શકુર સરવૈયાની

[શકુર સરવૈયાનું ડાયસ્પોરા કાવ્યવિશ્વ/સંપાદક: બળવંત જાની]

 

16.તમને બહુ જ ચાહું છું/શકુર સરવૈયા

લગભગ બધાનું માનવું છે કે

શબાબ અતડો છે.

મિલનસાર નથી,

અભિમાની છે.

હકીકતમાં એવું નથી.

હું પણ લોકોની જેમ

કામમાં વ્યસ્ત હોઉં છું.

કોઈ કુંવારી કન્યા શ્રદ્ધાથી નદીના પ્રવાહમાં

નાળિયેર મૂકે અને અચાનક પૂર આવે.

પછી

એની ભાવનાઓનું શું થતું હશે,

એ વિચારતો હોઉં છું.

શાંત સરોવરની જળ સપાટીમાં કાંકરી ફેંક્યા બાદ

થતા આવર્તનો વિષે,

ધીરેકની અદ્રશ્ય થઈ જતાં વર્તુળો વિષે

કલ્પના કરતો હોઉં છું.

શિકારીના તીરથી ઘવાયેલાં હરણની હાલત ઉપર

અફસોસ કરતા કરતા મહિનાઓ વીતી જાય છે,

તો ક્યારેક

અપહરણ થયેલા શિશુની

અસહાયતાની છબીને

માનસપટ પર ચિતરતા વરસોના વહાણા વહી જાય છે.

મારા પગના અંગૂઠા પાસેથી પસાર થતી કીડીની

પીઠ પર બેસીને હું

ઘણીવાર જોજનો દૂર ચાલ્યો જાઉં છું.

અસીમતાની પેલે પાર.

પાછા આવતા યુગો લાગી જાય છે.

તમે જ કહો.

મને હળવા-ભળવાનો સમય ક્યાં મળે છે.

દોસ્તો, બિરાદરો

સત્ય એ છે કે હું

તમને બહુ જ ચાહું છું.

****************

17.શાનું દુ:ખ છે?

(પાના:60 થી 62)

અને

તમે મને પૂછો છોકે

શાનું દુ:ખ છે?

કમાલ કરો છો યાર,

તમે પણ. આ જુઓ

કુંડામાં ડાળખી પાણી વગરની સૂકાઈ ગઈ.

મેદાનમાં ચબૂતરાનો પાયો તૂટી ગયો.

પંખીઓ ભૂખ્યા પાછા ફર્યા.

પડોશીનો કૂતરો માંદો પડ્યો છે.

કેટલાય દિવસથી

એના ભસવાનો અવાજ સાંભળ્યો નથી.

પાણિયારે ભરેલું માટલું સૂકાઈ ગયું.

ભીંતે ટીંગાયેલાં ચિત્રમાં ઓટને જોઈને

મારી આંખો સૂકાતી નથી.

અને

તમે મને પૂછો છો કે

શાનું દુ:ખ છે?

કમાલ કરો છો યાર,

તમે પણ.

કોણે કબૂતરને ઘાતકી ઘા કર્યો છે?

પાંખમાં પીડા છે, ઉડી શકાતું નથી.

મારા ગાત્રો એને જોઈને શિથિલ થઈ જાય છે.

પવન થંભી ગયો છે.

વારે ઘડીએ પેટાવવા છતાં પણ ઝાળિયામાં

દીવો રાણો થઈ જાય છે.

વરસોથી મો-ભારે કાગડો બેઠો નથી.

મારાથી વિખૂટો પડેલો

મારો પોપટ સપનામાં આવતો નથી.

અને તમે પૂછો છો કે

શાનું દુ:ખ છે?

કમાલ કરો છો યાર,

તમે પણ.

મોંઢવાની ટોચ પરથી લસરતા

કોયલના ટહુકાથી

મારો ખોળો હવે ક્યાં ભરાય છે?

એક જમાનો વીતી ગયો છે

ચોકીદારની તમાકુ ખાધાનું અને

દોસ્તોની બેઠકનું

નામ-નિશાન નથી રહ્યું.

મને વહાલામાં વહાલી કેડીને

ધોરી માર્ગ ગળી ગયો છે.

મારી સાને આંખ મિચામણાં કરતી ઓરડાના

એક ખૂણેથી બીજે ખૂણે દોડી જતી

ઊંદરડીની મને સતત ખોટ પડી છે

અને તમે મને પૂછો છો કે

શાનું દુ:ખ છે?

કમાલ કરો છો યાર,

તમે પણ.

ઘરની વળી ઉપર નાગ દેખાતો નથી

પતંગિયાની ટોળી

કઈ દિશામાં વળી ગઈ એની કોઈ ભાળ નથી.

ફળિયા છોકરા વગર ટળવળે છે.

ઝાંપા ઉદાસ છે

કસમ છે બીજના ચાંદની

ફાનસનું અજવાળું દંતકથામાં પૂરાઈ ગયું છે.

બકરીનું બેં-બેં અને મીંદડીનું મ્યાઉં મ્યાઉં

વંટોળિયો ઉઠાવી ગયો છે.

ક્યાં છે રાવળનું ધૂણવું?

રેવામાના ભજનો

બારોટની વારતા

હું અહીં મરવા પડ્યો છુંને

તમે મને

હજી પૂછો  છો કે….

*********

18.મૂલ્યાંકન

(પાના:63-64)

તમે મારી કલ્પના કરો.

હું

છું

રાઈના ઢગલામાંનો ચળકતો દાણો.

જાનમાં હરખભેર જતી જાનડી જેવો,

ઝાડ પર ઝડપથી સાચી ખોટી અલકમલકની

વાતો કરવા સમયસર હાજર થતો માણસ.

મધપૂડા પર ગણગણાટકરતી ટોળાની માખી.

બસ, થાકી ગયા આટલી વારમાં?

થોડું આગળ ચાલો. વિચારો.

તમે મને બેધડક સરખાવી શકો છો.

નીચેથી આકાશ પણ ન દેખાય એવા

ઘટાદાર વૃક્ષ સાથે.

સુંદર સ્ત્રીના રેખાચિત્રમાં પડતા ખંજનો સાથે.

સળંગસાંકળમાં સરખા લાગતા આંકડા સાથે.

મારા પૂર્વજોના સોગંદ ખાઈને કહું છું.

હું

કોઈની યાદમાં નીકળતા ઉદ્ ગારનો શબ્દ છું.

અવસર પર બાંધેલા મંડપનો સજાવેલો થાંભલો છું.

હું

બારાખડીનો ભરાવદાર અક્ષર છું.

તમે મારી પાકી ચકાસણી કરો.

મારામાં અને દાદરા ચઢતાં પગથિયામાં કંઈ ફરક નથી.

હું

એટલે

વીડમાં પવનથી ફરફરતી ઘાસની સૂક્કી સળી.

ઝગમગ થતાં તારાનાં ઝૂમખાંમાંનો એક ઝબકતો તારો.

રંગબેરંગી ખણખણાટ કરતી ચૂડીઓમાંની

એક રૂપાળી નાજુક એકલી ચૂડી.

હું

અમૂલ્ય હોવા છતાં

મારી કોઈ કિંમત નથી.

*************

 

 

19.જવાનો સમય//શકુર સરવૈયા

 

(પાનું: 65)

 

તું મને સાંભળવાને રાજી થતી હો તો.

તારી ઓઢણીની કોરમાં મોર થઈને

ગહેકું.

તારી ઝાંઝરનો રણકાર થઈ જાઉં,

તારા કડલા કાંબી થઈને મધુર

ખણખણાટ કરું.

તને ગમતો ભણકાર થાઉં,

તું મને અનુભવવાને રાજી થતી હો તો–

યૌવનનું ધસમસતું પૂર થઈને તારા

લોહીમાં ઉછળી અસહ્ય પીડા પછી આવતી રાહત બનું.

ખુશી બની તારા રોમે રોમને સ્પર્શું

તારા હ્રદયનો ધબકાર થઈને ધબકું.

તું મને જોવાને રાજી થતી હો તો–

વીણતી વખતે

ચોખાનો પાસાદાર દાણો બનીને આવું.

નવો નક્કોર કાંસકો થઈ

તારા રેશમી વાળમાં ફરું અથવા

તું જેની સામે ઊભી રહે છે એ અરીસાનો

કહે તો ઝગમગતો કાચ બનું.

તને એકાંત આપતા ઓરડાનું રૂપ લઉં

મારો જવાનો સમય આવી ગયો છે

પ્રિયે, હું તને વિનંતી કરું છું

તું મને છેલ્લી વાર

સાંભળી લે.

અનુભવી લે.

જોઈ લે.

પછી

કદાચ….

************

  1.    સલાહ//શકુર સરવૈયા

(પાનું: 66)

વતનની અંદર

દફન ના મેળવનાર મોગલ બાદશાહની વિવશતાનો

એહસાસ કર:

સોજેલા આંચળવાળી બકરી

જ્યારે પોતાના બચ્ચાને ધવરાવે

ત્યારે થતી સુખ અને પીડાની

લાગણીનો અનુભવ કર.

જેના બે ચાર કાંગરા ખરી પડ્યા છે,

એ ગઢની મનોદશાનો મનમાં

ચીતાર મેળવ.

અને જ્યાં

રસ્તાની પેઢીઓ બદલાઈ ગઈ છે,

એ શહેરમાં

વર્ષો પછી મુલાકાતે આવતાં,

પોતાના જ જન્મસ્થળમાં

ભૂલા પડી જતા એ માનવીની

દ્વિધાને સમજ,

કલ્પના કર,

જેણે આંખોની રોશની ગુમાવી દીધી છે,

એ કવિ,

બીજાને પોતાની કવિતા વાંચવા માટે

વિનંતી કરે,

ત્યારે એને થતી

લાચારીનું શિલ્પ કોતર.

પછી જ

તું

મસીહાની અને વધસ્તંભની

વાતો કર.

***********

  1. ગઈકાલ અને આજ //શકુર સરવૈયા

(પાનું:67)

ગઈકાલે

ગોફણમાંથી છૂટેલો પથરો

ક્યાં જઈને પડશે

એ કહી શકતો હતો.

ફળમાંથી કેટલાં બી નીકળશે

એની મને ખબર હતી.

વરસાદ ક્યારે પડશે અને ક્યારે બંધ થશે

એનો મને અંદાજ હતો.

ખીખી કરતી ખિસકોલીઓની સંખ્યા

આંખ મીંચીને ગણી શકતો હતો.

તળિયામાં સૂતેલા કચરાને ક્યા વહેણે

જગાડ્યો  એ કહેવું મારે મન રમત વાત હતી.

પાંપણને આકાશનો

કેટલો ભાર લાગે છે

એનો આંકડો મને મોઢે હતો.

વસૂક્યાં આંચળને ફરી દૂધે ભરવાના

ઉપાયો મારી પાસે હતા.

કઈ વાત,કઈ રીતે, ક્યાં અને

ક્યારે ફંટાશે એનો એકદમ સાચો નકશો

દોરી શકતો હતો.

આજ, મારી બહુ દયાજનક હાલત છે.

મેં સમય અને સ્થળના સંદર્ભો ગુમાવી દીધા છે.

હું

મને ઓળખી નથી શકતો.

**************

 

 

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

વાચકગણ
  • 300,741 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 285 other followers

તાજા લેખો
તારીખીયું
ફેબ્રુવારી 2016
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જાન્યુઆરી   માર્ચ »
1234567
891011121314
15161718192021
22232425262728
29  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: