મરમ

વિજ્ઞાનસારથિર્યસ્તુ મન: પ્રગહયાન્ નર:

સોડધ્વન: પારમાપ્રોતિ તદ્ વિષ્ણો: પરમં પદમ્

કઠોપનિષદ

દેહરૂપી રથ પર બેઠેલા જે મનુષ્યનો સારથિ વિવેકબુદ્ધિ છે અને તેના મનરૂપી લગામ પર પૂરો કાબૂ છે, તે જ મનુષ્યસંસારરૂપી (દુર્ગમ) માર્ગને પાર કરી વિષ્ણુ (સર્વવ્યાપી પરમાત્મા) ના પરમ પદને પ્રાપ્ત થાય છે.

મન પંછી ભટકત ફિરૈ, વિષય વાંચાના માંય,

જ્ઞાન બાજ કી ઝપટમેં, જબ લગ આયા નાંય.

*********

નારી

એના દેહને ચિતા પર અગ્નિદાહ દેવા મૂકાશે ત્યારે વ્યથિત અગ્નિ ચીસ પાડી ઊઠશે–

અરે ! આનુ હું શું બાળું ?

આ તો પહેલેથી જ બળી ચૂકેલ છે !

તેના દેહને દફનાવવા એકાદ ખાડામાં

ઊતારવામાં આવશે ત્યારે

ચિચિયારી પાડતી ધૂળ ઊડી જતાં કહેતી જશે–

અરે ! આને હું શું દફનાવું ?

આ તો અહીં આવતં પહેલાં જ

ક્યારની ધૂળ થઈ ગઈ હતી !

જે દીકરી, બહેન, પત્ની અને માતાનો દરજ્જો

ભોગવતી હતી તે શું ક્યારેય સ્ત્રીની જેમ

જિંદગી જીવી શકી છે ખરી ?

***********

     મૌક્તિકમ્

જે માણસને નચિંત મોત જોઈતું હોય તેણે  જિંદગી

દરમ્યાન જ તે દિવસ માટે તૈયારી કરવી જોઈએ.

******

જગતમાં નેક જીવન ગુજારવું અને સુખી મોત આણવું     એના જેવી મુશ્કેલ બીજી કોઈ વિદ્ય નથી.

સેનેકા

——————————————

મૃત્યુ રસિકતાથી માણો

મૃત્યુ કોઈને સમેટવા માટે સમય નથી આપતું. આવીનેઊભું જ રહી જાય છે. તમને હાથ પકડીને લઈ જાય છે.એ ઘડી બેઘડી રોકાવા તૈયાર જ નથી.આવું મૃત્યુ તમારા દરવાજા પર નિરંતર ઊભું જ છે, એવો ખ્યાલ રહે તો બાકી બધું સુલભ છે.

સંસારમાં કોઈ પણ વસ્તુ કાયમી નથી.તે છોડવી તો પડે જ છે. સમજીને ન છોડે તો કુદરત તેને ફરજિયાત છોડાવે છે. લોલુપતાથી ખરડાયેલું ચિત્ત દુ:ખનો અનુભવ કરીને તે સહેજે છૂટી જાય છે. કર્તુત્વભાવ ન રાખે તે માણસ મનથી મુક્ત રહે છે, સદા સંતોષી અને આનંદીત રહે છે. કુદરતમાં કેટલી નિ:સ્પૃહતા છલકે છે? વસંત આવે છે અને આખીયે સૃષ્ટિ ખીલી ઊઠે છે…જેવી આવે છે  તેવી ચાલી પણ જાય છે. અપેક્ષા એ બંધન છે. અલોલુપતા એ મુક્તિ છે.

જેવું જ્યારે મળે છે ત્યારે રસિકતાથી તેનું સેવન કરો. આજ સનાતન શાશ્વતી બનીને વર્તમાન ઊભું છે. આસક્તિ તો કાલ માટે છે, મનુષ્યે રસિકતાથી જીવવાનું છે.કાલે મરવું છે, પરંતુ આજે જે અન્ન સામે આવ્યું તેમાંથી જે અનુકૂળ પડે તે લઈ લો. જીવનસાધક રસિક હશે. મૃત્યુનું ભાવી હોવાથી જીવનની પળેપળને ખૂબ આનંદથી લૂંટો.  મૃત્યુની ઉપસ્થિતિનું ભાન વર્તમાનમાં જીવવા માટે શતગુણી શક્તિ આપે છે. મૃત્યુની સભાનતા મનુષ્યને રસિક અને અપ્રમાદી બનાવે છે. એ મનુષ્યને ન તો ભોગપરાયણ કે ન તો ત્યાગપરાયણ બનાવે છે.

મહાવીર સ્વામી ગૌતમને હમેશાં એ જ કહેતા કે પળભરનો પણ પ્રમાદ ન કરો. કોને ખબર છે કે આવતી પળ તમે છો કે નહીં. એક પળ જે હાથમાં આવી છે, તેને પૂરી રસિકતાથી જીવી લો. પ્રાત:કાળ થાય છે અને પ્રભુ ચોવીસ કલાકના ચોવીસ હીરા તમારા પાલવમાં નાખી દે તો એ હીરાને કથીર કાં બનાવવા?

વિમલા ઠકાર

******************

   મધુ

ન ઈચ્છું મૃત્યુ હું જગત મહીં વિખ્યાત બનીને

ભલેને ના જાણે મરણ સમયે કોઈ મુજને,

ભલેને ના કહેતા વિબુધ કવિ ને પંડિત ગણો,

અને છો એ કહેતા ,અક્કલહીન મૂરખ મરી ગયો.

પ્રભો ! ઈચ્છું હું કે જવ તન થકીપ્રાણ નીકળે,

બધાં શસ્ત્રોસ્ત્રોને બખતર ધર્યા હોય બદને

ભરેલું હો આગે કદમ, નીરખી તે જન કહે :

‘સિપાહી કો સૂતો, જીવનભર જુદ્ધે ઝગડીને.’

હરિહર ભટ્ટ

——————————————–

બની પાળિયા પાદરે જીવવાનું,

થઈ ચાડિયો ખેતરે જીવવાનું.

ચડી ચારને કાંધે ઊપડી જવાનું,

છબીમાં ટીંગાઈ ઘરે જીવવાનું.

ઊંચી આંખની છોડવાની અટારી,

સ્મરણ પર ચડી અંતરે જીવવાનું.

’કિસ્મત’ કુરેશી

******

તુજ જોર જવાની તણું, કોણ જાણે ક્યાં જશે?

થપ્પડ પડે જ્યાં કાળની, બકરી સમો તું થઈ જશે,

મરદાઈનો ગૃહસ્થાઈનો, ફાંકો બધો ઊતરી જશે,

અરે રે માનવ ! તારું તનડું કોડીમૂલનું થઈ જશે.

પુનિત મહારાજ

**********

    મિજલસ

શિક્ષકે વિદ્યાર્થીને પૂછ્યું: ‘કોઈ સ્વજનની સ્મશાનયાત્રામાં માણસ જાય છે ત્યારે સ્મશાનમાં બળતી ચિતા જોઈને વૈરાગ્યનો દીવડો પ્રગટી ઊઠે છે. પરંતુ સ્મશાનમાંથી બહાર નીકળતાની સાથે જ એ દીવડો ઓલવાઈ જાય છે, તેનું શું કારણ?

એક વિદ્યાર્થીએ જવાબ આપ્યો: ‘સર, એ દીવડાને સ્મશાનની આબોહવા જ માફક આવે છે !’

આચાર્ય મુક્તિવલ્લભસૂરી

***************************

મારું ખેતર તો પાસે જ છે !

ગુરુ નાનક એક વખત હરદ્વારમાં હતા. ત્યાં મોટો મેળો હતો. કેટલાક લોકો ગંગા નદીનાં પાણીમાં પૂર્વ તરફ ઊભા રહી પિતૃઓને પાણીની અંજલિ આપતા હતા. આ  જોઈ ગુરુ નાનકે પશ્ચિમ તરફ મોઢું રાખી ખોબલે ખોબલે પાણી દેવા માંડ્યું. આ જોઈ પાએ ઊભેલા પંડાઓ પૂછવા લાગ્યા:’અલ્યા, આ શું કરે છે?’ નાનક કહે મારા ગામના ખેતરને પાણી પાઉં છું.’ પંડાઓ કહે:’અલ્યા બેવકૂફ, ગામના ખેતરને અહીંથી પાણી કેવી રીતે મળે?

ગુરુ કહે:’કેમ? જો તમે લોકોના પિતૃઓને સ્વર્ગ સુધી પાણી મોકલાવી શકો છો, તો મારું ખેતર પાસે જ છે !ત્યાં તો પાણી પહોંચે જ ને?’

*************

માસ્ટર સ્ટ્રોક : મૃત્યુ

દુનિયાનો સૌથી સારો સંચાલક ઈશ્વર છે. એણે પૃથ્વીની રચના કરી, માણસોની રચના કરી, ઝાડ-પાન, ફળ—ફૂલ, નદી—નાળાં પશુ-પક્ષીની રચના કરી અને આ તમામના જીવનનું સંચાલન  કરે છે. પણ સંચાલનમાં એણે મૃત્યુ નામે એક શરત ઉમેરીને માસ્ટર સ્ટ્રોક માર્યો છે. જો મૃત્યુ જ ના હોત તો એની બધી રચનાઓ વ્યર્થ જાત અને પૃથ્વી પર અંધાધૂંધી ફેલાઈ જાત.

વિચાર કરો કે જો ઈશ્વરે મરણની રચના જ ના કરી હોત તો આજે આપણાં દાદા-દાદી, એમનાં દાદા-દાદી , એમનાંય દાદા-દાદી અને એમનાંય પૂર્વજો જીવતાં હોત. આપણા જ નહીં આખી દુનિયાની તમામ પેઢીઓ જીવતી હોત ! જો આવું થાત તો પૃથ્વી પર જીવવાનું કેટલું અઘરું થઈ પડત !કેવી મોટી અવ્યવસ્થા ઊભી થાત ! ઈશ્વરનો આ માસ્ટર સ્ટ્રોક છે.

રાજ ભાસ્કર

——————————————-

મહેફિલ

અગર હૈ શૌક મિલને કા તો હરદમ લૌ લગાતા જા,

જલાકર ખુદનુમાઈ કો, ભસમ તન પર લગાતા જા.

મન્સૂર

**********************************

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 654,662 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 277 other followers

તારીખીયું
સપ્ટેમ્બર 2017
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
252627282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: