રઢિયાળી રાત સંપાદક: ઝવેરચંદ મેઘાણી માંથી કેટલીક રચનાઓ (મણકો :બીજો)

 

 

રઢિયાળી રાત(બૃહદ આવૃત્તિ)

સંપાદક: ઝવેરચંદ મેઘાણી માંથી કેટલીક રચનાઓ

(મણકો :બીજો)

પાનું: 282

કાદુ બહારવટિયો

[મકરાણી હતો, જૂનાગઢના રાજ્ય સામે બહારવટે નીકળ્યો હતો. બહુ જ ક્રૂર હતો. પણ પવિત્ર હતો. એને પકડીને ફાંસી દીધી હતી.]

ડુંગરે ડુંગરે કાદુડાના ડાયરા,

દારૂગોળાની લાગે ઠારમઠોર રે, મકરાણી કાદુ !

જૂની વસતી જમાદાર માર્ય મા !

બબ્બે બંધુકે કાદુડો બાંધતો;

ત્રીજી બાંધ્યાની રે ગઈ તારે ખાંત રે, મકરાણી કાદુ!—જૂની…

બબ્બે ઘોડાં કાદુડો રાખતો,

ત્રીજા ઘોડાની રૈ ગઈ તારે ખાંત રે, મકરાણી કાદુ !—જૂની…

બબ્બે હાથીડા કાદુડો રાખતો;

મકના હાથીની રૈ ગઈ તારે ખાંત રે, મકરાણી કાદુ !—જૂની…

બબ્બે રાણિયું કાદુડો રાખતો;

કાઠિયાણીની રૈ ગઈ તારે ખાંત રે, મકરાણી કાદુ !—જૂની…

ડુંગરે ડુંગરે કાદુડાના ડાયરા,

ડુગરેથી તારો લપટ્યો ડાબો પગ રે મકરાણી કાદુ!—જૂની…

————————————————–

(પાનું: 283)

રંગ ભીલડી

[મેના ગુર્જરી, જસમા ઓડણ, આલા ખાચરને જવાબ દેનારી મોચણ, ને મોરબીની વાણિયણ: એ ચારેયને મળતું જ આ પાત્ર છે. રાજાનાં પ્રલોભનોને એણે નિર્ભય વાણીમાં તિરસ્કાર્યાં છે.આ ભીલડી કોણ હતી તે નથી સમજાતું]

તને રાજા બોલાવે, રંગ ભીલડી,

મારી મેડિયું જોવા આવ્ય રે, રંગ ભીલડી !

તારી મેડિયું જોઈ  જોઈ શું કરું!

મારે છાપરાં સવા લાખ રે, રંગ ભીલડી !

તને રાજા બોલાવે, રંગ ભીલડી,

મારી ભેંસું જોવા આવ્ય રે, રંગ ભીલડી!

તારી ભેંસું તે જોઈ જોઈ શું કરું !

મારા પાડાસવા લાખ રે, રંગ ભીલડી !

તને રાજા બોલાવે, રંગ ભીલડી,

મારી મૂછ્યું જોવા આવ્ય રે, રંગ ભીલડી !

તારી મૂછ્યું જોઈ જોઈ શું રે કરું !

મારા બકરાંનાં એવાં પૂછ રે, રંગ ભીલડી !

તને રાજા બોલાવે, રંગ ભીલડી,

મારી રાણિયું જોવા આવ્ય, રે, રંગ ભીલડી !

તારી રાણિયું જોઈ જોઈ શુંશું રે કરું !

મારે ગોલિયું સવા લાખ રે, રંગ ભીલડી !

તને રાજા બોલાવે, રંગ ભીલડી,

મારા કુંવર જોવા આવ રે, રંગ ભીલડી !

તારા કુંવર જોઈ જોઈ શું રે કરું !

મારો દેરિયો સવા લાખનો રે, રંગ ભીલડી !

તને રાજા બોલાવે, રંગ ભીલડી !

મારા હાથી જોવા આવ રે, રંગ ભીલડી !

તારા હાથી જોઈ જોઈ શું રે કરું !

મારા પાડા સવાલાખ રે, રંગ ભીલડી !

(પાનું:285)

રૂડા રામની ગરબી

 

ઓતરાખંડમાં અજોધા ગામ છે રે

તિ.યાં રાજા દશરથના રાજ હો !

ગરબી ગાઈએ તે રૂડા રામની રે !

રાજા દશરથને બબ્બે રાણિયું રે

એનાં કેગે ને ક્વશલ્યા નામ હો !

ગરબી ગાઈએ તે રૂડા રામની રે !

રાની કેગેને જલમ્યા બે બેટડા રે

માતા ક્વશલ્યાએ જલમ્યા મોટા ભૂપ હો !

ગરબી ગાઈએ તે રૂડા રામની રે !

એનાં ભરત શત્રુઘ્ન નામ પાડિયાં રે

રૂડા રામ લક્ષ્મણ ની જોડ્ય હો !

ગરબી ગાઈએ તે રૂડા રામની રે !

રાજા દશરથનો અંગૂઠો પાકિયો રે

એના અંગૂઠામાં ઊપડેલ આગ હો !

ગરબી ગાઈએ તે રૂડા રામની રે !

માતા ક્વશલ્યાએ અંગૂઠો મુખે ધર્યો રે

અંગૂઠો ફૂટ્યો છે મધરાત હો !

ગરબી ગાઈએ તે રૂડા રામની રે !

માતા ક્વશલ્યા કરવા ગ્યાં કોગળા રે

રાણી કેગે આવીને બેઠાં પાસ હો !

ગરબી ગાઈએ તે રૂડા રામની રે !

રાજા દશરથ ઝબકીને જાગિયા રે

રાણી માગો માગોને વરદાન હો !

ગરબી ગાઈએ તે રૂડા રામની રે !

મારા ભરત શત્રુઘન રાજ ભોગવે રે

રૂડા રામ લક્ષ્મણ વનવાસ હો !

ગરબી ગાઈએ તે રૂડા રામની રે !

રાજા દશરથનાં મોઢડાં પડી ગિયાં રે

રાણીએ શું માગ્યાં વરદાન હો !

ગરબી ગાઈએ તે રૂડા રામની રે !

માગો માગો હાથીદાંત ચૂડલા રે

આપું આપું ગુજરિયુંની જોડ હો !

ગરબી ગાઈએ તે રૂડા રામની રે !

 

આ પંક્તિઓ પણ ગવાય છે:

માગું માગું પૂતરને માગું પારણાં જો

માગું માગું છું માળવાનાં રાજ જો

ગરબી ગાઈએ તે રૂડા રામની રે !

દીધા દીધા પૂતરને દીધાં પારણાં જો

દીધાં દીધાં છે માળવાનાં રાજ જો

ગરબી ગાઈએ તે રૂડા રામની રે !

માગું માગું હાથીદાંત ચૂડલો જો

માગું રામ-લખમણ વનવાસ જો

ગરબી ગાઈએ તે રૂડા રામની રે !

દીધો દીધો હાથીદાંત ચૂડલો જો

રામ-લખમણને દીધો વનવાસ જો

ગરબી ગાઈએ તે રૂડા રામની રે !

————————————————–

(પાનું:292)

વાંઝિયાની હોંશ

[રાણકદેવીના શાપે રાજા સિદ્ધરાજ જયસિંહ ને સંતતિ નહોતી થતી. સંતાન-પ્રાપ્તિ માટે એણે પ્રજાકલ્યાણનાં કેટલાં કેટલાં કાર્યો કર્યાં તેનું વર્ણન છે. એણે બંધાવેલ મંદિરો અને નવાણોની ટીપ છે. અને તે પછી, વાંઝણી સ્ત્રીના શા શા કોડ અણપુરાયા રહી જાય છે તેનો કરુણ ચિતાર છે.]

 

સધરા તે જેસંગને પૂછે એની રાણી જો,

વાંઝિયાના માલ ક્યાં ક્યાં વાપર્યા હો જી !

સિધપુર જઈને રાણે રુદરમાળ બંધાવિયા જો

તોયે ના પેટ પુતર અવતર્યા હો જી. –સધરા…

ધોળકે જઈને રાણે મલાવ ગળાવ્યાં જો.

ત્રણસે ને સાઠ બાંધ્યાં પાવઠાં હોજી;

પાવઠડે પાવઠડે પૂતળિયું મેલાવી જો,

તોયે ના પેટ પુતર અવતર્યા હો જી. –સધરા…

 

વીરુગામ જઈને રાણે મુનસર ગળાવ્યાં જો,

દેરિયું મેલાવી ત્રણસેં સાઠ રે હો જી.

દેરડીએ દેરડીએ ટોકરિયું બંધાવી જો;

તોયે ના પેટ પુતર અવતર્યા હો જી. –સધરા…

સીધે 1 તે જઈને રાણે ચંદરાસર ગળાવ્યાં જો,

ત્રણસેં ને સાઠ મેલ્યાં પાવઠાં  હો જી;

પાવઠડે પાવઠડે પરગટિયા છે દીવા જો.

તોયે ના પેટ પુતર અવતર્યા હો જી. –સધરા…

વઢવાણ જઈને રાણે માધાવાવ ગળાવી જો,

ત્રણસેં  ને સાઠ મેલ્યાં પગથિયાં હો જી;

પગથિયે પગથિયે પરગટિયા છે દીવા જો,

તોયે ના પેટ પુતર અવતર્યા હો જી. –સધરા…

શિહોર જઈને રાણે બ્રહ્મકુંડ ગળાવ્યા જો,

ત્રણસેં  ને સાઠ મેલ્યાં પગથિયાં હો જી;

પગથિયે પગથિયે પરગટિયા છે દીવા જો,

તોયે ના પેટ પુતર અવતર્યા હો જી. –સધરા…

દીકરો  દીકરો કરતાં દીકરી નો આવી જો,

જાઈને ઘડાવત સોના સાંકળાં હો જી;

દીકરો  દીકરો કરતાં દીકરી નો આવી જો,

સોરઠનો સૂબો આવત પરણવા હો જી !

સાસુના હાથની સુવાવડ નો ખાધી જો,

માયે નો મેલ્યા મોદક લાડવા હો જી;

સસરાને આંગણ ઢોલ નો વાગ્યા જો,

મૈયર નો મેલી કંકોતરી હો જી.

પિયુડા પે’રી પગલાં ન ભરિયાં જો,

નણંદે નો બાંધી સોનારાખડી હો જી;

પાછલી પછીતે ઢોલિયા નો ઢાળ્યા જો,

માયે નો કર્યાં ઓશીકડાં  હો જી.

સુવા ને સૂંઠ તો નજરે નો દીઠી જો,

તીખાં તે સેવતાં ભવ ગયો હો જી.

ઝીણે ઝીણે સાદડિયે હાલરડાં ન ગાયાં જો,

હરખે તો નાખ્યો એક હીંચકો હો જી.

મોંઘાં તે થઈને મૈયર નો માણ્યું જો.

વીરોજી નો આવ્યા આણે હો જી.

પીંઝણિયે પગ મૂકી વેલ્યમાં નો બેઠાં જો,

ઠાઠે નો બાંધ્યાં રંગિત ઘોડિયાં હો જી.

એવું  તો સુખ, માડી, નજરે નો દીઠું જો,

દુ:ખને દા’ડે ડૂલી ગયાં હો જી.

1 સીધે—સીધા ગામ ધ્રાંગધ્રા તાબે છે.

————————————————

(પાનું: 300)

જવલબા

[જવલબા નામે ગરાસિયાની દીકરીનું રૂપ દેખીને ચંદરો નામે રાજા એનાં માબાપ પાસે જઈ જુગારમાં જવલબાને જીતે છે. કન્યાને છુપાવી તેને સ્થાને બીજી સ્ત્રીઓને સુંદર પોશાકમાં હાજર કરવામાં આવે છે. પણ ચંદરો તો મેલાં ફાટેલાં વસ્ત્રોમાંય અછતી ન રહેનારી રાજકન્યા જ ઓળખી લઈ ઊઠાવી જાય છે. દુભાયેલી રાજકન્યા પિયરિયંને શાપ દેતી જાય છ.]

 

સોના ઈંઢોણી ને રૂપા બેડલું રે,

પાણીડાં ગ્યાં’તાં જવલબા  તળાવ રે.

પાળે તે ઊતર્યું છે ચંદરાનું દળકટક,

જળમાં ઊભેલાં જવલબાને દીઠાં રે.

કુણ રા’ની બેટી ને કુણ રા’ની બેની રે,

કઈ બાની કૂખે જલમ્યાં જવલબા રે?

અભેસંગની બેટી અમરસંગની બેની રે,

તેજીબાની કૂખે જલમ્યાં જવલબા રે.

ન્યાંથું દળકટક ડેલીએ આવ્યું રે,

તેડાવો અમરસંગ, જુગટે રમીએ રે.

હું હારું તો મારાં રાજ ભોગવજો રે,

તમે હારો તો તમારી બેનીને પરણું રે.

પે’લો રે પાસો જેસંગ રાજા જીત્યા રે,

બીજલો પાસો અમરસંગ હાર્યા રે.

ત્રીજલો રે પાસો જેસંગ રાજા જીત્યા રે,

ચોથલો પાસો અમરસંગ હાર્યા રે.

ન્યાંથું દળકટક ડેલીએ આવ્યું રે,

ઝટપટ કરી જવલબા સંતાડો રે.

સોનું પે’રાવી સોનલબા દેખાડ્યાં રે,

નહિ રે મોટાનાં છોરું નહિ રે જવલબા રે.

રૂપું પે’રાવી રૂપાળીબા દેખાડ્યાં રે,

નહિ રે ધીંગાનાં છોરું, નહિ રે જવલબા રે.

વાંકે અંબોડે વાળંદડી દેખાડી રે,

નહિ રે મોટાનાં છોરું નહિ રે જવલબા રે.

મસોતાં પે’રાવી જવલબા દેખાડ્યાં રે,

ઇ રે મોટાનાં છોરું, ઈ રે જવલબા રે.

જોડો તે ઘોડવેલ્યું ને જોડો માફલિયા રે,

ઝટપટ કરી જવલબા વળાવો રે.

તેડાવો અભેસંગ મળતા જાયેં રે,

ભવોભવ બાપુ વાંઝિયા રે’જો રે.

રાખો ઘોડવેલ્યું ને રાખો માફલિયા રે,

ભવોભવ વીરા બંધીખાને રે’જો રે.

રાખો ઘોડવેલ્યુંને રાખો માફલિયા ર,

ભવોભવ માતા અંધાપા ભોગવજો રે.

—————————————————-

(પાનું: 320)

શ્રવણ

માછલી વિયાણી કાંઈ દરિયાને બેટ

સરવણ રિયો એની માને પેટ.            –સમરો રામને.

કાળી પછેડી ને ભમરિયાળી ભાત,

સરવણ જલમ્યાં માઝમ રાત.     –સમરો રામને.

અડી કડી ને નવઘણ કૂવો,

ત્યાં સરવણનો જલમ હુવો.       –સમરો રામને.

લાંબી પીપળ ટૂંકાં પાન

સરવણ ધાવે એની માને થાન.   –સમરો રામને.

ચાર પાંચ વરસનો સરવણ  થયો.

લઈ પાટીને ભણવા ગિયો.      –સમરો રામને.

ભણી ગણી બાજંદો થિયો

સુધરી1 નારને પરણી આવ્યો.        –સમરો રામને.

(મારાં) આંધળાં માબાપની સેવા કરો –સમરો રામને.

આંધળાં માબાપને કૂવામાં નાખ !

મને મારે મૈયરીએ વોળાવ.         –સમરો રામને.

મોર્ય સરવણ ને વાંસે નાર

સરવણ ચાલ્યો સસરાને દુવાર.   –સમરો રામને.

સસરાજી, મારાં વચન સુણો

ને તમારી ધીડીને ઘરમાં પૂરો,   –સમરો રામને.

રો’ ! રો’ ! જમાઈ, જમતા જાવ.

મારી દીકરીના અવગુણ ગાતા જાવ. –સમરો રામને.

ઈ રે અભાગણીનાં મોં કોણ જુએ

(મારાં)  આંધળાં માબાપને નાખે કૂવે. –સમરો રામને.

ત્યાંથી રે સરવણ ચાલતા થાય

સુતારીનાં ઘર પૂછતા જાય.         –સમરો રામને.

ભાઈ રે સુતાર, મારાં વચન સુણો,

આંધળાં માબાપની કાવડ ઘડો.     –સમરો રામને.

કાવદ ઘડજો ઘાટ સપાટ

સોયલાં બેસે મારાં મા ને બાપ.     –સમરો રામને.

ત્યાંથી તે સરવણ ચાલતા થાય

દરજીનાં ઘર પૂછતા જાય           –સમરો રામને.

ભાઈ રે દરજી, મારાં વચન સુણો

આંધળાં માબાપનાં લૂગડાં સીવો.   –સમરો રામને.

લૂગડાં સીવજો ઘાટ સપાટ

સોયલાં પે’રે મારાં મા ને બાપ.     –સમરો રામને.

ત્યાંથી તે સરવણ ચાલતા થાય

મોચીડાનાં ઘર પૂછતા જાય.        –સમરો રામને.

ભાઈ રે મોચીડા, મારાં વચન સુણો

આંધળાં માબાપની મોજડી સીવો.  –સમરો રામને.

મોજડી સીવજે ઘાટ સઘાટ

સોયલી પેરે મારાં મા ને બાપ.      –સમરો રામને.

ખંભે કાવડ હાથમાં તીર

સરવણ ચાલ્યો જમનાનાં નીર.     –સમરો રામને.

ભરિયા લોટા ખખડ્યાં નીર.

સરવણ વીંધ્યો પેલે તીર.           –સમરો રામને.

આ લ્યો, બેન—ભાઈ પાણી પીવો

ને તમારો સરવણ ગામ જ ગિયો.   –સમરો રામને.

મારો સરવણ નથી ગામ ગિયો

ને મારે ને સરવણને વસવસો રિયો. –સમરો રામને.

[આમાં પણ તૂટક ઘણું છે. ઝાડે ચડેલો રાજા દશરથ સરોવર પર પાણી ભરવા આવનાર શ્રવણને રાત્રિએ કોઈ પશુ સમજી પાણીના ભભડાટપરથી નિશાન માંડી તીર મારે છે. પછી શ્રવણ નાં માતાપિતા પાસે જએ શાપ પામે છે: એ બધું વિગતવાર વૃત્તાંત ખોવાયું લાગે છે]

[સુઘરી=સારા ઘરની; કેટલાક ‘સુખણી’ગાય છે. મતલબ કે મોટા કુળની સ્ત્રી હોવાથી એણે શ્રવણના રંક માબાપને સેવવાની ના પાડી. ]

—————————————————–

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

વાચકગણ
  • 303,818 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 285 other followers

તાજા લેખો
તારીખીયું
એપ્રિલ 2016
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« માર્ચ   મે »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: