અમૃત અને ઉદ્યમ/ગોપાલદાસ પટેલ
(મિલાપની વાચનયાત્રા-1955) [પાના: 05 થી 11]
કોઈપણ મીઠી કે ગળી વસ્તુને વખાણવી હોય, તો લોકો કહે છે કે, ‘મીઠું મધ જેવું’ સામાને શાંતિ અને સુખ આપે એવા બોલને પણ ‘મીઠા મધ જેવા બોલ’ કહે છે.
ખરેખર, મધ એક અમૃત જ છે. સ્વાદે ગળ્યા લાગતા પદાર્થોની અંદરના ગળપણને વિજ્ઞાનમાં ‘સાકર’કહે છે. તેના મુખ્ય ત્રણ વર્ગ પાડવામાં આવે છે: (1) ફલ-સાકર, (2)દ્રાક્ષ-સાકર, (3) શેરડી-સાકર. તે ત્રણમાંથી ફલસાકર ગળ્યામાં ગળી તથા પચવામાં હલકામાં હલકી છે. સારી જાતના મધમાં ફલસાકર 40 થી 50 ટકા જેટલી હોય છે. મધમાં દ્રાક્ષ-સાકર પણ 40 ટકા જેટલી હોય છે. મધમાં રહેલી આ બંને સાકરો શરીરને સારા પ્રમાણમાં શક્તિ પૂરી પાડે છે; તે છતાં તેને પચાવવામાં શરીરને સહેજે શ્રમ પડતો નથી, તે અર્થે જઠરના રસો વપરાતા નથી, કેમ કે તે સીધી જ લોહીમાં ચુસાઈ જાય છે અને તરત જ સ્નાયુઓમાં શક્તિના સંગ્રહરૂપે ફેરવાઈ જાય છે. આથી કરીને જે લોકોને અતિ ભારે શરીરશ્રમ એકસાથે કરવો પડતો હોય છે, તે લોકોને મધ ઘણું ઉપયોગી થઈ પડે છે. આ ગુણ શેરડી-સાકરમાં નથી.
**********
બે હજાર વર્ષ પૂર્વે ગ્રીસ દેશમાં રમતગમતની હરીફાઈઓમાં ભાગ લેવા ઈચ્છનારાઓને, તાલીમ આપતી વખતે વધુ પ્રમાણમાં મધ ખાવાની તાલીમ પણ અપાતી. આજે પણ પર્વતનાં ઊંચાં શિખરો ઉપર ચડવા ઈચ્છનારાઓને, લાંબું અંતર તરવાની હરીફાઈમાં ઊતરનારાઓને, કે દરિયામાં ઊંડે ડૂબકું લગાવી શોધખોળ કરનારાઓને વધુ પ્રમાણમાં મધ ખાવાની બહુ પહેલેથી ખાસ ટેવ પાડવામાં આવે છે. 1937માં આટલાંટિક સમુદ્રમાં ડૂબી ગયેલી ‘લુસિટાનિયા’ આગબોટનો ભંગાર શોધવા ઊંડે ડૂબકાં મારનારાઓને તાલીમ આપતી વખતે રોજ દોઢ રતલ (અંદાજે 675 ગ્રામ)મધ ખાવાની ટેવ પાડવામાં આવી હતી; અને એમ ત્રણ અઠવાડિયાં સુધી રોજનું દોઢ રતલ મધ તેઓ ખાતા થયા ત્યારબાદ જ તેમને ડૂબકું મારવા લઈ જવામાં આવ્યા હતા.
પ્રાચીન ગ્રીસના ફિલસૂફો મધને આયુષ્યવર્ધક માનતા અને તેને પોતાના આહારમાં મુખ્ય સ્થાન આપતા. એમાંનો એક ફિલસૂફ 115 વર્ષ જીવ્યો હતો, અને પોતાના લાંબા આયુષ્યનું કારણ મધને જ માનતો. રોમન ઈતિહાસકાર પ્લુટાર્ક પ્રાચીન બ્રિટન વિષે લખતાં જણાવે છે કે, બ્રિટિશલોકો 120 વર્ષની ઉંમરે ઘરડા થવા લાગે છે. તે દિવસોમાં બ્રિટિશ ટાપુઓ ફૂલોથી છવાયેલા રહેતા અને મધમાખનો ઉછેર એ લોકોનો મુખ્ય ઉદ્યોગ હતો. ત્યાંનાં જૂનાં ચારણ-કાવ્યોમાં તે દેશને ‘મધુદ્વીપ’ જ કહ્યો છે.
*******
મધમાં બહારનાં જંતુઓ વધી શકતાં નથી; બલ્કે, હોય તે નાશ પામી જાય છે. એટલે આહાર તરીકે તે અત્યંત સહીસલામત પણ છે. અખતરાઓમાં તો એમ પણ જણાયું છે કે, ટાઈફોઈડ તાવનાં જંતુ તેમાં 48 કલાકમાં નાશ પામી જાય છે. મરડાનાં જંતુ તેમાં 10 કલાકથી વધુ જીવી શકતાં નથી.
ઘા અને ચાંદાંની રૂઝ લાવવા માટે મધનો ઉપયોગ પ્રાચીન કાળથી જાણીતો છે. દાઝ્યાઉપર તાત્કાલિક ઉપચાર તરીકે મધનો ઉપયોગ ઘણા દેશોમાં કરાય છે. તે સિવાય જુલાબ, ખાંસી, ફેફસાં, અને શ્વાસનળીનાં દરદોમાં મધનો ઉપયોગ પ્રચલિત છે. આપણા દેશમાં આયુર્વેદમાં ખાંસી અને શક્તિની દવાઓ સાથે મોટા પ્રમાણમાં મધનો ઉપયોગ પહેલેથી કરાતો આવ્યો છે.
આજકાલ સફેદ ખાંડના વધતા જતા ઉપયોગથી પેદા થતા પાચનક્રિયાના અને જ્ઞાનતંતુઓના રોગો તરફ હવે લોકોનું ધ્યાન ખેંચાતું જાય છે. સફેદ ખાંડ હવે ‘જોખમકારક પદાર્થ’ મનાતી જાય છે. તેની બનાવટ જ એવી છે કે જે દરમ્યાન તેનાં પૈષ્ટિક તત્ત્વોનો સમૂળગો નાશ કરી નખાય છે.અને તેથી જ તે વધુ સફેદ તથા લાંબો વખત સારી રહે તેવી બને છે. મધને પણ વધારે પડતું ધોળું કરવા માટે ગાળવા જતાં તેમાંથી વિટામીન વગેરે તત્ત્વો ગળાઈ જાય છે.
********
આમ, મધ એ બધી રીતે, નાનાં-મોટાં સૌ માટે ઉત્તમ તથા નિર્દોષ ખોરાક છે. એક રીતે તે અમૃત જ છે. અનેક ફૂલોનો મકરંદ રસ ચૂસીને મધમાખ તેને તૈયાર કરે છે.તેથી મધમાખને મધુકર કે મધુકરી કહે છે. તે મધમાખ પણ એક અદ્ ભુત જંતુ છે. તેના શરીરની રચનાની વાતો તો અદ્ ભુત છે જ; પરંતુ હજારોની સંખ્યામાં તે બધી એકસાથે કેવી રીતે રહે છે, તે અંગેની તેની વાતો તો માણસોએ પણ જાણવા તથા સમજવા જેવી છે.
એક પ્રાચીન ધર્મપુસ્તકમાં કહ્યું છે: “હે આળસુ માણસ, તું કીડી પાસે જા, તેની રીતભાત જો, અને ડાહ્યો થા !” અને મધમાખના જીવનમાં પણ માણસે સમજવા જેવું ઘણું છે. મધમાખમાં પણ આળસનું નામનિશાન નથી. જાણવા પ્રમાણે તો તે કદી ઊંઘતી નથી કે નથી આરામ કરતી. પરંતુ ખાસ કરીને સમૂહમાં જીવવાની બાબતમાં તો માણસને તે ઉત્તમ ઉદાહરણપૂરું પાડે છે.
એક સારા મોટા મધપૂડામાં સામાન્ય રીતે નેવું હજાર મધમાખો એક સાથે વસતી હોય છે. વળી તેમાં સવા લાખ જેટલાં કોઠારો અને ઓરડાઓ હોય છે. મધમાખો પોતે ઓરડાઓમાં રહેતી નથી, તે મધપૂડાની ઉપર જ રહે છે. ઓરડાઓમાં તો ઈંડાં અને બચ્ચાં હોય છે. કોઠારોમાં આખી વસ્તીને કેટલાંય અઠવાડિયાં ચાલે તેટલો ખોરાકનો ભંડાર ભરેલો હોય છે. કેટલાક કોઠારો ફૂલોના પરાગથી ભરેલા હોય છે, અને કેટલાકમાં મધ સંઘરેલું હોય છે. કોઠારોની નીચે, એટલે કે મધપૂડાના લગભગ મધ્ય ભાગમા, નવી પ્રજા માટેના વસવાટ આવેલા હોય છે . દસ હજાર ઓરડાઓમાં એ ઈંડાં હોય છે. પંદરથી સોળ હજાર ઓરડાઓમાં એ ઈંડાંમાંથી મોટી થયેલી ઈયળો હોય છે; અને બીજા 40 હજાર ઓરડાઓમાં એ ઈયળો મોટી થઈને બનેલાં બચ્ચાં હોય છે. આટલું મોટું નગર અને આટલી બધી નાની-મોટી વસ્તી હોવા છતાં, બધા ઉપર દેખરેખ રાખવા પોલીસ કે મુકાદમ જેવું કાંઈ જ ત્યાં હોતું નથી. દરેક જણ પોતાનું કામ પોતાની મેળે જ નિયમિતપણે કર્યા કરે છે, અને છેવટ સુધી તેમાં જરા પણ ચૂક થવા દેતું નથી.
*******
આ નગરનું બાંધકામ કેવું અદ્ ભુત છે ! આપણાં મકાનનો પાયો નીચે હોય છે અને તેની ઉપર આખું બાંધકામ થાય છે; ત્યારે આ આખા નગરનો પાયો ઉપર હોય છે, અને તેને આધારે આખું નગર નીચે લટકતું હોય છે. આટલો બધો ભાર સ્થિર અદ્ધર લટકી રહે એ રીતે બાંધકામ કરવા માટે ઇજનેરી વિદ્યાની કેવી આવડત હોવી જોઈએ !
મધમાખનું આખું નગર મીણનું બનાવેલું હોય છે. એ મીણ મધમાખો જ ઉત્પન્ન કરે છે. એક શેર મીણ બનાવવા માટે માખીઓને દસ શેર મધ ખાવું પડે છે. ત્યાર પછી તેઓ ઝૂમખું વળીને વીસેક કલાક લટકી રહે છે. એની ગરમીથી પછી. મધમાખના પેટ ઉપરના ચાર કાપાઓમાંથી બે બાજુ થઈને મીણના આઠ શણગા ફૂટે છે. એ મીણ વડે માખીઓ પોતાનું બાંધકામ શરૂ કરે છે. એક વચલી પડદીની બંને બાજુએ બે તરફ મોંવાળાં છખૂણિયા હવામાં આવે છે. આ છખૂણિયો આકાર પસંદ કરવાથી દરેક ખાનાની મજબૂતી વધે છે, જગાનો પણ બગાડ થતો નથી, તેમ જ માલસામાન પણ ઓછામાં ઓછો વપરાય છે. ગણિતશાસ્ત્રીઓએ ગણતરી કરીને એ બાબતની ખાતરી કરી જોઈ છે.
આટલી બધી માખો એકસાથે રહેવા છતાં આખા નગરની સફાઈની બાબતમાં તેમની કાળજી ખાસ લક્ષમાં લેવા જેવી છે. કેટલીય કામદાર માખો તેને સતત સાફ રાખ્યા કરે છે. મધમાખોમાં જે નર હોય છે તેઓ જ મધપૂડામાં રહ્યા રહ્યા અઘાર કર્યા કરે છે. કામદાર માખો તે તરત જ સાફ કરી નાખે છે. કામદાર માખ પોતે મધપૂડામાં અઘાર કરતી નથી. ઠંડા પ્રદેશોમાં કોઈ કોઈવાર ભર શિયાળામાં લક્કડિયા ધૂમસના દિવસોમાં તેમનાથી કેટલાય દિવસો બહાર નીકળાતું નથી. ત્યારે તેઓ મધપૂડામાં અઘાર કરી ગંદકી કરવાને બદલે પોતાનો ઝાડો બંધ કરી દે છે; અને પરિણામે આંતરડાના રોગથી હજારોની સંખ્યામાં મરી જાય છે.
મધપૂડાની લગભગ બધી જ વસ્તી કામદાર માખોની જ હોય છે.મધપૂડામાં નરની સંખ્યા બહુ ઓછી હોય છે.તે પણ કાયમી હોતી નથી. મધપૂડાની રાણી જ્યારે ઘરડી થઈ જાય છે, ત્યારે નવી રાણી ઉછેરવાની થાય છે; તે વખતે થોડા નર ઉછેરવામાં આવે છે. નવી રાણી સગર્ભા થઈને ઈંડાં મૂકવાનું શરૂ કરે છે, ત્યારબાદ મધપૂડામાં નરનું નામનિશાન રહેવા દેવામાં આવતું નથી.
મધપૂડામાં રાણી એક જ હોય છે. તેનું આયુષ્ય 4 થી 5 વર્ષનું ગણાય છે. જ્યારે રાણી ઘરડી થઈ જાય છે, ત્યારે મધપૂડાને છેડે નીચેની બાજુએ લટકતા ઊંધા શંકુ જેવાં બે કે ચાર ખાસ મોટાં ખાના તૈયાર કરવામાં આવે છે તેમાં રાણી ઈંડું મૂકે છે. ત્રણ દિવસે ઈયળ જન્મે છે. તેને ધાઈ-માખો પોતાનાં માથા પાસેની નળીઓમાંથી ખાસ કાઢેલું ક્ષીર ખવડાવે છે. રાણીને છેવટ સુધી આ ક્ષીર જ ખવરાવવામાં આવે છે. સાડા પાંચ દિવસમાં તે ઈયળ પૂરેપૂરી વધી જાય ત્યાર બાદ તેના ખાનાનું મોં બંધ કરી દેવામાં આવે છે. સાત દિવસ બાદ અંદરનું બચ્ચું મોટું થઈને ખાનાનું મોં ખોતરીને બહાર આવે છે.
રાણી પાંચ દિવસની થયા બાદ બપોરના વખતે ખુલ્લી હવામાં ઊંચે ઊડવા જાય છે. તેને ઊંચે ઊડતી જોતાં જ બીજા મધપૂડાના બહાર ઊડતા કેટલાય નરો તેની પાછળ ઊડવા લાગે છે. જે નર છેક ઊંચે સુધી ઊડી તેને પહોંચી શકે, તે એક નરની સાથે જ આકાશમાં તેનું લગ્ન થાય છે.
લગ્ન પછી પેલો નર તરત જ મરી જાય છે. પછી સગર્ભા થયેલી રાણી મધપૂડામાં પાછી આવે છે, અને ઘરડી થાય ત્યાં સુધી ઈંડાં મોક્યા કરે છે. સામાન્ય રીતે તે રોજનાં બેથી ત્રણ હજાર જેટલાં ઈંડાં મૂકે છે.
રાણી સગર્ભા ન થઈ હોય તો પણ ઈંડાં મૂકી શકે છે; પરંતુ તે ઈંડાંમાંથી બધા નર જ પેદા થાય છે. સગર્ભા થયેલી રાણી જ માદાનાં ઈંડાં મૂકી શકે છે.
આખા મધપૂડામાં રાણી એકલી જ લગ્ન કરે છે. બાકીની બધી કામદાર માદાઓ રાણીએ મૂકેલાં ઈંડાં ઉછેરવાનું , ખોરાક એકઠો કરવાનું તથા બાંધકામ, સફાઈ અને સંરક્ષણનું બીજું બધું કામ કરે છે. આ બધા કામકાજના મોટા ધસારાને કારણે કામદાર માખનું આયુષ્ય સામાન્ય રીતે છથી સાત અઠવાડિયાનું જ ગણાય છે. મધમાખ સમાજસેવાને જ પૂર્ણપણે વરેલી છે. અને તેથી પોતાના સમાજ માટે કામકાજ કરવાનું હોય ત્યાં સુધી જ તે જીવી શકે છે. મધમાખને એકલી છૂટી પાડી દો, અને ભલે પછી તેને અનુકૂળ ખોરાક, રહેઠાણ એ બધાંની તમામ સગવડ કરી આપો, પરંતુ તે થોડા દિવસમાં મરી જશે !
પોતાના સમાજનું સેવાકાર્ય કરવા માટેના કેટલાય ખાસ અવયવો પણ કામદાર માખને જ હોય છે. ફૂલોમાં ઊંડેથી મધ ચૂસી શકાય તેવી લાંબી જીભ તેને જ હોય છે; નરને કે રાણીને નથી હોતી. ફૂલમાંથી પરાગ ઉપાડી લાવવા માટે પાછલા પગ ઉપર કરંડિયો પણ તેને જ હોય છે. મધપૂડો બનાવવા મીણના શણગા શરીરમાંથી કાઢવાના કાપા પણ તેને જ હોય છે. શત્રુ સામે લડતી વેળા જલદ તેજાબની પિચકારી મારનારો ડંખ પણ તેને જ હોય છે. કામદાર માખને પેટ પણ બે હોય છે ! ફૂલમાંથી જે મધ તે જીભ વડે ચૂસે છે, તે પ્રથમ તો તેનાપહેલા પેટમાં એકઠું થાય છે. તે પેટ તેનું સામાજીક પેટ છે; એટલે કે, તે પેટમાં ભરેલું કશું તેને પોતાને માટે હોતું નથી. બધું મધ તે તેમાંથી કોઠારોમાં ઠાલવી દે છે.
પરંતુ મધમાખે ભારે પરિશ્રમથી વસાવેલું અને સમૃદ્ધ બનાવેલું આ આખું નગર જ્યારે પૂરેપૂરું તૈયાર થયું હોય છે, ત્યારે જ નવી જન્મનારી પ્રજાને સગવડ કરી આપવા મધમાખો અચાનક છોડી દે છે. ઈંડાં તથા બચ્ચાંની સંભાળ રાખવા જરૂરી કામદારોને મધપૂડામાં પાછળ રાખી, રાણી સાથે બીજાં બધાં કામદારો માત્ર પોતાના પેટમાં ભરાય તેટલું મધ ભરી લઈ ચાલી નીકળે છે. પછી તેઓ બીજી કોઈ નવી જગાએ નવો મધપૂડો ફરી બાંધવાનું શરૂ કરે છે. એકવાર છોડેલા મધપૂડામાં તે ફરી કદી જતાં નથી.
જૂના મધપૂડામાં બે કે ત્રણ ખાસ ખાનામાં નવી રાણીઓનાં ઈંડાં ઊછરતાં હોય છે. તેમાંથી જે રાણી પહેલી જન્મે છે, તે પછી લગ્ન માટે આકાશમાં ઊડી જાય છે અને સગર્ભા થઈ પાછી આવે છે, ત્યારબાદ તે પૂડામાં ઈંડાં મૂકવાનું શરૂ કરે છે.
મધમાખે માંસાહાર છોડીને પુષ્પોનાં મધ અને પરાગ વડે જીવવાનું શરૂ કર્યું છે. તે વાત જરા સમજવા જેવી છે, ફૂલની અંદર સ્ત્રીકેસર અને પુંકેસર બંને હોય છે. એક ફૂલમાંનું પરાગ અથવા પુંકેસર બીજા ફૂલમાંના સ્ત્રીકેસર ઉપર પહોંચવું જ જોઈએ; તો જ ફળ અથવા બી નીપજી શકે.
હવે એક ફૂલનો પરાગ બીજા ફૂલને પવન, પાણી કે જીવડાં અથવા પ્રાણીઓ દ્વારાપહોંચી શકે. મધ માટે મધમાખ ત્યાં આવે છે. પરંતુ એ મધ ફૂલમાં એવી જગ્યાએ રહ્યું હોય છે, કે તે લેવા જતાં પરાગ મધમાખના પગમાં ભરાઈ જાય છે; અને પછી તે પાછી બીજા ફૂલ ઉપર જાય ત્યારે તે પરાગમાંનો થોડો ભાગ ત્યાંના સ્ત્રીકેસર ઉપર ખરી પડે છે. એટલે ફૂલોનાં સ્ત્રીકેસરને પુંકેસર પહોંચાડવાની આ અગત્યની કામગીરી તે સારી રીતે બજાવી આપે છે. એ અંગે નીચેની રસિક માહિતી જાણવા જેવી છે:
ન્યૂઝીલેન્ડમાં અંગ્રેજોએ જઈને વસાહત કરી, ત્યારે ત્યાં ઘોડાં, ઢોર અને ઘેટાં મોટા પ્રમાણમાં ઉછેરવાનો તેમનો વિચાર હતો. પરંતુ ત્યાં તે બધાંને ખાવા માટે જોઈતો ઘાસચારો થતો ન હતો. ઘાસચારો બહારથી લાવીને ત્યાં ઢોર ઉછેરવાં એ તો બને તેમ ન હતું. પછી ઈંગ્લૅન્ડથી એક ખાસ ઘાસ વાવવા માટે ત્યાં મોકલવામાં આવ્યું. તે પહેલે વર્ષે ખૂબ ફાલ્યું; પણ તેને બી બેઠાં જ નહીં, અને તે નાશ પામ્યું. તે દેશમાં મધમાખ હતી નહીં, એટલે તે ઘાસનાં ફૂલોને અરસપરસ પરાગ કોણ પહોંચાડે? પછી ઈંગ્લૅન્ડથી ત્યાં મધમાખો મોકલવામાં આવી, ત્યારે ત્યાં તે ઘાસની તાણ ન રહી ! ઓસ્ટ્રેલિયા ખંડમાંથી જે ઊન તથા ફળ અત્યારે ઢગલાબંધ મળે છે, તે બધો મધમાખનો પ્રતાપ છે.
આમ મધમાખ ખેતીપ્રધાન દેશોને માટે અતિ ઉપયોગી અને આવશ્યક જંતુ છે. જે દેશમાં ઉદ્યમી મધમાખો ન હોય. તે દેશમાં ખેતીની પેદાશો સારા પ્રમાણમાં થઈ શકે નહીં. એટલે મધમાખોને પાળવી અને ઉછેરવી એ ખેતીપ્રધાન દેશનો મુખ્ય ઉદ્યોગ હોવો જોઈએ.આપણા દેશમાં મધમાખોની આ ઉપયોગિતા પૂરેપૂરી સમજવામાં આવતી નથી, અને તેથી જે મધમાખો છે તેમના પૂડા પણ જંગલીપણે તોડી પાડી, તથા ઘણી મધમાખોને નકામી મારી નાખી, મધ નિચોવી લેવામાં આવે છે. નવી સુધરેલી પદ્ધતિ પ્રમાણે તો ખાસ લાકડાંનાં ખોખામાં મધપૂડા એવી રીતે ગોઠવવામાં આવે છે કે, જેથી એ મધપૂડાનું મધ એક યંત્રમાં ઘુમાવીને કાઢી લેવાય અને મધપૂડાને કશી ઈજા થાય નહીં. એટલે આપણા દેશમાં ખેતીના અને વાડીની પેદાશ વધારવા માટે પણ મધમાખના ઉછેર માટે પ્રયત્ન થવો જોઈએ.
———————————————–
[…] [અમૃત અને ઉદ્યમ/ગોપાલદાસ પટેલ (મિલાપની વાચનયાત્રા-1955) | મા ગુર્જરીના ચરણે….] is good,have a look at it! https://gopalparekh.wordpress.com/2016/04/23/%e0%aa%85%e0%aa%ae%e0%ab%83%e0%aa%a4-%e0%aa%85%e0%aa%a8… […]
મધ, મધમાખી અને તેના રજવાડાની ઝીણવટભરી વિસ્ત્રુત મહેતિ મળી,.
આભાર.