“ઈ તો સાંયડી રોપી છે !/પ્રદ્યુમ્ન તન્ના”

VYP-13

 “ઈ તો સાંયડી રોપી છે !/પ્રદ્યુમ્ન તન્ના

[વાચનયાત્રાનો પ્રસાદ/લોકમિલાપ]

(પાનું: 13)

સાંભરી આવેછે સાતેક વર્ષ પહેલાંનો કચ્છ-ભ્રમણ દરમિયાન ઘડ્યો પ્રસંગ.ભ્રમણનો મુખ્ય ઉદ્દેશ હતો એકાદા રબારી લગ્નની શક્ય એટલી દસ્તાવેજી સામગ્રી એકઠી કરવાનો. કચ્છનાં ભાતીલાં લોકવરણમાંયે રબારી જેવી રૂપાળી, ખડતલ અને ખુમારીભરી જાતિ બીજી એકેય નહીં ! નમણા, ભીનેવાન પંડથી માંડી અંગનાં પહેરવેશ-આભૂષણો, ભૂંગાનાં લીંપણગૂંપણ અને ઘરવખરી: બધાંમાં આંખે ઊડીને વળગે એવી જન્મજાત રુચિ-સૂઝ.

રબારીના આરાધ્યદેવ કૃષ્ણ. ને પરંપરા માગે કે રબારીનાં લગ્ન લેવાય કેવળ ગોકળ આઠમે ! આમ, ગામેગામ લગ્ન હોય, મીંઢીયાણામાં ઢેબરિયા રબારીઓનો મોટો વસવાટ. એટલે ઘણાં ઘેર લગ્ન હતાં. પૂછાં કરતાં ખબર પડી કે બે જાનોને નજીકના ટપર ગામે ઉતારો આપવામાં આવ્યો હતો. સાતમની બપોરે જ ટપર પહોંચી, આવેલ જાનનાં વડેરાંઓને મળી, આઠમની લગ્નવિધિને છબીઓમાં મઢવાની સંમતિ મેળવી લીધી. સાંજ થવાને હજી વાર હતી એટલે ખોરડાંનાં લીંપણ-શણગાર અને જાનૈયાઓના ઠાઠને નીરખતાં, વાસના ચોક મહીં આવ્યાં. બીચ પડ્યા ખાટલાઓમાંથી એક પરે, ગોદડાંના વીંટાને અઢેલીને એક ભાભુમા માળા ફેરવતાં બેઠાં હતાં. ખાટની પડખે જ , નાની કાંટાળી વાડના ઘેરા બીચ, આછા ભીના પોતમાં વીંટ્યો એક રોપો જોઈ કુતૂહલ થઈ આવ્યું. ને નજીક જઈ એ અંગે પૂછા કરી. અમને આવકારતાં હળવું હસીને બાઈ બોલ્યાં, “ઈ તો સાંયડી રોપી છે, ભલા !”

પળભર તો કીધું ઊકલ્યું નહીં, પણ પછી એક અવર્ણ્ય  રોમાંચ અનુભવ્યો એ સહજ સર્યા ઉત્તરની ઓળખે. “છાંયડી”રોપી હતી. બસ, લીમડો, વડ-પીપળકે પછી આંબો-આંબલી. ઝાડનું નામ અગત્ય નહોતું ! ને એ વધતાં પહેલાં જ ઘેટાં-બકરાં ચરી ના જાય કે ધખતા ધોમ એને સૂકવી ના દે, માટે ફરતી મેલી હતી કાંટાળી વાડ અને માથે પાતળું ભીનું પોત !

કોઈ સમરથ કવિનેય ઈર્ષ્યા થઈ આવે એટલો સચોટ ને સભર શબ્દ-વિલાસ હતો એ ! ને જેને વાંચતાં-લખતાંયે નહોતું આવડતું એવી એક અભણ ગ્રામનારીએ સહજ ઊભર્યા અલંકારની સાથોસાથ આપણી સંસ્કૃતિના એક મૂળભૂત મૂલ્યને પણ દોહરાવ્યું હતું ! છાંયડી એટલે છત્ર-છાયા, આશ્રય અને રક્ષણ. છાંયડી. ભારતના અજોડ ઔદાર્ય અને સહિષ્ણુતાનું પરિમાણ છે. જગતના અનેક શરણાર્થીઓની પેઢાનપેઢી એ ઓથમાં નિર્ભયપણે ફૂલીફાલી છે; વિવિધ ભાષાઓ અને ધર્મની ચિંતનધારાઓ પ્રગટી-પાંગરી છે !

જ્યાં લગી આપણાં જનગણમન મહીં ભાવ-કથનનું આવું સૌષ્ઠવ ભર્યું પડ્યું છે ત્યાં લગી ગુર્જરગિરાના સાતત્યને, કહો, શી આંચ આવશે !

*********************************************

 

 

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 261,093 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other followers

તારીખીયું
ફેબ્રુવારી 2016
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જાન્યુઆરી   માર્ચ »
1234567
891011121314
15161718192021
22232425262728
29  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: