શ્રેષ્ઠતા//ફાધર વાલેસ

 

શ્રેષ્ઠતા//ફાધર વાલેસ

 [વાચનયાત્રાનો પ્રસાદ/લોકમિલાપપાનું:119]

ઈટલીના મિલાનો શહેરમાં વિશ્વવિખ્યાત દેવાલય બાંધતી વખતે કેટલીક મૂર્તિઓ એવી ઊંચી ને ભિડાતી જગ્યાએ મૂકવાની હતી કે કોઈની નજર ત્યાં સુધી ન પહોંચી શકે . તો પણ શિલ્પકાર પોતાના કામમાં લીન થઈને એક-એક રેખામાં ને મરોડમાં પોતાની કલા ઠાલવીને મૂર્તિઓ કોતરતો હતો. એક મિત્રે એ જોઈ ને ટીકા કરી: “આ મૂર્તિ પર કોઈની નજર સરખી યે પડવાની નથી, તો પછી એની પાછળ આટલી બધી મહેનત કેમ ઉઠાવો છો? ઝટ પતાવી દેશો તો ત્યાં તો ચાલશે.”

શિલ્પીએ મૂર્તિમાંથી આંખ ઊંચી કર્યા વગર જવાબ આપ્યો: “મારી કૃતિ છે એટલે શ્રેષ્ઠ જોઈએ-પછી ભલે કોઈ જુએ કે ન જુએ. હું તો જોઉં છું. અને બીજું કોઈ નહિ, તો ભગવાન તો એ જોશે જ ને?”

“મારી કૃતિ છે એટલે શ્રેષ્ઠ જોઈએ” –એ કલાકારનો આદર્શલેખ છે અને જીવનઘડતરનો અગ્રસિદ્ધાંત છે. મારે હાથે કાચું કામ નહીં શોભે. મારી મર્યાદાઓ તો છે જ; પણ એમાં રહીને મારાથી જેટલું સારામાં સારું કામ થઈ શકે એટલું હંમેશ વ્યવહારમાં ઉતારવાનો મારો આગ્રહ રહેશે. મારું કામ છે. એટલે મારા પ્રમાણમાં ઉત્તમ જ હોય.

યુવાન માઈક્લાંજેલોની કેટલીક શિલ્પકૃતિઓ ચોરાઈ અને બીજાના નામે વેચાઈ, ત્યારે એને ખૂબ લાગી આવ્યું અને જે મૂર્તિ પોતે ઘડી રહ્યા હતા એની ઉપર જ મોટા અક્ષરોથી પોતાનું નામ કોતરી દીધું. પણ એ ઉપાય બેહૂદો લાગતાં એમણે મનસૂબો કર્યો કે, મારી એક-એક કૃતિ હવે પછી એવી થશે કે તે જોતાંવેંત એ માઈક્લાંજલોની જ છે એની સૌ કોઈને પ્રતીતિ થઈ જશે. સ્થૂળ અક્ષરોથી નહીં, પણ મારો પ્રાણ મારી દરેક કૃતિમાં રેડીને હું મારી કૃતિ તરીકે ઓળખાવીશ. અને ખરેખર, આજના કલાનિષ્ણાતો પણ માઈક્લાંજલોની એક-એક મૂર્તિમાં ને એકએક ચિત્રમાં એમની આગવી છાપ પારખી શકે છે.

મારા જીવનઘડતરમાં, મારા અંતરના ચિત્રમાં પણ એવી છાપ ને એવી કારીગરી જોઈએ. ‘કોપીરાઈટ’ના કાયદાના જોરે નહીં, પણ મારા આત્માના પ્રભાવથી મારું કામ ને મારું જીવન ખરેખર મારાં જ છે એ હું સિદ્ધ કરી દઈશ. મારી સહી ન હોય તો યે કાગળ મારો છે એમ વાંચનારને થાય એવી રીતે હું લખીશ. ભજનની છેલ્લી કડીમાં “ભણે નરસૈંયો” ન આવે તોય ભજન નરસૈંયાનું જ છે એવી પ્રતીતિ આપોઆપ થાય એવી રીતે મારું જીવનકાવ્ય હું રચીશ.

કેટલું કરો છો એ નહીં, પણ કેવી રીતે કામ કરો છો એ મુદ્દાની વાત છે. કામની ‘વિપુલતા’નહીં પણ ‘શ્રેષ્ઠતા’

સાધવાનો આદેશ છે. ફ્રાંસના અગ્રણી તત્ત્વચિંતક સાર્ત્રની આગળ તેમના એક શિષ્યે ફરિયાદ કરી કે, “આપે પ્રમાણમાં ખૂબ ઓછાં પુસ્તકો લખ્યાં છે.” ત્યારે એમણે જવાબમાં કહ્યું: “મેં લખ્યું છે તો ઘણું, પરંતુ મારા લખાણનો ફક્ત પાંચમો ભાગ પ્રસિદ્ધ કર્યો છે,”અને ઉમેર્યું: “જો મારાં બધાં જ લખાણો મેં પ્રગટ કર્યાં હોત તો મને આટલી ખ્યાતિ મળી ન હોત, અને તમે મારા શિષ્ય પણ ન હોત !”એ શ્રેષ્ઠતાએ એમને સાક્ષરોના કીર્તિમંદિરમાં સ્થાન અપાવ્યું.

શ્રેષ્ઠની ઉપાસના એ કલામાં ને વિજ્ઞાનમાં, ધર્મમાં ને જીવનમાં વિજય અપાવનાર મંત્ર છે. લોકો મારું કામ જુએ કે ન જુએ, તેની કદર કરે કે ન કરે, મને શાબાશી આપે કે ન આપે , તો યે હું સંપૂર્ણ નિષ્ઠાથી અને મારી શક્તિના ઉચ્ચતમ ધોરણ મુજબ મારું એ કામ કરતો રહીશ. પરીક્ષા હોય કે ન હોય , તો યે હું સરખી રીતે વાંચીશ. ક્રિકેટ-મેચ ટ્રોફી માટેની હોય કે ખાલી ‘મૈત્રી-રમત’ હોય, તો યે હું સરખા ઉત્સાહથી રમીશ. સ્થૂળ વળતરની આશા નહીં, પણ મારા લાયક કામ કર્યાનો આત્મસંતોષ એ મારું પ્રેરકબળ હશે. મનના આ વલણને કલાકારો ‘કલા ખાતર કલા,’

દાર્શનિકો ‘કર્તવ્યબુદ્ધિ’ અને ધર્મગુરુઓ ‘નિષ્કામકર્મ’કહે છે; પણ છે તો જુદી જુદી પરિભાષામાં એક જ સિદ્ધાંતનાં ભાષાંતર : કામને અર્થે જ કરેલું ઉત્તમ કોટિનું કામ.

પૂજામાં દેવમૂર્તિને ચોખા ચડાવે છે. એ ચોખાના દાણા અખંડ,અક્ષત હોવા ઘટે. સો સારા દાણા ભેગો એક તૂટેલો હોય તો ‘ચાલશે’એમ માને તે સાચો પૂજારી નથી. આપણું જીવન પણ એક યજ્ઞ છે. દિવસે દિવસે, દાણે દાણે હ્રદયમંદિરમાં બિરાજતા અંતર્યામીના ચરણની આગળ આપણું એક એક કાર્ય આપણે અર્પણ કરતા જીએ છીએ. એવું એકેએક કાર્ય વિશુદ્ધ, શ્રેષ્ઠ. અક્ષત  રાખવાનો જેને દિલથી આગ્રહ ન હોય , તે સાચો જીવનપૂજારી નથી.

*************************************

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Posted in miscellenous
One comment on “શ્રેષ્ઠતા//ફાધર વાલેસ
  1. Vimala Gohil કહે છે:

    ગુજરાત સમાચાર’માં બહુ જ લોકપ્રિય લેખ શ્રેણી ‘નવી પેઢીને’ આવતી જે વાંચવાની બહુ ઊત્સુક્તા રહેતી. એ સમયે યુવાનોને એમના લેખો વાંચવાનું ઘેલું લગ્યું હતું.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 257,383 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 289 other followers

તારીખીયું
માર્ચ 2016
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ફેબ્રુવારી   એપ્રિલ »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: