આચરણ/તર્પણ -2//આશાવીરેન્દ્ર

 

તર્પણ -2//આશાવીરેન્દ્ર

પ્રકાશક: યજ્ઞ પ્રકાશન, ભૂમિપુત્ર, હુજરતપાગા વડોદરા 390001

(પાના: 40 થી 42)

આચરણ

   

    અમારે ત્યાં ઘરકામ કરવા આવતી શાંતિબાઈ મોટે ભાગે દર શનિવારે પોતાની પાંચ-છ વર્ષની દીકરી નીનાને પણ સાથે લઈ આવતી, કેમ કે શનિવારે નીનાની સવારની સ્કૂલ હોય અને એ સ્કૂલેથી આવે ત્યારે ઘરે કોઈ ન હોય. ડાબા હાથ અને પગની ખોડ સાથે જન્મેલી નીના વધુ ભાગદોડ ન કરી શકતી, એટલે એક બાજુ બેઠી બેઠી કંઈ ને કંઈ રમ્યા કરતી અથવા પાટી-પેન લઈને પોતાનું લેશન કર્યા કરતી. એની કંઈ કચકચ નહીં કે કોઈને નડવાનું નહીં તો યે મારા બે પૌત્રો છોટુ ને મોટુ એની સાથે અટકચાળા કરીને એને હેરાન કર્યા કરતા.

    ‘નીના, ચાલ, અમારી સાથે લંગડી રમવું છે?’ છોટુ પૂછતો. હજી તો નીના કંઈ બોલે એ પહેલાં મોટુ નીનાની મજાક કરતો, ‘એને લંગડી રમવાની શું જરૂર? એ તો આમ પણ લંગડી જ છે ને?’

    દુ:ખથી નીનાનું મોં વિલાઈ જતું, પણ એ કશું બોલતી નહીં. હું કે મારી પુત્રવધૂ રંજના હાજર હોઈએ તો એમને આવું ન કરવા સમજાવતાં પણ ચાલાક છોકરાઓ અમારી ગેરહાજરીનો લાભ લઈને એને રંજાડતા અને અમારી દેખતાં ડાહ્યા-ડમરા થઈ જતા.

    એક દિવસ બંને છોકરાઓ નીનાની કનડગત કરતા હતા એ રંજનાએ નજરોનજર જોયું અને કાનોકાન સાંભળ્યું. મોટુ નીનાની સામે જ છોટુને પૂછતો હતો, ‘છોટુ એક અને અડધો એટલે કેટલા?’

    ‘દો…ઢ’ છોટુએ શબ્દ લંબાવીને જવાબ આપ્યો. મોટુએ આગળ ચલાવ્યું , ‘શાબાશ, અને જે દોઢ પગે ચાલે એને શું કહેવાય?’ ‘લંગડા…’છોટુએ હસતાં હસતાં કહ્યું અને પોતે લંગડી ચાલે ચાલતાં બોલ્યો, ‘લંગડી ઘોડીને લાલ લગામ.’

    યોગાનુયોગ નીનાએ તે દિવસે લાલ ફ્રોક પહેરેલું, ચૂપચાપ પોતાનું લેસન કરતી બેઠેલી એ છોકરીની આંખોમાંથી ટપટપ આંસુ પડવા લાગ્યાં. છોકરાઓની મમ્મીને આ જોઈને બહુ ખરાબ લાગ્યું. એ મારી પાસે આવીને કહેવા લાગી, ‘મમ્મી, છોકરાઓને આ રીતે હસતાં અને બોલતાં જોઈને મને એટલી શરમ આવી ! મને થયું, આપણ આ લોકોને શું આવા સંસ્કાર આપ્યા છે ? મને તો બેઉને ફટકારવાનું મન થયેલું, મેં કહ્યું, ‘છોકરાઓએ આ બહુ ખોટું કર્યું છે પણ એમને મારીને સુધારી નહીં શકાય. એમની સાથે કળથી કામ લેવું જોઈએ.’

    ‘એટલે?’

         ‘એમના સુધી સદ્ વિચાર કે સદ્  વર્તન એવી રીતે પહોંચાડવાં જોઈએ કે એમને જિંદગીભર યાદ રહે. તું વાર્તા દ્વારા એ સંદેશો પહોંચાડી શકે કે, કોઈ વિકલાંગની આ રીતે મજાક કરવી એ જંગલીપણું કહેવાય. ઊલટાનું પ્રભુએ આપણને સારું શરીર આપ્યું છે તો એના દ્વારા આવા લોકોને મદદરૂપ થવું જોઈએ. ’

    ‘હા મમ્મી, તમે બહુ સારો રસ્તો બતાવ્યો પણ તમને આવા સચોટ રસ્તા સૂઝે છે કેવી રીતે?’

    ‘કેમ? હું પહેલાં પ્રાથમિક શાળામાં શિક્ષિકા હતી અને પછી આચાર્યા બનીને નિવૃત્ત થઈ એ ભૂલી ગઈ? કેટલાં બધાં વર્ષો બાળકો સાથે જ તો વીતાવ્યાં? હું તો હંમેશા યાદ રાખતી કે જે આચરણમાં મૂકે તે આચાર્ય. બાળકોને ઉપદેશ ન આપવો કે શિક્ષા પણ ન કરવી, ફક્ત યોગ્ય સમયે વર્તન કરીએ તો જોઈ જોઈને એ લોકો અમલમાં મૂકે જ.’ ‘મમ્મી, તમારા જીવનમાં એવો કોઈ પ્રસંગ બન્યો હોય એની વાત કરોને !’

    મેં કહ્યું, ‘હું એવી કોઈ વાત યાદ કરું એટલી વારમાં તું છોટુ-મોટુને પણ બોલાવ. એ લોકો ય સાંભળે તો ખરા ! ’ બધા આવી ગયાં એટલે મેં વાત શરૂ કરી, ‘મારી શાળામાં પ્રિયા નામની એક છોકરી ભણતી. એના પપ્પાનું શેરડીના રસનું કોલુ હતું નાનકડી પ્રિયાએ એક દિવસ રમત રમતાં શેરડીનો સાંઠો પિલાતો હતો ત્યારે મશીનમાં પોતાનો હાથ નાખી દીધેલો. એના હાથના બધાં આંગળાં ચગદાઈને લોચો થઈ ગયેલાં.’

    ‘અરર, બિચારીને કાયમની ખોડ રહી ગઈ હશે કેમ?’

    ‘હાસ્તો, છોકરી ખૂબ ડાહી ને હોશિયાર પણ એની આ ખોડને કારણે વર્ગની બીજી છોકરીઓ એનાથી દૂર જ રહે, એને હંમેશા એકલી પાડી દે.’ ‘એવું ન કરવું જોઈએને મમ્મી? સાથે ભણતા કોઈ મિત્રને આવી તકલિફ હોય તો ઊલટું એને સાથે રાખીને એનું કામ કરી આપવું જોઈએ.’

રંજના જાણીજોઈને વચ્ચે બોલી.

    ‘હા, ખરેખર તો એમ જ હોવું જોઈએ પણ વર્ગની બધી છોકરીઓ રિસેસમાં એને એકલી મૂકીને પોતાના ડબ્બામાંથી ખાતી અને રમ્યા કરતી. પ્રિયા ઉદાસ ચહેરે બેઠી બેઠી જોયા કરતી.’

    છોટુ-મોટુની નજર એકબીજા સાથે મળી અને પછી નીચી ઢળી પડી. મોટુ બોલ્યો, ‘પછી શું થયું ? આગળ કહોને દાદી !’

    ‘એક દિવસ રિસેસમાં મારું ધ્યાન ગયું તો પ્રિયા એક હાથમાં ડબ્બો લઈને રડમસ થઈને બેઠી હતી. મેં પૂછ્યું, ‘શું થયું પ્રિયા? તું કેમ ખાતી નથી?’ એની આંખમાં આંસુ ધસી આવ્યાં. એણે કહ્યું, ‘મમ્મીએ આજે બીજો ડબ્બો આપ્યો છે. એનું લૉક મારાથી કેમે ખૂલતું નથી ડબ્બો ન ખૂલે તો હું જમું કેવી રીતે?’એની વાત સાંભળીને હું ધ્રૂજી ઊઠી. શાળામાં એક બાળકી ભૂખી બેઠી છે ને કોઈને એની કંઈ જ પડી નથી?

  આટલું સાંભળીને છોટુથી ન રહેવાયું, ‘પછી તમે બધી છોકરીઓને શિક્ષા કરી?’

    ‘પહેલાં તો મેં એવો જ વિચાર કર્યો હતો કે, બધાં કલાસમાં ભેગાં થાય એટલે એક જોરદાર ભાષણ આપું ને સૌને ઠપકો પણ. એકાએક હું પ્રિયાની બાજુમાં નીચે જ બેસી ગઈ. મેં એનો ડબ્બો ખોલી આપ્યો, મારો પણ ખોલ્યો અને કહ્યું, ચાલ, આજે આપણે બેઉ સાથે જમીએ. પહેલાં એને થોડો સંકોચ થયો પણ પછી પ્રિયા ખુશ થઈ ગઈ. જમી લીધા પછી મેં એને પાણીનો ગ્લાસ પણ આપ્યો. અને બધી છોકરીઓને મેં કંઈપણ ન કહ્યું.

    બીજા દિવસે રિસેસમાં મેં જોયું કે બધી છોકરીઓ સાથે બેસીને જમતી હતી અને સૌ પ્રિયાને પોતાનામાંથી ખાવાનો આગ્રહ કરતાં હતાં. પ્રિયાને આટલી ખુશખુશાલ મેં કોઈ દિવસ નહોતી જોઈ. મને ખૂબ આનંદ થયો.’

    બંને છોકરાઓ તાળી પાડીને કહેવા લાગ્યા. ‘દાદી, હવે અમે અમારા કોઈ ફ્રેન્ડ આવા હોય ને, તો એને હેલ્પ કરીશું. એની મશ્કરી નહીં કરીએ.’

    હું અને રંજના એકમેક સામે જોઈ હસી પડ્યાં.

                  ***********

 

 (સાયલી દેશમુખની બંગાળી વાર્તાને આધારે)

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous
2 comments on “આચરણ/તર્પણ -2//આશાવીરેન્દ્ર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 658,623 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 277 other followers

તારીખીયું
એપ્રિલ 2016
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
252627282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: