મારા અને દૈવના સંબંધોનું આ કેવું સમીકરણ ! /ચંદ્રિકા સોલંકી

મારા અને દૈવના સંબંધોનું આ કેવું સમીકરણ !

/ચંદ્રિકા સોલંકી

(આનંદ ઉપવન માસિક: ફેબ્રુઆરી-2016/પાના: 11 થી 13)

મારો દિકરો મલ્હાર.અત્યંત રૂડો, રૂપકડો. જોતા જ વ્હાલો લાગે એવો. અચાનક દોઢ-બે વર્ષે બોલતો બંધ થઈ ગયો. …હું ઘાંઘી-આકુળ-વ્યાકુળ….

રંગે રૂડો, રૂપે પૂરો, દિસંતો

કોડીલો સોહામણો, મલ્હારની માતાને

બેઉ જન્મ્યા એમાં મલ્હાર અત્યંત સોહામણો.

આવા મારા મલ્હારને કોની નજર લાગી ગઈ???

બધી જ સમજણ. મીઠો મધુરો ચહેરો….ને વાચા કાં નહીં?

કેમ—એ એકાદ જ શબ્દ અચાનક બોલીને પછી દિવસો સુધી મૂંગો???

ગુજરાતભરનાં શ્રેષ્ઠ સારામાં સારા ડૉક્ટરો એવા કુલ 7-7 ડૉક્ટરો પાસે મલ્હારની મા-મામાએ મલ્હારના નિદાન તપાસ અન્ય રિપોર્ટસ કરાવ્યા. મુંબઈના સારામાં સારા ડૉક્ટર પાસે મલ્હારના મામા એને તેડી ગયા. તમામ ડૉક્ટરોએ એક જ નિદાન કર્યું. બેન તમારો મીઠડો દિકરો હાઈપર એક્ટીવ (અતિ ચંચળતા, જિદ્દી-જક્કીપણું ) અને ઓટીઝમની માનસિક ક્ષતિ ધરાવતું બાળક છે. ક્યારે બોલશે એ નક્કી નથી. પણ એને બોલતો કરવા ખૂબ બધી થેરાપીઓ, ટ્રીટમેન્ટ, સતત સ્પેશ્યલ શાળામાં અને ઓટીઝમના ડૉક્ટરોની નિગરાની નીચે, એમની સલાહ-સૂચનો મુજબ રોજની મલ્હારની સારવાર કરાવવાની હતી….

હું મા, આભ તૂટી પડ્યું અને એ તો મેં ઝીલી પણ લીધું. પણ ધરતીકંપ થવો બાકી હોય એમ મારા આ દીકરાને, હું જ ઈશ્વરના હાથમાં આવી, કે ભગવાને એને વર્ષ 2011માં બાળકોમાં થતા ટાઈપ-1 એટલે કે જુવેનાઈલ ડાયાબિટીસનો ભોગ બનાવ્યો ! 6 વર્ષનો માસુમ મલ્હાર નવેમ્બર 2011માં નવ-નવ દિવસ મોત સામે ઝઝૂમી, માના ખોળામાં ફરી રમતો  તો થયો પણ રોજના ત્રણ ઈન્જેકશનોથી એના કુમળા હાથ- સાથળ અને માખણના પીંડા જેવું પેટ-નાભીનો આસપાસનો ભાગ વિંધાવા લાગ્યો…. એની નાજુક-નાની- ફુલ જેવી ગુલાબી કોમળ આંગળીઓ રોજેરોજ દિવસમાં પારાવાર પીડા સાથે 5-5 વાર ગ્લુકોમીટરની સોયથી વિંધાવા લાગી. હું રોજ મારા મલ્હારને ઈન્સ્યુલીનનાં ઈન્જેકશનો ડૉક્ટરોની સલાહ મુજબ આપવા લાગી. આંસુઓ સાથે મારી દોસ્તી બંધાઈ ગઈ. બાકી હતું એ મલ્હારના પિતાશ્રીએ પૂરું કરી દીધું. મલ્હારની સારવારના પૈસા, દર મહિનાના ખર્ચા મારી પાસે નથી, એને હવે ભગવાન ભરોસે છોડો. કહી મલ્હારનો બાપ વર્ષ 2012માં અમોને ત્રણેય મા દીકરાને તરછોડી ચાલ્યા ગયા. હું મલ્હાર, મોટો દીકરો અનુરાગ.

મલ્હાર બોલી ન શકતો. કદીક અચાનક એને સતત ઊલ્ટીઓ ચાલુ થઈ જતી….મલ્હારને એ કેવી રીતે બોલતો કર્યો એ વ્યથા કે તપકથા તો નાનીબુક લખાય એટલી. પણ હું સમય-સંજોગો અને કઠિનાઈઓની સામે પડી. હું રાત-દિન મલ્હારનાં કાનમાં ગાયત્રી મંત્ર જપવા લાગી. ઘરમાંથી ટી.વી. પણ મેં કાઢી નાખ્યું. અડધી રાતે ઊઠી-ઊઠીહું સૂતેલા મારા મલ્હારના કાનમાં એકધારૂ ગાયત્રી મંત્રનું રટણ કરતી. એ દિવસભર તો સતત-તોફાનો, જિદ અને સુગરની તકલીફને કારણે પીડાતો….

હું બોલાવું તો બોલે નહીં.મને સખત મારવા દોડે. હાઈપર એક્ટીવ અને ઓટીઝમની ખામીવાળો મારો મલ્હાર હાથમાં જે આવ્યું તે મને મારી બેસતો. આ રીતે એકવાર મલ્હારે મારા માથામાં ધોકો મારી દીધેલ. પણ એક રવિવારે મા ગાયત્રીની  કૃપા વરસી.દેવી ભગવતી, અને અકળ એવા કોઈક પરમતત્ત્વને કારણે અચાનક રવિવારે સવારે મલ્હાર ઊંઘમાંથી નવેક વાગ્યે જાગ્યો. સીધો જ મારી પાસે આવી, મમ્મી ગાયતલી, મંતલ બોલની’.સ્પષ્ટ ઊચ્ચાર સાથે, એક પણ શબ્દની કે ઊચ્ચારની ભૂલ વિના એ ગાયત્રી મંત્ર બોલ્યો. મારી અંદર એક પ્રબળ શ્રદ્ધા ઘર કરી ગયેલી કે મારો મલ્હાર ગાયત્રી મંત્ર બોલતા શીખશે. પછી એ બધું જ બોલશે.

આજે મારો મલ્હાર પૂરા 10 વરસનો થયો. એની જાતે, કોઈ જ સ્પીચ થેરાપી વગર, એ હવે ઘણું બોલે છે. મલ્હારને ગાયત્રી મંત્ર એની જાતે બોલતો સાંભળી હું, અને મારી મમ્મી તાજ્જુબ પામ્યા. હું ઘેલી બની, હર્ષાશ્રુ સાથે તુર્ત જ એને વાંકાનેરના ડુંગરામાં પથરાયેલા, અમારા ગાયત્રી મંદિરે લઈ ગઈ. મા ગાયત્રીની મૂર્તિ સામે ઊભો રખાવી, મેં મલ્હારને ફરી ગાયત્રી મંત્ર બોલવા કહ્યું. ને એ ફરી બોલ્યો.

મા ગાયત્રી દેવીનો આભાર, શ્રદ્ધા માનતા મારી આંખો હર્ષથી ભીની બની. એ રવિવારની સવાર વધુ સ્મરણીય અને મધુર એટલા માટે બની કે મલ્હારના પિતા અમને છોડીને ગયા પછી એક દેવદૂત સમા માણસે અરધી રાતે એક વાર મલ્હારને મરતો બચાવવા અમારી સાથે હોસ્પિટલે ખડે પગે રહી મલ્હારની સેવા-સારવાર કરી. પછી એ ફકીર માણસે છેલ્લા ત્રણ-ત્રણ વરસથી મારા મલ્હારની તમામ નાની-મોટી બિમારીમાં  સતત મારી –મારા મલ્હારની સાથે રહી અમને ભરપૂર આત્મબળ, હુંફ, વાત્સલ્ય આપ્યું. યોગાનુયોગ એ જ રવિવારે સવારે અમે મંદિરેથી પરત ફરતા હતા, ને સડકપર મંદિરની બહાર જ એમનો ભેટો થઈ ગયો.ઈશ્વર પણ ઘણીવાર કેવો યોગાનુયોગ અને શુભ ચોઘડિયા રચી આપતો હોય છે !મંદિરમાં બેઠેલી દેવી-મા ગાયત્રીના દર્શન મેં મંદિરની બહાર કર્યાં.ને જેવા અમે મંદિરમાંથી બહાર નીકળ્યા ત્યાં અમારા દેવદૂતનાં  દર્શન, ધન્ય ઘડી, ધન્ય ભાગ્ય. આ અવિસ્મરણીય રવિવારનો દિવસ, પ્રસંગ, ખુશીના આંસુ. મલ્હારનું ગાયત્રી મંત્રનું પ્રથમવાર બોલવું કદાચ બીજો જન્મ ચંદ્રિકા તરીકે મળે તો’ય ભૂંસાય નહીં. આજે પણ મારો મલ્હાર ગાયત્રી મંત્ર આ શબ્દોના ઉચ્ચાર તો એની કાલી-કાલી મીઠી જબાનમાં ગાયતલી મંત્લ તરીકે જ કરે છે. પરંતુ મંત્રનું ઉચ્ચારણ  શુદ્ધ કરે છે. અને પહેલા કરતા ઘણું બોલતા શીખી ગયો છે. જો કે હજુ એ વાતચીત કે આપણે પૂછીએ પ્રશ્નોના જવાબ આપી શકતો નથી. પરંતુ હવે મારો મલ્હાર એટલું તો બોલી  જ શકે છે, મમ્મી સુગલ(સુગર) ડાઉન થ્યું મલ્હારને ખાવું છે.

બસ પરમાત્માની અકળકૃપા, મા ગાયત્રીના આશિષો…. સદાય અવિસ્મરણીય… અવિસ્મરણીય.’

આ છે મારા અને દૈવી તત્વના સંબંધનું સાત્વિક સમીકરણ !

ચંદ્રિકા સોલંકી

તાલુકા શાળા નં:3, વાંકાનેર-363621

Advertisements
વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

વાચકગણ
  • 303,818 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 285 other followers

તાજા લેખો
તારીખીયું
ફેબ્રુવારી 2016
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જાન્યુઆરી   માર્ચ »
1234567
891011121314
15161718192021
22232425262728
29  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: