(1)ભીષણ પ્રતિજ્ઞા//રમણલાલ નાનાલાલ શાહ

(1)ભીષણ પ્રતિજ્ઞા

(બાળકોનું મહાભારત/ભાગ પહેલો/રમણલાલ નાનાલાલ શાહ/વિરલ પ્રકાશન, અમદાવાદ)

(પાના: 5 થી 11)

સંધ્યાની વેળા છે. આખા દહાડાના સખત થાક પછી નદીના શીતળ જળની સપાટી ઉપર સરકતી નૌકામાં બેઠાબેઠા મહારાજા શાંતનુ આથમતા સૂર્યની શોભા જોઈ રહ્યા છે. કુદરત પુરબહારમાં હસી રહી છે. નદીનાં જળ ખળખળ ખળખળ કરતાં મધુર અવાજે વહી રહ્યાં છે.

શિકાર ખેલતાં છૂટા પડી ગયેલા રાજા થાક્યા-પાક્યા સાંજના

પોતાના રાજનગર તરફ પાછ ફરે છે.નદી ઓળંગી સામે પાર જવાનું હોવાથી તે હોડીમાં બેઠા છે.

એ કાળમાં ઠેરઠેર નદી ઓળંગવા  માટે પુલ ન હતા. સામે પાર જવા ને મોટે ભાગે હોડીનો ઉપયોગ થતો.સંધ્યા થઈ ગઈ હતી. રાજા ઝટપટ જવા ઇચ્છતા હતા, ને માછીમાર તો બહાર ગયો હતો.માછીમારની યુવાન પુત્રી મત્સ્યગંધા ઘરમાં હતી. રાજાજીને કાંઈ ના પડાય? રાજાને સામે પાર મૂકવા હલેસાં લઈને હોડીમાં મત્સ્યગંધા બેઠી.

શાંતનુ રાજા એકીટશે મત્સ્યગંધા સામે જોઈ રહ્યા. વગડાના વસનાર માછીમારોના ઉપરી દાસરાજની એ લાડકી કન્યા. ઊભરતું યૌવન. જાત માછીમારની છતાં  રૂપ રાજરાણીના દેહને પણ લજવે એવું. ખુલ્લી હવા, પૂરતી કસરત ને કુદરતના ખોળે ખેલવાનું, પછી શરીર કેમ સુદૃઢ ને સુંદર ન બને? રાજા એના રૂપ ઉપર મોહી પડ્યા.

તે દિવસે તો રાજા શાંતનુ ચાલ્યા ગયા. પણ પછી એક વેળા વખત સાધી મત્સ્યગંધાના બાપને મળ્યા. દાસરાજની પાસે મત્સ્યગંધાની માગણી કરી.

મત્સ્યગંધા જેવી એક માછીમારની કન્યા રાજાની રાણી બનશે, એ વિચારથી દાસરાજ રાજીરાજી થઈ જશે એમ મહારાજા શાંતનુ માનતા હતા. પણ માછીમારે જે જવાબ આપ્યો, એથી તો મહારાજ સડક બની ગયા.

“મહારાજ !”હાથ જોડીને માછીમાર બોલ્યો,

”મારી પુત્રી રાજરાણી બને એ બહુ આનંદની વાત છે. પણ અમ ગરીબની દીકરી તો ગરીબને ત્યાં જ શોભે.તમારે ત્યાં એને પરણાવું તો એક જ શરતે. મારી  પુત્રીને જે પુત્ર થાય તે

આપની પછી ગાદીએ બેસે, એવું આપ વચન  આપતા હો, તો જ હું મારી કન્યા પરણાવું. તે સિવાય હું મારી પુત્રી કોઈ પણ કાળે આપીશ નહિ !”

શાંતનુ રાજા જવાબ ન આપી શક્યા. કાંઈ પણ કહ્યા વગર પાછા ચાલ્યા ગયા. માછીમારની માગણી સ્વીકારવાનું એનાથી બને એમ નહોતું.

શાંતનુ રાજા જુવાન હતા ત્યારે ગંગાજી સાથે પરણ્યા હતા. ગંગાએ રાજા પાસે  શરત કરી હતી, કે “હું જે પણ કામ કરું તેમાં તમારે આડે ન આવવું. આડે આવશો તે દિવસે હું તમારાથી છૂટી.”

ગંગાના દૈવી રૂપ ઉપર મોહ પામેલા શાંતનુએ એ શરત કબૂલ રાખી હતી.

ગંગાને એક પછી એક એમ સાત પુત્રો થયા. સાતે બાળકોને જન્મતાંની સાથે જ ગંગાજીએ ગંગાના જળમાં પધરાવી દીધા હતા. પોતાના પુત્રોની જળસમાધિ જોઈ રાજા હાય ખાઈ જતા, પણ ગંગાજીની શરત યાદ આવતી, ને એને વારવાની હિંમત નહોતા કરતા.

આખરે આઠમો પુત્ર અવતર્યો. ને એને પણ જ્યારે ગંગા જળમાં પધરાવવા ચાલી ત્યારે રાજાથી ન રહેવાયું. ગંગાજીનો હાથ પકડી એમણે એ પુત્રને જળમાં ન પધરાવવા આજીજીપૂર્વક આગ્રહ કર્યો.

ગંગાએ કબૂલ કર્યું . પુત્રને ખુશીથી રાજાને સોંપી દીધો. પણ કરાર મુજબ શાંતનુ રાજાની અનેક પ્રકારની વિનવણી છતાં એને તજીને ચાલ્યાં ગયાં. શાંતનુ વિનંતી કરત રહ્યા, ગંગાજી પાણીમાં અદૃશ્ય બની ગયાં.

એ ગંગાનો પુત્ર દેવવ્રત હવે મોટો થયો હતો. એને ગાંગેય પણ કહેતા. શાંતનુ રાજાનો એ ગાદીવારસ કુમાર હતો. એને તરછોડી રાજા માછીમારની કન્યાથી થનાર પુત્રને શી રીતે ગાદીવારસ ઠરાવી શકે? એમ કર્યાથી દેવવ્રતને ભારે અન્યાય થાય.

રાજા બળજબરીથી પણ માછીમારની  કન્યાને પરણી શકવાનો વિચાર નહોતો કરી શકતા. રાજા સર્વ રીતે સત્તાશાળી ને બળવાન હોવા છતાં એના બળનો એ અન્યાયને માર્ગે દુરુપયોગ કરવાની હિંમત કરી શકતા નહોતા.

રાજા મત્સ્યગંધાનો વિચાર તજી મહેલમાં આવ્યા. પણ રૂપાળી મત્સ્યગંધાનો વિચાર તજી દેવાનું કામ રાજા માટે અશક્ત નીવડ્યું. એ જેમ જેમ એને ભૂલવા મહેનત કરતા તેમ તેમ માછીમારની કન્યાની યાદ એના હ્રદયનો કબજો મજબૂત રીતે લેતી જતી હતી. રાજા દહાડે દહાડે સુકાતા ચાલ્યા. રાજકાજના કામમાં પણ હવે લક્ષ આપી નહોતું શકાતું. રાજાજીની છુપી બીમારી  લોકોના કળ્યામાં આવી નહિ. આખરે કુમાર દેવવ્રતને કાને પિતાની વિચિત્ર બીમારીની વાત આવી. એણે તપાસ કરાવી. તપાસમાં મત્સ્યગંધાની હકીકત મળી.

દેવવ્રત પિતૃભક્ત પુત્ર હતો. પિતાનાં સુખ ને સગવડ ખાતર ગમે તે અગવડ વેઠવા તૈયાર હતો. છૂપી રીતે દેવવ્રત દાસરાજની પાસે ગયો.શાંતનુ રાજાને માટે મત્સ્યગંધાની માગણી કરી. દાસરાજે એને શાંતનુને આપ્યો હતો એવો જ જવાબ આપ્યો.

જરાપણ સંકોચ પામ્યા વગર દેવવ્રત બોલ્યો: “દાસરાજ ! એમાં શી મોટી વાત છે? ભગવાન સૂર્યચંદ્રને સાક્ષી રાખી તમારી આગળ હું ગંભીરતાપૂર્વક પ્રતિજ્ઞા કરું છું, કે કોઈ પણ સંજોગોમાં હું હસ્તિનાપુરની ગાદીએ બેસીશ નહિ.હસ્તિનાપુરની ગાદીના વારસો મત્સ્યગંધાનો પુત્ર ને તેના પુત્રો જ થશે.”

દાસરાજ આ વીર કુમારની સ્વાર્થત્યાગની વાત સાંભળી ક્ષણવાર આભો બની ગયો. ગાદીની લાલસા એક તડાકે છોડી દેવાની ભીષણ પ્રતિજ્ઞા કરનાર આદર્શ પુત્ર આગળ એનું મસ્તક ઢળી પડ્યું. પણ એણે જવાબ ન દીધો.. એના મનમાં બીજા વિચારોનો વંટોળિયો ચડ્યો હતો.

“દાસરાજ ! હજુ કેમ હા પાડતા નથી? કહો, શું વિચાર કરો છો? ખુલ્લા દિલે કહી નાખો.” દેવવ્રતે પૂછ્યું.

દાસરાજ હાથ જોડીને બોલ્યો : “મહારાજ ! આપના અદ્ ભુત

સ્વાર્થત્યાગ આગળ મારું મસ્તક નમે છે. તમે લીધેલી પ્રતિજ્ઞા પૂરેપૂરી પાળશો, એ બાબતમાં મને રજમાત્ર શંકા નથી. પણ એક વિચાર મને મૂંઝવે છે. આપ તો ગાદીને માટે પ્રયત્ન ન કરો, પણ આપના પુત્રો મારી પુત્રીના પુત્રો સાથે ગાદી માટે ઝઘડો ઉઠાવે તો તેનું શું? કુટુંબમાં ક્લેશ પેસે તો કુળનું અને રાજકુટુંબમાં ક્લેશ પેસે તો રાજ્યનું નિકંદન નીકળે એ આપ જાણો છો.”

દેવવ્રત સહેજ વિચારમાં પડ્યો. પણ બે જ ક્ષણમાં એણે ઠરાવ કરી નાખ્યો. હાથની અંજલિમાં જળ લઈ પ્રતિજ્ઞા કરી એ બોલ્યો: “દાસરાજ, તમારી મૂંઝવણ પૂરેપૂરી ટળી જાય અને કોઈ જાતની ભવિષ્યમાં ભાંજગડ ઊભી ન થાય, માટે હું આજે પ્રતિજ્ઞા કરું છું કે આજીવન બ્રહ્મચર્ય પાળીશ. હું લગ્ન કરીશ નહિ. લગ્ન નહિ કરું એટલે પુત્રપરિવારનો સવાલ જ રહેતો નથી.”

દાસરાજને હવે બીજો વિચાર કરવાનો રહેતો ન હતો. એણે મત્સ્યગંધાનાં લગ્ન શાંતનુ રાજા સાથે કરવા સંમતિ આપી.

મત્સ્યગંધા પરણીને રાજરાણી બની હસ્તિનાપુરમાં આવી, એનું નામ સત્યવતી પડ્યું.

દેવવ્રતના અદ્ ભુત સ્વાર્થત્યાગથી  મહારાજા શાંતનુ ગળગળા બની ગયા. પુત્રને એમણે અનેક પ્રકારના આશીર્વાદ આપ્યા. દેવવ્રતે આવી આકરી પ્રતિજ્ઞા કરી પોતાની આશાઓનું બલિદાન દીધું, તેથી તે ભીષ્મના નામે ઓળખાવા લાગ્યો.

*******************************

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

વાચકગણ
  • 300,741 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 285 other followers

તાજા લેખો
તારીખીયું
ફેબ્રુવારી 2016
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જાન્યુઆરી   માર્ચ »
1234567
891011121314
15161718192021
22232425262728
29  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: