કૈકેયી/ ઝેરનાં બીજ/નાનાભાઈ ભટ્ટ

કૈકેયી

(રામાયણનાં પાત્રો/નાનાભાઈ ભટ્ટ/આર.આર. શેઠ)

[પાના:1 થી 7]

ઝેરનાં બીજ

       આવતી કાલે મહારાજા દશરથ રામચંદ્રને  યુવરાજ તરીકે અભિષેક કરે છે એ સમાચાર અયોધ્યામાં વીજળીવેગે ફેલાઈ ગયા અને આખુંય અયોધ્યાનગર આનંદથી ઊભરાવા લાગ્યું. પુરોહિત

-મંત્રીઓ તરફ અભિષેકની તૈયારીના હુકમો છૂટવા લાગ્યા. સાત સમુદ્રનાં પાણી એકઠાં થવા લાગ્યાં. આંગણાંઓને લીંપવા-ગૂંથવાનું શરૂ થઈ ચૂક્યું: હવેલીઓ પર રંગબેરંગી ધજાઓ ફરકવા લાગી;ઘરો પર તેમ જ દરવાજાઓ પર લીલાંછમ તોરણો ઝૂલવા લાગ્યા; રસ્તાઓ પર્ પાણી છંટાવા લાગ્યાં, દેવમંદિરોમાં ઘંટાઓ વાગવા લાગ્યા; પુરકન્યાઓ પોતાનાં વસ્ત્રાભૂષણોને સજ્જ કરવા લાગી. રાજસેના સલામીની તૈયારી કરવા લાગી; હાથીઓના રંગશણગાર શરૂ થયા; રથોના રણકાર કાન પર અથડાવા લાગ્યા. આખુંય અયોધ્યા આનંદથી ઘેલું  થઈને આવતી કાલની સવારની રાહ જોવા લાગ્યું.

       કૌશલ્યાનો મહેલ તો કેમ જાણે આનંદથી ઝળકી ઊઠ્યો. સમાચાર સાંભળ્યા કે તરત જ કૌશલ્યાએ દેવમંદિરમાં પૂજાઓ કરાવી. બ્રાહ્મણોને દાન આપ્યાં અને નોકરચાકરોને અનેક પ્રકારની ભેટો આપી. અયોધ્યાની વૃદ્ધાઓ કૌશલ્યાને અભિનંદન આપવા આવી ત્યારે કૌશલ્યાએ પ્રભુનો પાડ માન્યો, અને આવા શુભ દિવસ માટે પોતાનું અહોભાગ્ય માનવા લાગી. સુમિત્રા અને લક્ષ્મણને તો આ સમાચારથી હર્ષ થાય જ.

       રામચંદ્રને મહારાજની આજ્ઞા થઈ એટલે તે કૌશલ્યાને મહેલે ગયા, માતાના ચરણમાં માથું મૂક્યું અને તેના આશીર્વાદ લઈને રાજ્યદીક્ષાની પૂર્વતૈયારી રૂપે વ્રતોપવાસ શરૂ કરી દીધાં. સીતા પણ આ વ્રતોપવાસમાં સામેલ હતી.

       આખાય અયોધ્યાના વાતાવરણમાં આવા માંગલિક  પ્રસંગની પ્રસન્નતા ફેલાઈ રહી હતી ત્યારે અયોધ્યાના એક મલિન ખૂણામાં નાનીશી કાળી વાદળી જામતી હતી. રાણી કૈકેયી પાસે મંથરા નામની એક દાસી હતી. કૈકેયીએ તેને પોતાની સાથે જ આણી હતી. મંથરા શરીરે ખૂંધી હતી. રામચંદ્રના અભિષેકના સમાચાર સાંભળીને મંથરા કૈકેયી પાસે આવી; કૈકયી  રાજમહેલની હિંડોળાખાટે હીંચકતી હતી.

        “કૈકેયી !” મંથરા આવતી બોલી, ‘શુ હજીયે હીંચકા ખાવાનો સમય છે? સત્યનાશ વળી ગયું ! તું તારે છેલ્લો હીંચકો ખાઈ લે.’

       ‘મંથરા !’ કૈકેયી જમીન પર પગ અડકાવી હિંડોળાને ધીમો પાડતી બોલી. ‘આજે કેમ આમ બોલે છે? તને શું થયું છે?’

        ‘મને શું થવાનું હતું !’ મંથરા મરડાતી મરડાતી બોલી. ‘મને તો શેર ધાન ગમે ત્યાં મળી રહેશે !’

        ‘મંથરા, મંથરા !’ કૈકેયી બોલી, ‘આજે તું આમ કેમ બોલે છે? મને કહે તો ખરી, છે શું?’

       ‘કૈકેયી ! મારું હ્રદય તો ચિરાઈ જાય છે.’મંથરાએ જણાવ્યું.

       ‘તારું હ્રદય ચિરાય તો મારુંય ચિરાય.’ કૈકેયીએ જવાબ આપ્યો ને હીંચકો બંધ કર્યો.

        ‘કાલે રામચંદ્રનો અભિષેક થાય છે તે સાંભળ્યું’ મંથરા બારીકીથી કૈકેયીના મોઢા સામું જોતી બોલી.

        ‘સાંભળ્યું કે તરત જ દેવમંદિરમાં દીવા કરાવ્યા છે ને ગામમાં સાકર  વહેંચાવી છે. હવે તો એક તને ઈનામ આપવું બાકી છે, તે કાલે આપીશ.’

        ‘મારે તારા ઈનામને શું કરવું છે? મૂરખી ! રામનો અભિષેક  થાય તેમાં તારે શું?’ મંથરાએ ચલાવ્યું.

        ‘એમ બોલે એની જીભ કાપી લઉં !’કૈકેયી બોલી, ‘રામચંદ્ર તો મારો દીકરો.’

        ‘અરે નાદાન ! તારો દીકરો ભરત; રામ તો કૌશલ્યાનો દીકરો !’ મંથરાએ જણાવ્યું.

        ‘રામચંદ્ર માટે એવું ન બોલ.’ કૈકેયી બોલી, ‘તું રામચંદ્રને ઓળખતી નથી. રામે મારામાં અને કૌશલ્યામાં કશો ભેદ જોયો નથી. અમે ગમે તેમ લડતાં હશું પણ એ ચાર ભાઈઓ તો એક જ માતાના પુત્રો હોય એમ વર્તે છે અને એમાં પણ રામ તો રામ ! ચારેયનું ઐક્ય સાધનાર તો કેવળ રામ જ.’

       ‘નાદાન કૈકેયી ! તારું કાળજું તું ક્યાં મૂકતી આવી છે? આવા આવા વિચારો કરતી રહીશ, ને કાલે રામ યુવરાજ થાય છે ત્યારે શી દશા થાય છે તે જોજે !’

       ‘એમાં દશા શી થવી છે?’ કૈકેયીએ તિરસ્કારથી જણાવ્યું.

       ‘કૈકેયી ! ’ મંથરાએ  જાળ પાથરવા માંડી, ‘આ યૌવન આજે છે તેવું કાલ નથી રહેવાનું. મહારાજ દિન પર દિન વૃદ્ધ થતા જાય છે એટલે યૌવનનું આકર્ષણ પણ ઓછું થશે. રામચંદ્ર કહેવાય ભલે યુવરાજ, પણ સત્તા તો બધી મહારાજની જ ભોગવવાનો. રાજ્ય આખું ય રામચંદ્રના હાથમાં, મહારાજ તો માત્ર પૂતળા જેવા. મૂરખ સ્ત્રી ! આજે સત્તા મહારાજના હાથમાં છે ત્યાં સુધી તારું જોર છે;

કાલે રામના હાથમાં સત્તા જશે એટલે લોકો કૌશલ્યાની સામું જોશે અને તારો કોઈ ભાવ પણ નહિ પૂછે.’

       ‘તું શું બોલે છે !’કૈકેયીએ આશ્ચર્યથી પૂછ્યું, ‘રામચંદ્ર યુવરાજ થાય તો આવું બધું થાય ?’

       ‘આવું તો થાય જ, અને બીજું ઘણું વધારે પણ થાય.’મંથરાએ ઉમેર્યું, ‘તું તો આટલી ઉંમરે પણ સાવ મૂરખ રહી; પણહું કૈકય છોડીને તારી સાથે આવી અને મારી નજરોનજર તારું અકલ્યાણ દેખું તો મારે તને કહેવું જ પડે.’કૈકેયી ! આજે દશરથ તારે મહેલે પડ્યા રહે છે તે પછીથી કૌશલ્યાને મહેલે રહેવા લાગશે; આજે રાજ્યમંત્રીઓ રાજહુક્મને માટે તને પ્રસન્ન કરવા મથે છે તે પછી કૌશલ્યા પાસે આંટા ખાવાના; આજે આ અદની એવી મંથરાથી પણ મંત્રીઓને બીતા ફરવું પડે છે તે પછી તો મને લાતો મારવાના; આજે પુરસ્ત્રીઓનાં ટોળેટોળાં તને શું ગમે છે જાણવા તારી આસપાસ ફરે છે તે પછીથી કૌશલ્યાની આસપાસ ફરવાનાં અને મારી કૈકેયી આજે ખુદ મહારાજને પણ તણખલાને તોલ કરી શકે છે તે કૈકેયીને પણ રામચંદ્રની માતાના વિચારને માથે ચડાવવો પડશે. અને કૈકેયી ! વધારે બોલું? ન કરે નારાયણ અને રાજાની આંખ મીંચાઈ એટલે આપણે ત્રણેયને પાછાં કૈકયનાં ઝાડો જોવાનાં. તે દિવસે તું તો નાદાન થઈને પણ છૂટી શકે પણ મારે કૈક્ય રાજને શો જવાબ આપવો?’

       મંથરાની આવી આવી વાતો સાંભળીને કૈકેયી ભારે વિચારમાં પડી ગઈઅને મૂંઝાતે હૈયે બોલી: ‘મંથરા ! ગમે તેમ હો; આજે હવે એનો ઉપાય પણ શો?’

       ‘ઉપાય ઉપાય શું કરે છે?’મંથરા બોલી, ‘કેકયરાજની પુત્રીને ઉપાયોનો શો તોટો છે? ઉપાયો તો બિચારા રાહ જોતા પડ્યા છે; એને અજમાવનાર ક્યાં છે?’

       ‘શો ઉપાય છે, કહે જોઈએ?’ કૈક્યીએ પૂછ્યું.

       ‘ઉપાય તો આ રહ્યો.’ મંથરાએ ચલાવ્યું. ‘લે, સાંભળ, હજી મહારાજ તારે આધીન છે. મહારાજ તારું એક પણ વચન લોપતા નથી. તારી આંખમાં એક આંસુ દેખે તો મહારાજ અકળાઈ જાય છે; તારી આંખમાં ક્રોધની નિશાની દેખે તો મહારાજ ઢીલા થઈ જાય છે; તારા મોઢા પર શોકની છાયા દેખે તો  મહારાજને ક્યાંઈ ચેન પડતું નથી; તું જરાય અધીરી બનીને બોલે છે તો ગાંડા બનીને તને પ્રસન્ન કરવા દોડી આવે છે; તારી ભ્રમર જરા પણ ચડેલી દેખે છે ત્યારે મહારાજનો જીવ ઊંચો થાય છે. માટે આજે રાતે તારે રાજાથી રિસાવું. અભિષેકના સમાચારથી તું જાણે શોકમાં ને ક્રોધમાં ડૂબી ગઈ છે, એમ તારે દેખાડવું.’

       ‘પણ એથી શું.’ કૈક્યીએ પૂછ્યું.

       ‘કૈકયી ! તારી શક્તિની તને હજી ખબર નથી. તું આજે આ પ્રમાણે રિસાઈ જા. એનો અર્થ પૂછવો હોય તો તારે કોઈ ચતુર રાજદ્વારી પુરુષ પાસે જવું. કૈકયી ! હું પરણી તો નથી, પણ મારા અનુભવથી કહી શકું કે મોટા મોટા રાજદ્વારી પુરુષો પણ પોતાની ચાલાકીથી અથવા તો બુદ્ધિબળથી જે નથી સાધી શકતા  તે તારા જેવી જુવાન રાણી એક ભ્રમર ત્રાંસી કરીને સાધી શકે છે. તું આ પ્રમાણે રિસાઈશ એટલે મહારાજ તને મનાવવા લાગશે’

       ‘પણ ધાર કે ન મનાવે તો?’કૈકયી બોલી.

       ‘એવું શી રીતે ધારું? નવયૌવના પાસે કામીઓ નથી ઓગળ્યા એવું સાંભળ્યું છે? અગ્નિ પાસે મીણ ન ઓગળે એવું સાંભળ્યું છે? દીવાની જ્યોતમાં પતંગ ન પડે એવું દીઠું છે? કૈકયી, એવો વિચાર જ ન કર.’

       ‘ભલે.’કૈકયી બોલી. ‘મનાવવા આવે તો પછી મારે શું કરવું?’

       ‘તારે તો બે જ વાત કરવી: એક ભરતને યુવરાજ બ્નાવો અને બીજી રામચંદ્રને વનમાં મોકલો.’

       ‘અરરર !’કૈકયી બોલી ઊઠી, રામને વનમાં મોકલવાનું મારાથી શી રીતે મગાય?

            ‘ન મગાય તો રહેવા દે ! મંથરા કાયર થઈને કહેતી હોય તેમ બોલી. ‘રામને ન મોકલવો હોય તો તું અને ભરત જજો.’

       ‘ભરતને યુવરાજ બનાવો  એટલું જ હું માગીશ.’કૈકયી બોલી.

       ‘ગાંડી ! અર્ધું બોલું છું ત્યાં પૂરું સમજતી પણ નથી?’ મંથરાએ કહ્યું. ‘ભરતને યુવરાજપદું જ રામ ચાલવા ન દે. તેં એને જોયો છે? એનો લક્ષ્મણ તો વળી ભારે તીખો છે. તને ખબર નથી; આજે રામને ભરતની ગેરહાજરીમાં યુવરાજ શા માટે બનાવે છે તે સમજી?’

       ‘ભરત પહોંચી શકે તેમ નથી માટે.’કૈકયીએ કહ્યું.

       ‘અરે, ના રે ના !’મંથરા બોલી, ‘આ તો ભરતની ગેરહાજરીમાં બધો ગોટાળો વાળી દેવો છે માટે. તું કૌશલ્યાને અને વસિષ્ઠને ભોળાં ન માનતી. એ સૌ લુચ્ચાં છે. રામ વનમાં જાય તો જ ભરત નિરાંતે બેસી શકશે, નહિતર અયોધ્યામાં રહ્યો રહ્યો રામ ભરતને ચેન નહિ પડવા દે.’

        ‘મંથરા !’કૈકયી વળી બોલી, ‘પણ ભરત આ બધું સ્વીકારશે?’

       ‘નહિ કેમ સ્વીકારે?’મંથરા બોલી, ‘શું યુવરાજ થવું ભરતને કડવું લાગશે?’

       ‘પણ મહારાજ મારી માગણી કબૂલ કરશે?’વળી કૈકયી બોલી.

       ‘મક્કમતાથી માગનાર હોય તો દુનિયામાં ના પાડનાર કોણ છે તે હું જાણતી નથી.’મંથરા બોલી, ‘ખુદ પ્રભુનાં બારણાં ખખડાવે એને માટે પ્રભુને પણ બારણાં ખોલવાં પડે છે, તો આ તો વૃદ્ધ મહારાજ છે. તારાં તો ઘણાંય વરદાન લેણાં છે; આજે આ બે માગી લે’

       ‘ભરતને યુવરાજ બનાવવા માટે તો હું કહું; હું પરણી ત્યારે અમારી વચ્ચે એવો ઊંડો સંકેત થયો હતો તે હું મહારાજને યાદ પણ આપું એટલે માને; પણ રામને વનવાસ આપવાનું મારી જીભે કેમ કહેવાશે?’

       ‘કહેવાય તોય કહેવું , ન કહેવાય તોય કહેવું.’મંથરા ભાર દઈને બોલી. ‘સમજી? તારે ભવિષ્યમાં રાજમાતા થવું હોય અને આજે જે પ્રભુત્વ છે તે કાયમ રાખવું હોય તો એટલું માગવું.અને રામના આપેલા ટુકડા ખાઈને જીવવું હોય તો મારે કાંઈ કહેવાનું નથી. તારા જેવી ભોળી સ્ત્રીઓનું એક જ મોટું દુ:ખ ! તને ઘણીય સમજાવીને તૈયાર કરું પણ તું છેક છેલ્લી ઘડીએ ફસકી પડે, અને પછી બદનામ મને કરે. તારા નસીબમાં આવું સુખ નથી લખ્યું . જવા દે. અયોધ્યામાં હવે મારું સ્થાન નથી.’

       ‘પણ મંથરા ! તું કહે છે તે પ્રમાણે કરવાની હું ક્યાં ના પાડું છું?’ કૈકયી બોલી અને મંથરાને રોકવા લાગી.

       ‘આજ સુધી મારો ખપ હતો. ત્યાં સુધી મને રાખી. હવે મહારાજ પર પ્રભુત્વ જામી ગયું એટલે મારે જવું રહ્યું. પણ કૈકયી ! આવતી કાલે સવારે ઝાકળના બિંદુની માફક એ પ્રભુત્વ ઊડી જશે ને તું રઝળીશ!’

       ‘પણ મંથરા ! તું ઊભી તો રહે ! હું તારા કહેવા પ્રમાણે કરવા તૈયાર છું. મહારાજ માનશે કે કેમ તે જ મારી શંકા છે.’

       ‘એવી શંકા શા માટે કરે છે?’મંથરા જરા ક્રોધ કરીને બોલી, ‘તેં કહ્યું ને મહારાજે ન માન્યું એનો એક તો દાખલો આપ ! તારા કોઈ પણ શબ્દની સામે થવાની તાકાત તો એ ઘણા વખતથી ગુમાવી બેઠા છે. મહારાજ તને સમજાવે તોપણ તારે ન સમજવું. છતાં ન માને તો તારે આપઘાત કરવાની બીક દેખાડવી. તું મક્કમ હઈશતો મહારાજને નમ્યે જ છૂટકો છે. પણ કૈકયી ! જોજે હો, મહારાજ રોવા લાગે કે મૂર્છા ખાઈ પડે તોય તારે તારું હૈયું કઠણ રાખવું. પાછળથી બધું ઠેકાણે પડશે. મહારાજ તો શું, પણ આખી અયોધ્યા કકળી ઊઠે ને તારી આસપાસ તિરસ્કાર અને શોકની છોળો ઊછળવા લાગે તોપણ તું પર્વતસમી અક્કડ રહેજે !એ બધું તોફાન એની મેળે શમી જશે. ને તારા સુખનો પાર નહિ રહે.’

       ‘હવે સમજાય છે.’કૈકયી બોલી, ‘હવે સમજાય છે, લોકો ભલે કહે મંથરાની નજર બહુ જ ટૂંકી છે; મને તો તારી નજર બહુ જ લાંબી દેખાય છે.તેં કહ્યું તે પ્રમાણે જ હું કરીશ.’

       ‘કૈકયી !’મંથરા બોલી, ‘હું અયોધ્યાના લોકમતને જોવા જાઉં છું;તું તારું નાટક બરાબર કરજે. જોજે હો ! અધવચ ફસકી તો તારું તો ઠીક, પણ મારું તો મોત જ થવાનું; બીજું પરિણામ નહિ આવે. કૈકયી, મહારાણી ! કોઈ રીતે નિશ્ચયમાંથી દગતી નહિ.’એમ બોલી મંથરા નગર તરફ ચાલી અને કૈકયીએ પાછી હિંડોળાખાટ શરૂ કરી.

       *****************************************************

 

      

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

વાચકગણ
  • 287,406 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 285 other followers

તાજા લેખો
તારીખીયું
ફેબ્રુવારી 2016
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જાન્યુઆરી   માર્ચ »
1234567
891011121314
15161718192021
22232425262728
29  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: