(મિલાપની વાચનયાત્રા-1955) [પાના: 87 -88]
શ્રીમતીનાં સાસુ/વિનોદિની નીલકંઠ
સુમિત્રાબહેનને બે દીકરા અને એક દીકરી. પૈસેટકે તે બહુ સુખી છે. મોઢા ઉપરથી તો સાવ રુઢિચુસ્ત જણાય. છૂંદણાંથી આખા બન્ને હાથ કોચી કાઢેલા છે. પણ તેમનું માનસ અજબ પ્રગતિશીલ છે. આ વીસમી સદીનાં જાણે તે છે જ નહિ. સો વર્ષ પહેલાં જન્મી ગયાં જેવાં છે ! તેમની વાત સાંભળો.
મોટા પુત્ર રણજીતનું રૂપાળી ને ભણેલી-ગણેલી શ્રીમતી નામની યુવતી સાથે પરણાવ્યો ત્યારે ખૂબ ધામધૂમ કરેલી. કમનશીબે લગ્ન પછી ત્રીજે વર્ષે રણજીતની આવરદા-દોરી તૂટી ગઈ. સુમિત્રાબહેનનું હૈયું જાણે ભાંગીને ભૂકા થઈ ગયું. રોતી-કકળતી વહુનું મોઢું જોઈ તેમનું કાળજું કપાઈ જતું !
રણજીતના મૃત્યુ પછી છએક મહિને કોણ જાણે શી પ્રેરણાથી તેમણે વહુ શ્રીમતીને તેને પિયર મોકલી દીધી. ત્યાં દસેક મહિના રહેવા દીધી. સુમિત્રાબહેનનો બીજો પુત્ર અરવિંદ વધુ અભ્યાસ અર્થે પરદેશ જવા ઈચ્છતો હતો. સુમિત્રાબહેને કહ્યું: “બેટા ! તું લગ્ન કરીને પરદેશ જાય એમ હું ઈચ્છું છું.” ત્યારે અરવિંદ કહે: “બા ! મેં હજી કન્યા ક્યાં પસંદ કરી છે?” ત્યારે માતાએ ચોખો ચાંપ્યો: “આપણી શ્રીમતી જેવું કન્યારત્ન તને બીજે ક્યાં સાંપડશે?”અરવિંદ ચમકી ગયો: મા શું બોલી રહી હતી? સુમિત્રાબહેને એ વાત પુત્રના મનમાં ઘોળાવા દીધી.શ્રીમતી સુંદર હતી, ભણેલી હતી, હસમુખી હતી, કોઈને પણ ગમી જાય એવી હતી. અરવિંદે પૂરો વિચાર કરી સંમતિ દર્શાવી. ખૂબ રાજી થઈ સુમિત્રાબહેને શ્રીમતીના પિતા ઉપર સંદેશો મોકલાવ્યો. શ્રીમતીના માતાપિતા આશ્ચર્યથી અવાક્ બની ગયાં !કોઈ સાસુ આવી માગણી કરે ખરી? દસબાર મહિનાથી પિયર રહેતી શ્રીમતીને દિયર સાથે કશો સંબંધ હોવાની રતિભાર પણ શંકા ન હતી. કોઈ એવી શંકા ન કરે માટે જ સુમિત્રાબહેને તેને પિયર મોકલી દીધી હશે. માબાપે શ્રીમતીને પૂછ્યું; તે પણ આ વાત સાંભળીને મૂઢ બની ગઈ. પણ શ્રીમતીનાં ભાઈ-ભાભીએ સમજાવ્યું કે આ સૂચના સર્વ રીતે યોગ્ય હતી. એ રીતે શ્રીમતીનું અરવિંદ સાથે સગપણ થયું.
તે દરમિયાન શ્રીમતીની નણંદના ચાંલ્લા થવાના હતા. સુમિત્રાબહેને પુત્રીના સસરાને કહ્યું, “હું મારા અરવિંદનું લગ્ન ટૂંક સમયમાં જ રણજીતની વહુ શ્રીમતી સાથે કરવાની છું. જો તમને પસંદ ન હોય તો પહેલેથી જણાવી દેજો. લગ્ન પછી તમે બહાના હેઠળ મારી એક પૂરી દીકરીને પિયર આવવાની મનાઈ તો નહિ કરો ને? એવું હોય તો મારે દીકરી આપવી નથી.” સુમિત્રાબહેનની વાત સાંભળી નવા વેવાઈ દિંગ થઈ ગયા ! આવું તો કદી સાંભળ્યું જ નહોતું. વિચાર કર્યા પછી તેમણે પણ તે સંબંધને બહાલી આપી.
એ રીતે શ્રીમતીની નણંદનો લગ્નપ્રસંગ સાંગોપાંગ પાર ઊતરી ગયો.તે પછી અરવિંદનાં લગ્ન લેવાયાં, સુમિત્રાબહેને તો વેવાઈ માટે મોટો ઉતારો તૈયાર કર્યો. આખા ગામને તથા તમામ સગાંવહાલાંને નોતર્યા.
અરવિંદનો વરઘોડો ચઢાવ્યો અને ભારે ધામધૂમથી શ્રીમતીને ઘરમાં લાવ્યાં.
લગ્ન પછી અરવિંદ અને શ્રીમતી બન્ને વધુ અભ્યાસ માટે પરદેશ ઊપડી ગયાં. તે પછી સુમિત્રાબહેન એક દિવસ મળ્યા ત્યારે રડી પડ્યા. તેમને પૂછવામાં આવ્યું: “તમે હાથે કરીને આ બધું કર્યું અને હવે કેમ રડો છો?” તેમણે કહ્યું: “એમ ન સમજશો કે જે કર્યું છે તેનો મને ઘડીભર પણ પસ્તાવો થઈ રહ્યો છે. હું તો મારા પોતાના દુ:ખને રડી રહી છું. જુઓ, મેં અરવિંદને વહુ અપાવી, શ્રીમતીને ફરી વર અપાવ્યો, વેવાઈને ફરી વાર જમાઈ અપાવ્યો. ફક્ત મારો ગયેલો દીકરો રણજીત મને કોઈએ ફરી વાર ન અપાવ્યો ! રણજીત, મારા રણજીત !” કરી સુમિત્રાબહેન ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યાં.
***************************************
wah!
વાહ, શ્રીમતીના સાસુ =સાસુ મા જ.
વિનોદિનીબેન નીલકંઠ્ની કલમે સ્ત્રીઓ સન્માન સાથે સ્ત્રીની ફરજો, વિકાસ માટે સરસ સહિત્ય ગુજરાતને
આપ્યુ એ બલદ ગુજરતી ભાષા એમની રૂણી છે.