અંતિમ પર્વ:મણકો 43
(અંતિમ પર્વ:સંપાદન:રમેશ સંઘવી/મીડિયા પ્રકાશન જૂનાગઢ ફોન: 0285-2650505)
મરમ
નિર્માનમોહા જિતસંગદોષા અધ્યાત્મનિત્યા વિનિવૃતકામા:
દન્દ્વૈર્વિમુક્તા: સુખદુ:ખસંગૈ ર્ગચ્છન્ત્યમૂઢા: પદમવ્યયં તત્
શ્રીમદ્ ભગવદ્ ગીતા
જે મનુષ્યો માન અને મોહથી રહિત છે,જેમણે આસક્તિરૂપ દોષને જીત્યો છે, જેઓ કામનાઓ છોડીને નિત્ય આત્મ્સ્વરૂપ ચિંતનમાં રહે છે, જેઓ સુખદુ:ખ વગેરે દન્દ્વોથી પર થયેલા છે, તેવા વિવેકીજનો તે અવિનાશી પદને પામે છે.
બન જ અવધૂતા,અવધૂતા, શોક મોહ અતીતા,
કર્તા ભર્તા હર્તા સાહેબ, ક્યોં મૂરખ રહેતા?
આપ કરમસે આપ બંધાયા, પલ રોતા, પલ હંસતા
દૂર દેશ હૈ તેરા પ્યારે, ક્યો& ગાફિલ જબ ફિરતા?
રંગ અવધૂત
00000000000
અમારે ત્યાં રિવાજ છે !
દીકરીને અગ્નિદાહ આપ્યો,
ત્યારે ઈશ્વરને બે હાથ જોડી કહ્યું હતું:
’સાસરે વળાવતો હોઉં, એવી જ રીતે
મારી દીકરીને વિદાય કરું છું, ધ્યાન રાખીશને એનું?’
લાગ્યું કે ઈશ્વરે વેવાઈપણું સ્વીકારી લીધું…!
દીકરી વિનાનું ઘર આજે દસ દિવસનું થયું,
પત્નીની વારે વારે ભરાઈ આવતી આંખો–
છેલ્લા દસ દિવસથી એકદમ વ્યવસ્થિત રહેલા દીકરીના
ડ્રેસીંગ ટેબલ અને તેનો વોર્ડરૉબ પર ફરી વળે છે.
હું પણ ત્યાં જોઉં છું અને એક નિસાસો નખાઈ જાય છે.
ઈશ્વર ! દીકરી સોંપતા પહેલાં
મારે તારા વિશે તપાસ કરવાની જરૂર હતી.
કન્યાપક્ષના રિવાજોને તારે માન આપવું જોઈએ,
દસ દિવસ થઈ ગયા, અને અમારે ત્યાં
પગફેરાનો રિવાજ છે…!(ટૂંકાવેલું)
એષા દાદાવાળા
0000000
ઊઘડતાં દ્વાર અંતરનાં
કશુંજ આકસ્મિક નથી. સમગ્ર જીવનમાં એક સંપૂર્ણ યોજના અને આકાર રહેલાં છે. તમે એ સમગ્રતાનો ભાગ છો. અને એટલે એ પૂર્ણ યોજના અને આકૃતિનો પણ ભાગ છો. તમારા જીવનમાં તમે વિચિત્ર ઘટના બનતી જુઓ અને આવું શા માટે બનવુ6 જોઈએ એમ થાય ત્યારે શાંત સ્થિર ચિત્તે બેસો અને જુઓ કે એ બધું કેવુ6 બંધ બેસે છે ! તમને દરેક બાબત માટેનું કારણ દેખાશે. એ કારણો તને અપેક્ષા રાખી હોય તેવાં હમેશાં નહીં હોય, એમ છતાં એને સ્વીકારવા અને એમાંથી શીખવા તૈયાર રહો. એની સામે સંઘર્ષ ન કરો. જીવન આયાસરહિત હોવું જોઈએ. સૂર્યનાં કિરણોમાં ઊઘડવા માટે ફૂલ સંઘર્ષ નથી કરતું. તો તારા અસીમ પ્રેમનાં કિરણોમાં ઊઘડવા માટે તમારે શા માટે મથામણ કરવી જોઈએ? તમે જો એવું એવું કરો તો તે તમારું પોતાનું કર્તૃત્વ છે , તમારે માટે મેં જે સંપૂર્ણ આકાર અને યોજના ઘડ્યાં છે તેનો એ ભાગ નથી.
000000000
‘જેવું તમે આપશો, તેવું તમે પામશો.’ આ ફક્ત શબ્દો નથી, આ કાનૂન છે. તમે આ શબ્દોને જીવો, એમને કાર્યમાં ઉતારો. ત્યારે તમને ખ્યાલ આવશે કે એ કેવી અદ્ ભૂત રીતે કામ કરે છે.તમને જણાશે કે તમારી પાસે જે હોય તે આપવાનું તમે શરૂ કરો કે તમને વધારે ને વધારે આપવામાં આવશે. કશાનો ભય ન રાખો, કશું પકડી ન રાખો., માત્ર આપો અને આપતા જ જાઓ. એક ખુલ્લું ઉદાર હ્રદય સઘળું શ્રેષ્ઠ પોતાની તરફ ખેંચી લાવે છે. તમારું હ્રદય ખુલ્લું અને ઉદાર થવા દો. જેથી કશું પકડી રાખવાપણું ન રહે. નિરંતર આપવાની ભાવના સેવો. તમારી પાસે આપવાનું શું શું છે તેનો અંદાજ કાઢો અને પછી એ આપો. ભલે એ ગમે તે હોય; કારણકે પ્રત્યેક ભેટ જ્યારે ધરવામાં આવે છે ત્યારે તે સમગ્રને પરિપૂર્ણ કરવામાં સહાય કરે છે. કોઈ બીજું તમારી પાસેથી તમારી ભેટ બહાર કઢાવે એવી અપેક્ષા રાખતાં નહીં. તમારી પાસે જે હોય તે રાજીખુશીથી બસ આપો. જેમ જિગસો પઝલનો ટુકડો યોગ્ય જગ્યાએ ગોઠવાય ત્યારે આખું ચિત્ર સંપૂર્ણ બને છે તેમ, તમારું આપવું પણ સમગ્રમાં ક્યાં બંધ બેસે છે તેનો તમને પોતાને ખ્યાલ આવશે.
એઇલીન કેડી(અનુવાદ: ઈશા કુન્દનિકા)
000000000
મૌક્તિકમ્
જેને પવિત્રતાથી અને સુખે મરવું હોય તેણે
આ દુનિયામાં આંસુઓ, નમ્રતા, એકાંતવાસ
અને પશ્ચાત્તાપ સાથે મહોબત રાખવી.
જે.ટેલર
———–
ઊંઘ ટૂંકું મરણ છે, તો, મોત એ લાંબી ઊંઘ છે.
ફિનિયસ ફલેચર
——————
મધુ
સ્મરણો ભીંજવે હૈયું, ને હૈયું ભીંજવે આંખ
હવે તો રહ્યો કેવળ , તમારી યાદોનો સંગાથ.
——————-
જુદી જિંદગી છે મિજાજે મિજાજે
જુદી બંદગી છે નમાજે નમાજે
છે એક જ સમંદર, થયું એટલે શું?
જુદા છે મુસાફર જહજે જહાજે.
મનુભાઈ ત્રિવેદી
000000000000
કોણ ડરે મૃત્યુથી ? જેણે જીવન જીવ્યું મડદા જેવું.
ભક્તિનું ભાથું નવ બાંધ્યું, સાથ નથી કંઈ લેવા જેવું.
રાગદ્વેષમાં જીવન વીતાવ્યું, લાગ્યું ના કંઈ કરવા જેવું.
જગની જંજાળમાં કંઈ ના લીધું, પ્રભુપાદે ધરવા જેવું.
પ્રભુસર્જિત આ માનવ જ્યારે, રડતાં રડતાં મરતાં જોયો,
ત્યારે સત્ય હકીકત કહું છું, ઈશ્વરને મેં રડતાં જોયો !
000000000000
મહેફિલ
જો મિટાતે હૈ ખુદકો જીતે જી
વો મરકર ભી જિંદા રહતે હૈ.
——————–
મૌત કા એક દિન મુઐયન હૈ,
નિંદ ક્યોં રાતભર નહીં આતી !
ગાલિબ
————————————
સ્વર્ગ અને નરક
કોઈ ભકતજનને એક દિવસ સ્વપ્નું આવ્યું. સ્વપ્નમાં એણે એક સાધુને નરકમાં જોયો અને રાજાને સ્વર્ગમાં જોયો ! સવારે તે જાગ્યો ત્યારે સ્વપ્નાથી તેને આશ્ચર્ય થયું. તેણે પોતાના ગુરુને તે વિશે પૂછ્યું: ‘ગુરુજી, આવી ઊલટી વાત શી રીતે બની હશે?
ગુરુજી કહે: ‘બેટા, વાત એમ છે કે પેલા રાજાને સાધુ સંતો સાથે સત્સંગ કરવાનું ખૂબ ગમતું, અને પોતાનું રાજ પ્રામાણિકતા તેમજ ન્યાયથી ચલાવતો હતો. તેથી તે અવસાન પછી સ્વર્ગમાં ગયો અને પેલા સાધુને રાજાઓ તથા અમીરો સાથે ભળવાનું ખૂબ ગમતું અને માન-કીર્તિની તૃષ્ણા રહેતી, તેથી તે નરકમાં ગયો !’
000000000
તુરત પ્રતિક્રિયા ન કરો
ગુર્જિએફે કહ્યું છે કે: ‘જ્યારે મારા પિતા મૃત્યુ પામ્યા ત્યારે એમણે મને કહેલું :’દીકરા, તમને આપવા માટે મારી પાસે કશું જ નથી, પણ એક મૂલ્યવાન ભેટ મારે તને આપવી છે. જે ભેટ મારા પિતાએ મને આપી તે સાચે જ અમૂલ્ય બની રહી છે અને સમગ્ર જીવનમાં ઉપયોગી બની છે. ‘
તેમણે કહેલું:’સાંભળ, જ્યારે તને કોઈ ગાળ દે, કોઈ નિંદા કરે, તો તત્કાળ પ્રત્યુત્તર ન આપીશ. તરત જ પ્રતિક્રિયા ન કરીશ. ચોવીસ કલાક જવા દેજે. ચોવીસ કલાક પ્રતિક્રિયા કર્યા વિના વિચારજે. પછી જવાબ આપજે. બસ, તું આટલું યદ રાખજે. આ વાત તને ખૂબ કામ લાગશે.’
ગુર્જિએફ કહે છે: ‘મારા પિતાના અંતિમ વચનો હું કદિ ભૂલ્યો નહીં અને મને ખૂબ કામ આવ્યાં છે. જ્યારે પણ કોઈએ મને ગાળ દીધી છે, નિંદા કરી છે ત્યારે મેં કહ્યું કે કાલે જવાબ આપીશ. પરંતુ ચોવીસ કલાક બાદ જવાબ આપવાની ક્યારેય જરૂર ન પડી ! મોટે ભાગે તો એમ લાગ્યું કે એનું કહેવું સાચું છે!’
0000000000000
મિજલસ
માણસ ડાહ્યો થાય ત્યાં તો
મરવાની ક્ષણ આવે !
———————————————————–
પ્રતિસાદ આપો