દારે-સલામના દાદ દેવા જેવા બે ભારતીયો//આબિદભાઈ કે. ખાનજી
[‘અખંડ-આનંદ’ની પ્રસાદી, મે-2015 પાનું :93]
પૂર્વ આફ્રિકા ખંડના તાંઝાનિયાનામના દેશના સારે-સલામ નામના શહેરના પ્રવાસે તા. 25-6 થી 22-9-2014સુધી જવાનું થયું . જેમના માટે આપણે ગૌરવ લઈ શકાય એવા બે ભારતીય નાગરિકને મળી ધન્ય થઈ જવાયું.
ભોંયતળિયા સહિત કુલ 4 માળની , શાહી સગવડોવાળી, 30,700ચોરસમીટર ભૂમિમાં ફેલાયેલી, ‘સી-બ્રીઝ રેસિડેન્શિયલકૉમ્પલેક્ષ ’નામની દારે-સલામની સૌથી મોટી પરિયોજના પૂર્ણ કરવી કઠિન લાગતાં, તેના બિલ્ડરબંધુઓએ દાહોદથી તાલિબભાઈ(Talib ) નામના યુવાનને બોલાવી કાર્ય-પરિયોજક (Project Manager ) બનાવી દીધો. આ યુવાને આ પડકારભરી જવાબદારી સહર્ષ સ્વીકારી. કુનેહ, શિષ્ટ અને ઈમાનદારીપૂર્વકની 12-12 કલાકના સખત શ્રમથી અંદાજિત સત્યાવીશ મિલિયન અમેરિકન ડૉલના ખર્ચવાળા આ પ્રોજેક્ટમાંથી ચાર મિલિયન ડૉલર જેવી માતબર રકમ બચાવી આપી, કુલ 220 ફલેટ્સમાંથી 120 ફલેટ્સનો પહેલો તબક્કો તા. 27-3-2014ના પૂરો કરી દીધો તથા બાકીના 100 ફલેટ્સનો બીજો તબક્કો 2015ના એપ્રિલ મહિનામાં પૂરો કરી દેશે.
તેમની આ સફળતામાં એક અન્ય પરિબળ પણ કામ કરી ગયું. પરદેશી ઇજનેરોને તાંઝાનિયામાં કામ કરવા માટે ત્યાંની સરકાર તરફથી રજિસ્ટ્રેશન મેળવવું ફરજિયાત છે. જે દરેક ઇજનેરને મળતું નથી તથા સહેલાઈથી મળતું નથી; પરંતુ તાલિબભાઈએ દક્ષતા અને પોતાના માઉન્ટ આબુ, મુંબઈ અને કુવૈત વગેરેના 11 વર્ષના અનુભવના પ્રતાપે રજીસ્ટ્રેશન માટેની કસોટીમાં પ્રથમ પ્રયત્ને જ ઉત્તીર્ણ થઈ જતાં તેમને પોતાના નામનું , ત્યાંની સરકારનું સીલ (SEAL) મળી જતાં તેની મદદથી ત્યાંના લાગતા વળગતા ખાતાંઓ અને તેના અધિકારીઓ સાથે સીધો સંપર્ક કરી મુશ્કેલ કામને આસાન કરી શક્યા છે.
બીજા આવા ભારતીય નાગરિક છે જનાર્દનભાઈ શુક્લ. 20મા વર્ષે તાજા જ સ્નાતક થયેલા મૂળ ધાંગધ્રાના શ્રી જનાર્દનભાઈ શુક્લને 1952માં ત્યાંની અંગ્રેજી હકૂમત તરફથી દારે-સલામ બોલાવી અદાલતમાં કામે લગાડી દેવામાં આવ્યા હતા. તેમને વાચન-શોખ અને બીજા માટે પણ કશુંક કરવાની ધગશ હોવાથી તેમના ફાજલ સમયમાં, 1938થી શરૂ થયેલી ‘ટી.બી.શેઠ પબ્લિક લાઈબ્રેરી’ અને તે જ પરિસરમાં શરૂ થયેલા ‘ભારતીય-તાંઝાનિયન સાંસ્કૃતિક કેન્દ્ર’માં સેવા આપવાનું ચાલુ કરી દીધું હતું, જે આજે 62 વર્ષ પછી, 82 વર્ષની ઉંમર થઈ જવા છતાં ચાલુ જ છે. તમે નહિ માનો, તેમને તાંઝાનિયાની, બ્રિટનની અને અમેરિકાની નાગરિકતા મળતી હતી છતાં તેનો અસ્વીકાર કરી ભારતીય નાગરિકતા ચાલુ રાખી છે. ઉપરાંત તેમનાં પરિવારજનો અમેરિકામાં સ્થાયી થઈ જઈ તેમને પણ ત્યાં બોલાવે છે પણ તેઓ જતા નથી. તેમને ડર છે કે તેમના દારે-સલામ છોડવાથી આ લાઈબ્રેરી અને સાંસ્કૃતિક કેન્દ્ર બંધ થઈ જશે. તેમની હયાતી સુધી આ બંને ચાલુ રહે તે માટે તેમનું નિવૃત્તિ જીવન એકલા રહીને પસાર કરી રહ્યા છે ! જો કે અંગ્રેજ સરકાર તરફથી તેમને નિવૃત્તિ વેતન હાલમાં મળતું હોવાથી તેઓને આર્થિક તકલિફ નથી.
*******
રિલાયેબલ ટેલર્સ, 7-બી, સુભદ્રા શોપીંગ સેન્ટર, એમ.જી. રોડ, દાહોદ.મો.9428674695
*******************************************************
પ્રતિસાદ આપો