TARPAN-TWO49

                અણમોલ ભેટ

તર્પણ -2//આશાવીરેન્દ્ર

(પ્રકાશક: યજ્ઞ પ્રકાશન, ભૂમિપુત્ર, હુજરતપાગા વડોદરા 390001)

 [પાના:49 થી 51]

 

    એક  તો ભર ઉનાળાનો સમય ને ઉપરથી ઠાંસોઠાંસ ભરાયેલો ટ્રેનનો ડબ્બો. ચારે બાજુ ઘોંઘાટ અને એકબીજા પર ખડકાયેલા લોકોના પરસેવાની ગંધ. તો યે સુકેતુનું ધ્યાન આ કશામાં નહોતું. એક તો ઓચિંતું જવાનું નક્કી થયું ને વળી પાછું વેકેશન. રિઝર્વેશન મળવાની તો કોઈ શક્યતા જ નહોતી. પણ કોઈપણ સંજોગોમાં પ્રિયા પાસે પહોંચવું જરૂરી હતું એટલે અગવડ-સગવડ વિશે વિચાર્યા વગર , બસ નીકળી પડ્યો હતો.

     આટલાં બધાં વર્ષે પ્રિયાએ એનું સરનામું ક્યાંથી મેળવ્યું હશે એ એને મન એક કોયડો હતો. પ્રિયાના મરોડદાર અક્ષર તો એ ઊંઘમાંથી ઊઠીને પણ ઓળખી કાઢે. પણ પત્ર ધ્રૂજતા હાથે લખાયેલો હોય એવું જણાઈ આવતું હતું.

    પ્રિય સુકેતુ,

    એક સમયની તમારી પ્રિય એવી પ્રિયા આજ મરણપથારીએ પડી છે. હાથમાં ઝાઝો સમય નથી. આમ તો ડૉક્ટરે ત્રણ મહિનાની મુદત આપી હતી ને આ ચોથો ચાલે છે એટલે…

    મારી આ તમને પહેલી ને છેલ્લી વિનંતી છે કે, પત્ર મળે કે તરત જ નીચે જણાવેલા સરનામે આવી પહોંચજો. મોડા ન પડશો. તમે ન આવો ને યમરાજા તેડું લઈને આવશે તો જવું તો પડશે જ પણ એ મારે માટે બહુ વસમું બની રહેશે. આવશો ને?

                                       –પ્રિયા

    સુકેતુ સોળ-સત્તર વર્ષ પહેલાંની પ્રિયાને યાદ કરવાનો પ્રયત્ન કરી રહ્યો. પોની ટેઈલ વાળતી અને વાતવાતમાં ખડખડાટ હસતી  પ્રિયા જાણે કહી રહી હતી, ‘હવે મને જોશો તો ઓળખી નહીં શકો સુકેતુ, લાગી શરત? વાળ બધા ખરી ગયા છે અને હસવાનું તો સાવ ભુલાઈ જ ગયું છે.’સુકેતુને આવી કલ્પના કરવી ન ગમી.

    સ્ટેશને ઊતરીને રિક્ષાવાળાને સરનામું બતાવ્યું પછી ઘર શોધવામાં મુશ્કેલી ન પડી. બે-ત્રણ વખત બેલ માર્યા પછી પંદરેક વર્ષની કિશોરી, જે દરવાજો ખોલવા આવી અને એ એકીટસે જોઈ જ રહ્યો. આ નખશિખ પ્રિયા જ જોઈ લ્યો જાણે !પ્રિયાની દીકરી જ લાગે છે. ત્યાંતો પ્રિયાની માફક જ મીઠું હસતાં એ બોલી, ‘તમે જ સુકેતુબાબુને? જુઓ, કેવા ઓળખી કાઢ્યા ! આવો, અંદર આવો. મા તમારી ખૂબ રાહ જુએ છે.’

    પ્રિયાની હાલત જોતાં સુકેતુ હલબલી ગયો. આ પ્રિયા ? પહેલાંની પ્રિયાનો કોઈ અણસાર  બચ્યો નહોતો. જીવલેણ માંદગીએ એનાં નૂર-તેજ હરી લીધાં હતાં. સુકેતુને જોતાંની સાથે એની આંખોમાં આંસુ ધસી આવ્યાં. બેઠા થવાનો પ્રયત્ન કરતાં એ બોલી,

    ‘મને ખાતરી હતી. તમે આવશો જ. મારો પત્ર મળે પછી તને આવ્યા વિના રહો જ નહીં ને ! બેસો, મારી નજીક બેસો. મન ભરીને આજે તમને નીરખી લઉં.કાલની કોને ખબર છે? ’સુકેતુએ એને ખભેથી પકડીને કાળજીપૂર્વક સૂવડાવી. પ્રિયાને શ્વાસ લેવામાં ખૂબ તકલિફ પડતી હતી છતાં એણે પૂછ્યું,

    આપણે છૂટાં પડ્યા પછી તમે લગ્ન કર્યાં કે નહીં?

    સુકેતુએ એની સામે દર્દભરી નજર કરતાં માથું ધુણાવીને ના પાડી. એ જોઈને એને જાણે નિરાંત થઈ હોય એવું લાગ્યું. સુકેતુએ કહ્યું, ‘જવા દે એ બધું. હવે જાણીને શું ફાયદો ? ’અને પછી પેલી દરવાજો ખોલવા આવેલી યુવતી જે તરફ ગઈ હતી એ બાજુ નજર કરતાં સવાલ કર્યો, ‘આ તારી દીકરી? અસ્સલ તારી કાર્બન કૉપી જ લાગે છે.’

    ‘હા, એનું નામ પ્રકૃતિ. મેં એને કહી રાખ્યું હતું કે, તમને આદુ-ફુદીનાવાળી ચા બહુ ભાવે છે. એટલે તમારે માટે ચા બનાવવા જ ગઈ છે.’

    ‘ને તારા પતિ? એ ક્યાં છે? દેખાતા નથી? ’ ‘ચાર-પાંચ વર્ષ પહેલાં એમનું અવસાન થયું. ખૂબ ભલા માણસ હતા.’

    ‘ઓહ્ ! બહુ દુ:ખ થયું આ જાણીને, પ્રકૃતિ બિચારી બાપની ઓથ વિનાની થઈ ગઈ.’

    ‘ના, ના. મારા પતિ ભલે ગયા પણ પ્રકૃતિ નાબાપી નથી બની. આ કહેવા માટે જ મારે તમને બોલાવવા પડ્યા છે.યાદ આવે છે, કૉલેજની પીકનીક વખતે બધાથી છૂટાં પડીને આપણે બંની એક સરકીટ હાઉસમાં એકાંતની પળો માણી હતી?’સુકેતુને જાણે ધરતીકંપનો આંચકો લાગ્યો. ‘શું વાત કરે છે? એટલે પ્રકૃતિ…પ્રકૃતિ…’

    ‘હા, પ્રકૃતિ તમારી, એટલે કે, આપણાં બંનેની દીકરી છે. બધું જાણવા છતાં મારા પતિએ મારો સ્વીકાર કરેલો. દીકરીને જરાય ઓછું નહીં આવવા દે એવું પોતાનું બોલેલું એમણે છેવટ સુધી પાળ્યું. પણ તમે મને લગ્ન કરવાનું વચન આપેલું એ પછી એકાએક શું થયું કે, તમે મને મળવાનું, મારી સાથે વાત કરવાનું ઓછું કરવા માંડ્યું અને એક દિવસ અચાનક જ ક્યાં અદૃશ્ય થઈ ગયા. ખબર જ ન પડી.મારે તમને એ પૂછવું હતું કે, તમે મારો વિશ્વાસભંગ શા માટે કર્યો? ’

    થાકી ગયેલી પ્રિયાને માથે હાથ ફેરવતાં સુકેતુએ કહ્યું, ‘ચાલ, આજે બધી વાતના ખુલાસા કરી જ લઈએ. મને તારાથી દૂર રહેવાનું બીજા કોઈએ નહીં, તારી માએ જ કહ્યું હતું’ ‘મા એ?’ પ્રિયાને નવાઈ લાગી.

    ‘હા, એમણે એક દિવસ મને મળવા બોલાવીને ખૂબ આજીજી કરી કે, હું તને છોડી દઉં. કેમકે, આપણી ન્યાત જુદી હોવાને કારણે તારા પિતાજી અને સમાજ આપણાં લગ્ન કદાપિ મંજૂર નહીં રાખે. તેઓ આપણને પીંખી નાખશે, આખી જિંદગી નિરાંતે જીવવા નહીં દે. તને દુભવવી પડી એના પ્રાયશ્ચિત્તરૂપે જ મેં જીવનભર એકલા રહેવાનું નક્કી કર્યું.’

    પ્રકૃતિ એક ટ્રેમાં ચા અને બિસ્કીટ લાવી અને સુકેતુના હાથમાં કપ આપતાં બોલી, ‘તમારા આવતા પહેલાં માએ કંઈ પણ છુપાવ્યા વિના મને બધી વાત કરી હતી. આઈ એમ પ્રાઉડ ઑફ યુ પપ્પા.’

    પ્રકૃતિને સુકેતુના હાથમાં સોંપવા પૂરતા જ શ્વાસ ટકાવી રાખ્યા હોય એમ એ જ રાત્રે પ્રિયાએ શાંતિ અને સંતોષથી વિદાય લીધી. બાપ-દીકરી પાછાં ફરી રહ્યાં હતાં ત્યારે પણ ટ્રેનમાં ભીડ  અને ઘોંઘાટ હતાં પણ એ બધાથી બેફિકર પ્રકૃતિ સુકેતુના ખોલામાં માથું મૂકીને સૂતી હતી અને સુકેતુ એના વીખરાયેલા વાળ સરખા કરતાં મનોમન પ્રિયાને કહી રહ્યો હતો,

    ‘પ્રિયા, વિશ્વાસ રાખજે. આપણી લાડલીને દુનિયાભરનું સુખ આપીશ.’ એને થયું, ગયો હતો ખાલી હાથે અને પાછા ફરતાં પ્રિયાએ આપેલી આ અણમોલ ભેટથી સભર નવું જીવન લઈને જાઉં છું. આભાર પ્રિયા !

                 (ક્રિષ્ના ચેટરજીની અંગ્રેજી વાર્તા પરથી)

 ————————————————————-

 

 

 

 

   

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 654,662 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 277 other followers

તારીખીયું
એપ્રિલ 2016
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
252627282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: