મારા જીવનમાં બાપુ//વિજયાબહેન મનુભાઈ પંચોળી

 મારા જીવનમાં બાપુ//વિજયાબહેન મનુભાઈ પંચોળી

 [શાશ્વત ગાંધી  સામયિક ,જાન્યુઆરી, 2016]

અમે દાદુપંથી, સુરતના દાદુપંથી મંદિરના અને બહારના સાધુઓ અમારે ત્યાં દર વરસે મહિનો-દોઢ મહિનો આવે-રહે, કથા-કીર્તન કરે, સત્સંગ થાય.

આ બધું હું મારા બાળપણથી જોતી આવતી. તેર-ચૌદ વરસની ઉંમરથી આ બધું ગમવા લાગ્યું. એટલે હું નવરી હોઉં  ત્યારે સાધુઓની પાસે બેસું. કોઈની સાથે વાતો ચાલતી હોય કે સત્સંગ થતો હોય કે કથા થતી હોય, બેસીને સાંભળ્યાં કરું.

1928ની બારડોલીની ના-કરની લડત આવી. અમારા ગામ વરાડમાં છાવણી નખાઈ. પુણ્યસ્મરણ ડુંગળીચોર પંડ્યાજી (મોહનલાલ કામેશ્વર પંડ્યા) દાદા વરાડ છાવણીમાં આવીને રહ્યા. એમણે મને આવી જ કોઈ સાધુ-સંતોની મંડળીમાં જોઈ. બીજે દિવસે અમારે ઘેર આવ્યા. એમણે મને પૂ. બાપુજીની આત્મકથા વાંચવા આપી. આત્મકથા વાંચી, ખૂબ ગમી.

ઘણા વખતથી રામકથા-કૃષ્ણકથા સાંભળતાં થયું કે એમના વખતમાં મારો જન્મ થયો હોત તો કેવું સારું ! મનમાં જે દુ:ખ હતું તે આત્મકથા વાંચીને દૂર થયું. અંદરથી નાચી ઊઠી. મનમાં ને મનમાં નક્કી કર્યું કે આ માણસ પાસે ગમે ત્યારે, ગમે તે રીતે જવું.

રામે રાક્ષસોના ત્રાસથી પ્રજાનું રક્ષણ કર્યું હતું. કૃષ્ણે પણ જુલ્મીઓથી પ્રજાનું રક્ષણ કર્યું હતુંધર્મની–નીતિની સ્થાપના કરી હતી. તો આ માણસ પણ એ જ કામ કરવા માગે છે. વધારામાં સત્ય અને અહિંસાના શસ્ત્રથી કરવા માગે છે. રામ અને કૃષ્ણ કરતાં એક ડગલું આગળ છે એટલે એ વખતે તો મનમાં ગાંઠ વાળી કે આ માણસની પાસે ઓછામાં ઓછા છ-બાર મહિના તો રહેવું જ. અને એમના આદેશ પ્રમાણે જીવવું.

તરત જ ખાદીની સાડી બાપાને કહી મંગાવી. કાંતવા-પીંજવાનું શરૂ કર્યું. દાગીના છોડી દીધા. સોના-ચાંદીના દાગીના ન પહેરવાનું વ્રત લીધું . બાપાને સગપણ છોડાવવાનું કહ્યું. અને બાપાએ સગપણ છોડાવ્યું.

વરાડ ગામ મોટું એટલે ઘણી વાર સભાઓ થાય. સભામાં જઈએ. આજુબાજુનાં ગામડાંમાં સભાઓ થાય ત્યાં પણ જઈએ. એ વખતે ખેડૂતો ઉપર સરકારનો ત્રાસ ઘણો. કોઈ પણ ચીજવસ્તુ કે ઢોરઢાંખર બહાર હોય તો જપ્ત કરે. એટલે દિવસ-રાત ઢોરને ઘરમાં જ પૂરી રાખતાં. માણસો પણ ઘરમાં જ રહેતાં.

ગામને પાદર મોટા વડલા ઉપર ઢોલકું લઈને એક-બે જણ બેઠા જ હોય . સરકારી મોટર આવે કે જોર જોરથી ઢોલકું વગાડે એટલે ગામમાં કોઈએ બહાર પવન ખાવા ઘડીક બારણાં-બારી ઉઘાડાં રાખ્યાં હોય કે કોઈ બહાર કામ કરતું હોય તે તરત જ ઢોરને અંદર લઈ લે ને પોતે પણ અંદર જઈને બારણાં બંધ કરી દે. એ દિવસોમાં અમારો ઉત્સાહ માય નહીં.

