રાવણનું અભિમાન ઓગળી ગયું//જોરાવરસિંહ જાદવ

લોકકથા

રાવણનું અભિમાન ઓગળી ગયું//જોરાવરસિંહ જાદવ

[આનંદ ઉપવન માસિક એપ્રિલ 2016 પાના: 14 થી 16

]

પાના: 14 થી 16

પ્રભાતનો પહોર થયો. ઊગમણા આભમાં ઉષાએ હીનારંગી પાનીએ કુમ કુમ પગલાં પાડ્યાં. કસુંબલ રંગમાં ઝબકોળાયેલા સૂરજ મહારાજે નવખંડ ધરતી  માથે સોનલ વરણાં અજવાળાં ઢોળ્યાં એ વેળાએ ગઢ લંકાનો રાજા રાવણ હાથમાં ધનુષ—બાણ લઈને સાબદો થયો.

દશાનન રાજા રાવણે એની સામે રાશવા છેટી રાણી મંદોદરીને ઊભી રાખી પણછ ચઢાવી, ધનુષનો ગરવટંકાર કર્યો. ત્યાં તો દસે દિક્ પાળ  ડોલી ઊઠ્યાં.ધરતી ધણેણી ઊઠી. આકાશપાતાળ ખળભળી ઊઠ્યાં.પછી એણે બરાબર નિશાન નોંધીને મંદોદરીની ઝીલ (કાનમાં પહેરવાનું સોનાનું ઘરેણું) સોંસરી ભાલ (ધનુષનું-ભાલાળું બાણ-ભાલોડી) કાઢી નાખી.

‘અરરર મરી ગઈ મારા બાપલિયા’, એમ કહેતી મંદોદરીના કાળજે સરરર કરતો શેરડો પડી ગયો. એનું કાળજું ધક ધક થવા માંડ્યું. આંખે ઘેરાં અંધારાં વળી ગયાં.

ત્યાં તો અભિમાનથી જેની આંખ્યું ઓડ્યે આવી ગઈ છે. એવા રાવણનાં દસે માથાં ગર્વથી ટટ્ટાર થયાં. ખોંખારો ખાઈ, મૂછે તાવ દઈ અટ્ટહાસ્ય વેરતાં એણે કહ્યું:

‘મંદોદરી ! ઓ મારી રાણી મંદોદરી ! મલક માથે છે કોઈ મારા જેવો બળિયો બાણાવળી ? જેવું હોય એવું કહેજે, જૂઠું બોલીશ તો જીભ વાઢી નાખીશ.’

મંદોદરીનું કાળજું તો હજુય થડકઉધડક  થાતું હતું એને તો આજ વગર ડાકલે પંડ્યમાં માતા આવી હતી. ભયથી કંપતા બે હાથ જોડીને એણે કહ્યું:

‘ના, મહારાજ ! તમે એટલે મરદનું છોગું હો. તમારા પગરખામાં પગ નાખે એવો જણ પ્રથમી માથે હજુ સુધી કોઈ પાક્યો નથી’

પણ પછી તો આ સિલસિલો હંદરોજનો થ્યો. નિત ઊઠીને રાવણ મંદોદરી આગળ એના પરાક્રમનું પારખું કરે. વાઘ આગળ રોજ બકરી બાંધે એવી દશા મંદોદરીની થઈ ગઈ. ભાઈ ! કોઈ વેળાએ રાવણ નિશાન ચૂકી જાય ને ભાલાડું આડું અવળું વાગી જાય તો? ભયની તલવાર માથે લટકતી ભાળીને મંદોદરી  તો છ-મઈનામાં સુકાઈને સાંઠીકડા જેવી થઈ ગઈ. આમાંથી ઉગરવાનો  ઓઠો શોધી કાઢવા રાવણની રજા લઈને એ પિયર ગઈ.

સરખે સરખી સહિયારૂ મંદોદરીને વીંટાઈ હતી(વળી). મંદોદરી પ્રથમ વાર જ સાસરેથી પિયર આવી હતી. એની કરમાઈ ગયેલી કાયા જોઈને સહુએ ઠોળ્ય(મશ્કરી) કરવા માંડી:

‘સખી મંદોદરી ? સંસાર સોહ્યલા કે દોહ્યલા? બીજી બોલી: ‘સાસરે જઈએ ત્યારે સમજાય કે કેટલી  વીસે સો થાય છે?’

‘ઈની વાત ઈમ સે ત્યારે  આંય કને બોનબા કેટલું બળ કરતાં’તા?

‘ધરતી માથે પગ ન્હોતો ઠબતો, પણ ઈતો એરૂ દરમાં જાય ત્યારે પાસરો દોર.’

મંદોદરીએ મોં પર ગુસ્સાની રીંછડી રમાડતા છણકો કરીને કહ્યું: ‘રાખો હવે, સંધીય મંડાણિયું સો તે ! તમે સાસરે જઈને ઉધ્ય મઈડી નાખશો ઈ મારાથી અજાણ્યું થોડું રહેવાનું સે?’

‘લ્યો. કરો વાત? આટલું કીધું ઈમાં તો સહિયરનો મોગરો મરડાઈ ગયો, પણ બોનબા વાત તો કરો ડોલરના ફૂલ જેવી  તમારી કાયા કેમ કરમાઈ ગઈ છે? વાયરો વાતા ઊડી જાય એવા કાં થઈ ગયાં?’

આ સાંભળતાંવેંત જ મંદોદરીની આંખ્યુંમાંથી આંસુડાં ઠેકી ઠેકીને બહાર નીકળવા મંડાણાં. એણે અંતર ઊઘાડું કરીને સઘળી વાત કરી. આ વાત સાંભળીને સૌ દિંગ થઈ ગયું.

સૈયરૂએ કીધું: ‘ધ્રો અને ધણી ખૂંટે જ ગણ દ્યે.’જાવ જઈને કહેજો કે કૂવા માહ્યલા દેડકા જેવી વાત શીદને કરો સો? ભલાભલી પ્રથમી પડી સે.”

પિયરમાં તાજીમાજી થઈને મહિના માસ પછી મંદોદરી સાસરે ગઈ હોવાથી એના હૈડામાં આનંદ હિલોળા લેતો હતો.

બીજે દિ’ સવારના પહોરમાં રાવણ એનું રોજનું કામ કરવા સાબદો થયો. ઝાલ સોંસરી ભાલ કાઢીને એણે સવાશેર કેફથી કીધું કે ‘કાં મંદોદરી ! છે મારા જેવો કોઈ બળિયો બાણાવળી?’

મંદોદરીએ રાવણની આંખ્યુંમાં આંખ્યું પરોવતા એટલું જ કીધું:

‘કૂવા માહ્યલા દેડકા જેવી વાત શીદ કરો છો? ભલાભલી પ્રથમી પડીસે.’

કોઈ દિવસ નંઈ ને આજ મંદોદરીનો જડબાતોડ જવાબ સાંભળીને રાવણ જેવો રાવણ  શેહ ખાઈ ગિયો? એણે દિલ દરિયામાં ડૂબકી દીધી:

“હું એટલે કોણ? લંકાનો રાજા રાવણ. મારૂં  નામ પડતાં તો ભલભલાં દેવદેવલાં થરથરથર કંપી ઊઠે છે. મને ટપી જવા તો અવતાર ધારણ કરવો પડે, તોય મને જોવા તો દે કે કોઈ માઈનો લાલ પાક્યો સે?”

આમ વિચાર કરીને પુષ્પક વિમાનમાં બેસીને રાવણ તો પ્રથમી માથે આંટો મારવા હાલી નીકળ્યો. ફરતો ફરતો એ અયોધ્યાના પાદરમાં જઈ ચડ્યો. સંધ્યાટાણું થતું આવે છે. આથમણા આભમાં કેશરિયો રંગ ઢોળાય છે. મઠો કલરવ કરતાં પંખીડાં ઊડી રહ્યાં છે. બાંબરડાં દેતું –ગોધણ ઉતાવળું ઉતાવળું ગામ ભણી આવી રહ્યું છે. શિવાલયમાં આરતીનો ઘંટારવ ગુંજી રહ્યો છે. એવે મોકે અયોધ્યાના પ્રતાપી રાજા રઘુરાય હાથમાં લોટ્યકો લઈને દિશાએ જવા નીકળ્યા છે આનીપાથી રઘુનું જવું અને ઓલીપાથી રાવણનું આવવું. બેયનો ભેટો થવા આડે ડામણવા છેટું રહ્યું.

ત્યાંતો રઘુરાય એકદમ ચોંકી ઊઠ્યા. પાણીનો લોટ્યકો એમણે એક કોર્ય મેલી દીધો. મારગ માથે દર્ભનું ભોથું ફૂટલું હતું એમાંથી બે તણખલાં તોડ્યાં. દર્ભનું ધનુષ્ય અને દર્ભનું (દાબડા નામનું ઘાસ) ભાલોડું બનાવી નિશાન નોંધ્યું સનનન કરતું તીર અંતરીક્ષમાં અલોપ થઈ ગયું.

ખંધું અટ્ટહાસ્ય વેરતાં રાવણે કહેવા માંડ્યું:

‘રઘુ ! કાંઈના વળ્યું તે મારી આગળ તરણાં તોડવા મંડ્યો? પણ એમ હું તને છોડવાનો નથી.’

‘રાવણ ! તારી આ મજાલ ? મારા મારગમાં આડો આવનાર તું કોણ ? જાજા, ઝાડ એના ભારે ભાંગી પડશે. મારે શીદ નિમિત્ત બનવું? ઊંડા પાણીમાં ઊતરવાં પહેલાં ખાતરી કરતો જા કે મેં તરણાં તોડ્યાં નથી. અહીંથી ઓતરાદિપા એક જોજનવા ભોં માથે વનવગડામાં એક તાજી વિયાયેલી ગાય છે. વાઘ એની પર તરાપ મારવાની અણી પર હતો. જો હું સ્હેજ ગાફેલ રહ્યો હોત તો વાઘે ગાયનો શિકાર કરી નાખ્યો હોત. હું ગૌબ્રાહ્મણ પ્રતિપાળ, આ શી રીતે સાંખી લઉં?’

રાવણે કતરાતી નજરે કહ્યું:

‘શું કહેનારો તો ગેલહધરો, પણ સાંભળનારો ગેલહાઘરો?’

‘તારી પાસે પુષ્પક વિમાન  તો છે ને? કઈને કરી લે ખાતરી. ત્યાં લગી હું આય કને બેઠો છું.’

‘જોજે હો મારી આંખ્યુમાં ધૂળ નાખીને ચ્યાંક ભાગી નો જતો.’

‘ભાગે ઈ બીજા. તું તારે જોઈ આવને, પછી બધી વાત.’

એંધાણી આપ્યા પ્રમાણે રાવણે પુષ્પક વિમાન હંકાર્યું . આભલામાંથી જેમ તારોડિયું ખર એમ ખરરર…કરતું પુષ્પક વિમાન રણવગડામાં ઊતરી પડ્યું. રાવણે જોયું તો ગાય,વાછરડાને વહાલથી ચાટી રહી છે. વાછરડો બચ બચ કરતો ધાવી રહ્યો છે. સામે જ દર્ભના ભાલોડાથી વીંધાઈને મોતના ખપ્પરમાં ભરખાયેલો વાઘ પડ્યો છે. રાવણ તો ફાટી આંખે જોઈ રહ્યો.

….ને ભાઈ, તે દિ’ પોતાની જાતને બળિયા બાણાવળીમાં ખપાવતા દસમાથાળા રાવણનો ગર્વ તડકે મૂકેલો બરફ ઓગળે એમ ગળી ગયો.

એ તો વિમાનમાં બેસીને ખોટા રૂપિયાની જેમ રઘુરાય પાસે પાછો ફર્યો: એમનાં ચરણોમાં શિશ નમાવીને અવિનયની ક્ષમા માગી.

રઘુએ કહ્યું: ‘જા, જા, જાવા દઉં છું. તારાય અભિમાન ક્યાં  ઓછાં છે?બાપ, પણ મારા વંશજ રામના મારગમાં આડો આવતો નંઈ, નહીંતર એ તને જીવતો નંઈ જાવા દે.’

લીંબું જેવડું મોં લઈને રાવણ પાછો ફર્યો.

બસ તે દિ’થી એણે મંદોદરી આગળ ડંફાસ મારવાનું માંડી વાળ્યું.

***********************************

 

]

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

વાચકગણ
  • 304,069 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 285 other followers

તાજા લેખો
તારીખીયું
એપ્રિલ 2016
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« માર્ચ   મે »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: