ટૂંકી વાર્તાઓ//આશા વીરેન્દ્ર-2

ટૂંકી વાર્તાઓ//આશા વીરેન્દ્ર

ફાટેલા બૂટ

બીજા વિશ્વયુદ્ધ પછી દુનિયાના તમામ દેશો મંદી ની ઝપટમાં આવી ગયા હતા. એમાં પણ સ્વીડનના રહેવાસીઓની હાલત બહુ દયાજનક હતી. સ્વીડનના એક નાનકડા ગામમાં રહેતો એલિયા ખૂબ મહેનતુ અને પ્રામાણિક માણસ હતો. ગામના બાકી લોકો ચોરી, લૂંટ-ફાટ કે અનીતિથી થોડીઘણી કમાણી કરી લેતા પણ એલિયા અને એની પત્ની ગ્રેસી બંને માનતાં કે, હરામનો પૈસો હજમ ન થાય. મહેનત કરીને જે મળે એ ખાવું. રોજ સવાર પડે ને એલિયા કહેતો, ‘ગ્રેસી, જાઉં, કોર્ટ તરફ જઈને કંઈ અરજી લખવાનું કે બીજું નાનું-મોટું કામ મળતું હોય તો….’

ગ્રેસી એને વાસી પાઉં અને દૂધ ખાંડ વિનાની ચા આપતાં કહેતી, ‘હું પણ કોશિશ કરું છું. કોઈને ગાઉન સિવડાવવો હોય કે ગોદડી બનાવવી હોય તો મને સારું આવડે છે એમ આસપાસનાં ઘરોમાં કહેતી ફરું છું પણ હમણાં તો કામ મળવાની બહુ મુશ્કેલી છે.’

એવામાં એક દિવસ 200-250 કિ.મી. દૂર રહેતા એના કાકા થોમસે પોતાના પાડોશી પાસે લખાયેલો પત્ર 8-10 દિવસ પછી મળ્યો, જેમાં લખ્યું હતું કે, ‘કાકાની તબિયત જરાય સારી રહેતી નથી. તું જેમ બને તેમ જલદી આવી જા.’ પત્ર વાંચીને એલિયા અને ગ્રેસીની નજરો  એકબીજા સાથે મળી. એ નજરોમાં છૂપાયેલો જે ભાવ હતો એ બંને સમજતાં હતાં. વાત એમ હતી કે, થોમસ અંકલે લગ્ન નહોતાં કર્યાં.એમની પાસે પુષ્કળ મિલકત હતી અને એમણે એલિયાને પોતાનો એક માત્ર વારસદાર નીમ્યો હતો.

ગ્રેસીએ કહ્યું, ‘એલિયા, જેમ બને તેમ જલદી તું નીકળી તો જા પણ આટલે દૂર જવાનું ગાડીભાડું, વળી બે રાત ક્યાંક ધરમશાળામાં વીતાવવી પડશે એના પૈસા-આ બધું ક્યાંથી કાઢીશું?’

‘એની તું ફિકર ન કર, ઓચિંતો કંઈ તાકીદનો ખર્ચ આવી પડે તો કામ લાગે એમ કરીને મેં થોડા પૈસા જૂના જેકેટના ખીસામાં મૂકીને ખીસું સીવી લીધેલું જેથી એ પૈસાને હાથ લગાવી જ ન શકાય. એ પૈસા મને વાટખર્ચી માટે થઈ રહેશે.’

ગ્રેસી ખુશ થઈ ગઈ. ‘બસ, તો તો વાંધો નહીં . થોડી બચત તો મેં પણ કરી છે અને એ અનાજની કોઠીમાં છુપાવીને રાખી છે. એમાંથી તને રસ્તામાં ખાવા ચાલે એવી કંઈક વાનગી હું બનાવી આપીશ.’બોલતાં બોલતાં ગ્રેસીનું ધ્યાન એલિયાના ફાટેલા બૂટ તરફ ગયું ને એના અવાજમાં ઉદાસી આવી ગઈ.

‘બીજો બધો બંદોબસ્ત તો થઈ જશે  એલિયા પણ તારા આ ફાટેલા બૂટનું શું કરીશું? એ હવે સંધાવી શકાય એવા પણ રહ્યા નથી. ’   ‘ચિંતા શું કરવા કરે છે? ફાટેલા બૂટ સાથેની મારી આ છેલ્લી મુસાફરી છે. પછી તો નવાનક્કોર, ચમચમતા બૂટ લઈ શકીશું ને?’

બે ટ્રેન અને એક બસમાં મુસાફરી કરીને ત્રીજે દિવસે કાકાને ઘરે પહોંચી શકાય. પહેલી રાત્રે ટ્રેને એક અંધારિયા ગામમાં પહોંચાડ્યો. ત્યાં એણે સાવ સસ્તા ભાડાની ધર્મશાળા શોધી કાઢી. ફાટેલા બૂટનાં તળિયામાંથી કાંકરા ખૂંચતા હતા અને પગની પાનીમાંથી લોહી નીકળતું હતું. ખૂબ થાક્યો હતો એટલે એને થયું કે, ભોંય પર પાથરેલી શેતરંજી પર પડતાંની સાથે ઊંઘ આવી જશે. પણ એવું ન થયું.

સૂતાં સૂતાં એને બૂટનાં જ વિચાર આવવા લાગ્યા. આ બૂટ સાથે હજી બે દિવસ કેવી રીતે નીકળશે ? વળી આવા ચીંથરાં જેવા બૂટ પહેરીને કાકાને ઘરે જશે તો કેવું લાગશે? ધર્મશાળાની ઓરડીમાં એની સાથે બીજા મુસાફરો પણ સૂતા હતા. ચોકીદારે ઓરડાની બહાર પરસાળમાં લટકાવેલા ફાનસનું, અજવાળું અંદર આવતું હતું. એના પ્રકાશમાં એણે જોયું કે, એક મુસાફરે પોતાના બૂટ કાઢીને પગ નજીક મૂકી રાખેલાને ને એ અને એનો સાથીદાર બંને ઘસઘસાટ ઊંઘતા હતા.

પડખાં ફરી ફરીને થાક્યો ત્યારે એલિયા ધીમેથી ઊઠ્યો. જરાય અવાજ ન થાય એનું ધ્યાન રાખીને પેલા બૂટની જોડી ઉપાડી. એને લાગ્યું કે,પોતાના બૂટ કરતાં આ બૂટની હાલત ઘણી સારી હતી. ઝડપથી બૂટ એણે પોતાના થેલામાં મૂકી દીધા અને સડસડાટ ધર્મશાળાના દરવાજામાંથી બહાર નીકળી ગયો.

રેલવે સ્ટેશનતરફ જતા રસ્તા પર જઈ એણે પેલા બૂટ પહેરીને પોતાના બૂટ હાથમાં પકડી લીધા. એને થયું કે હવે તો એકદમ ઝડપથી ચાલી શકાશે પણ શી ખબર કેમ , પગમાં જાણે મણમણનું વજન આવી ગયું હોય એમ પગ ઊપડતા જ નહોતા ! એનું મન એને કહેતું હતું , ‘પેલો પ્રામાણિક એલિયા એ તું જ કે? તો પછી આજનો આ બૂટચોર એલિયા કોણ છે? તું  આવું કેવી રીતે કરી શકે?’

માંડમાંડ અડધો રસ્તો કપાયો પણ હવે એનાથી કે ડગલું ય આગળ વધી નહોતું શકાતું. એને થયું, કોઈને મારી ચોરીની ખબર પડે કે નહીં પણ મારું અંતર મને જિંદગીભર  માફ નહીં કરે. એ પાછો ફર્યો. પેલા માણસના પગ પાસે જેમ હતા તેમ બૂટ મૂક્યા ત્યારે એ હળવો ફૂલ બની ગયો. ફરીથી એણે પોતાના ફાટેલા બૂટ પહેરી લીધા.

ત્રીજા દિવસની સાંજે થાકીને લોથ થયેલો એ અંકલ થોમસના ઘરે પહોંચ્યો. કાકા દેખાયા નહીં. બે-ત્રણ પાડોશીઓ બેઠા હતા. એલિયાએ પોતાની ઓળખાણ આપી ત્યારે પેલા પત્ર લખનાર પાડોશીએ ગુસ્સે થઈને કહ્યું, ‘ક્યાં સુધી કાકા રાહ જુએ તારી? દસ દિવસ થયા તને પત્ર લખ્યાને. એ પછી તાર પણ કર્યો  હતો. કાકાનો જીવ તો તારામાં જ હતો. ‘એટલે? કાકા.’

‘હા, આજે સવારે જ એમનું અવસાન થયું. તું ન આવ્યો એટલે બહુ રોષે ભરાયેલા હતા.એમણે છેલ્લે છેલ્લે પોતાનું વીલ બદલી નાખ્યું અને કહ્યું કે, એલિયાને જો મરતા કાકાને મળવાની કંઈ પડી ન હોય તો મારી તમામ મિલકત અનાથ બાળકો માટે આપી દઉં.’

એલિયાએ પાછા ફરીને ગ્રેસીને બધી વાત કહી સંભળાવી. કંઈક ઊંડો વિચાર કરીને એ બોલી, ‘ચાલો, જે થયું તે બહુ સારું થયું . જે સંપત્તિ મળ્યા પહેલાં જ માણસ પોતાની ઈમાનદારી ખોઈ દે એને એ ન મળે તે જ સારું.’ એલિયાએ કહ્યું, ‘તારી વાત સાવ સાચી છે ગ્રેસી ! ને જૂતા ભલે ફાટ્યા હોય ,આપણું નસીબ થોડું જ ફાટ્યું છે ?’બંને હસી પડ્યાં

–આશા વીરેન્દ્ર

(ગ્રેજિયો ડેલૅડાની સ્વીડીશ વાર્તાને આધારે)

[ભૂમિપુત્ર:01/09/2015]

**********************************************************

સેકંડની કિંમત

પ્રોફેસર શેખર સહાનીનો વિષય ભલે રસાયણશાસ્ત્ર હોય પણ એમને મનોવિજ્ઞાનમાં પણ ખૂબ રસ. માનવમનનો અભ્યાસ કરવો, એની આંટીઘૂંટી ઊકેલવાની મથામણ કરવી અને કેવા સંજોગોમાં માણસ કેવી રીતે વર્તે છે એ સમજવું એમને ખૂબ ગમતું.  એટલે જ તો એમને નાટકો જોવાનો શોખ હતો. જો કે, એમનાં પત્નીને નાટક-ચેટક મુદ્દલ ગમતાં નહીં. આટલા પૈસા ખર્ચીને નાટક જોવા જવું એના કરતાં ઘરે શાંતિથી ટી.વી.ની સીરિયલો જોવાનું એ વધુ પસંદ કરતાં. જ્યારે પતિ પત્નીની આ બાબતમાં ચર્ચા ચાલે ત્યારે આવા સંવાદો થતાં —

‘તને કોઈ દિવસ એવો વિચાર ન આવે કે, મારો પતિ એકલો નાટક જોવા જાય છે  તો ચાલ, ક્યારેક એને કંપની આપું?’

‘ના, કદી એવો વિચાર આવ્યો નથી ને આવવાનો પણ નથી. તમને જે ગમતું હોય તે તમે કરો ને મને ગમતું હું કરું.’

બસ, આમ જ વાતનું પૂર્ણવિરામ આવતું અને અંતે પ્રોફેસર સાહેબ એકલા જ નાટક જોવા ઊપડતા. હા, ક્યારેક કોઈ મિત્રનો સથવારો મળી જાય તો સારું, નહીંતર હવે નાટક જોવા ‘એકલો જાનેરે…’એવું એમણે પોતાના મનને સમજાવી લીધું હતું. આજે પણ નાટક પૂરું થયું ને હજી પ્રેક્ષકો ધીમે ધીમે બહાર નીકળતા હતા ત્યાં ઉતાવળે નીકળીને પાર્કિંગમાં મૂકેલી પોતાની ગાડીમાં ગોઠવાયા.પાર્કિંગની જગ્યામાં ખૂબ અંધારું હતું. ટમટમિયા જેવા બે બલ્બ કહેવા પૂરતું અજવાળું પાથરી રહ્યા હતા. રાત્રે દસેક વાગ્યાનો સમય થઈ ગયો હતો. હજી તો એ ગાડી ચાલુ કરવા જાય ત્યાં તો બીજી તરફની બારીના કાચ પર ટકટક કરીને ટકોરા પડ્યા.

એમણે જોયું તો વધેલી દાઢીવાળો, કંઈક મુફલિસ જેવો જણાતો માણસ એ કાચ ખોલવા ઈશારો કરી રહ્યો હતો.એમણે જરા કાચ ઉતારીને કંઈક ચીડભર્યા અવાજે પૂછ્યું, ‘શું છે?’

‘સાહેબ, તમે જો આ તરફ જતા હો તો મને ચાર રસ્તા પર ઉતારી દેશો?’તેણે ખૂબ નરમાશભર્યા સ્વરે પૂછ્યું.

અજાણ્યા માણસો ગાડીમાં લીફ્ટ લઈને ચાલકને લૂંટી લે એવી ઘટનાઓ છાશવારે જાણવામાં આવતી હતી એટલે એને ટાળવાના ઈરાદે પ્રોફેસરે કહ્યું,

‘જુઓને, જરાક તપાસ કરો તો ટેક્સી મળી જશે. મારે તો… મારે તો મરીન લાઈન્સ બાજું જવું છે.’

‘મારે પણ એ જ રસ્તે જવાનું છે સાહેબ, સાથે બેસાડો તો મોટી મહેરબાની . અત્યારે નજીકના અંતર માટેની ટેક્સી મળવી મુશ્કેલ છે.’પોતાની નારાજી બતાવતાં પ્રોફેસરે દરવાજો ખોલીને શુષ્કતાથી કહ્યું-‘બેસો.’

પેલો માણસ વાતોડિયો લાગ્યો. ગાડીમાં બેઠક લેતાંની સાથે એણે વાત ચાલુ કરી.

‘શું કરો છો? ક્યાં રહો છો? નાટક કેવું લાગ્યું’—આ બધા સવાલોના પ્રોફેસરે જેમ બને તેમ ટૂંકા જવાબો આપ્યા. પછી એકાએક તોછડાઈથી એમણે પેલાને પૂછ્યું,

‘અત્યારે કોઈની લીફ્ટ ન મળી હોત તો તમે શું કરત?’

‘ચાલી નાખત સાહેબ, બાકી ટેકસી તો ન જ કરત હં ! તમને ચોખ્ખું જ કહું. ટેકસી મારા ખિસાને પોસાય નહીં.’

‘ટેકસી ન પોસાતી હોય તો નાટકની મોંઘી ટિકિટ કેવી રીતે પરવડે છે? જાણે એની મજાક ઉડાવતા હોય એમ એમણે પૂછ્યું.

‘હું નાટકની ટિકિટ કોઈ દિવસ હું ખરીદતો નથી. અમારી ઑફિસના ઘોષબાબુ નાટકના ગ્રુપમાં આજીવન સભ્ય છે. એમને જ્યારે ન આવવું હોય ત્યારે મને પાસ આપી દે.’પછી જરા અચકાઈને કહ્યું, ‘સાહેબ, ખરું કહું તો નાટક મારો શોખ પણ છે અને મજબૂરી પણ.’

પ્રો. શેખરને હસવું આવ્યું. ‘નાટક મજબૂરી કેવી રીતે હોઈ શકે? કોઈ ધક્કો મારીને તમને નાટક જોવા મોકલે છે ?’

‘એમ જ સમજો સાહેબ. છેલ્લા એક વર્ષથી બ્રેઈન ટ્યૂમરની ગંભીર બીમારીમાં સપડાયેલ મારી પત્ની પરાણે મને પરાણે ધકેલે છે. અમારે બાળકો નથી. એને એકલી મૂકીને પહેલાં તો હું ક્યાંય ન જતો પણ હવે એ કહે છે કે, મારી પાસે બેસી રહેવાથી કંઈ નથી વળવાનું. મારે કારણે તમારી જિંદગીને વહેતી શા માટે અટકાવો છો? જે ઘડીએ જે બનવાનું છે એ બનવાનું જ છે.’

પ્રોફેસર સહાની સ્તબ્ધ થઈ ગયા. આવું તો એમણે વિચાર્યું જ નહોતું. એમણે કહ્યું, ‘તમારા પત્ની ઘણાં સમજુ અને હિંમતવાળાં કહેવાય.’

‘હા, એનો સ્વભાવ પહેલેથી એવો જ છે. પોતાનું દુ:ખ  કોઈને જણાવવા ન દે. મને પણ નહીં.પણ આવી રીતે નીકળ્યો હોઉં ત્યારે મારું મન મને ડંખ્યા જ કરે છે.’

‘સ્વાભાવિક છે પોતાનું માણસ માંદગીને બિછાને પડ્યું હોય  અને આપણે મોજ-મજા કરીએ એ આપણને ખટકે જ.’

‘એને રાજી રાખવા ખાતર હું નાટક-સિનેમા જોઉં તો ખરો પણ મારો જીવ તો પડિકે બંધાયેલો હોય, કોઈ મને પૂછે કે, નાટકની વાર્તા શું હતી તો હું કંઈ જવાબ ન આપી શકું. બસ સાહેબ, અહીં ડાબી બાજુ મને ઉતારી દેજો. મારું ઘર સામેની ગલીમાં જ છે.’

શેખરે ગાડી ઊભી રાખી એટલે પેલાએ લાગણીપૂર્વક એના સ્ટીયરીંગ પર રાખેલા હાથ પર હાથ મૂકીને કહ્યું,

‘ખૂબ ખૂબ આભાર સાહેબ. લીફ્ટ આપીને તમે મારી પંદર મિનિટ બચાવી. ચલતો આવત તો બીજી પંદર-વીસ મિનિટ થઈ જાત અને એટલામાં તો શું નું શું થઈ જાય. નહીં સાહેબ?’એનો અવાજ ભીનો થઈ ગયો.

જ્યાં સુધી એ દેખાયો ત્યાં સુધી પ્રોફેસર એને જોઈ રહ્યા અને મનોમન બોલ્યા, ‘જિંદગીમાં આજે પહેલી વાર ગણતરી કરવી પડશે કે પંદર મિનિટની સેકંડ કેટલી?’

રસાયણશાસ્ત્રનાં અટપટાં સૂત્રો કરતાં આ ગણતરી એમને વધુ અટપટી લાગી.

–આશા વીરેન્દ્ર

(મનોજ તિવારીની હિંદી વાર્તાને આધારે)

[ભૂમિપુત્ર:16/09/2015]

એક નાનકડી ભૂલ

લંડનમાં ઊછરીને મોટી થયેલી શ્વેતા અબજોપતિ પિતા મિ. મિત્તલનું એકનું એક સંતાન. આમ તો એ અને એમનાં પત્ની દીકરીને ભારતમાં કોઈ સંજોગોમાં ન પરણાવે પણ સામે કાર્તિક પણ એવા જ તવંગર કુટુંબનો હોનહાર પુત્ર હતો. અમેરિકાની પ્રતિષ્ઠિત કંપનીમાં કામ ક્લર્યા પછી કંપનીએ એને બધી સુખસગવડો  સાથે એને ડોલરમાં પગાર આપવાની શરતે દિલ્હીમાં આવેલી કંપનીની શાખામાં મેનેજર પદે મૂક્યો હતો. બંને પક્ષે માતા-પિતા વિદેશમાં અને શ્વેતા તથા કાર્તિક દિલ્હીમાં . શરૂ શરૂમાં શ્વેતાના મનમાં ગભરાટ હતો.

‘કાર્તિક, તું તો આખો દિવસ તારા કામમાં રોકાયેલો હશે. આ તદ્દન અજાણ્યા શહેરમાં હું એકલી શું કરીશ?’ ‘ડાર્લિંગ, જરાય ચિંતા ન કરીશ. તારી પાસે ગાડી, ડ્રાઈવર હાજર જ રહેશે. મૉલમાં જઈને શૉપિંગ કરજે. મલ્ટીપ્લેક્સમાં મનગમતી ફિલ્મો જોજે, ફેસબુક પર મિત્રો બનાવજે અને ફાઈવસ્ટાર હૉટેલમાં લંચ લેજે. રાત્રે દસેક વાગ્યા સુધીમાં હું આવી જઈશ. પછી તો આપણે સાથે જ હશું ને?’કાર્તિકએના ગાલ પર ટપલી મારતાં કહ્યું.

શ્વેતાને ડર હતો એટલું આ શહેર એને અજાણ્યું ન લાગ્યું. ધનાઢ્ય લોકોની વસ્તીવાળા વિસ્તારો અમેરિકાની યાદ અપાવે એવા ને એટલા જ વિકસી ગયા હતા. સવારે કાર્તિકના ગયા પછી એણે ડ્રાઈવરને પૂછ્યું, આપણે ‘સીટીલાઈટ’ મૉલજવું છે. ગાડી તૈયાર છે?

‘જી મેડમ, આપ આવો એટલે નીકળીએ.’ડ્રાઈવરે વિવેકપૂર્વક જવાબ આપ્યો. શ્વેતાએ તૈયાર થઈને એક નજર અરીસા તરફ નાખી. ગયે અઠવાડિયે જ ખરીદેલા ડાયમન્ડના ઈઅરીંગ્સ એના ચહેરા પર ખૂબ શોભતાં હતાં, અને કાર્તિકે એના જન્મદિવસે ભેટ આપેલા સ્કર્ટ અને ટૉપ તો કેટલાં સુંદર લાગતાં હતાં ! પોતાનુ ગોલ્ડન બ્રાઉન પર્સ ખભે ભરાવી, બારણું ખેંચી એ બહાર નીકળી. ગાડીમાં બેસતાંની સાથે એને યાદ આવ્યું –‘વરસાદના દિવસો છે. ગમે ત્યારે જોરદાર વરસાદ આવી જાય છે. છત્રી લેવાની તો રહી જ ગઈ.’ વળી ઘર ખોલી, છત્રી લઈને એણે ધડામ દઈને બારણું બંધ કર્યું.

મૉલમાં જઈને બે-અઢી કલાક સુધી ફરીફરીને એણે ઢગલાબંધ વસ્તુઓની ખરીદી કરી. જાતજાતનાં સૌંદર્ય પ્રસાધનો, ચાર-પાંચ જોડી બૂટ, ચંપલ અને સેન્ડલ, તદ્દન નવી ફેશનની પર્સ, કપડાં-મનગમતી ચીજો મળી જવાથી એ ખુશ હતી. બધી વસ્તુઓ કાઉન્ટર પર આવ્યા પછી એણે બીલ બનાવવા કહ્યું.

‘ચાલીસ હજાર મૅમ, કેશ કે ક્રેડિટ કાર્ડ ?’કાઉન્ટર પરનાં યુવાને પૂછ્યું . ‘ક્રેડિટ કાર્ડ. ’ સ્મિત કરતાં શ્વેતાએ કહ્યું અને પર્સ લેવા ખભે હાથ લગાવ્યો  ત્યાં એ ચમકી ઊઠી. ખભે પર્સ હતુ6 જ નહીં . એ યાદ કરવા મથી રહી, ક્યાં ગયું પર્સ? એકાએક એને યાદ આવ્યું . છત્રી લેવા જ્યારે એ દરવાજો ખોલીને ઘરમાં ગઈ ત્યારે પર્સ ઘરમાં જ ભૂલી ગઈ હતી. ઘરની ચાવી પણ એણે પલંગપર ફગાવી હતી એ પણ લેવાની રહી ગઈ હતી. હવે? ક્રેડિટ કાર્ડ , રોકડા પૈસા, મોબાઈલ, ઘરની ચાવી—બધું જ ઘરમાં અને એ ઘરની બહાર !

‘સૉરી, મારું ક્રેડિટ કાર્ડ ઘરે ભુલાઈ ગયું છે. હું કાલે આવીને આ બધો સામાન લઈ જઈશ.’      એણે વીલે મોઢે કહ્યું.

કાર્તિકની ઑફિસ તો અહીંથી 25-30 કિ.મી. દૂર. રાત્રે દસ સિવાય એ આવશે નહીં . અત્યારે વગ્યો છે બપોરનો એક. શું કરવું ને ક્યાં જવું? નહીં કોઈ સગાસંબંધી કે નહીં કોઈ મિત્રો. અને મૉલમાંથી ખાલી હાથે પાછી આવેલી જોઈને ડ્રાઈવર રાજનને નવાઈ લાગી પણ મૅડમને પુછાય તો નહીં ! એણે ગાડી ચાલુ કરીને પૂછ્યું, ‘મૅડમ કઈ તરફ લઉં?’

આજે જિંદગીમાં પહેલી વાર શ્વેતાએ પૈસા વગર ઘરની બહાર પગ મૂક્યો હતો. કંઈ સમજાતું નહોતું કે આવી પરિસ્થિતિમાં રાત્રે દસ વાગ્યા સુધી એ શું કરશે? ‘કોઈ પબ્લીક ગાર્ડન તારી જાણમાં હોય તો ત્યાં લઈ લે.’પછી અત્યંત સંકોચથી એણે કહ્યું, ‘રાજન , તારી પાસે કેટલા પૈસા છે? મને આપને ! તને ઘરે જઈને આપી દઈશ.’

રાજને લંબાવેલ હાથમાંથી વીસ રૂપિયા લેતાં એને યાદ આવ્યું કે બે દિવસ પહેલાં ડ્રાઈવરે પિઓતાની માંદી માની દવા લાવવા પાંચસો રૂ. એડવાન્સ માંગેલા ત્યારે પોતે ઘસીને ના પાડેલી. એને મનોમન શરમ આવી. ગાર્ડનમાં દાખલ થઈને ઝાડની છાયામાં મૂકેલા બાકડા પર એ બેસી પડી. માનસિક થાક અને ભૂખથી એ અકળાઈ ગઈ હતી. અચાનક એનું ધ્યાન ગયું તો નીચે ઘાસમાં બેસીને બે-ત્રણ મેલાઘેલા છોકરાઓ કાગળની પ્લૅટમાંથી કશુંક ખાઈ રહ્યા હતા. એણે પૂછ્યું, ‘ શું ખાવ છો?’

‘શાક અને પૂરી’એક છોકરાએ આંગળાં ચાટતાં કહ્યું. ‘એક શેઠિયાએ અપાયવા.’ ‘ક્યાં મળે?

બીજા છોકરાએ ગાર્ડનની બહાર ઊભેલી લારી તરફ હાથ લંબાવ્યો. સવારના ફક્ત એક ગ્લાસ જ્યૂસ પીને એ ઘરેથી નીકળી હતી. હવે તો પેટ જાણે પાતાળમાં પહોંચી ગયું હતું. લારી પાસે જઈ એ શાક-પૂરીની દસ-દસ રૂ.ની બે પ્લૅટ લઈ આવીને એક રાજનને આપી ત્યારે રાજનને એટલી નવાઈ લાગી કે એ મોઢું ફાડીને જોઈ રહ્યો . ખાવાનું ક્યાં પાણીથી, કેવાં વાસણમાં, કોણે બનાવ્યું હશે એની જરાય ચિંતા કર્યા વિના એ ટેસથી ખાવા લાગી. ખાઈ તો લીધું , પણ પાણી ક્યાં? છોકરાઓ નળ નીચે ખોબો ધરીને પાણી પીતા હતા. એણે પણ કોશિશ કરી. ઘણું પાણી ઢોળાયું ને થોડું પીવાયું પણ એને મજા પડી.

કાર્તિક રાત્રે ઘરે આવ્યો  ત્યારે શ્વેતા વૉચમેનની પ્લાસ્ટિકની ખુરશી પર બેઠી હતી. ઘર ખોલીને શ્વેતાની પહેલી નજર પર્સ પર પડી ત્યારે એને લાગ્યું કે , પર્સ જાણે એની સામે હસીને કહી રહી હતી, ‘કેમ , આજે મેં તને જિંદગીના કેવા પાઠ ભણાવ્યા?’ એણે કાર્તિકને કહ્યું પણ ખરું, ‘એક નાની એવી ભૂલે મને કેટલું બધું શીખવાડ્યું ?

બીજે દિવસે આખી બપોર એણે પોતાના કબાટમાંથી અત્યાર સુધી અકબંધ પડેલી સાડીઓ, પરફ્યૂમ, બૂટ-ચંપલ બધું કાઢ્યું અને મનમાં બોલી, ‘મારી પાસે આટઆટલું તો છે, નવું લેવાની શી જરૂર? ’ પછી રાજનને બોલાવી એને એક હજાર વીસ રૂપિયા આપીને કહ્યું, ‘આ વીસ ગઈ કાલે લીધા હતા તે અને હજાર તારી માની દવા અને ફ્રૂટ માટે. પણ હા, તું ફરીથી મને પેલા પાર્કમાં લઈ જજે હં ! પેલા છોકરાઓને આઈસ્ક્રીમ ખ્વડાવવાનો છે.’

–આશા વીરેન્દ્ર

(મધુચંદા દત્તાની અંગ્રેજી વાર્તાને આધારે)

[ભૂમિપુત્ર: 01/05/2015]

*********************************************

 

 

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,814 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
ફેબ્રુવારી 2016
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
29  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: