(બાળકોનું મહાભારત//રમણલાલ નાનાલાલ શાહ)માંથી થોડી પ્રસાદી

(બાળકોનું મહાભારત//રમણલાલ નાનાલાલ શાહ)માંથી થોડી પ્રસાદી

 

(43)અભિમન્યુની વીરગતિ ને અર્જુનની પ્રતિજ્ઞા

(બાળકોનું મહાભારત/ભાગ ચોથો/રમણલાલ નાનાલાલ શાહ)

(પાના:55 થી 61)

લડાઈના નીતિનિયમોને કોરે મૂકી કૌરવોએ બાલવીર અભિમન્યુ ઉપર એકસામટો હલ્લો કર્યો. કોઈએ એનું ધનુષ કાપી નાખ્યું, કોઈએ એના સારથિને મારી નાખ્યો, કોઈએ એના રથના ઘોડાને ઠાર કર્યો, ને કોઈએ એનાં હથિયાર નકામાં કરી દીધાં !

એકસામટા ચોતરફના હલ્લાઆગળ એક બાળકનું શું ગજું? હવે અભિમન્યુ પાસે રથ, ધનુષ, બાણ કાંઈ ન રહ્યું; તો પણ એ ગભરાયો નહિ. એણે ઢાલતલવાર હાથમાં લીધી ને કૌરવો ઉપર તૂટી પડ્યો. કર્ણ એને ગુરુ દ્રોણે એ બાળક ઉપર એકસામટો હલ્લો કરી એની ઢાલતલવાર પણ નકામી કરી નાખી.

અભિમન્યુએ બીજો કશો ઇલાજ ન જોઈ પોતાના રથનું પૈડું હાથમાં લીધું, ને તેના વતી લડવા માંડ્યો. એટલામાં અશ્વત્થામા નાં બાણોએ પૈડાના પણ ટુકડેટુકડા કરી નાખ્યા.

નિરાધાર, હથિયાર વગરના  અને થાકી ગયેલા એ ઘાયલ વીરની સામે દુ:શાસનનો પુત્ર ગદા લઈને ધસ્યો, ને અભિમન્યુને જમીન ઉપર રોળી નાખ્યો. જયદ્રથે નીચ બની જમીન ઉપર સૂતેલા વીર અભિમન્યુનું  ડોકું તલવાર વતી કાપી નાખ્યું !

અન્યાય, અધર્મ ને નિરંકુશતાની હદ આવી ગઈ. લડાઈના બધા નિયમોને કોરે મૂકી આજ કૌરવોએ પાણી વગરના માણસોની જેમ એક બાળકનો નાશ કરી આનંદની ગર્જના કરી મૂકી.

કુમાર અભિમન્યુના દુ:ખદ મૃત્યુના સમાચાર બધે ફરી વળ્યા.

પાંડવપક્ષમાં આજના જેવી ગમગીની અને શોક કોઈ દિવસે ફેલાયાં ન હતાં. પણ યુધિષ્ઠિરે વીર વાણીથી સૌને ઉત્સાહ આપ્યો,એટલે પાંડવપક્ષના સૈનિકોએ અભિમન્યુનું વેર લેવાને ખૂબ જોરથી કૌરવો પર ધસારો કર્યો. કૌરવસેનામાં ભંગાણ પડ્યું. સાંજે લડાઈ બંધ કરવાની ભેરી વાગી ત્યારે તો કૌરવો જીતી બાજી હાર્યા હતા ! પાંડવોએ મહાન બાલવીર ગુમાવ્યો છતાં તેઓની જીત થઈ હતી !

સાંજે પાંડવપક્ષમાં જે અપાર શોક ફેલાયો તેનું વર્ણન થઈ શકે એમ નથી. દ્રૌપદી, સુભદ્રા, ઉત્તરા વગેરેના કારમા કલ્પાંતથી આખી પાંડવસેનાની આંખો આંસુભીની બની ગઈ.

ત્રિગર્તો સાથેના યુદ્ધથી પરવારી અર્જુન શ્રીકૃષ્ણ સાથે પાછો આવ્યો  ત્યાઈ એણે આ શોકસમાચાર સાંભળ્યા. એના હૈયામાં એટલો જબરો આઘાત થયો કે એણે ત્યાં ને ત્યાં જ પ્રતિજ્ઞા કરી કે: “મારા કાચા કુમળા પુત્રને અધર્મથી મારી નાખનાર એ દુષ્ટ જયદ્રથને કાલે સૂર્યાસ્ત પહેલાં હું મારી નાખીશ ! જો ન મારું તો પાપી , વિશ્વાસઘાતી ને માબાપની હત્યા કરનાર અધમાધમ મનુષ્યની જે ગતિ થાય એ ગતિ મારી થજો ! કાલે સૂર્યાસ્ત પહેલાં જો જયદ્રથનો વધ નહિ કરી શકુ6 તો હું પોતે જ ચિતા ખડકાવીને બળી મરીશ !”

શ્રીકૃષ્ણે એને આટલી ઉગ્ર પ્રતિજ્ઞા લેવા માટે ઠપકો આપ્યો. કૌરવો આ વાતને મોટું રૂપ આપી કાલે જયદ્રથને સંભાળીને એનું રક્ષણ કરવામાં જ આખો દિવસ કાઢી નાખશે, ને એ રીતે અર્જુનને માથે સૂર્યાસ્ત થતાં ભારે આફત આવશે, એ વાત એમણે પાંડવો સમક્ષ સ્પષ્ટ કરી.

અને ખરેખર, બન્યું પણ એમ જ. ચૌદમા દિવસે કૌરવોએ સંકટ-વ્યૂહ નામનો એક ખૂબ અઘરો વ્યૂહ રચ્યો ને એની વચમાં જયદ્રથને રાખ્યો. કૌરવપક્ષના લગભગ બધા આગેવાન મહારથીઓ જયદ્રથનું રક્ષણ કરવા લાગ્યા. કોઈ પણ રીતે સાંજ પડી જાય, ને અર્જુન આપમેળે ચિતા ખડકીને બળી મરે તો ટાઢે પાણીએ ખસ જાય એમ હતું.

અર્જુન ભારે સંકડામણમાં આવી પડ્યો.

સાંજ પડવાની વેળા થવા આવી. અપાર પ્રાક્રમ કરી અર્જુન જયદ્ર્થની લગભગ પહોંચી ગયો. પણ કૌરવોનો મારો એટલો સખત હતો કે એ જયદ્ર્થનો વાંકો વાળ ન કરી શક્યો.

શ્રીકૃષ્ણને ચિંતા પેઠી. એમણે સુદર્શન ચક્ર મૂકી સૂર્યની આજુબાજુ વાદળાં જેવો દેખાવ કર્યો. સૂર્ય અસ્ત થયો હોય એવો દેખાવ થઈ ગયો !

કૌરવો હર્ષથી ગર્જી ઊઠ્યા.

શ્રીકૃષ્ણે કહ્યું: “અર્જુન, બાજી નકામી ગઈ. હવે તારી પ્રતિજ્ઞાનું શું?”

અર્જુન મક્કમતાથી બોલ્યો:  “મહારાજ, પ્રતિજ્ઞા એટલે પ્રતિજ્ઞા; હું બળી મરવા તૈયાર છું.”

જોતજોતામાં ચિતા ખડકી દેવામાં આવી. એમાં અગ્નિ મૂક્યો. લાલ લાલ ભડકા આકાશ તરફ જવા લાગ્યા. અર્જુને ચિતાની પ્રદક્ષિણા કરી ચિતામાં પડવાની તૈયારી કરી. હવે કશો ભય રહ્યો નહોતો એટલે કૌરવો તથા જયદ્રથ સૌ આ ચિતા-પ્રવેશ જોવા એકઠા મળ્યા.

બરાબર એ જ અરસામાં શ્રીકૃષ્ણે સુદર્શન ચક્ર પાછું ખેંચી લીધું. તરત જ સૂર્યનું  અજવાળું થઈ ગયું ! વાદળાં અદ્રશ્ય થઈ ગયાં,.શ્રીકૃષ્ણે ઇશારત કરી, અર્જુને ગાંડિવ ધનુષથી ટંકાર કરી જયદ્રથની છાતીમાં બાણ મારી એને ઠાર કર્યો. જયદ્ર્થવધની પ્રતિજ્ઞા પૂરી થઈ.

પાંડવોમાં ચારે બાજુ આનંદ આનંદ ફેલાઈ ગયો.

કૌરવપક્ષમાં હાહાકાર મચી ગયો.

જયદ્ર્થના વિચિત્ર રીતે થયેલા મોતથી કૌરવપક્ષને એટલો બધો ગુસ્સો ચડ્યો કે ખૂબ જોરથી તેઓ પાંડવો ઉપર તૂટી પડ્યા. જોતજોતામાં રાત પડી ગઈ, પણ આજે લડાઈનો જુસ્સો કમી ન થયો. રાતે મશાલો સળગાવીને પણ બંને પક્ષે લડાઈ ચાલુ રાખી.

દ્રોણે ઝનૂનમાં આવી પાંડવસેનામાં ભયંકર કતલ ચલાવી. દુર્યોધને પણ હજારો લડવૈયાઓને આજ રહેંસી નાખ્યા. દુર્યોધનનો સપાટો જોઈ યુધિષ્ઠિર  તેની સામે મેદાને પડ્યા. ને એને હરાવીને નસાડી મૂક્યો. ભીમે આજના યુદ્ધમાં દુર્યોધનના નવ ભાઈઓને સ્વધામ પહોંચાડ્યા. એ ઉપરાંત વૃષરથ, શકુનિના ભાઈ શતચંદ્ર અને ધૃતરાષ્ટ્રના બીજા સાત સાળાઓને મારી નાખ્યા.

ભીમની આ કાપાકાપીથી ક્રોધે ભરાઈ કર્ણે અર્જુન તરફ ભારે વેગથી ધસારો કર્યો. એ જ વેળા ભીમસેનનો પુત્ર ઘટોત્કચ વચ્ચે કૂદી પડ્યોઅને શ્રીકૃષ્ણ અર્જુનનો રથ બીજી દિશામાં વાળી ગયા.

ઘટોત્કચ આજે યુદ્ધમાં જે પરાક્રમ કરી બતાવ્યું તેથી કૌરવસેના દાંતમાં આંગળી નાખી ગઈ. ઘટોત્કચના મારાથી રાતોરાત સેના સાફ થઈ જશે એમ કૌરવોને લાગ્યું.

કર્ણ સમજી ગયો કે અત્યારે કટોકટીનો પ્રસંગ છે. પોતે સેનાપતિ થાય ત્યારે અર્જુનને મારી નાખવા માટે એણે એક દિવ્ય શક્તિ (એક જાતનું હથિયાર) રાખી મૂકી હતી; તેનો આખરે ઘટોત્કચ ઉપર પ્રયોગ કર્યો ને તેનું પેટ ફાડી નાખ્યું ! ઘટોત્કચ રણમાં રોળાયો.

પાંડવોમાં ભારે દિલગીરી ફેલાઈ. આ વેળા શ્રીકૃષ્ણના મોં ઉપર સંતોષની છાયા ફરી વળતી જોઈ અર્જુનને નવાઈ લાગી, એણે એને કારણ પૂછ્યું.

શ્રીકૃષ્ણે કહ્યું : “કર્ણની સામે તું યુદ્ધમાં આજ ઊતર્યો હોત તો પેલી શક્તિ વતી એ તારો પ્રાણ લેત.એ શક્તિ એને ઇંદ્રે આપેલી હતી. અને સાક્ષાત યમરાજા પણ એ શક્તિ આગળ લાચાર બની જાય એવી હતી. ઘટોત્કચ મૂઓ ખરો, પણ હવે તું નિર્ભય છે.”

આખરે મોડી રાતે બંને પક્ષોએ યુદ્ધ બંધ કર્યું, ને સિપાઈઓ રણભૂમિ ઉપર થાક્યા-પાક્યા સૂઈ ગયા.      ************************************

RNS.MB.FOUR-44

(44)દ્રોણ સ્વર્ગે જાય છે

(બાળકોનું મહાભારત/ભાગ ચોથો/રમણલાલ નાનાલાલ શાહ)

(પાના:62થી 64)

પંદરમા દિવસનું પ્રભાત થયું ને પાછી ખૂનખાર લડાઈ શરૂ થઈ ચૂકી.

આજે દુર્યોધને કૌરવસેનાના બે ભાગ પાડ્યા હતા. એકના ઉપરી તરીકે દ્રોણ હતા, ને બીજા વિભાગના ઉપરી તરીકે કર્ણ હતો.

આજની લડાઈમાં દ્રોણે ભારે પરાક્રમ કરી બતાવ્યું. અર્જુને પન ગુરુદેવ સાથે આજે ભયાનક યુદ્ધ કર્યું. દ્રોણે વિરાટ રાજા અને દ્રુપદ રાજાને ઠાર માર્યા, દ્રુપદ રાજાના મૃત્યુથી દ્રોણને હૈયામાં આટલે વર્ષે પણ સંતોષ થયો. એને લીધે જ આજ પોતાને બ્રાહ્મણ  છતાં હથિયાર ઝાલવા પડ્યાં હતાં.

પણ દ્રુપદ રાજાના મૃત્યુથી એના પુત્ર ધૃષ્ટ્દ્યુમ્નને બહુ ખોટું લાગ્યું. એણે પ્રતિજ્ઞા કરીકે આજે સાંજ લગીમાં હું દ્રોણને મારી મારા બાપનું વેર લઉં તો જ હું સાચો ક્ષત્રિય!

એક બાજુ અર્જુન ને બીજી બાજુથી પાંચાલોએ એક સામટો હલ્લો કર્યો, દ્રોણ અને અર્જુન વચ્ચે આજના જેવું ભયંકર યુદ્ધ કદી થયું ન હતું. દ્રોણાચાર્ય રાજી થઈ અર્જુનની યુદ્ધકળાનાં વખાણ કરવા મંડ્યાં. એમને તીર વાગતાં હતાં છતાં પોતાનો વહાલો શિષ્ય આટલો બધો હોશિયાર નીવડ્યો છે એ જોઈ એમને હૈયે હરખ માતો ન હતો.

દ્રોણે પાંચાલો ઉપરની રીસ કાઢી એક પછી એક એમ અનેક પાંચાલ વીરોને આજે રણમાં રોળી નાખ્યા. પાંડવપક્ષનો આજે એટલો બધો કચ્ચરઘાણ નીકળી ગયો કે શ્રીકૃષ્ણને બહુ ફિકર પેઠી. એમણે અર્જુનને કહ્યું: “અર્જુન, હવે આજ કોઈ ઉપાયે ગુરુ દ્રોણ હથિયાર મૂકી દે એવી યુક્તિ કરીશું તો ફાવીશું; નહિ તો કાલે લડાઈમાં સામે થવું ભારે થઈ પડશે. દ્રોણનો પુત્ર અશ્વત્થામા લડાઈમાં મરાયો એવી ખોટી ગપ ઉડાડીએ તો જ દ્રોણ પુત્રપ્રેમને લઈને વ્યાકુળ બની પડે. આટલી નાની સરખી લુચ્ચાઈ કર્યા વગર બીજો આરો નથી.”

ભીમસેનને એ યુક્તિ ગમી ગઈ.

અવન્તિ (ઉજ્જૈન) ના રાજા ઇન્દ્રવર્માની પાસે અશ્વત્થામા નામનો એક હાથી હતો. ભીમે એ હાથીને મારી નાખ્યો, ને જોરથી ચ્મીસ પાડી ઊઠ્યો: “માર્યો છે ! અશ્વત્થામાને ઠાર કર્યો છે !”

પાંડવપક્ષમાં ચારે બાજુએ સૈનિકો ગરજી ઊઠ્યા: “અશ્વત્થામા હણાયો ! અશ્વત્થામા હણાયો !”

ગુરુ દ્રોણને કાને આ શબ્દો પડ્યા. એમનું શરીર શિથિલ બની ગયું. જે પ્રાણસમાઅન પુત્રને માટે બ્રાહ્મણ મટી ક્ષત્રિય બન્યા તે પરમ પ્રિય પુત્ર શું આજે યુદ્ધમાં મરાયો.

પણ એમને ભીમસેનના બોલવા ઉપર વિશ્વાસ ન બેઠો. એમણે યુધિષ્ઠિર્ની સામે જોયું.

**********************************************

RNS.MB.FIVE-45

(45)યુધિષ્ઠિરનું અર્ધસત્ય

(બાળકોનું મહાભારત/ભાગ પાંચમો/રમણલાલ નાનાલાલ શાહ)

(પાના:5 થી 8)

શ્રીકૃષ્ણે જોયું કે જો દ્રોણની આગળ યુધિષ્ઠિર સત્યવાદીપણું દાખવશે તો ખરી વાત જણાઈ જશે, ને સાંજે પાંડવસૈન્ય સાફ થઈ જશે. એમણે ખૂબ દબાણ કરી યુધિષ્ઠિરને પણ “અશ્વત્થામા હણાયો.” અને પછી બહુ ધીરેથી બોલ્યા: “નરો વા કુંજરો વા !”

(એટલે કે અશ્વત્થામા મરાયો- પછી તે માણસ કે હાથી કોણ જાણે !)

યુધિષ્ઠિરના “અશ્વત્થામા હણાયો. !”એટલા શબ્દો સાંભળ્યા ને તરત દ્રોણને આખે શરીરે કંપારી છૂટી. હથિયાર એમ ને એમ હાથમાં પકડી સૂઢમૂઢની માફક એ રથ પર બેસી રહ્યા.

ધર્માત્મા યુધિષ્ઠિર આખી જિંદગીમાં કદી અસત્ય બોલ્યા નહોતા. આજ આટલાં જૂઠાં વેણ ઉચ્ચાર્યાઅલા માટે એમને પણ સહન કરવું પડ્યું કહે છે કે એમનો રથ એમના સત્યવાદીપણાને લીધે જમીનથી ચાર આંગળા ઊંચો અધ્ધર અધ્ધર ચાલતો હતો. આ એક વારના અસત્ય ભાષણથી એમનો રથ બીજાઓની માફક જમીનથી અડોઅડ થઈ ગયો !

દ્રોણ હથિયાર છોડીને વિલાપ કરતા હતા તે તકનો લાભ લઈ પાંચાલ રાજપુત્ર ધૃષ્ટદ્યુમ્ને એમના ઉપર તાકીને તીર માર્યાંએ એમને ઘાયલ કર્યા ! ધ્ર્ષ્ટદ્યુમ્નના આ કામને સૌએ વખોડ્યુંપણ એણે કશાની દરકાર ન કરી. એણે દ્રોણપાસે ધસી જઈ એમનું માથું કાપી નાખ્યું !

પાંડવસેનામાં હરખનાં  વાજાં વાગ્યાં. કૌરવસેનામાં હાહાકાર ફેલાઈ ગયો. સૈન્ય પાછું હઠવા લાગ્યું.

બીજી બાજુ અશ્વત્થામા લડતો હતો તેને આ તરકટની ખબર પડી. પિતા દ્રોણ રણમાં રોળાયાની વાત સાંભળી એના હૈયામાં ઊંડો ચિરાડો પડ્યો. એણે કૌરવસેનાને નાસતી રોકી. ભારે ક્રોધમાં આવી એણે પાંડવોના સૈન્ય ઉપર નારાયણાસ્ત્ર નામના ભયંકર હથિયારનો પ્રયોગ કર્યો.

એ નારાયણાસ્ત્ર એવું ભયંકર હતું કે માણસો તો શું, પણ સાક્ષાત્ દેવો પણ એની સામે ઊભા રહી શકે એમ ન હતા. અશ્વત્થામાએ ધનુષ ઉપર બાણ ચડાવી એ છોડ્યું કે તરત આકાશમાંથી ભયંકર વરસાદ વરસવો શરૂ થયો. વજ્ર જેવાં ભયાનક કડાકાભડાકા થવા લાગ્યા. સૂર્ય છુપાઈ ગયો. ધરતી ધમધમી ઊઠી. સમુદ્રનાં પાણી હાથી જેવડાં ઊંચા ઊછળવા લાગ્યાં. ચારે બાજુ ઘોર અંધકાર છવાઈ ગયો. એ હથિયારમાંથી બીજાં જાતજાતનાં અનેક હથિયારો નીકળી પાંડવસેનાનો નિર્દયતાથી નાશ કરવા લાગ્યાં. આખું સૈન્ય ત્રાહિ-ત્રાહિ પોકારી ઊઠયું.

ભીમ, અર્જુન, યુધિષ્ઠિર, સૌ ગભરાઈ ઊઠ્યા. આ હથિયારની સામે કેમ થવું તેની કોઈને ખબર ન હતી.

ખબર હતી એક માત્ર શ્રીકૃષ્ણને તેમણે હુકમ છોડ્યો: “સૌ શાંત થઈ જાઓ. કોઈ એ હથિયારની સામે ન થશો. એને બધા પ્રણામ કરો. એ હથિયાર આપોઆપ શાંત થઈ જશે ! ”

સાચેસાચ, તેમ જ બન્યું.

પોતાનું આવું બળવાન હથિયાર શ્રીકૃષ્ણે નિષ્ફળ બનાવ્યું તેથી અશ્વત્થામાને ભારે દુ:ખ થયું. એણે પ્રાણની પણ પરવા કર્યા વગર ભયંકર લડાઈ શરૂ કરી. પાંડવસેનામાં વળી પાછો  જોતજોતામાં એણે ભારે ત્રાસ ફેલાવી દીધો.

આખરે એણે અગ્ન્યાસ્ત્ર નામનું બીજું ભયંકર બાણ છોડ્યું. પાંડવસેનામાં ચારે બાજુ આગઆગ થઈ રહી. બધા બળ્યા-બળ્યા થઈ રહ્યા. એનો ઉપાય કરે એ અરસામાં પાંડવોની એક અક્ષૌહિણી જેટલી વિશાળ સેના બળીને સાફ થઈ ગઈ. બ્રાહ્મણપુત્ર અશ્વત્થામાપાંડવસેનાની આ ભયંકર દુર્દશા જોઈ ખડખડાટ હસવા લાગ્યો.

અર્જુને બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કરી એ હથિયારને આખરે હઠાવ્યું.

અશ્વત્થામા બીજું ભયંકર હથિયાર પન ખાલી ગયેલું જોઈ નીચે મોંએ રણભૂમિમાંથી વિદાય થયો.

રાત પડવા આવી હતી એટલે લડાઈ પણ પૂરી થઈ.

દ્રોણ-પર્વનો મહાભારતનો કથાભાગ અહીં પૂરો થાય છે. સોળમા દિવસના યુદ્ધમાં દુર્યોધને સેનાપતિપદે કર્ણનો અભિષેક કર્યો. કર્ણની યુદ્ધકથાનો ભાગ મહાભારતમાં કર્ણ-પર્વને નામે ઓળખાય છે.

*******************************************

 

 

 

 

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

વાચકગણ
  • 303,818 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 285 other followers

તાજા લેખો
તારીખીયું
ફેબ્રુવારી 2016
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જાન્યુઆરી   માર્ચ »
1234567
891011121314
15161718192021
22232425262728
29  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: