(બાળકોનું મહાભારત/ભાગ પહેલો/રમણલાલ નાનાલા શાના અંશો)

(7) આચાર્ય દ્રોણ

(બાળકોનું મહાભારત/ભાગ પહેલો/રમણલાલ નાનાલાલ)

(પાના: 34 થી 40)

એ ગુરુઇ દ્રોણ કોણ? દ્રોણની વાત અહીં કહી લઈએ. પછી આપણી કથામાં આગળ વધીશું.

વનવગડામાં વસનાર મહાત્મા ભારદ્વાજ નામના એક પ્રતાપી ઋષિરાજને ધૃતાચી નામની સ્ત્રીથી એક પુત્ર થયો. તે પુત્ર તે દ્રોણ.

ભારદ્વાજ મુનિએ બાળક દ્રોણને શાસ્ત્રો, પુરાણો, શ્રુતિ, સ્મૃતિ, વેદ ઉપનિષદ્, વ્યાકરણ, અસ્ત્રશસ્ત્રની વિદ્યા વગેરેનું સંપૂર્ણ શિક્ષણ આપ્યું. દ્રોણ મૂળથી જ બુદ્ધિશાળી હતા. પિતાની મહેનત પૂરેપૂરી ઊગી નીકળી. દ્રોણ સમર્થ વિદ્વાન નીવડ્યા.

એ કાળમાં વિદ્યા ભણવા ફી આપી પાઠાશાળામાં દાખલ થવા પાઠશાળાના ઉમરા ઘસવા પડતા નહોતા. ખિસ્સામાં મહિને દહાડે ખોબેખોબાનો પગાર સેરવનાર આચાર્યો વિદ્યાર્થીઓથી અક્કડ રહી શિક્ષણ નહોતા આપતા. ભણવું હોય તે ઋષિમુનિઓના આશ્રમમાં જતા, અથવા ખાસ સ્થપાયેલી પાઠશાળાઓમાં જતા.

ભારદ્વાજ ઋષિને એક રાજા મિત્ર હતા. એ રાજાનો દ્રુપદ નામનો કુમાર ઋષિના આશ્રમમાં રહી એમની પાસે વિદ્યા શીખતો હતો. દ્રુપદ અને દ્રોણ વચ્ચે ભારે ભાઈબંધી હતી.

વખત જતાં ઋષિ ભારદ્વાજનું મૃત્યુ થયું. રાજકુમાર દ્રુપદના બાપ અવસાન પામ્યા એટલે એ પણ ઉત્તર પાંચાલ દેશનું રાજ્ય સંભાળવા ચાલ્યો ગયો.

દ્રોણ ધનુર્વિદ્યાની બાકીની તાલીમ મહર્ષિ અગ્નિવેહ્સ્ની પાસે લીધી. ત્યાં એમને પાંચાલ રાજ્યના બીજા એક કુમાર યજ્ઞસેન સાથે પણ મિત્રતા બંધાઈ.

વખત વીતતાં દ્રોણ મોટા થયા. કૃપાચાર્ય નામના એક પ્રતિષ્ટિત બ્રાહ્મણની બહેન કૃપી સાથે લગ્ન કરી એમણે ગૃહસ્થાશ્રમની જિંદગીમાં પ્રવેશ કર્યો.

દ્રોણ ભોળા અને ભલા હતા. એમને પોતાની વિદ્યામાં જ વખત ગાળવો ગમતો હતો. ઘર લઈને બેઠા, પણ ગુજરાનના સાધનોના અભાવે એમને ત્રાસ પડવા માંડ્યો.

દરિદ્રોને ત્યાં દીકરાની ખોટ હોતી નથી. દ્રોણને ત્યાં પુત્ર આવ્યો. એનું નામ અશ્વત્થામા પાડ્યું. કુટુંબનું ગુજરાન કરવાનું કામ કૃપીને વસમું લાગતું. તે જેમતેમ કરી દુ:ખે દહાડા કાઢતી. આર્ય-સ્ત્રીઓના સ્વભાવ મુજબ કૃપી બહુ સહનશીલ હતી. તે બધી આપદા સહી લેતી.

પણ એક દિવસ અણગમતો પ્રસંગ બની ગયો. અશ્વત્થામા શેરીના છોકરાઓ સાથે ખેલતો હતો, થોડાક છોકરાઓ દૂધ પીતા હતા. અશ્વત્થામાએ પૂછ્યું: “આ શું છે?”

છોકરાઓ મશ્કરી કરીને બોલ્યા: “ દરિદ્રીના દીકરા ! તને એની શી પરીક્ષા? એને દૂધ કહે છે. તારા જેવા ભિખારડાને દૂધની વાત કેવી? ”

અશ્વત્થામાને માઠું લાગ્યું, એ ઘેર ગયો . માની પાસે જઈ દૂધ આપવાની હઠ લઈને બેઠો.

કૃપી પાસે દૂધ ક્યાં હતું કે લાવે? બે ટંક ખાવાનું પણ માંડ પૂરું થતું ત્યાં દૂધની સાહેબી શી રીતે પાલવે? એ જ મુજબ, એકના એક પુત્રને ચાંગળા દૂધ માટે ટળવળતું પણ વહાલસોયી માતા શી રીતે જોઈ શકે?

કૃપીએ થોડોક લોટ પાણીમાં ભેળવી અશ્વત્થામાને પાયો. કહ્યું: “બેટા, પી જા. દૂધ આવું હોય !”

અશ્વત્થામા લોટનું પાણી પી રમવા ગયો ને બોલ્યો: “જુઓ હું પણ દૂધ પી આવ્યો.”

પણ એની વાત માને કોણ? એક ચકોર છોકરાએ ખરી વાત કહી નાખી:  “મૂરખા, તારી બાએ તને દૂધને બદલે લોટનું પાણી પાયું. દૂધ તારે ત્યાં છે જ ક્યાં કે આપે? દૂઝણું હોય તો દૂધ હોય ને?”

અશ્વત્થામા ઘેર ગયો. માની આગળ જોરથી રડવા લાગ્યો. દૂધની હઠ કેમે કર્યો છોડે નહિ. માનું હૈયું પુત્રના રુદનથી ચિરાઈ જતું. એની આંખમાંથી આંસુની રેલી ચાલી.

દ્રોણ બહારથી આવી પહોંચ્યા. માદીકરો બંનેને રડતાં જોઈ દિલગીર બની ગયા. ખરી વાત જાણી ત્યારે એમના સંતાપનો પાર ન રહ્યો.

દ્રોણ વિચાર કરવા લાગ્યા: “ખરેખર, જગતમાં ગરીબાઈ એ જ બધા દુ:ખ અને સંતાપનું મૂળ છે. બ્રાહ્મણ છું એ વાત ખરી, પણ ગૃહસ્થાશ્રમ માંડ્યો, તો પછી જરૂર જોગું ધન એકઠું કરવું જ જોઈએ.”

દ્રોણને એમ ખ્યાલ હતો કે મારે શી ખોટ છે? પાંચાલ રાજ્યનો રાજા દ્રુપદ તો મારો ભાઈબંધ છે. જઈને ઊભો રહીશ એટલે જન્મારાનું દુ:ખ ટળી જશે.

દ્રોણ ગયા દ્રુપદ પાસે. રાજમહેલના એક પછી એક દરવાજા વટાવી દ્રુપદને મળતાં અગાઉ તો થાકીને લોથ થઈ ગયા. આ કાંઈ ગુરુનું ઘર ઓછું હતું કે દ્રુપદને સહેલાઈથી મળી શકાય !

આખરે દ્રોણ દ્રુપદની પાસે પહોંચ્યા.

એમને લાગ્યું કે મને જોઈ ને જ દ્રુપદ આવીને ભેટી પડશે. પણ અહીં તો જુદો બનાવ બન્યો. દ્રુપદે એમની સામું ઝાંખીને જોયું પણ નહિ.

દ્રોણને નવાઈ લાગી. એ પોતે જ બોલી ઊઠ્યા:

“પ્રિય દ્રુપદ, મને નથી ઓળખતો? આજે આપણે ઘણા દિવસે મળ્યા.”

દ્રુપદ ટાઢાશથી બોલ્યો: “મહારાજ, આ રાજદરબાર છે. સભ્ય બનો. દરબારી ભાષામાં દરબારી રીતે બોલતાં શીખો. કહો, તમારે શું કામ છે?”

દ્રોણની અજાયબી વધતી જ ચાલી. એ અજબ થઈને બોલ્યા: “દ્રુપદ, બાલસ્નેહીની તું મશ્કરી કરતો લાગે છે ! આપણે સાથે ભણ્યાગણ્યા ને સાથે રહ્યા, એ સુખી દિવસોની શું તને યાદ નથી?”

પહેલાં જેવા જ કઠોર અવાજે દ્રુપદ બોલ્ય: “દ્રોણ, તમે તદ્દન ઓલિયા છો. રાજાઓ કારણ સિવાય કોઈની સાથે ભાઈબંધી રાખતા જ નથી. એ કાળે વિદ્યા શીખવાની મારે ગરજ હશે ને ત્યાં રહ્યો.હોઈશ, તે વેળા તમારી સાથે હસ્યોબોલ્યો હોઈશ. તેનું આજે શું છે? રાજાને તો અનેક જણ સાથે ઓળખાણ કાઢી એને ત્યાં અડિંગા નાખે તો રાજાને એ કેમ પાલવે? આવ્યા છો તો ભલે, જાઓ અતિથિશાળામાં. ત્યાં ભોજન વગેરે વ્યવસ્થા થશે. કામ પરવારી ચાલ્યા જજો.”

દ્રોણની આંખ ઊઘડી ગઈ. દ્રુપદની ચાલબાજી અને સ્વાર્થી રીતભાતથી એમને અંગેઅંગ ઝાળ વ્યાપી. ક્રોધથી ગુસ્સ્સે બનીને એ બોલ્યા: “દ્રુપદ, તારું કહેવું સત્ય છે. તું મને ક્યાંથી ઓળખે? માણસને કુદરતી અંધાપો આવે તો તેનો ઈલાજ થઈ શકે છે. તારા જેવા સ્વાર્થી પૂતળાને સત્તાનો અંધાપો આવ્યો છે.એ ઓસરી જાય એવા ઉપાયો હું અજમાવું નહિ, ત્યાં લગી તું મને નહિ ઓળખે. સત્તાનાં તોરમાં ઘમંડી બનેલા મિથ્યાભિમાની રાજન્ !

યાદ રાખજે કે સત્તાનો નશો ચાર દિવસના ચાંદરણા સમાન છે. એક દિવસ જરૂત તારા અત્યારના હલકા વર્તનનો તને પસ્તાવો થવાનો છે. ”

દ્રુપદ રાજાની નગરીના પાણીનો ઘૂંટડો પણ ભર્યા સિવાય દ્રોણ ત્યાંથી ચાલી નીકળ્યા. પોતાની ભયાનક ગરીબાઈ, અને તેની સાથે દ્રુપદ રાજાની હલકાઈથી એમનું હૈયું આજ શેકાતું હતું.

એમની જિંદગીમાં માત્ર બે જ હેતુ રહ્યા. ગમે તે રીતે ધન મેળવી ગરીબાઈ ટાળવી, અને ગમે તે પ્રકારે અભિમાની દ્રુપદની સત્તા તોડવી.

આ હેતુ સાધવા દ્રોણ ફરતા ફરતા આજે કુરુદેશમાં આવી પહોંચ્યા હતા. પાંડવો અને કૌરવોને એમણે પોતાની શક્તિનો પરચો બતાવ્યો હતો. ભીષ્મ જેવો ભડવીર ક્ષત્રિય મારી મદદ બરાબર કરી શકશે એમ દ્રોણને ખાતરી હતી.

એમની માન્યતા સાચી પડી. ભીષ્મે એમની ધામધૂમથી આદર સત્કાર કર્યો. દ્રોણને રાજ્યના વડા આચાર્યની પદવી આપી.કુમારોને અસ્ત્રવિદ્યાનું શિક્ષણ આપવાનું કામ દ્રોણને સોંપ્યું.

દ્રોણની એક ઈચ્છા પાર પડી. એમની દરિદ્રતાનો નાશ થયો. પણ હજુ દ્રુપદનું અભિમાન ઓગાળવાની આશા અધૂરી રહી હતી.

**********************************

 

(8) એકલવ્યની ગુરુદક્ષિણા

(બાળકોનું મહાભારત/ભાગ પહેલો/રમણલાલ નાનાલાલ)

(પાના: 41 થી 45)

સર્વ રાજકુમારો દ્રોણની પાસે વિદ્યા શીખવા લાગ્યા. બધામાં અર્જુન બહુ બુદ્ધિશાળીઅને તેજસ્વી હતો, એ ગુરુ દ્રોણે પહેલે  જ

સપાટે જોઈ લીધું. બુદ્ધિશાળી શિષ્યની ઉપર ગુરુને પુત્ર સમાન હેત હોય છે. સ્વાભાવિક રીતે જ દ્રોણને અર્જુન ઉપર અશ્વત્થામા જેવું વહાલ  ઊપજવા લાગ્યું.

અર્જુન ગુરુની  પૂરા પ્રેમથી સેવા ઉઠાવતો, એમનો પડ્યો બોલ ઊંચકી લેતો. ગુરુ જે હુકમ કરે તેનો પૂરેપૂરો અમલ કરતો. એ જે શીખવે તે ધ્યાન દઈ ઝટપટ શીખી જતો.

એક વાર અર્જુન રાતની વેળા રસોઈ-ઘરમાં ભોજન જમતો હતો. અચાનક પવનનો સપાટો લાગ્યો ને દીવો બુઝાઈ ગયો. અર્જુને એની જરા પણ પરવા ન કરી. એનો હાથ અંધારામાં પણ બરાબર મોં તરફ જ જતો હતો. અર્જુનને આ બનાવથી ખાતરી થઈ કે મહાવરો પડે તો રાતના અંધારામાં પણ નિશાન તાકી શકાય ને ધનુષબાણ વાપરી શકાય.

એ બહાર નીકળ્યો ને ધનુષનો ટંકાર કર્યો.

રાતના પહોરે ધનુષનો અવાજ સાંભળી દ્રોણ બહાર દોડી આવ્યા. પૂછ્યું, “અર્જુન, અંધારે શું કરે છે?”

અર્જુને અંધારામાં નિશાન તાકતાં શીખવાની વાત કહી.

દ્રોણ બહુ રાજી થયા અર્જુનને હૈયાસરસો ચાંપી પ્રસન્ન ચિત્તે બોલ્યા: “બેટા તને હું ધનુર્વિદ્યા એવી ઉત્તમ રીતે શીખવીશ કે જગતભરમાં તારા સરખા બાણાવળીનો જોટો ન જડે.”

દ્રોણે પોતાનું વચન પાળ્યું. અર્જુનને એમણે ધનુર્વિદ્યાના બધા ભેદ શીખવ્યા, તે ઉપરાંત રથ, ઘોડા, હાથી  વગેરે ઉપર સવાર બની યુદ્ધ કરવાની વિદ્યાનાં રહસ્યો સમજાવી દીધાં. ગદા, તલવાર, ને શક્તિ ફેરવવાની કળા સમજાવી. જાતજાતનાં હથિયારો વાપરવાની કળા,એકીસામટા અનેક યોદ્ધાઓ સાથે યુદ્ધ કરવાની કળા, તથા એકીવખતે ધનુષ ઉપરથી અનેક બાણો છોડવાની કળા, એ   સૌમાં ગુરુએ અર્જુનને પાવરધો કરી દીધો.

એક દિવસ હિરણ્યધનુના નામના નિષાદનો પુત્ર એકલવ્ય ગુરુ દ્રોણના હૈયામાં રહેલા બ્રાહ્મણપણાએ એમને વાર્યા. દ્રોણે એ હોંશીલા કુમાઅર્ને રાજકુમારો સાથે શિક્ષણ આપવાની ના પાડી. બિચારો એકલવ્ય પાછો ચાલ્યો ગયો.

પણ એનો સંકલ્પ અજબ હતો. એણે દ્રોણાચાર્યની એક માટીની મૂર્તિ બનાવી. એ મૂર્તિને સાચા દ્રોણાચાર્ય તરીકે કલ્પી પોતાની મેળે જ ધનુર્વિદ્યા શીખવા યત્ન કર્યો.

યત્નથી શું નથી થઈ શકતું? સતત મહેનત કરનારનું બધું કામ પાર પડે છે. કોઈની પણ સલાહ કે શિક્ષણ વગર ભીલકુમાર ધનુર્વિદ્યામાં જબરો હોશિયાર બની ગયો.

એક વાર દ્રોણની આજ્ઞા લઈ રાજકુમારો જંગલમાં શિકાર કરવા ગયા હતા. એક નિર્જન જગ્યાએ એક કાળા શાહી જેવા રંગનો ભીલ બાણ ચડાવી નિશાન તાકતો હતો. રાજકુમારોની સાથે શિકારી કૂતરાઓની એક ટોળી પણ હતી.

એ ટોળીમાંનો એક કૂતરો ભીલની પાસે વાઉ-વાઉ કરીને ભસવા લાગ્યો.

એકલવ્યને રીસ ચડી. એણે ધનુષ ઉપર બાણ ચડાવી એક પછી એક સાત બાણ કૂતરાના મોંમાં એવાં માર્યાં કે કૂતરાનું મોં જાણે બાણનો ભાથો બની ગયું. કૂતરાથી ન બોલાય કે ન ચલાય.

કૂતરો ગભરાયો, ને દોડતો રાજકુમારો પાસે આવતો રહ્યો.

આવાં અજબ બાણ મારનારની કળા જોઈ સૌ કુમારો આશ્ચર્ય થી થંભી ગયા. તેમણે જંગલમાં તપાસ કરી એકલવ્યને ઓળખી કાઢ્યો. તપાસ કરતાં જણાયું કે તેનું નામ એકલવ્ય હતું. ને તે દ્રોણને પોતાના ગુરુ કહેતો હતો.

બીજા કોઈને તો નહિ, પણ અર્જુન સરખા તેજસ્વી કુમારને આ વાત ખટ્ક્યા વગર ન રહી. ઘેર જઈ એણે એકાંતમાં ગુરુ દ્રોણને બધી વાત કહી.

દ્રોણને નવાઈ લાગી.

અર્જુનને સાથે લઈ બીજે દિવસે એકલવ્ય પાસે ગયા.

એકલવ્યને જોઈ દ્રોણે પૂછ્યું: “વત્સ, તું ધનુર્વિદ્યા શી રીતે શીખ્યો?”

એકલવ્યે બધી વાત કહી.

દ્રોણના આશ્ચર્યનો પાર ન રહ્યો. દૃઢ નિશ્ચય અને સતત પ્રયત્ન શું નથી કરી શકતા?એમણે રાજકુમારો કરતાં એકલવ્ય આગળ વધી જશે એ બીકથી કહ્યું:

“એકલવ્ય, જો તું મને તારો ગુરુ ગણતો હોય તો ગુરુદક્ષિણા આપ.”

એકલવ્ય હાથ જોડીને બોલ્યો: “મહારાજ , મારાં ધનભાગ્ય કે આપ દક્ષિણા માગો છો. આપનાથી કોઈ ચીજ અદકી નથી. કહો, દેવ ! આપને શું આપું?”

“તારા જમણા હાથનો અંગૂઠો કાપી આપ !” દ્રોણે માગ્યું.

અંગૂઠો બાણ તાકવામાં સૌથી વધુ ઉપયોગી હોય છે. એ ન હોય તો બાણ તાકી ન શકાય. એકલવ્યની મહેનત અંગૂઠા સિવાય રદ જાય એમ હતું, છતાં એણે જરા પણ આનાકાની કર્યા વગર જમણો અંગૂઠો કાપી ગુરુને અર્પણ કર્યો !

એકલવ્યને આશીર્વાદ દઈ દ્રોણ ચાલ્યા ગયા.

એકલવ્યે માત્ર આંગળાં વતી બાણ મારવાનો અભ્યાસ વધાર્યો. એને થોડીઘણી સફળતા મળી પણ ખરી. પણ એ સૌથી ઉત્તમ બાણાવળી હવે થઈ શકે એમ ન હતું. દ્રોણને અર્જુનના સંતોષ ખાતર એ જ જોઈતું હતું.

******************************

 

(9)લક્ષ્યવેધ

(બાળકોનું મહાભારત/ભાગ પહેલો/રમણલાલ નાનાલાલ)

(પાના: 46 થી 48)

આચાર્ય દ્રોણના શિષ્યોમાં દુર્યોધન અને ભીમ ગદાયુદ્ધમાં બહુ બાહોશ નીવડ્યા . નકુળ અને સહદેવ તરવારબાજીમાં આગળ પડતા થયા યુધિષ્ઠિર રથ ઉપર સવાર બની યુદ્ધ કરવાની કળામાં પ્રવીણ થયા. અર્જુન તમામ શસ્ત્રવિદ્યામાં બધા રાજકુમારો કરતાં શ્રેષ્ઠ નીવડ્યો.

એક વાર ગુરુજીએ એક બનાવટી પક્ષી મંગાવી  દૂર ઝાડ પર  મુકાવ્યું. પક્ષીની આંખ આગળ ઝગમગ થતો હીરો જડેલો હતો.

દ્રોણે બધા શિષ્યોને એકઠા કર્યા, અને કહ્યું: “કુમારો ! આજ તમારી પરીક્ષાનો દિવસ છે. સામેના ઝાડ ઉપર પેલું પક્ષી જોયું? જે એની આંખમાં તીર તાકીને મારી શકે તે પરીક્ષામાં પસાર થયેલો ગણાશે. તમારી ચતુરાઈ આજે અજમાવવાની છે.”

ગુરુની આજ્ઞા મુજબ બધા ધનુષબાણ લઈને તૈયાર થયા.

પહેલો યુધિષ્ઠિરનો વારો. એણે ધનુષ ઉપર તીર ચડાવ્યું એટલે દ્રોણે પૂછ્યું: “યુધિષ્ઠિર, વૃક્ષ ઉપર પક્ષીને તું જોઈ શકે છે?”

“હા, મહારાજ.”

“ઝાડ પણ જોઈ શકે છે?”

“જી હા.”

“આજુબાજુ બેઠેલાં ને ઊભેલાં માણસો જોઈ શકાય છે?”

“હા જી, હું બધું જોઈ શકું છું.”

દ્રોણ નારાજ બનીને બોલ્યા:  “તું એક બાજુ ઊભો રહે. તારાથી એ કામ નહિ બને.”

યુધિષ્ઠિર શરમિંદા બની એક બાજુ ઊભા રહ્યા.

એક પછી એક બધા કુમારો આગળ આવ્યા. બધાને દ્રોણે એના એ જ સવાલો પૂછ્યા. બધાએ એ જ મુજબ જવાબો આપ્યા. દ્રોણે બધાને આઘા ખસેડ્યા.

હવે એકમાત્ર અર્જુન બાકી રહ્યો.

દ્રોણે કહ્યું: “અર્જુન, તું પક્ષી તથા ઝાડ તથા મને જોઈ શકે છે?”

અર્જુન પક્ષી તરફ બાણ તાકીને બોલ્યો: “ગુરુદેવ, હું માત્ર પક્ષી જોઈ શકું છું. તમને કે કોઈને જોઈ શકતો નથી.”

દ્રોણે બીજો પ્રશ્ન પૂછ્યો: “પક્ષી કેવું છે?”

અર્જુન કહે: “મહારાજ, પક્ષીનો આકાર હવે હું દેખી શકતો નથી. એક માત્ર તેજનું ચમકતું બિંદુ જોઈ શકું છું.”

દ્રોણનું હૈયું આનંદથી છલકાઈ ગયું. પ્રસન્ન ચિત્તે એ બોલ્યા, “બરાબર છે, બેટા, બાણ છોડ હવે.”

આજ્ઞા મળતાં જ અર્જુને બાણ છોડ્યું, પક્ષીની આંખ તૂટી ગઈ. ચારે બાજુએ શાબાશીના પોકારો ઊઠ્યા.

************************

 

(10) કૌરવ પક્ષમાં કર્ણ

(બાળકોનું મહાભારત/ભાગ પહેલો/રમણલાલ નાનાલાલ)

(પાના: 49 થી 54)

રાજકુમારોને શસ્ત્રવિદ્યાનું બધું શિક્ષણ અપાઈ રહ્યું એટલે ગુરુ દ્રોણે ભીષ્મને વિનંતી કરી એક મોટો મેળાવડો કરાવ્યો. ખુલ્લા મેદાનની ચારે બાજુ માંચડા બાંધી બેસવાની ગોઠવણ કરી. રાજકુટુંબની સ્ત્રીઓને બેસવાને માટે પણ અલગ ગોઠવણ કરી હતી.

પાંડવ અને કૌરવ કુમારો આજ પોતાની વિદ્યાનો પરચો બતાવવાના હતા. એ કાળમાં રાજા અને પ્રજા વચ્ચે વેરઝેર નહોતા. રાજા પ્રજાને પુત્રની જેમ ચાહતા. પ્રજા રાજાને સગા બાપથી પણ વધુ ચાહતી. હંમેશાં રાજાની આજ્ઞામાં રહેતી. રાજાના

સુખે પ્રજા સુખી બનતી, ને એના દુ:ખે દુ:ખી બનતી.

પોતાના રાજવંશી કુમારો આજ અંગબળના તથા શસ્ત્રવિદ્યાના પ્રયોગો જાહેર રીતે કરનાર હતા, એટલે આખા હસ્તિનાપુરનાં પ્રજાજનો એ મેળાવડામાં ભાગ લેવા ઊમટ્યાં હતાં. ચારે બાજુ કીડિયારાની જેમ લોકો ઊભરાતા હતા.

પહેલાં તો જુદાજુદા કુમારોએ જાતજાતના ચતુરાઈ ભરેલા ખેલો કરી બતાવ્યા. દુર્યોધન અને ભીમસેને ગદાયુદ્ધ કરી બતાવ્યું. બંનેના અજબ દાવપેચો જોઈ પ્રજાજનો વાહવાહના પોકારો કરવા લાગ્યા.નકુળ અને સહદેવે તરવારબાજીના પ્રયોગો કરી બતાવી જોનારાઓને મુગ્ધ કરી નાખ્યા.

છેક છેલ્લો વારો આવ્યો અર્જુનનો. એને જોતાં જ લોકે આનંદના પોકારોથી કેટલીય પળો લગી ધરતી ધમધમાવી મૂકી.

અર્જુનની ધનુર્વિદ્યાના પ્રયોગો જોઈ જોનારા દાંતમાં આંગળાં કરડવા લાગ્યા. ધન્યવાદના અને શાબાશીના પોકારોથી વાતાવરણ ગરજી રહ્યું. પોતાના પ્રિય શિષ્યની સફળ ધનુર્વિદ્યાનો જાહેરમાં સત્કાર થતો જોઈ દ્રોણાચાર્યનું હૈયું આજે હરખથી ઊભરાઈ જતું હતું.

અર્જુન બાણ ચડાવી આકાશમાં ઘોર અંધારું પેદા કર્યું. વળી બીજાં બાણો  ફેંકી સૂર્યનારાયણ જેવો પ્રકાશ બધે કરી મૂક્યો. કોઈક બાણ ચલાવી (વરુણાસ્ત્રનો પ્રયોગ કરી) વરસાદ વરસાવ્યો. અગ્ન્યાસ્ત્ર ચલાવી આગના ભડકાથી પ્રેક્ષકોને ગભરાવી મૂક્યા. વાયવાસ્ત્રનો પ્રયોગ કરી એવો ભયાનક વંટોળિયો પેદા કર્યો કે ચારે બાજુ ધૂળકોટ થઈ રહ્યો. આખી માનવમેદની અર્જુનના પરાક્રમોથી મોહ પામી ગઈ.

અર્જુનના પ્રયોગો ખલાસ થયા કે તરત કોણ જાણે ક્યાંથી  એક વીર કુમાર અંદર ધસી આવ્યો. દ્રોણને અને કૃપાચાર્યને પ્રણામ કરી એણે અર્જુનને કરડાઈથી પડકાર કર્યો:  “અર્જુન, તને બહુ અભિમાન ચડી ગયું હશે. પણ એમ ન માનીશ કે તને એકલાને જ આ બધી કળા આવડે છે. આ વિશાળ ધરતીમાતાના પટ ઉપર શેરને માથે સવાશેર હંમેશાં હોય છે જ એ નક્કી માનજે.”

અર્જુનનું પરાક્રમ જોઈ સમસ્ત પ્રજા આનંદ સાગરમાં હિલોળા ખાતી હતી, ત્યારે દુર્યોધનના કાળજામાં અદેખાઈનો આતશ ભડભડ સળગી રહ્યો હતો. એટલામાં કર્ણની આ અજબ કારીગરીથી અર્જુનનો માનભંગ થયેલો જોઈ એ હરખઘેલો બની ગયો.

દુર્યોધન કર્ણની પાસે દોડતો ગયો. એને હરખથી ભેટ્યો. એની ચાલાકી માટે એને ધન્યવાદ આપ્યા.એની શી ઇચ્છા હતી એ પૂછ્યું.

“મારી બીજી કશી ઇચ્છા નથી. એકમાત્ર અર્જુન સાથે યુદ્ધ કરવું છે.”કર્ણ ગૌરવભરી વાણીમાં બોલ્યો.

“સબૂર !” કૃપાચાર્ય વચ્ચે બોલી ઊઠ્યા, “અર્જુન પાંડુ રાજાનો કુંવર છે. એનું કુળ, ગોત્ર, ગુરુ વગેરે જગજાહેર છે. એની સાથે યુદ્ધમાં ઊતરનારની લાયકાત એના હરીફે પહેલાં જાહેર કરવી ઘટે. તે પછી જ યુદ્ધ થઈ શકે.”

કર્ણ શરમથી મોં નીચું કરી ઊભો રહ્યો. એને બિચારાને રાજવંશી માતાપિતા ક્યાં હતાં? એના કુળની એને ખબર જ નહોતી. એ તો સુતપુત્ર તરીકે ઊછર્યો હતો !

દુર્યોધન કર્ણની વહારે ધાયો. એ ગર્જના કરીને બોલ્યો: “જો કેવળ દરજ્જાનો જ સવાલ હોય, અને અર્જુનની ઇચ્છા માત્ર બરોબરિયા  સાથે જ લડવાની હોય તો હું આજથી કર્ણને અંગ દેશનો રાજા બનાવું છું. અને તેને મારો મિત્ર જાહેર કરું છું !”

દુર્યોધને બ્રાહ્મણો પાસે કર્ણનો ત્યાં ને ત્યાં જ અંગદેશના રાજા તરીકે અભિષેક કરાવ્યો.

એ જ અરસામાં કર્ણનો પાલક પિતા અધિરથ ત્યાં આવી ચડ્યો. પોતે રાજા બન્યો તેનું સહજ પણ અભિમાન રાખ્યા વગર કર્ણે પાલક પિતાને પ્રેમથી સાષ્ટાંગ પ્રણામ કર્યા, ને તેમની પદરજ મસ્તકે ચડાવી.

ભીમસેન કરડાકીમાં બોલ્યો: “કર્ણ ! તારા નસીબમાં રથ હાંકવાનું લખ્યું છે. અર્જુન જેવા રાજકુળના બાણાવળી કુમારને હાથે તારું મોત લખાયેલું જણાતું નથી !”

કર્ણને ખૂબ ગુસ્સો ચડ્યો. દુર્યોધનનું મોં પણ ગુસ્સાથી લાલચોળ બની ગયું પરંતુ અત્યારે કર્ણની શક્તિ વેડફી નાખવામાં સાર નથી, એ વાત સમજી જઈ દુર્યોધનતેને અખાડાની બહાર ખેંચી ગયો.

દુર્યોધનની જાહેર દુષ્ટતાથી ભીષ્મ, વિદુર વગેરે મનમાં નારાજ થયા. એમને ભવિષ્યમાં આ અદેખાઈની આગમાં રાજકુળના વિનાશનાં ચિહ્નો દેખાવા લાગ્યાં.

કર્ણનું હૈયું આજે હર્ષથી છલકાતું હતું. દુર્યોધને ભરી સભામાં પોતાની પદવી વધારી મૂકી પોતાને જે માન આપ્યું તેથી એને ભાવથી ભેટ્યો. જિંદગીપર્યન્ત દુર્યોધનને વફાદાર રહેવાના સોગનલીધા.

દુર્યોધનને એ જ જોઈતું હતું. કોઈ પણ રીતે પાંડવોના બળ સામે પોતે ટક્કર ઝીલી શકે એવી એની ઇચ્છા હતી. એ કામમાં કર્ણથી વધુ બહાદુર યોદ્ધો મળી શકે એમ નહોતો.

********************************

 

 

 

 

 

 

 

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

વાચકગણ
  • 303,972 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 285 other followers

તાજા લેખો
તારીખીયું
ફેબ્રુવારી 2016
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જાન્યુઆરી   માર્ચ »
1234567
891011121314
15161718192021
22232425262728
29  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: