રઢિયાળી રાત(બૃહદ આવૃત્તિ)
સંપાદક: ઝવેરચંદ મેઘાણી માંથી કેટલીક રચનાઓ
(મણકો :ત્રીજો)
(પાનું: 280)
કાસમ, તારી વીજળી
[ ‘વીજળી’ નામની આગબોટ એની અગિયારમી મુસાફરીમાં કચ્છ અંજારથી મુંબઈ જતાં , રસ્તામાં મહુવાની નજીક ડૂબી ગઈ. તેનું આ કરુણ બયાન છે.રાવણહથ્થાવાળા નાથબાવાઓ તો આ ગીત ગાઈને શ્રોતાજનોને રડાવે છે. ‘વીજળી’ જેવી સમર્થ આગબોટની મુસાફરી, એના માલિકનો ગર્વભર્યો ઉછરંગ, શેઠ શાહુકારોને સહેલગાહ કરવાના મનોરથો, અને તેર-તેર તો મુંબઈ પરણવા જતા કેસરિયા વરરાજાઓ: ત્યાર પછી એ મધદરિયાનાં વાવાઝોડાં: બેસુમાર પાણી : ડૂબતા સમયની ડોલાડોલ: ખારવાઓની દોડાદોડ: દેવદેવીઓની માનતા કરતાં મુસાફરો: કેસરિયા વરરાજા સુદ્ધાં તમામ પ્રવાસીઓની જળસમાધિ: મુંબઈને કિનારે પેલી પીઠીભરી કન્યાઓનાં ભેદક કલ્પાંત: અને બાર-બાર મહિના સુધી એ ડૂબેલા માડીજાયાઓને માટે બહેનોનું છાતીફાટ આક્રંદ: એ તમામ ચિત્રો સચોટ છે.]
હાજી કાસમ, તારી વીજળી રે મધદરિયે વેરણ થઈ !
શેઠ કાસમ, તારી વીજળી રે સમદરિયે વેરણ થઈ !
ભુજ અંજારની જાનું રે જૂતી
જાય છે મુંબઈ શે’ર. –કાસમ તારી…
દેશપરદેશી માનવી આવ્યાં,
જાય છે મુંબઈ શે’ર. –કાસમ તારી…
દસ બજે તો ‘ટિકટુ ’લીધી
જાય છે મુંબઈ શે’ર. –કાસમ તારી…
તેર તેર જાનું સામટી જૂતી
બેઠા કેસરિયા વર. –કાસમ તારી…
ચૌદ વીશુંમાંય શેઠિયા બેઠા
છોકરાંનો નૈ પાર. –કાસમ તારી…
અગિયાર બજે આગબોટ હાંકી
જાય છે મુંબઈ શે’ર. –કાસમ તારી…
બાર બજે તો બરોબર ચડિયાં
જાય છે મુંબઈ શે’ર. –કાસમ તારી…
ઓતર દખણના વાયરા વાયા
વાયરે ડોલ્યાં વા’ણ –કાસમ તારી…
મોટા સાહેબની આગબોટું મળિયું
વીજને પાછી વાળ્ય–કાસમ તારી…
જહાજ તું તારું પાછું વાળ્યે
રોગ તડાકો થાય. –કાસમ તારી…
પાછી વાળું, મારી ભોમકા લાજે !
અલ્લા માથે એમાન. –કાસમ તારી…
આગ ઓલાણી ને કોયલા ખૂટ્યા.
વીજને પાછી વાળ્ય. –કાસમ તારી…
મધદરિયામાં મામલા મચે
વીજળી વેરણ થાય. –કાસમ તારી…
ચહમાં માંડીને માલમી જોવે
પાણીનો ના’વે પાર. –કાસમ તારી…
કાચને કુંપે કાગદ લખે
મોકલે મુંબઈ શે’ર. –કાસમ તારી…
હિન્દુ મુસલમીન માનતા માને
પાંચમે ભાગે રાજ. –કાસમ તારી…
પાંચ લેતાં તું પાંચસે લેજે
સારું જમાડું શે’ર. –કાસમ તારી…
ફટ ભૂંડી તું વીજળી ! મારાં
તેરસો માણસ જાય. –કાસમ તારી…
વીજળી કે’ મારો વાંક નૈ, વીરા
લખિયલ છઠ્ઠીના લેખ. –કાસમ તારી…
તેરસો માણસ સામટાં બૂડ્યાં
બૂડ્યાં કેસરિયા વર. –કાસમ તારી…
ચૂડીએ કોઠે દીવા જલે ને
જુએ જાનુંની વાટ. –કાસમ તારી…
મુંબઈ શે’રમાં માંડવા નાખેલ
ખોબલે વે’ચાય ખાંડ. –કાસમ તારી…
ઢોલ ત્રંબાળુ ધ્રુસકે વાગે
જુએ જાનુની વાટ. –કાસમ તારી…
સોળસેં કન્યા ડુંગરે ચડી
જુએ જાનુંની વાટ. –કાસમ તારી…
દેશદેશેથી તાર વછૂટ્યા
વીજળી બૂડી જાય. –કાસમ તારી…
વાણિયા વાંચે ને ભાટિયા વાંચે
ઘર ઘર રોણાં થાય. –કાસમ તારી…
પીઠી ભરી તો લાડડી રુએ
માંડવે ઊઠી આગ. –કાસમ તારી…
સગું રુએ એનું સાગવી રુએ
બેની રુએ બારે માસ. –કાસમ તારી…
મોટા સાહેબે આગબોટું હાંકી
પાણીનો ના’વ પાર. –કાસમ તારી…
મોટા સાહેબે તાગ જ લીધા
પાણીનો ના’વ પાર. –કાસમ તારી…
સાબ મઢ્યમ બે દરિયો ડોળે
પાણીનો ના’વે તાગ. . –કાસમ તારી…
—————
ચહમાં=ચશ્માં,કાગદ=આગબોટો ડૂબવાની તતી ત્યાર કાચના સીસામાં એ ખબરવાળા કાગળો બીડીને સીસા સમુદ્રમાં તરતા મૂકવામાં આવતા. મોટાસાહેબ=પોરબંદરના એડમિનિસ્ટ્રેટર લેલી સાહેબ ‘વીજળી’ની શોધે નીકળ્યા હતા. ‘વીજળી’ની એ ખેપમાં ફકીર મહંમદ નામે પેલો દેશી કપ્તાન હતો. દેશી તરીકે પોતાની નામોશી ન થાય તે સારુ થઈને એણે ‘વીજળી’પાછી ન વાળી.
—————————————————
(પાનું: 91)
ઓળખ્યો
[બાર-બાર વરસ થયાં સાસરે વળાવેલી અને વચમાં એકેય વાર ઘેર ન આવેલી બહેનને એનો ભાઈ તેડવા જાય છે. નાનપણનાં સ્મરણો ભૂલેલી એ બહેન ભાઈને કેમ કરી ઓળખી લે છે? પોતાની માતાની આંખો જેવી એની આંખો દેખીને, અને પિતાના અવાજ જેવો એનોઅવાજ સાંભળીને. (માતાના જેવી આંખોવાળો ને પિતાના જેવા સ્વરવાળો પુરુષ પંકાય છે.) ભાઈને પોતાનાં દુ:ખો સંભળાવતી બહેન ભાઈના નિમંત્રણને નકારે છે. એ સમજે છે કે ભાઈઓ તો ભાભીને વશ હોય. બધું દુ:ખ ઠલવીને બહેન ડૂબી મરે છે.]
વેલ્યું છૂટિયું રે, વીરા, વાડીના વડ
ધોળીડા બાંધ્યા રે વડને વાંકીએ.
ચાર પાંચ સૈયરું રે વીરા, પાણીડાની હાર્ય,
વચલી પાણિયારે વીરને ઓળખ્યો.
ઓળખ્યો ઓળખ્યો રે માની આંખ્યુંની અણસાર
બાપની બોલાશે વીરને ઓળખ્યો.
વીરા, ચાલો રે દખણી બેનીને ઘેર,
ઉતારા દેશું ઊંચા ઓરડા.
વેલ્યું છોડજો રે, વીરા ! લીલા લીંબડા હેઠ,
ધોળીડા બાંધજો રે વચલે ઓરડે.
નીરીશ નીરીશ રે, વીરા, લીલી નાગરવેલ્ય,
ઉપર નીરીશ રાતી શેરડી.
રાંધીશ રાંધીશ રે, વીરા, કમોદું નાં કૂર,
પાશેર રાંધીશ કાજુ ખીચડી.
પાપડ શેકીશ રે, વીરા, પૂનમ કેરો ચંદ,
ઉપર આદુ ને ગરમર આથણાં.
જમશે જમશે રે મારો માડીજાયો વીર,
ભેળી બેસશે રે એક જ બેનડી.
ઊંચી મેડી રે, વીરા, ઊગમણે દરબાર,
તિયાં રે ઢળાવું તારા ઢોલિયા.
પોઢશે પોઢશે રે મારો માડીજાયો વીર,
પાસે બેસે રે એક જ બેનડી.
કરજે કરજે રે, બેની, સખદ:ખની વાત ,
ઘેરે જાશું તો માતા પૂછશે.
ખાવી ખાવી રે, વીરા, ખોરુડી જાર,
સૂવું રે માડીના જાયા સાથરે.
બાર બાર વરસે રે, વીરા, માથડિયાં ઓળ્યાં,
તેર વરસે રે તેલ નાખિયાં.
મેલો મેલો રે, બેની, તમરલા દેશ,
મેલો રે, બેની, તમારા સાસરાં.
વીરા વીરા રે, બેની, માસ છ માસ,
આખર જાવું રે બેનને સાસરે.
ભરવાં ભરવાં રે, વીરા, ભાદરુંનાં પાણી,
ભાદરની રેલે બેની તણાઈ ગયાં.
આ ને કાંઠે રે, વીરો રહ રહ રુએ,
ઓલ્યે કાંઠે રુએ એની માવડી.
————————————————–
(પાનું:200)
ઊભા રો’. રંગરસિયા !
સોના ઈંઢોણી રૂપા બેડલું રે
નાગર, ઊભા રો’, રંગ રસિયા !
પાણીડાં ગઈ’તી તળાવ રે,
નાગર, ઊભા રો’, રંગ રસિયા !
કાંઠે તે કાન ઘોડાં ખેલવે રે –નાગર…
કાન મુને ઘડૂલો ચડાવ્ય રે –નાગર…
તારો ઘડો તે, ગોરી, તો ચડે રે–નાગર…
તું જો મારા ઘરડાની નાર રે –નાગર…
ફટ રે ગોઝારા ફટ પાપિયા રે–નાગર…
તું છો મારો માડી જાયો વીર રે–નાગર…
અરડી મરડીને ઘડો મેં ચડ્યો રે–નાગર…
તૂટી મારા કમખાની કસ રે –નાગર…
ભાઈ રે દરજીડા, વીરા, વીનવું રે–નાગર…
કસે તે ટાંક્ય ઘમર ઘૂઘરી રે –નાગર…
હૈયે તે લખ્ય ઝીણા મોર રે –નાગર…
જાતાં વાગે તે ઘમર ઘૂઘરી રે –નાગર…
વળતાં ઝીંગારે નીલા મોર રે –નાગર…
————————————————
(પાનું: 371)
આણાં આવશે
ઊડતાં પંખીડાં, મારો સંદેશો લઈ જાજો રે સહી
દાદાને કે’જો રે દીકરી કૂવે પડે
કૂવે ન પડશો, દીકરી, અફીણિયા નવ ખાશો રે સહી
અંજવાળી આઠમનાં આણાં આવશે રે સહી
ઊડતાં પંખીડાં, મારો સંદેશો લઈ જાજો રે સહી
માતાને કે’જો રે દીકરી કૂવે પડે
કૂવે ન પડશો, દીકરી, અફીણિયા નવ ખાશો રે સહી
અંજવાળી આઠમનાં આણાં આવશે રે સહી
ઊડતાં પંખીડાં, મારો સંદેશો લઈ જાજો રે સહી
કાકાને કે’જો રે દીકરી કૂવે પડે
કૂવે ન પડશો, દીકરી, અફીણિયા નવ ખાશો રે સહી
અંજવાળી આઠમનાં આણાં આવશે રે સહી
ઊડતાં પંખીડાં, મારો સંદેશો લઈ જાજો રે સહી
કાકીને કે’જો રે દીકરી કૂવે પડે
કૂવે ન પડશો, દીકરી, અફીણિયા નવ ખાશો રે સહી
અંજવાળી આઠમનાં આણાં આવશે રે સહી
ઊડતાં પંખીડાં, મારો સંદેશો લઈ જાજો રે સહી
વીરાને કે’જો રે બેની કૂવે પડે
કૂવે ન પડશો, દીકરી, અફીણિયા નવ ખાશો રે સહી
અંજવાળી આઠમનાં આણાં આવશે રે સહી
ઊડતાં પંખીડાં, મારો સંદેશો લઈ જાજો રે સહી
ભાભીને કે’જો રે નણદી કૂવે પડે
કૂવે ન પડશો, નણદી,, અફીણિયા નવ ખાશો રે સહી
અંજવાળી આઠમનાં આણાં આવશે રે સહી
——————————————————–
(પાનું:381)
મોરલી ચાલી રૂસણે
મોરલી ચાલી રંગ રૂસણે રે
કોણ મનાવા જાય, રંગ મોરલી
જાશે સસરો રાજિયા રે
વળો વવારુ ઘેર રંગ મોરલી
તમારા વળ્યા નહીં વળે રે
તમારા મોભીના અવળા બોલ રંગ મોરલી
હં હં ને હા હું તો મારા મૈયર જૈશ રંગ મોરલી
મોરલી ચાલી રંગ રૂસણે
વળો વવારું ઘેર રંગ મોરલી
તમારા વળ્યા નહીં વળે રે
હં હં ને હા હું તો મારા મૈયર જૈશ રંગ મોરલી
[સાસુ, નણંદ, દિયર વગેરેને કહેવું. પછી–]
જાશે તે પરણ્યો રાજિયા રે
વળો, ગોરાંદે ઘેર રંગ મોરલી
હં હં ને હા હું તો મારા ઘરે જઈશ રંગ મોરલી
——————————————————
(પાનું: 405)
હાલરડું
ભાઈ મારો ડાહ્યો, પાટલે બેસી નાહ્યો
પાટલો ગ્યો છે ખસી, ભાઈ નાહી ઊઠ્યા છે હસી
ભાઈ મારો વણજારો, સુડલીસોને શણગારો
શણગારમાં છે દોરા, શણગાર કરશે શ્રીકૃષ્ણ ગોરા
શણગારમાં છે સાંકળા, શણગાર કરશે શ્રીકૃષ્ણ રાંકડા
ભાઈ મારો ઓપી, પે’રશે આંગલાની ટોપી
ભાઈ મારો અટાદાર, મોજડી પે’રશે જટાદાર
ભાઈ મારો રમશે, ખીર-ખાંડ ને પોળી જમશે
ભાઈ મારો અટારો, ઘી ને ખીચડી ચટાડો
ખીચડીમાં ઘી થોડાં ભાઈને ચડવા તેજી ઘોડાં
ખીચડી લાગે લૂખી, ભાઈ દુશમન દુ:ખી
ખીચડી લાગે ખારી, આપણા દેશમાં શ્રીકૃષ્ણ વેપારી
ભાઈ મારો વેપારી, બાજરો લાવશે બે પાલી
એક પાલી એની વઉનો, બીજી પાલી ઘર બાધા સૌનો
એક પાલી એ હાથેઇ નઈ, બીજી પાલી ભાઈ લેવા જાય નહીં
હાલો વા’લો રે ગાઉં , ભાઈને દૂધ-સાકર પાઉં
દૂધ-સાકર લાગે ગળ્યાં, ભાઈના વા’લાના હૈયામાં ઠર્યાં.
છાશ-લૂણ લાગે ખાટાં, ભાઈના દુશ્મનના હૈયા ફાડ્યા
હાલ કરીને હસ્યા, ભાઈ આ બે ઘર વચ્ચે વસ્યા
હાલ કરીને થાકી, ભાઈની નીંદરડી નથી પાકી
એક ઘડી તો સૂઈ જા, હું તો બે પળમાં પરવારું
નીંદરડી ચડી કમાડ, ભાઈને રો’ તો રે રમાડ
નીંદરડી કે’ આવું છું, આવીને હું ઘોરું છું
—————————————————-
(પાનું: 423)
લીલી લીંબડી
લીલી લીંબડી રે લીલાં નાગરવેલનાં પાન
મારે જાવું દુવારકા રે, ઈશ્વર, મારગડો બતાવ
પેલી પરોળમાં રે સામે સોનીડાનાં હાટ
ઝૂમણું વસાવતાં રે હરિએ ઝાલ્યો જમણો હાથ
હરિ ! હું એકલી રે, નહીં મારે સાહેલીનો સાથ
સાહેલી શું કરે રે તમારો અવળો થયો અવતાર
અવળાં અવતર્યાં રે સવળા કેમ થાયીં, મહારાજ
લીલી લીંબડી રે લીલાં નાગરવેલનાં પાન
મારે જાવું દુવારકા રે, ઈશ્વર, મારગડો બતાવ
બીજી પોળમાં રે સામે દોશીડાનાં હાટ
ચૂંદડી વસાવતાં રે હરિએ ઝાલ્યો જમણો હાથ
હરિ, હું એકલી રે, નહીં મારે સાહેલીનો સાથ
સાહેલી શું કરે રે તમારો અવળો થયો અવતાર
અવળાં અવતર્યાં રે સવળા કેમ થાયીં, મહારાજ
લીલી લીંબડી રે લીલાં નાગરવેલનાં પાન
મારે જાવું દુવારકા રે, ઈશ્વર, મારગડો બતાવ
ત્રીજી પોળમાં રે સાને મણિયારનાં હાટ
ચૂડલો વસાવતાં રે પ્રભુએ ઝાલ્યો જમણો હાથ
પ્રભુ, હું એકલી રે, નહીં મારે સાહેલીનો સાથ
સાહેલી શું કરે રે તમારો અવળો થયો અવતાર
અવળાં અવતર્યાં રે સવળા કેમ થાયીં, મહારાજ
———————————————————–
(પાનું: 426)
સીતાને દરબાર
લીલી લીંબડી રે લીલો નાગરવેલનો છોડ,
આજ મારે આંગણે રે, પ્રભુજી, દાતણ કરવા જાવ.
દાતણ નહીં કરું રે જાવું સીતાને દરબાર,
સીતા એકલાં રે, જુવે રામ-લક્ષ્મણની વાટ.
આજ મારે આંગણે રે, પ્રભુજી, નાવણ કરતા જાવ,
નાવણ નહીં કરું રે, જાવું સીતાને દરબાર,
સીતા એકલાં રે, જુવે રામ-લક્ષ્મણની વાટ.
આજ મારે આંગણે રે, પ્રભુજી, ભોજન કરતા જાવ,
ભોજન નહીં કરું રે, કરશું સીતાને દરબાર
સીતા એકલાં રે, જુવે રામ-લક્ષ્મણની વાટ.
આજ મારે આંગણે રે, પ્રભુજી, મુખવાસ કરતા જાવ,
મુખવાસ નહીં કરું રે, કરશું સીતાને દરબાર,
સીતા એકલાં રે, જુવે રામ-લક્ષ્મણની વાટ.
આજ મારે આંગણે રે, પ્રભુજી, પોઢણ કરતા જાવ,
પોઢણ નહીં કરું રે, કરશું સીતાને દરબાર,
સીતા એકલાં રે, જુવે રામ-લક્ષ્મણની વાટ.
———————————————————-

બહુ સરસ.