ટૂંકી વાર્તાઓ//આશા વીરેન્દ્ર

ASHAVONE

ભૂમિપુત્ર તા.1.10.2015

મા વિનાના ગલુડિયાં

મારા પતિ જિતેન્દ્ર અને નરેન્દ્ર બે ભાઈઓ અને અમે શીલા ને નીકા બંને દેરાણી-જેઠાણી. ચારેયનાં નામોમાં જેવું સામ્ય હતું એવું જ સામ્ય ચારેયના સ્વભાવમાં પણ હતું. અમારો આદર્શ, સુખી પતિવાર હતો. નીલા પરણીને આવી ત્યારે મારો આદિ છ-સાત વર્ષનો. નીલાએ એને એવી માયા લગાડેલી કે આખો દિવસ કાકી, કાકી કરતો એનો પાલવ પકડી ફર્યા કરતો. હું હસીને કહેતી,   ‘નીલા તું તો મારા કાનુડાની જશોદા મૈયા છે. ઘરમાં હું ન હોઉં  એને ચાલે પણ તારા વિના એને ઘડીભર ન ચાલે.’નીલા હસીને કહેતી, ‘દીદી, હું નથી કહેતી હં, એને મારી પાછળ પાછળ ફરવાનું.’

આ સંબંધનું જાણે સાટું વાળવું હોય એમ રત્નાની કૂખે રત્ના જન્મી અને જન્મતાંની સાથે મારી જ થઈ ગઈ. એનેન માલિશ કરવું, નવડાવવી, કડવાટ પાવી એ બધાં કામ મેં મારા હાથમાં લઈ લીધેલાં. મને તો જાણે રત્નાના રૂપમાં સ્વર્ગ મળી ગયેલું. જરીકે વાર એને રેઢી ન મૂકું. ને એ મીઠડી ય મને ભાભુ, ભાભુ કરતી જાય ને મીઠું મીઠું હસતી જાય. એ માંડ ત્રણેક વર્ષની થઈ હશે ત્યાં અમારાસુખને કોઈની નજર લાગી ગઈહોય એમ બે જ દિવસના તાવમાં મારો લાડકો દિયર નરેન્દ્ર ચાલતો થયો.

‘નીલા, બસ કર. હવે રડવાનું બંધ કર ને જરા આ કુમળી છોકરી સામે તો જો !’ હું નીતરતી આંખે નીલાને સમજાવવાની નિષ્ફળ કોશિશ કર્યા કરતી. આખા ઘરમાં સ્મશાનવત્ શાંતિ પથરાઈ ગઈ હતી.થોડા વખત પછી એક દિવસ નીલાનાં માતા-પિતા મળવા આવ્યાં. રાત્રે સહુ બેઠાં હતાંત્યારે એમણે ધીમેથી વાત મૂકી.

‘જિતેન્દ્રભાઈ, એક વાત કહું? ખરાબ ન લગાડશો. તમે અને શીલાબહેન તો નીલા માટે કંઈ કરવામાં બાકી નથી રાખતાં પણ આ ઘરમાં રહીને એ કોઈ દિવસ પોતાનું દુ:ખ ભૂલી નહીં શકે. રાત-દિવસ એને નરેન્દ્રના જ ભણકારા વાગ્યા કરશે. જો તમારી સંમતિ હોય તો અમે નીલા અને રત્નાને લઈ જઈએ.’

મારા હૈયામાં ચિરાડો પડ્યો. નરેન્દ્રને તો ગુમાવ્યો જ હતો. હવે આ બંને પણ જતા રહેશે. રત્ના વિના મારી જિંદગીમાં રહેશે શું? પણ ક્યા હક દાવે અમે ના કહી શકીએ ?

થોડા દિવસની રજા ભેગી થાય કે રત્ના અહીં જ આવી જતી.એને ય એની ભાભુ વિના સોરવતું તો નહીં પણ બાળકો તો જ્યાં જાય ત્યાંનાં થઈ જાય. નીલા ત્યાંની શાળામાં શિક્ષિકાની નોકરી કરવા લાગી હતી. એક વખત અચાનક એ રત્નાને લીધા વિના આવી પહોંચી. મારો પહેલો સવાલ હતો—‘કેમ એકલી આવી? રત્નાને ન લાવી?’

‘દીદી, તમારી સાથે ખૂબ જરૂરી વાત કરવી હતી એટલે એની હાજરીમાં….’

એના સહશિક્ષક એવા વિનોદની પત્ની એક દીકરા વીકીને મૂકીને અવસાન પામી હતી. વિનોદ અને નીલાની વારંવારની મુલાકાત પછી એ બંને લગ્ન કરવાના નિર્ણય પર આવ્યાં હતાં.

‘આનાથી રૂડું બીજું શું હોઈ શકે? તું તારા જીવનમાં સારી રીતે ગોઠવાઈ જાય એનો અમને ખૂબ આનંદ હોય પણ રત્ના….’

‘દીદી, એમને રત્ના ખૂબ વહાલી છે. એ કહે છે, વીકી અને રત્ના ભાઈ-બહેન બનીને રહેશે. હું રત્નાને સાથે લઈ જવાની છું. અમારે એ ચોખવટ થઈ ગઈ છે.’

નીલા ખૂબ ખુશ જણાતી હતી. મેં એને અંતરથી આશિષ આપ્યા. એટલું સારું હતું કે પુનર્લગ્ન પછી પણ એણે અમારી સથે સંબંધ એવા ને એવા જ રાખ્યા હતા. વિનોદનો સ્વભાવ પણ સારો જણાતો હતો અને મારા માટે સૌથી ખુશીની વાત એ હતી કે, હ્જુ પણ ત્રણ-ચાર દિવસની રજા ભેગી થવાની હોય ત્યારે રત્ના અહીં જ આવતી. આદિ જઈને એને લઈ આવતો. આ વખતે તો દિવાળીની રજાઓમાં એ લોકો કેરળ ફરવા જવાનાં હતાં તો યે રત્ના જીદ કરીને અહીં જ આવી. ફરવા ન ગઈ.

‘રત્ના સાંજે ફરવા ક્યાં જવું છે? દરિયાકિનારે જઈશું? ’ ‘તમે જેમ કહો તેમ.’ ‘રત્ના, જમવામાં શું બનાવું? શીખંડ ખાવો છે કે શીરો?’ ‘તમે જે બનાવો તે.’મેં જોયું કે , હંમેશા  મારી પાસે પોતાનું જ ધાર્યું કરાવનારી રત્ના બદલાઈ ગઈ હતી. આખો દિવસ અહીંથી તહીં દોડાદોડ કરતી ને બડબડ ક્રતી રહેતી રત્ના સાવ શાંત થી ગઈ હતી. એને કોઈ વાતમાં રસ નહોતો પડતો ને ઉદાસ બેસી રહેતી હતી.

એ દિવસોમાં અમારી સોનુને ત્રણ બચ્ચાં આવેલાં. ધોળાં ધોળાં માખણના પિંડા જેવાં ગલુડિયાંને પોતાની મા પાછળ ફ્ર્યાં કરતાં જોયા કરતી. મને થયું, ગલુડિયાંને જોઈને રત્ના કંઈક ખુશ થઈ છે એટલે હું એમનું કામ એને સોંપતી. ‘રત્ના, લે, સોનુના વાસણમાં આ પાણી રેડી આવ.’

‘રત્ના, આજે તો સોનુ માટે શીરો બનાવ્યો છે. ચાલ જોઈએ, કેવી ચપચપ કરતી ખાય છે. !

એક દિવસ સવારથી સોનુ ક્યાંક ગાયબ થઈ ગઈ, કંપાઉન્ડમાં દરવાજો બંધ કરવાનું તો અમે બરાબર ધ્યાન રાખતાં તો ય એ કેવી રીતે ને ક્યાં જતી રહી હશે? મારી ચિંતા વધતી જતી હતી. રત્નાએ આવીને કહ્યું, ‘ભાભુ, મેં મોટો દરવાજો ખોલીને જોયું. દૂર દૂર સુધી સોનુ ક્યાંય દેખાતી નથી. હવે તો એનાં બચ્ચાં પણ રડવા લાગ્યાં છે.’એનો અવાજ પણ રડમસ થઈ ગયો.

‘આવી જશે બેટા, જરૂર આવી જશે. પોતાનાં બચ્ચાંને મૂકીને એ ક્યાં જવાની હતી?’મારા મનમાં પણ એ આવશે કે કેમ એવી શંકા તો હતી છતાં મેં રત્નાને આશ્વાસન આપવા કહ્યું.

‘મને ખબર છે એ ક્યાં ગઈ હશે.’અચાનક રત્ના બોલી, એ ગલુડિયાના નવા પપ્પા પાસે ગઈ હશે. હવે પાછી નહીં આવે. એને પોતાનાં બચ્ચાં કરતાં નવા પપ્પા વધારે ગમે છે. ભાભુ , હવે આ બચ્ચાં મરી જશે તો?’ એ ડૂસકાં ભરતાં મને વળગી પડી.

‘નહીં મરવા દઉં, તું ચિંતા નહીં કર. આ બચ્ચાંઓને હું જિવાડીશ.’  ‘સાચ્ચે જ ભાભુ, તમે એને જિવાડશોને ? પ્રોમિસ?’ રત્નાએ વિશ્વાસપૂર્વક મારી સામે જોઈને કહ્યું.

–આશા વીરેન્દ્ર

(ઉષા પરમની મરાઠી વાર્તાને આધારે)

************************************************************************

ASHAVTWO

ભૂમિપુત્ર તા.1.11.2015

હત્યારણ//આશા વીરેન્દ્ર

ડાર્લિંગ, મારે તને એક વાત કહેવી છે પણ પહેલાં વચન  આપ કે મારી વાત માનીશ.’ કૃપાએ એના પતિના શર્ટના બટન સાથે રમત કરતાં કહ્યું.

હીરેન પોતાની પત્નીનામારકણા રૂપ પર ફિદા હતો. બે સંતાનોની મા રૂપા હજી જાણે કુંવારી છોકરી હોય એવી લાગતી. મોટો ઉદ્યોગપતિ હીરેન જ્યારે પણ રૂપાને કોઈ પાર્ટીમાં લઈ જાય ત્યારે તેની આસપાસ ફરતી પુરુષોની નજરમાં પ્રશંસા અને સ્ત્રીઓની આંખોમાં ઈર્ષ્યા એ જોઈ શકતો. એને પોતાને પણ પત્નીના દેખાવનું અને એણે પ્રસૂતિ પછી પણ દેહની જે રીતે જાળવણી કરી હતી એનું ઓછું અભિમાન નહોતું. લોકો એની પીઠ પાછળ વાતો કરતા કે હીરેન એની પત્ની પીવડાવે એટલું જ પાણી પીએ છે. એટલે રૂપા કોઈ માગણી કરે અને હીરેન એને નકારે એ શક્ય જ નહોતું.

‘બોલને શું જોઈએ છે ?’ હીરેને એને ગાલે ટપલી મારતાં કહ્યું ‘જો જે હં, વચન આપીને ફરી નહીં જતો ! હું એમ કહેતી હતી કે , આપણો ડ્રાઈવર છે ને, મોતીરામ એને ને એની પત્ની માલાને નોકરીમાંથી છૂટા કરી દે.’

‘અરે ! પણ શા માટે?’હીરેનને આંચકો લાગ્યો. આપણાં લગ્ન થયાં એ પહેલાંથી મોતીરામ કામ કરે છે. માલાએ પણ તારું બધું કામ ઉપાડી લીધું છે. બંને કેટલાં ઈમાનદાર અને વિશ્વાસુ છે  ! એમણે કોઈ દિવસ આપણને ફરિયાદ કરવાનો મોકો નથી આપ્યો તો પછી…’

‘મારે કોઈ કારણ નથી આપવું. બસ, જેમ બને તેમ જલદી એમને રજા આપ.’

પોતાના મનમાં રૂપા સમજતી હતી કે, હીરેનને કે બીજા કોઈને પણ એ જિંદગીભર આ વાત કહી શકવાની નહોતી કે, એનાથી માલાની હાજરી કેમ સહન નહોતી થતી.હીરેનના બાપ-દાદાના વખતથી દોમદોમ સાહ્યબી હતી. અહીં ધમધમતું કારખાનું અને ઝરિયામાં કોલસાની ખાણ. હીરેનને વારંવાર પરદેશ જવાનું થતું. બે બાળકોના ઉછેર માટે બે આયા હતી.છોકરાઓને કારણે રૂપાએ એક રાતનો ઉજાગરો કરવો પડ્યો હોય એવું નહોતું બન્યું . તો યે ત્રીજી વખતે…

‘ડૉકટર, કેટલા મહિના થયા છે?’

‘બે પૂરા થઈને ત્રીજો બેસી ગયો છે. લગભગ દસ અઠવાડિયાં.’

‘હજી અઢી મહિના જ થયા છે ને ? બસ, તો પછી એનો નિકાલ કરી નાખો. મારે ત્રીજું બાળક નથી જોઈતું.’

‘પણ શા માટે? તમારી તબિયત સારી છે. બીજો કોઈ પ્રોબલેમ નથી, વળી તમારા પતિની સંમતિ વિના હું આમ ન કરી શકું.’

‘એ તો જર્મની ગયા છે પણ એમની તો રજા જ છે.એ કહે કે, નવ મહિના ભાર તારે ઉઠાવવાનો છે એટલે નિર્ણય તારે જ કરવાનો. નાનો હજી તો દસ મહિનાનો થયો ત્યાં આ…. ડૉક્ટર, મને હમણાં હમણાં નબળાઈ ખૂબ લાગે છે અને…અને મને ડર છે કે ઉપરાઉપરી ડિલીવરીથી મારું ફિગર બગડી જશે.’મનની વાત રૂપાને હોઠે આવી જ ગઈ.

ઘરે આવી ત્યારે રૂપા થાકીને ઢગલો થઈ ગઈ હતી. શરીરમાં અસક્તિ ને થાક તો હતાં જ પણ મનમાં ય કંઈક ડંખ્યા કરતું હતું. આ મેં સાચું કર્યું કે ખોટું? બહુ ઉતાવળું પગલું લેવાઈ ગયું એવું તો નથી થયું ને?એક માસુમને ઊગતું રહેંસી નાખ્યું એ બરાબર ન કર્યું.અંધારું થયું ત્યાં સુધી એ ચૂપચાપ પલંગમાં પડી રહી.

‘કેમ દીદી, અત્યારે સૂતાં છો?’ માલાએ રૂમમાં આવીને લાઈટની સ્વીચ ખોલી. ‘હા, માથું ભારે લાગે છે. ચક્કર પણ આવે છે. હમણાં ઊલટી થઈ જશે એવું લાગે છે.’ ‘લાવો, બામ લગાવીને માથું દાબી આપું.’ માલાએ માથું દાબતાં દાબતાં ધીમેથી પૂછ્યું, ‘દીદી, તમને ક્યાંક મહિના તો નથી રહ્યા ને?’

રૂપા ચમકી ઊઠી. આ વાતની કોઈને ખબર ન પડવી જોઈએ. હીરેનને પણ નહીં. એણે કહ્યું, ‘ના રે ના, મહિના ક્યાંથી હોય? નાનકો તો હજી માંડ દસ મહિનાનો થયો છે.’પછી તેણે માલાના ઊપસેલા પેટ તરફ જોતાં કહ્યું, ‘માલા, તારું તો આ ચોથી વારનું છે. સવારથી ઊઠે ત્યારથી તું કામ કરવા મંડી પડે. તારા ઘરનું કામ, અહીંનું કામ, છોકરાંઓની કચકચ, ઝગડા- આ બધાથી તું કંટાળી નથી જતી ? સાચું કહેજે માલા, તને કોઈ દિવસ એવો વિચાર આવ્યો કે, આ આવનારા બાળકથી છુટકારો મેળવું ?’

માલા ફટાક કરતી ઊભી થઈ ગઈ. ‘હાય, હાય, આ શું બોલ્યાં દીદી ? આવું વિચારું તોય હું પાપમાં પડું. એ મારા ગર્ભમાં આવ્યું એમાં એનો શું વાંક? હા, હું ય થાકું છું, કંટાળું છું પણ આવું કરું તો તો હું ભગવાનની ગુનેગાર ગણાઉં.આ દુનિયામાં આવતાં પહેલાં જ એને ખતમ કરી નાખું  તો હું હત્યારણ જ કહેવાઉં ને? ’

રૂપાના માથામાં જાણે હથોડાના ઘા ઝીંકાવા લાગ્યા. એણે કહ્યું, ‘તું જા, મને આરામ કરવા દે. ને જતી વખતે લાઈટ બંધ કરતી જજે.’

રાત્રિના અંધકારમાં તકિયામાં મોં છુપાવીને રૂપા જાગતી પડી રહી.એના જીવને ચેન નહોતું. વારંવાર એ પોતાની જાતને સવાલ પૂછી રહી કે, આખરે શા માટે મેં મારા અસ્તિત્વના અંશની હત્યા કરી? શું મેળવવું છે મારે? રૂપ, યૌવન, સૌંદર્ય ?

(ભૂમિપુત્ર તા.1.11.2015)

***************************************

ASHAVDHARATIPUTRA

ધરતીપુત્ર

આ વખતે તરબૂચનો ફાલ ઘણો સારો થયેલો. જો કે, એની પાછળ રામદીને પોતાની જાત નિચોવી નાખેલી. એ તરબૂચ જોઈ જોઈને હરખાતો અને પોતાની પત્ની સાવિત્રીને કહેતો.

‘ઓણ સાલ તો પાક ધાર્યા કરતાંય વધુ ઊતર્યો છે. લાગે છે કે , આ વરસે હારા રૂપિયા ઊપજશે.’

‘તોય મારું માનો તો શે’રમાં જઈને માલ વેસી આવો. આપણા ગામની ગરીબ પરજા. આપી આપીને કેટલા દામ આપશે? એની કરતાં શે’રના લોકો હારી ચીજના પૈસા ખરચી જાણે’

રામદીનને સાવિત્રીનો વિચાર પસંદ પડ્યો. સૌથી પહેલાંએ મેટાડોર વાળા યાસીનને પૂછવા ગયો. સવારથી નીકક્ળવાનું ને પાછા ફરતાં સાંજ તો પડી જ જાય. યાસીને કિલોમીટર પ્રમાણે ગણતરી કરીને કહ્યું,

‘આમ તો બે હજાર થાય પણ તારી પાસેથી 1500/- લઈશ, બસ? બે પૈસા તું કમાય એમાં આપણે રાજી.’

બીજે દિવસે સવારમાં રામદીન મેટાડોરમાં તરબૂચ ભરાવીને તૈયાર થઈ ગયો. સાવિત્રીએ એને એક  બટવામાં પોતે બચાવી રાખેલા હજારેક રૂપિયા અને ભાથામાં બે જાડા રોટલા, લસણની ચટણી અને ડુંગળી આપ્યાં.યાસીન સાથે રસ્તામાં ગપ્પાં મારતાં મારતાં શહેર આવી ગયું. મુખ્ય બજારની ભીડભાડ જોઈને રામદીન ગભરાયો તો ખરો પણ રાજી ય થયો. એણે અંદાજ મૂક્યો કે, આટલા માલના સાત-આઠ હજાર સહેલાઈથી મળી જશે. એમાંથી મેટાડોરનું ભાડું અને ચા-પાણીનો ખર્ચો કાઢી નાખીએ તો ય પાંચેક હજાર તો ઘર ભેગા કરી શકાશે. ઉપરાઉપરી બે વર્ષ દુકાળનો માર સહ્યા પછી તો જાણે સોનાનો સૂરજ ઊગ્યો હતો.

બજારમાં ઘરઘરાટી કરતી મેટાડોર હજી તો દાખલ થાય ત્યાં તો કોણજાણે ક્યાંથી બે દલાલો ફૂટી નીકળ્યા.

‘શું લાવ્યો છે?’એકે કરડાકીથી પૂછ્યું.

‘મારે ત્યાં એકદમ મીઠાં અને લાલચટાક તરબૂચ થયાં છે. ગાડી ભરીને તરબૂચ લાવ્યો છું. માલ એકદમ…. ’

હજી રામદીન પોતાનાં તરબૂચનં વખાણ કરવા જાય ત્યાં બીજો મોઢું બગાડીને બોલ્યો, ‘તરબૂચ ? અલ્યા, તરબૂચનો તો અહીંયા કોઈ ભાવ પૂછતું નથી. અડધા તો બગડી જાય ને ફેંકી દેવાં પડે. ખોટનો સોદો કોણ કરે ?’

રામદીન ગૂંચવાયો. ‘એની કરતાં હું પોતે જ વેચવા બેસી જાઉં. સાંજ સુધીમાં વેચાઈ જશે. જોઉં, જે કમાણી થાય તે.’

એક દલાલ તાડૂકી ઊઠ્યો, ‘એ ભાઈ, આ છૂટક બજાર નથી કે, તું વેચવા બેસી જાય. તારે દલાલ તો રાખવા જ પડે.બોલ, કેટલા ધારીને આવ્યો છે ?’

‘હું તો…..હું તો…. બસ, સાત-આઠ હજાર આવી જાય તો… ’ગભરાતાં ગભરાતાં બોલ્યો.

બંને દલાલ અટ્ટહાસ્ય કરવા લાગ્યા. હસી હસીને થાક્યા ત્યારે તેમાંનો એક બોલ્યો, કંઈક સમજી વિચારીને કહેતો હોય તો !જો, વધારેમાં વધારે આનાં બે હજાર આપું. એમાંથી બસો મારા કમિશનના. એટલે તારા હાથમાં અઢારસો આવે. બોલ કરવો છે સોદો?

‘હું જરા આગળ ફળના વેપારીઓની દુકાન છે ત્યાં જોઈ લઉં છું.પછી….’ ‘હા, આવજે પછી નિરાંતે ! આજ નહીં તો કાલે !’બંને દલાલો એકબીજાની સામે આંખ મિચકારીને હસવા લાગ્યા. યાસીન ગાડી આગળ લઈ જવાની આનાકાની કરવા માંડ્યો.

‘રસ્તા સાંકડા છે. ભીડ આટલી બધી છે. આમાં ગાડી કેવી રીતે લઉં? ’રામદીને હાથ પગ જોડ્યા. ‘ભાઈ , એમ કર. ગાડી અહીં મૂકીને તું નાકા પરની હોટલમાં ચા-નાસ્તો કરી આવ. એટલી વારમાં હું સોદો નક્કી કરી લઉં.’સાવિત્રીએ આપેલા બટવામાંથી એણે કકળતે હૈયે પચાસની નોટ કાઢીને યાસીનને આપી. એક-બે જથ્થાબંધ વેપારીને પૂછે ન પૂછે ત્યાં તો દંડો લઈને પોલીસ આવ્યો.

‘કોની છે આ ગાડી? ચલન ક્યાં છે? ને અહીં વચ્ચોવચ ગાડી ઊભી રાખી દીધી છેતે ચાલ, દંડના હજાર રૂપિયા કાઢ.’

રામદીનને ખૂબ કાલાવાલા કરતો જોઈને એણે સો રૂપિયામાં પતાવ્યું. બે-ત્રણ વેપારીઓને પૂછી જોયું પણ ક્યાંય મેળ પડતો નહોતો. એવામાં અચાનક વાદળાં ઘેરાયાં ને વરસાદ ચાલુ થયો. યાસીન દોડતો આવ્યો.

‘રામદીન , જલદી કામ પતાવ. નહીં તો આ વરસાદમાં તારાં તરબૂચને કોઈ હાથ નહીં લગાડે.’હારી થાકીને એ પહેલા દલાલ પાસે ગયો.

‘કેમ, આવવું પડ્યુંને, હરી-ફરીને મારી પાસે? પણ જો હવે તારાં તરબૂચ ભીનાં થઈ ગયાં છે. 1800થી વધારે એક પૈસો પણ આનો નહીં આવે ને બસો રૂપિયા એમાંથી મારા કમિશનના . વિચારી લે’.

પૈસા ગણતી વખતે રામદીનના હાથ—પગ પાણી પાણી થઈ ગયા. અરેરે ! હું વળી ક્યાં સાવિત્રીની વાતમાં આવી ગયો? આટલા પૈસા તો ગામની બજારમાં ય કમાઈ લેત !

પાછા વળવા માટે ગાડીમાં બેઠા ત્યારે એણે પોતાના ભાથાનો ડબ્બો યાસીનના હાથમાં મૂકી દીધો.

‘લે ભાઈ , તું ખાઈ લે. મારી તો ભૂખ મરી ગઈ છે.’બોલતાં બોલતાં એની આંખમાં આંસુ આવી ગયાં. યાસીને એના ખભા પર હાથ મૂકીને કહ્યું, ‘હિંમત ન હારીશ, ને આપઘાતનો વિચારે ય કદી ન કરીશ. બધા દિવસો એક સરખા નથી રહેતા. લોક્ને તમારી જરૂર પડવાની જ છે. ખેડૂત નહીં હોય તો સૌ ખાશે શું?

હજી તો યાસીન ગાડી શરૂ કરવા જાય ત્યાં હાથમાં રસીદ  બુક લઈને

ફળ-શાકભાજી વ્યાપારી મંડળનો માણસ આવીને કહેવા લાગ્યો., એય, માલ વેચીને ચૂપચાપ ભાગે છે ક્યાં? ચાલ, 51 રૂપિયાનીપાવતી ફડાવ.’હવે રામદીનનો રોષ ભભૂકી ઊઠ્યો. ‘શેની ફડાવું પાવતી ? મેં વેચ્યો નથી. મારો માલ અહીં લૂંટી લેવામાં આવ્યો છે. મને બરબાદ કરી દેવામાં આવ્યો છે.’

યાસીન ભીની આંખે એક ધરતીપુત્રની પીડાંનો સાક્ષી બની રહ્યો !

–આશાવીરેન્દ્ર

(કમલ ચોપરાની હિંદી લઘુકથાને આધારે)

[ભૂમિપુત્ર તા.16.10..2015]

********************************************

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

વાચકગણ
  • 300,782 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 285 other followers

તાજા લેખો
તારીખીયું
ફેબ્રુવારી 2016
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જાન્યુઆરી   માર્ચ »
1234567
891011121314
15161718192021
22232425262728
29  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: