેવા જ દેતી નથી. તેને તો કાબરની મટી જ શાંતિ આપી શકે.’
++++++++++++++++++++++++++++++++++++++++++++++
મૃત અને જીવિત
જીવન એક શાશ્વત પ્રવાહ છે. પણ આપણે આ સચ્ચાઈ અનુભવી નથી શકતા એટલે મૃત્યુ પર શોકાકુળ બની જઈએ છીએ. તેઓ મૃત્યુને જીવનનો અંત માની લે છે અને તેથી દુ:ખી થાય છે.
એકવાર ગુર્જિએફના એક શિષ્યનું મૃત્યુ થયું. ગુર્જિએફ એ શિષ્યને ઘેર ગયા, અને જુએ છે તો શિષ્યની લાશ પડેલી છે અને પરિવારજનો જોર જોરથી રડે છે. ગુર્જિએફે બધાંને શાંત થવાનુ6 કહ્યું: અને પૂછ્યું:’ આ આદમી જીવે છે કે મરેલો છે? ‘ આ સવાલથી બધા આસ્શ્ચર્યચકિત થઈ ગયા. લોકો કહે:’અરે !લાશ સામે જ તો પડી છે, તેમાં પૂછવાની ક્યાં વાત છે?’
ગુર્જિએફ કહે: ‘જુઓ, તમે એટલું પણ નથી જાણતા કે જે મૃત હતો તે મૃત છે અને જે જીવિત હતો તે અત્યારે પણ જીવિત છે. બસ બંનેનો સંબંધ તૂટી ગયો.’
વસ્તુત: જે જીવનની સચ્ચાઈ નથી સમજતા તેઓ જ મૃત્યુને જીવનનો અંત કહે છે. જન્મ જીવનની શરૂઆતનથી, અને મૃત્યુ તેનો અંત નથી. જીવન તો જન્મ અને મૃત્યુની અંદર પણ છે અને બહાર પણ છે, અને મૃત્યુ પછી પણ છે. આત્માનાં જન્મ-મૃત્યુ નથી. એ તો નિત્ય, શાશ્વત, અવ્યય, અ-ક્ષત છે.
*************************************************
પ્રતિસાદ આપો