1928ની લડત બંધ થઈ. 1930ની દેશવ્યાપી લડત શરૂ થઈ. ગાંધીજી પોતાના ચુનંદા 80 સાથીઓને દાંડીકૂચ માટે લઈને સાબરમતીથી નીકળ્યા. દેશ આખો સળવળી ઊઠ્યો. મારી પણ ઊંઘ ઊડી ગઈ. ગાંધીજી પાસે જવા મન તલપાપડ થઈ રહ્યું. પંડ્યાજી પણ બહાર. મારો ફફડાટ કોને કહેવો?  એટલામાં પંડ્યાજી વરાડ આવ્યા. એમને વાત કરી કે મારે પણ ગાંધીજી સાથે જોડાવું છે. એમણે ભરૂચ જઈને ગાંધીજીને વાત કરી ને રજા મેળવી લાવ્યા. રજા મળી એટલે ગજ-ગજ છાતી ફૂલવા માંડી. પણ જવાનું નસીબમાં નહીં હોય એટલે એ જ વખતે માસિક થઈ. ગાંધીજી અધ્યાત્મ પુરુષ છે. પાળવાનું જો હોય તો શું થાય? એ બધાંને મુશ્કેલી આવે એટલે માંડી વાળ્યું.

પણ ગાંધીજી દાંડી પહોંચ્યા ને તરત જ બહેનોને હાકલ કરી કે દારૂતાડીના પિકેટિંગનું કામ,પરદેશી કાપડના પિકેટિંગનું કામ બહેનો ઉપાડી લે અને એની સરદારી મીઠુબહેન પિટીટ લે.

બાપુજીએ એપ્રિલના પહેલા અઠવાડિયામાં બહેનોને દાંડીના દરિયાકિનારે બોલાવી મોટી જંગી સભા ભરી. દાંડીના દરિયાકાંઠે જાણે બહેનોની મોટી ભરતી આવી. જ્યાં જુઓ ત્યાં બહેનો જ બહેનો દેખાય. ઘેલી બનેલી ગોપીઓ ઘર-વર-બાળકો  બધું ભૂલીને કૃષ્ણની પાછળ ભમતી હતી, તેવી જ રીતે ઘર-બાળકો ઈશ્વરને ખોળે મૂકીને દેશ માટે ગાંધીજી જે આદેશ આપે તે પ્રમાણે કરી છૂટવા અને બાપુજીના આદેશ પ્રમાણે કામ કરતાં કરતાં સરકાર જેલમાં મોકલે  તો જેલમાં જવા, ભૂખે મારે તો ભૂખે મરવા, ને ઢોરમાર  મારે તો મૂંગા મૂંગા માર ખાવા આ બધી બહેનો તલપાપડ થઈને આવી હતી. અને આ બધી બહેનો પણ કેવી? ગામડાંની, શહેરની, ભણેલી-અભણ, જુવાન-ઘરડી, ગરીબ-તવંગર એમ ભાતભાતની હતી, પણ ઉદ્દેશ સૌનો એક જ હતો. ભારતને ગુલામીમાંથી છોડાવવા પૂ. બાપુજી કહે તેમ કરવું.

પૂ.બાપુજીએ આદેશ આપ્યો કે શહેરોમાં અને ગામડાંમાં દારૂ-તાડીનાં પીઠા પાસે બે-ત્રણ બહેનોએ જઈને પીઠાંવાળાને પીઠાં ન રાખવા સમજાવવા અને પીવા આવનારને ન પીવા સમજાવવા. એવી જ રીતે પરદેશી કાપડની દુકાને પણ એમ જ કરવાનું. એમ કરતાં કરતાં માર પડે કે જેલમાં જવું પડે તો મૂંગા મોઢે માર ખાવો-જેલ જવું પણ કોઈ બહેનોએ સામનો કરવો નહીં, અઘટતું બોલવું નહીં. અંગ્રેજ સરકાર તો કહેશે કે લડતમાં બહેનોને આગળ કરી પણ આપણે એ વાતથી બીતા નથી. આપણે તો અંગ્રેજ સરકાર સામે આ બાળકોને (વાંદરસેનાને) પણ ઊભી રાખવી છે.

દાંડીના દરિયાકાંઠેથી આદેશ ઝીલીને બધી બહેનો નવસારી ચાલતાં આવ્યાં. ત્યાંથી ટ્રેનમાં સુરત આવ્યાં. મુખ્ય છાવણી સુરતમાં નખાઈ. બાપુજીએ સાબરમતી આશ્રમનાં બહેનોને અને પૂ. બાને પણ મીઠુબહેનની મદદમાં રાખ્યાં. પૂ. બાનો સહવાસ છાવણીમાં મને મળ્યો. એટલે બાપુજી પાસે જવાની ગાંઠ પર બીજી ગાંઠ વળી.

અમુક વખત પછી સંધિ થઈ. હું મરોલી છાવણીમાં મીઠુબહેન પાસે રહી. આદિવાસી બાળાઓ અને આદિવાસી કિશોરોને કાંતણ-વણાટ શીખવવાના વર્ગો ચાલતા હતા. ત્યાં છએક મહિના રહી. ઘેર બે-ત્રણ મહિના રહી. મીઠુબહેન પાછાં ઘેર તેડવા આવ્યાં એટલે પાછી એમની પાસે કામ કરવા ગઈ. તાપી નદીને કાંઠે પૂના-માંડવીમાં આદિવાસી કન્યા છાત્રાલય પહેલવહેલું ખોલ્યું ને એની જવાબદારી મને સોંપવાની ગણતરી કરી. મારો અભ્યાસ ત્રણ ગુજરાતીનો. એટલે એ કામ મને બરાબર ફાવ્યું નહીં. મનમાં એમ કે થોડો અભ્યાસ વધુ કરું તો કામ થઈ શકે . એટલે મહિનો-દોઢ મહિનો પૂના-માંડવી રહી. પછી ગૂજરાત વિદ્યાપીઠની શાખા સુણાવ, ત્યાં હું અભ્યાસ કરવા ગઈ. શિક્ષકો સરસ. ભણાવે પણ સરસ. ગોવિંદરાવ ભાગવત, દેસાઈભાઈ નાથાભાઈ પટેલ, મોહનદાદા વગેરેસરસ ભણાવે. મહિનો-દોઢ મહિનો થયો હશે ત્યાં તો ગોળમેજી પરિષદમાંથી ખાલી હાથે બાપુજી પાછા આવ્યા. મુંબઈ બંદરે જ એમને તો પકડી લીધા. ફરી પાછા બિસ્તરા-પોટલાં બાંધીને વરાડ ઘેર મૂક્યાં ને ગામડાંમાં નીકળી પડ્યાં. આ વખતે સરકારનો કાયદો કડક હતો. અમે ગામડાંમાં છ-સાત બહેનો ફરતાં હતાં. કોઈ અમને ઉતારો ન આપે, કોઈ અમને રોટલો ન આપે. કોઈ જાહેરમાં અમારી સાથે વાત ન કરે. રાત્રે ખેતરમાં ઝાડ નીચે માગશર મહિનાની ઠંડીમાં સૂઈ રહીએ. કોઈકને વળી હિંમત આવે ને રાતે  રોટલા આપી જાય તે ખાઈએ. આમ અઠવાડિયું થયું હશે ત્યાં તો અમને પકડી લીધાં. બે મહિનાની સજા અને બસો રૂપિયા દંડ. દંડ ન ભરે તો એક મહિનો સજા વધારે. ચાર-પાંચ બહેનો અમે અમારા વરાડનાં જ હતાં. મારો દંડ જપ્તી કરીને  લઈ ગયા. એટલે બે મહિના પૂરા થયા એટલે હું છૂટીને ઘેર ગઈ. હું ઘેર ગઈ પણ મારાં ભાઈબહેન મારી સાથે બોલવાની હિંમત ન કરે. મારાં બા પણ ખાસ બોલે નહીં. મારાં ફોઈનાં દીકરી અને બીજાં બહેનો હતાં એમને ઘેર જપ્તી કરીને ઘણું લઈ ગયેલા એટલે એ બધાંનો રોષ અમારે ઘેર આવીને ઠાલવે. મારાં ફોઈને પણ મારા તરફ ખૂબ ગુસ્સો. એમને મનમાં એમ કે હું જ બધાંને લઈ ગઈ છું.મારા બાપની હું વહાલી દીકરી પણ એમણે મને કહ્યું કે તારી પાછળ મારે ભિખારી બનવું નથી,તારા સિવાયનાં બીજા મારે સાત બાળકો છે. એમનું પણ મારે જોવું જોઈએ. એટલે તારે હવે લડાઈમાં જવાનું નથી. અને મને કહ્યું પણ કે તારે જો લડાઈમાં જવું હોય તો પછી અમારી સાથે તારો સંબંધ પૂરો થયો સમજવો.

સુરત જિલ્લો અને એમાં બારડોલી તાલુકો, એમાં ખૂબ જ સરકારી દમન. ઇસ્માઈલ કરીને એક વક્ર આંખવાળા ફોજદારને જોઈને જ બીક લાગે. એની ધાક ઘણી. કોઈ બહેન કે કોઈ ભાઈ લડાઈમાં ગયા હોય , પકડાયા હોય, સજા થઈ હોય અને દંડ થયો હોય. દંડ તો પચાસ રૂપિયા હોય પણ ઘરની મોંઘી ચીજવસ્તુઓ, ઢોર-ઢાંખર થઈને 500-1000 ની વસ્તુ હોય પણ કિંમત મૂકે પચીસ-પચાસ રૂપિયા. એટલે બારડોલીમાં કોઈ ચૂં કે ચાં ન કરી શકે.

ફરી મારે લડતમાં જવું તો હતું. બાપાને સમજાવીને જવું હતું. એમને કશુંય નુકશાન ન થાય એવી રીતે જવું હતું. એટલે ઉતાવળ ન કરી. પૂરા પચીસ દિવસ ઘેર રહી. દરરોજ બાપાને લખીને સમજાવવા પ્રયત્ન કરું. લખું કે દેશ કંઈ એકલા મહાત્મા ગાંધીનો નથી કે એકલા સરદાર વલ્લભભાઈનો નથી કે એમણે જેલનાં કષ્ટ ભોગવવાં કે દેશ માટે મરી ફીટવું . દેશ આપણાં બધાંનો છે. દેશનાં હવાપાણી. અનાજ આપણે પણ ખાઈએ છીએ, તો આપણાં બધાંનો ધર્મ દેશ માટે મરી ફીટવાનો છે. તમને મુશ્કેલી ન પડે એમ હું કરીશ, પણ સરકાર કંઈ આપણને પૂછીને પાણી પીતી નથી. એટલે હું દરરોજ ભગવાનને પ્રાર્થના કરીશ કે તમને કંઈ મુશ્કેલી નહીં પડે. છતાં કંઈ મુશ્કેલી પડે તો દેશ ખાતર સહન કરવું પડશે. હું તો લડાઈમાં જઈશ. બા-બાપા એ દિવસોમાં

ભારેમંથનમાં  રહ્યાં. એમને મને ના પાડવી અંતરથી ગમે નહીં . હા પાડે તો વહેવારમાં એમણી ઘણું સોસવું પડે, એટલે મૂંઝાયાં. પચીસ દિવસ પછી નીકળી. બેજોડ કપડાં, ખિસ્સામાં પૈસા નહીં. બા-બાપાને પગે લાગી, ચિરાતા હ્રદયે બાપાએ કહ્યું: બહેન, હવે તારે અહીં આવવાનું નહીં, કાગળ લખવાનો નહીં, આપણો સંબંધ પૂરો થયો. પંદર-સોળ વરસ લગી રડવાની ખબર નહોતી પડતી. હાથમાંથી કોઈ ખાવાનું ઝૂંટવી લે તો સામે જોયા કરું. એ હું તે વરાડથી બારડોલી સ્ટેશને ગઈ ત્યાં સુધી રડી. બા-બાપાને કેવી ભયંકર સ્થિતિમાં મુકાવાનું આવે એ બીકથી જ એમણે મને ના પાડવી પડે ને મારે લડાઈ પછી ક્યાં જઈશ –એવા વિચારે રડવું આવતું હતું.

બારડોલી  સ્ટેશનથી આણંદ સુધીની ટિકિટ મારા કાકાના દીકરાએ કઢાવી આપી. આણંદ પહોંચીને ત્યાંની કૉંગ્રેસ ઑફિસમાં ગઈ.કહ્યું, મારે અહીં કામ કરવું છે. આણંદની ઑફિસવાળા ભાઈઓએ મને પાસેના ગામ મોગરમાં કાશીબા સાથે મૂકી. કાશીબાને ઘેર રહી. દરરોજ હું અને કાશીબા ગામડાંમાં જઈએ, લોકોને સમજાવીએ. પંદર-વીસ દિવસ આમ અમે ગામડાંમાં ફર્યા. એ દરમિયાન અમે ચાર બહેનો અને એક ભાઈ પણ અમારી સાથે ભળ્યાં હતાં. ડાકોર પાસેના ઓડ ગામથી અમને પકડ્યાં. આણંદ કાચી જેલમાં રાખ્યાં. અમારી સાથેનાં ભાઈ-બહેનોના કેસ ત્રણ-ચાર દિવસમાં ચાલ્યા. બધાંને છ-છ મહિનાની સજા અને પચાસ-પચાસ રૂપિયા દંડ થયો. મારો કેસ ચલાવતી વખતે ન્યાયાધીશે હું મારી જ્ઞાતિ ખોટી કહું છું એ મુદ્દા પર કેસ મુલતવી રાખેલો. ફરી બે વખત કોર્ટમાં કેસ માટે લઈ ગયા પણ એ મુદ્દા ઉપર જ કેસ પડતો મૂકે. ત્રીજી વાર કોર્ટમાં લઈ ગયા. તમારી જ્ઞાતિ કઈ? એમ પૂછ્યું એટલે મેં ખૂબ મોટેથી જોસમાં કહ્યુંકે મારી જ્ઞાતિ પટેલ છે. એટલે કેસ ચલાવ્યો. સજા થઈ. ભગવાને મારી આર્તની પ્રાર્થના સાંભળી. સજા ફક્ત છ મહિનાની થઈ. દંડ ન થયો. સજા મારે એકલાને ભોગવવાની  અને દંડ તો ઘરનાને ભોગવવાનો. અને ઘરનાં એટલે સાસરિયાં-પિયરિયાં, કાકા-મામા-માસી બધાંને ત્યાંથી વસૂલ કરે. એટલે કોઈ લડાઈમાં જવા તૈયાર થાય નહીં ને તૈયાર થાય તો ઘરના જવા જ ન દે.

છમહિનાની સજા અમદાવાદ જેલમાં જ ભોગવી એ દરમિયાન બા-ભાઈ  આવી ગયાં. બાપાએ એ છ મહિનાના તહેવારોમાં ઘરમાં મીઠાઈ કરવા નથી દીધી. બા પૂછે તો કહે: મારી દીકરી જેલમાં છે ને તમારે મીઠાઈ ખાવી છે? બાપા-બા રડે, ઘેર દુ:ખી થાય, જ્યારે મારે તો જેલ એ સ્વર્ગ થઈ પડ્યું હતું. કાગળમાં લખ્યું કે મારે તો–

રામનામ લાડવા, ગોપાળ નામ ઘી

કૃષ્ણ નામ ખાંડખીર, ઘોળી ઘોળી પી.

એટલો આનંદ મને જેલમાં મળે છે. છ મહિના ઘડીકમાં પૂરા થયા ને છૂટવાનો વખત આવ્યો ત્યારે જરાય ગમ્યું નહીં. છૂટીને તે જ દિવસે ઘેર ગઈ. થોડો વખત ઘેર રહી. એ દરમિયાન ગાંધીજીએ લડત સંકેલી લીધી અને લડાઈમાં –જેલમાં જનારા સ્વયંસેવકોએ ગામડાંમાં જઈને ગામડાંની સેવા કરવી એમ કહ્યું. હું પણ ગામડાંમાં કામ કરવા નીકળી, એક મહિનો નર્મદા કિનારે રણાપુર રહી. પછી છ મહિના એક મિત્ર દંપતી સાથે મિયાંગામ-કરજણ પાસે ગણપતપુરા રહી. ત્યાં ગામનાં મોટી ઉંમરનાં બહેનોને અક્ષરજ્ઞાન આપીએ, રાત્રે ગામનાં નાનાંમોટાં ભાઈઓ-બહેનો વગેરે સાથે પ્રાર્થના. પ્રાર્થના પછી દેશના સમાચાર –હરિજનબંધુ વાંચીએ. વાતો કરીને છૂટાં પડીએ. . ગામનાં હરિજનવાસમાં જઈને પ્રાર્થના-ભજન-વાતો કરીએ. ગણપતપુરાના હરિજન ભાઈઓનાં ભજનની મીઠાશ આજે પણ દિલમાં રહી છે.

ગણપતપુરાના અનુભવે લાગ્યું કે થોડો અભ્યાસ વધારે થાય તો ગામડાંમાં કામ કરવાની શક્તિ આવે. એ વિચારે મેં ભાવનગર અભ્યાસ કરવાનો નિર્ણય કર્યો. બાપુજી પાસે જવાનો વિચાર વારે વારે આવે પણ ક્યાંક સ્થિર થઈને બેસે તો જવાય ને? એટલે ભાવનગર અભ્યાસ કરવા ગઈ. અભ્યાસ તો થયો પણ સાથે સાથે જીવનની દિશા પણ બદલાઈ. ત્યાં જ મનુભાઈ સાથે ઓળખાણ થઈ, અને એ ઓળખાણ લગ્નજીવનમાં પરિણમી. મેં મનુભાઈને પહેલેથી કહેલું કે મારાં બા-બાપાની સંમતિ મળશે પછી લગ્ન કરીશું. ભાવનગરથી વરાડ ગઈ અને બા-બાપાને આખી વાત લખીને આપી. અને લખ્યું કે મેં લગ્ન કરવાનું નક્કી કર્યું છે, પણ તમારી સંમતિ મળશે, તમારા બંનેના આશીર્વાદ મળશે ત્યારે જ લગ્ન કરીશ. છાનાંમાનાં તો નહીં જ થાય.

લડાઈમાં ગઈ ત્યારે તમારી ના ઉપર ગઈ હતી ત્યાં દેશનો પ્રશ્ન હતો. આ તો મારા અંગત જીવનનો પ્રશ્ન છે અને એમાં તમારા આશીર્વાદ એ જ મારી મૂડી છે. બા-બાપા ફરી મૂંઝવણમાં મૂકાયાં. પરપ્રાંત-પરજ્ઞાતિ  એટલે સારી પેઠે મૂંઝવણ અનુભવી. છતાં મને કહ્યું કે તને લગ્ન કરવાની ઇચ્છા થઈ એટલે અમારે તને લગ્નની છૂટ આપવી જ જોઈએ. બાપાને કોઈ જુદી વાત કરે તો ગભરાઈ જાય, પણ બાને અંતરથી ખાતરી કે એણે પસંદ કરેલો માણસ ખરાબ નહીં હોય , અને એ રીતે બંને જણાં મને અનુકૂળ થવાનો પ્રયાસ કરવા લાગ્યાં.

બાપુજી જેલમાંથી છૂટીને હરિજન ટૂર પર 1934નું લગભગ આખું વરસ આખા દેશમાં ફર્યા. 1935માં મગનવાડી-વર્ધા રહેવા ગયા. મેં કાગળ લખ્યો કે મારે આપની પાસે રહેવા આવવું છે. બાપુજીનો જવાબ આવ્યો કે: “અહીં મગનવાડીમાં મારી પાસે જગ્યા નથી. તું કહે તો તને મહિલા વિદ્યાલયમાં રાખવાની સગવડ કરું.” મેં લખ્યું કે મારે તો આપની પાસે જ રહેવું છે. મહિલા વિદ્યાલયમાં મારે રહેવું નથી. 1936માં સેવાગ્રામ રહેવા ગયા પછી ફરી  મેં કાગળ લખ્યો કે હવે તમે સેવાગ્રામ  રહેવા ગયા છો તો મારા માટે શું વિચાર્યું? પૂ. બાપુજીનો જવાબ આવ્યો કે, “તું મને અમદાવાદ મળ. હું ગુજરાતી સાહિત્ય પરિષદમાં જવાનો છું. ગુજરાત વિદ્યાપીઠમાં ઊતરવાનો છું , ત્યાં મને મળ.”એ જાતનો કાગળ બનારસથી આવ્યો. પૂ.બાપુજી અમદાવાદ આવ્યા એ વખતે એમને મળવા અમદાવાદ ગઈ. ગુજરાત વિદ્યાપીઠમાં જઈને મેં એક ભાઈ સાથે બાપુજીને ચિઠ્ઠીમોકલી લખ્યું કે આપના લખવા પ્રમાણે હું આપને મળવા આવી છું ને બહાર ઊભી છું.

ચિઠ્ઠી અંદર ગઈ કે તરત જ મુ. મહાદેવભાઈ મને બહાર તેડવા આવ્યા. મને કહે કે ચાલો અંદર, બાપુજી તમારી રાહ જુએ છે. હું ગઈ. બાપુજીને પગે લાગી. બાપુજી ખૂબ હસ્યા. મને કહે કે  “તું મને જરાય અજાણી લાગતી નથી. જુગ જુગથી તને ઓળખતો હોઉ એવું લાગે છે.” મેં કહ્યું: “મારાં સદ્ ભાગ્ય.”પછી મેં પૂછ્યુંકે મારે સેવાગ્રામ આવવા વિશેની વાત ક્યારે થશે? સમય કહી શકશો? મને કહે, “તને સમય તો નહીં આપું. તને પટલાણીને સમય શેનો આપું? ત્રણ-ચાર દિવસ છું. મને નવરો જો તે વખતે વાત કરવા આવ.” મેં કહ્યુંકે ત્રણ-ચાર માઈલ દૂર સોસાયટીમાં હું ઊતરી છું. તો કહે-“તેમાં શું ? આખો વખત અહીં જ રહેવું.”

પછી તો મારાં બહેનપણી ભાનુબહેન રામભાઈ પટેલ સાથે સવારમાં રાંધી ખાઈને નીકળીએ.આખો દિવસ ત્યાં જ રહીએ. રાત્રે દસ વાગ્યે પાછાં ચાલીને જઈએ  ને રાંધી ખાઈએ. ત્રીજે દિવસે રાત્રે સૂવા જતા હતા ત્યાં અંદર અમે બંને બહેનો ગયાં ને પાસે બેઠાં, મેં કહ્યું: “અત્યારે જ દસ-પંદર મિનિટ વાત કરાશે?” બાપુજી કહે કે : “બરાબર.” પ્રશ્નોત્તરી શરૂ થઈ.

બાપુજી: મારી પાસે શું કામ આવવું છે?

હું : આપના જીવનમાંથી કંઈ લઈ શકાય તો લેવા.

બાપુજી: ઘણાં બે વરસ રહેવાની ગણતરીએ આવે છે ને બે મહિનામાં ચાલ્યાં જાય છે. ને બે મહિના રહેવા આવવાવાળાં બે-પાંચ દિવસમાં જ ચાલ્યાં જાય છે. આશ્રમનું જીવન કઠણ હોય છે.

હું: મારે એ કઠણ જીવન જીવવા જ આવવું છે ને આપની પાસે રહેવું છે.ઓછામાં ઓછું છ મહિના અને વધારેમાં વધારે બે વરસ રહેવાની ઇચ્છા છે.

બાપુજી: સૂરજ પાસે રહીએ તો શું થાય?

હું: બળી મરાય.

બાપુજી: તો મારી પાસે પણ એવું જ છે. એના કરતાં દૂર રહીને મારાં લખાણોમાંથી જે મળે એનાથી સંતોષ માન.

હું: મારે એમ નથી કરવું. આપની પાસે જ રહેવું છે.

બાપુજી: શું કામ કરીશ?

હું: મને જે આવડતું હશે તે બધું.

બાપુજી: મગનવાડીથી ચાલીને ટપાલ લાવીશ?

હું: હા.

બાપુજી: ખોટી બદામ તો નહીં નીકળે ને !

હું: જુઓ. ખોટી બદામને જ આપની પાસે આવવાની જરૂર પડે. સાચી થવા માટે. એટલે રખે ને સાચી માનીને ચાલતા. ખોટી માનીને ઘડજો.

બાપુજી: મેં બહેનોને સેવાગ્રામ આશ્રમમાં રાખવાની ના પાડી છે. પણ તને ના પાડી શકતો નથી, તું આવ. છેલ્લે બાની રજા લઈ લે. બા જો ના પાડે તો નહીં આવવાનું. કારણ કે આશ્રમમાં બહેનો લડે છે બહુ અને એનો ભાર બાના માથે બહુ રહે છે.

હું: હું લડીશ નહીં.

પછી બાને મળી. બાને પૂછ્યું કે મારે ત્યાં આવવું છે. પૂ.બા મને છાવણીમાંથી અને જેલમાંથી ઓળખતાં હતાં એટલે તરત જ મને કહ્યું કે તું આવતી હોય તો બહુ જ સારું. પૂ.બાએ બાપુજીને પણ કહ્યું કે “વિજયા ત્યાં આવતી હોય તો હું રાજી જ છું.”

પૂ. બાપુજીએ મને પૂછ્યું કે: “હવે તું સેવાગ્રામ ક્યારે આવીશ?” મેં કહ્યું કે વીસેક દિવસ પછી નવેમ્બરની 24મી તારીખે આવીશ. આવતાં પહેલાં કાગળ લખીને આવીશ.

વરાડ ગઈ. કમોદની કાપણી પૂરી કરી. બા-બાપાની વિદાય લઈને 23મીએ હું બારડોલી સ્ટેશનથી ટાપ્ટીમાં બેઠી. ચોવીસમીએ સવારે વર્ધા સ્ટેશને ઊતરી. ઊતરી ત્યાં જ કનુભાઈ ગાંધીએ મને પૂછ્યું કે તમારું નામ વિજયાબહેન? મેં કહ્યું હા, કેમ પૂછો છો ? તો કહે: મને તમને લેવા બાપુજીએ મોકલ્યો છે. મેં કહ્યું કે હું જ વિજયાબહેન છું એમ કેમ જાણ્યું? તો કહે: બાપુજીએ તમારી નિશાની આપી હતી. “પાતળી-ઊંચી-ઘઉંવર્ણી- પોપટની ચાંચ જેવા નાકવાળી જો તો એ જ વિજયા છે એમ સમજજે. ”દસ-પંદર મિનિટની ઓળખાણે તો બધું જ જોઈ લીધું.

એ જ ગાડીમાંમુ.શ્રી જમનાલાલ બજાજ પણ ઊતર્યા હતા. એમણે કનુભાઈને પૂછ્યું કે કેમ આવ્યા છો? તો એમણે કહ્યું કે વિજયાબહેનને લેવા બાપુજીએ મને મોકલ્યો છે. મુ.જમનાલાલજી    એ  કનુભાઈને કહ્યું કે: “એ બહેનને હું મારે ઘેર લઈ જાઉં છું. ત્યાં ન્હાશે-જમશે પછી બપોરે હું સેવાગ્રામ આવવાનો છું ત્યારે સાથે લાવીશ. પૂ.બાપુજીને આ ખબર આપી દેશો.”

મુ/ જમનાલાલજી મને એમના ઘેર લઈ ગયા. ત્યાં નાહવા-જમવાની સારી સગવડ કરી. જમ્યા પછી બપોરે બે વાગ્યે મુ. જમનાલાલજી મુ.રાજેન્દ્રબાબુ સાથે સેવાગ્રામ જવા નીકળ્યા ત્યારે સાથે લઈ ગયા.

સેવાગ્રામ પહોંચ્યાં. મુ. જમનાલાલજી તથા મુ. રાજેન્દ્રબાબુ ગાડીમાંથી ઊતરીને બાપુજી પાસે ઓરડામાં ગયા અને હું બહાર ઓસરીમાં ઊભી રહી. પૂ.બાપુજીએ તરત મુ. જમનાલાલજીને પૂછ્યું: “વિજયાને નથી લાવ્યા?” એમણે કહ્યું : “લાવ્યો છું  ને! બહાર ઊભી છે.” બાપુજીએ તરત જ ઓરડામાંથી બૂમ પાડી: “વિજયાબોન અંદર આવીને મને મોઢું તો બતાવો? હું જોઉં  તો ખરો કે જે આવવાની હતી એ જ વિજયા છે કે કોઈ બીજી તો નથી આવી ને?”

ઓરડામાં જઈને એમને પગે લાગી. પૂ.બાને પગે લાગી ને એક બાજુ ઊભી રહી. એમણે કહ્યું કે જો, હવેથી અહીં તું રહે ત્યાં સુધી તારી મા હું છું, તારો બાપ હું છું. તારાં બહેન-ભાઈ બધું જ હું છું એમ સમજજે. મૂંઝાઈશ નહીં. મેં કહ્યું બરાબર. એમ કહીને બહાર નીકળી ગઈ.

એમની પાસે રહેવાનો મોકો મળ્યો એટલે જાણે સ્વર્ગ મળ્યાનો આનંદ થતો હતો.

રાત્રે પ્રાર્થના પછી આશ્રમના નિયમો કહ્યા. ક્યાં સૂવું વગેરે બતાવ્યું.

બીજે દિવસે સવારે મને કપડાંની ખોળમાં રૂને બદલે છાપાંની બે-ત્રણ ગડી પાથરીને ગોદડી બનાવવા કહ્યું. મેં બે-ત્રણગોદડી બનાવી. ત્રણ-ચાર કાગળની ગડીમાંથી સોય કાઢવી જરા આકરી હતી એટલે સોય ભાંગી. એટલે બાપુજીને કહ્યું કે સોય ભાંગી ગઈ છે. બીજી જોઈએ છે. એટલે બાપુજી કહે: “સોય તો તારે તારા પિતાજી નારણભાઈ (મારા પિતા) પાસે મંગાવવી પડશે.”મેં કહ્યું , સોય મારા પિતાજી પાસે જ માગું છું ને? હજી ગઈ કાલે જ આપે મને કહ્યું છે કે “તારો પિતા હું છું , માતા હું છું.” સાંભળીને ખડખડાટ હસી પડ્યા . કહે કે: “હું તો ભૂલી જ ગયો.”

બાપુજીએ બધી વાત સાંભળીને કહ્યું  કે, “મનુભાઈ સાથેનો સંબંધ છોડી દે તો સારું, તારાં માતા-પિતાનો સખત વિરોધ છે ને તું એમને રીઝવીને પરણવા માગે છે તો એ કેમ બનશે?”

મેં કહ્યુંકે, મારાં માતા-પિતાનો વિરોધ છે એટલે એમને સમજતાં વાર લાગે  એટલે કદાચ મોડું થાય પણ મારા અંતરમાંથી મનુભાઈને કોઈ દૂર કરી શકે એમ નથી.

મારી વાત સાંભળી બાપુજીએ તરત કહ્યું કે, “તારો આવો નિર્ધાર છે તો તું સંબંધ છોડ એમ હું નહીં કહું. સંબંધ વધાર, પણ એક કામ કર. મનુભાઈના કાગળો આવે એ મને વાંચવા દેવા.” મેં  કહ્યું આવેલા જ શું કામ? હું લખું એ પણ તમને વંચાવીને જ મોકલીશ. અને આવતા-જતા બધા કાગળો વરસ દિવસ સુધી એમણે વાંચ્યા. વરસ પછી મને કહ્યું કે : “તને સાધુપુરુષ મળ્યો છે.”

હું જ્યારે ગઈ ત્યારે આશ્રમમાં એક જ ઓરડો હતો. બાનો ઓરડો તો હજી બંધાતો હતો. એક જ ઓરડામાં અમે છ-સાત જણ રહેતાં હતાં. પૂ.બાપુજી પણ એમાં જ રહેતા હતા. એક જ ઓરડામાં હોવાને કારણે બાપુજીનો ઝીણો ઝીણો વહેવાર બરાબર જોવા મળતો હતો. એમની સ્વચ્છતા નમૂનેદાર, કોઈ પણ ગરીબને પોસાય એવી, વ્યવસ્થા પણ એવી જ નમૂનેદાર. એક ઓરડામાં અમે છ-સાત જણાં અમારો પથારો નાખીને રહેતાં હતાં છતાં બધું વ્યવસ્થિત.

હું ગઈ એ અરસામાં ખાસ કોઈ કામની મારી જવાબદારી નહીં એટલે બધા વિભાગોમાં મદદ કરવા જાઉં. રસોડામાં રોટલી કરાવવા જાઉં. ગૌષાળામાં ભાઈ બલવંતસિંહજીને ગાયો દોવરાવવા-નીરણ કપાવવા જાઉં. બાપુજી ગુજરાતી ટપાલ લખાવે. પૂ. બાપુજી પણ મા પોતાની દીકરીને ઝીણવટથી શીખવે એમ શીખવવાનું શરૂ કરી દીધું હતું. રોટલી ગોળ થવી જોઈએ, ફૂલવી પણ જોઈએ. ભાજી સમારતાં પણ શીખવે. કહે કે ભાજીને ઊંધી પકડીને જ પાંદડાં વીણાય. ભાજીનાં પાનની પાછળ ઈંડાં હોય છે. વગેરે…વગેરે…

[‘બાપુનો પ્રસાદ’ પુસ્તકની પૂર્વભૂમિકાનો અંશ]

(ઋણસ્વીકાર: ‘શાશ્વત ગાંધી’)

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

વાચકગણ
  • 303,818 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 285 other followers

તાજા લેખો
તારીખીયું
માર્ચ 2016
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ફેબ્રુવારી   એપ્રિલ »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: