સાહિર લુધિયાનવી/સલિલ દલાલ

 

વાચનયાત્રાનો પ્રસાદ

(અરધી સદીની વાચનયાત્રાના ચાર ભાગમાંથી ચૂંટેલી સામગ્રી)

સંપાદક: મહેન્દ્ર મેઘાણી /લોકમિલાપ ટ્રસ્ટ

સાહિર લુધિયાનવી

‘સાહિર’નું મૂળ નામ અબ્દુલ હવી હતું .તેમણે તખલ્લુસ રાખ્યું ‘સાહિર’. જેનો અર્થ  ‘જાદુગર’ થાય. શબ્દોના આ જાદુગરનો ખરો ખેલ 1952માં આવેલી ફિલ્મ ‘દોરાહા’થી શરૂ થયો. પણ સિનેમાનાં ગીતો લખવાં શરૂ કર્યા તેનાં સાત વર્ષ પહેલાં તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘તલ્ખિયાં’પ્રકાશિત થઈ ચૂક્યો હતો.

લુધિયાણાનીસરકારી કૉલેજમાં ભણતા સાહિર સામ્યવાદ અને સમાજવાદના વિચારોથી એવા રંગાઈ ચૂક્યા હતા કે કૉલેજની મેનેજમેન્ટ સામે લડતનો ઝંડો ઉઠાવ્યો  અને ડિસમિસ થઈ ગયા ! સાહિર લાહોર ભણવા ગયા ઈસ્માલિયા કૉલેજમાં. લાહોરમાં પોતાનો પહેલો કાવ્યસંગ્રહ ‘તલ્ખિયાં’તેમણે આપ્યો. એ જ દિવસોમાં ‘અદબે લતિફ’અને  ‘શાહકાર’ના સંપાદક બન્યા. સાહિર માટે હવેનો મુકામ મુંબઈનો ફિલ્મઉદ્યોગ હતો.

કોમી તોફાનોને પગલે, 1948માં ‘આઝાદીકી રાહ પર’નાં મોટા ભાગનાં ગીતો લખ્યાં પછી, સાહિર થોડો સમય પાકિસ્તાન જતા રહ્યા, કારણ કે તેમના માતાજી તોફાનોનાએ દિવસોમાં લુધિયાણા છોડીને લાહોરના રેફ્યુજી કૅમ્પમાં પહોંચી ગયાં હતાં. શોધાશોધ કરીને સાહિરે પોતાના અમ્મીજાનને ખોળી કાઢ્યાં. એ ત્યાંના એક દ્વિમાસિક  ‘સવેરા’ના સંપાદક બન્યા. ડાબેરી વિચારો ધરાવતા સાહિરના વ્યક્તિત્વ માટે એક જ ધર્મને સર્વોપરિતા આપતા પાકિસ્તાની સમાજમાં ગોઠવાવું અસંભવ હતું. ત્યાંની સરકાર માટે પણ પ્રગતિશીલ લેખકો-કવિઓને સહન કરવા અશ્ક્ય હતા. એટલે એવા સર્જકોની ધરપકડનો દોર ચાલ્યો. સાથી-સહકર્મીઓની ગિરફતારીઓ સામે સાહિરે ‘સવેરા’માં તે દિવસોમાં લખ્યું: “દબેગી કબ તલકઅવાજે-અદમ હમ ભી દેખેંગે, રૂલેંગે કબ તલક જજબાતે બરહમ હમ ભી દેખેંગે” અને સાથે સાહિરના ધગધગતા લેખ પણ શરૂ થયા. કઈ સરકાર સાંખે? શાયર સામે ધરપકડનું વૉરેન્ટ નીકળ્યું. માતાને લાહોરમાં રહેવા દઈ, સાહિર પોતે એકલા દિલ્હી ઊપડી ગયા.

પાકિસ્તાનથી ભારત ભાગી આવ્યા પછી વરસ દહાડો દિલ્હીમાં રહી સાહિરે બે ઉર્દૂ સામયિકો—‘પ્રીત લડી’ અને ‘શાહરાહ’નું સંપાદન કરેલું. ત્યારે જે પંજાબી મિત્રો સાથે પરિચય થયેલો. તે પૈકીના એક દ્વારા મુંબઈમાં મોહન સાયગલની ઓળખાણ થઈ. મોહન સાયગલે સાહિર ને એસ. ડી.બર્મનને ભેગા કર્યા અને સર્જાઈ એક યાદગાર જોડી. સાહિર મુંબઈ અને તેની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છેવટે સ્થાઈ થયા.

સાહિર અને સચીનદાની જોડીએ જ્યારે બિમલ રૉયની મહત્ત્વકાંક્ષી અને ક્લાસિક ફિલ્મ ‘દેવદાસ’ માટે કરાર કર્યો,ત્યારે સનસનાટી થઈ ગઈ. ‘દેવદાસ’ પછી સાહિર-સચિનદાએ 1957માં આપી ‘પ્યાસા’  ગુરુ દત્તની આ અમર ફિલ્મમાટે સાહિરે જાણે કે તેમની સઘળી શક્તિ રેડી દીધી.

નવા સમાજ માટેનું સાહિરનું કમિટમેન્ટ સૌથી વધુ દેખાતું હોય તો એ  ‘ફિર સુબહ હોગી’ ના ટાઈટલ ગીતમાં શોષણવિહીન સમાજનું પ્રભાત આવશે, એવા આશાવાદવાળા એ ગીતમાં છેલ્લે કવિ “વો સુબ્હા હમીં સે આયેગી” એમ કહીને સામૂહિક જવાબદારીનો એહસાસ કરાવે છે.

તેમના સ્વભાવ સાથે મેળ ખાતા મિત્રો ઘટતા ગયા અને એક સમયે માત્ર અમ્મીજાન સિવાય તેમનું સાચા અર્થમાં કોઈ અંતરંગ નહોતું રહ્યું. એવામાં 1978માં અમ્મીજાનનું અવસાન થયું અને  “જહાંમેં ઐસા કોન હૈ જિસકો ગમ મિલા નહીં” એવું આશ્વાસન-ગીત  આપનાર શાયર આ આઘાત બરદાસ્ત ના કરી શક્યા. બે જ વરસ પછી 1980માં સાહિરને છાતીમાં દુખાવો શરૂ થયો. તેમણે પોતાના ડૉક્ટર કપૂરને ત્યાં લઈ જવા પોતાનાં બહેન અનવરને કહ્યું. ડૉ. કપૂર સાહિરના કાયમી ડૉક્ટર જ નહીં, શરાબ અને પત્તાંની મહેફિલના સાથી પણ હતા. તેમની સારવારથી સાહિરને સારું લાગવા માંડ્યું. બંને મૂડમાં આવી ગયા. પત્તાં કાઢ્યાં. રમત ચાલતી જ હતી અને સાહિરને ગભરામણ થવા લાગી.ડૉકટરમિત્ર સારવાર કરે તે પહેલાં જ સાહિર ઢળી પડ્યા. તેમનાં અમ્મીજાનની કબરની બાજુમાં સાન્તાક્રુઝના કબ્રસ્તાનમાં સાહિરને દફનાવાયા. સાહિર આખી જિંદગી અપરિણિત રહ્યા. આજીવન તેમનાં સુખદુ:ખનાં સાથી તેમનાં માતા જ હતાં.

સાહિરે ભલે નમ્રતાપૂર્વક એમ કહ્યું હોય કે, “મેં પલ દો પલકા શાયર હૂં.” પણ એ સદીઓ સુધી ગુંજતા રહે એવા શબ્દોના જાદુગર (સાહિર) હતા.એ કહેતા કે “સમાજ એટલી હદે સુધરી જવો જોઈએ કે મારી કવિતા ઉપર ભવિષના લોકો હસે, ક્યાંય શોષણ ના રહે અને મારી શાયરી અર્થહીન લાગે.”

સલિલ દલાલ

[‘ગાતા રહે મેરા દિલ’ પુસ્તક: 2005]

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 522,216 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
ફેબ્રુવારી 2016
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
29  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: