ફાટેલા બૂટ

 

બીજા વિશ્વયુદ્ધ પછી દુનિયાના તમામ દેશો મંદી ની ઝપટમાં આવી ગયા હતા. એમાં પણ સ્વીડનના રહેવાસીઓની હાલત બહુ દયાજનક હતી. સ્વીડનના એક નાનકડા ગામમાં રહેતો એલિયા ખૂબ મહેનતુ અને પ્રામાણિક માણસ હતો. ગામના બાકી લોકો ચોરી, લૂંટ-ફાટ કે અનીતિથી થોડીઘણી કમાણી કરી લેતા પણ એલિયા અને એની પત્ની ગ્રેસી બંને માનતાં કે, હરામનો પૈસો હજમ ન થાય. મહેનત કરીને જે મળે એ ખાવું. રોજ સવાર પડે ને એલિયા કહેતો, ‘ગ્રેસી, જાઉં, કોર્ટ તરફ જઈને કંઈ અરજી લખવાનું કે બીજું નાનું-મોટું કામ મળતું હોય તો….’

ગ્રેસી એને વાસી પાઉં અને દૂધ ખાંડ વિનાની ચા આપતાં કહેતી, ‘હું પણ કોશિશ કરું છું. કોઈને ગાઉન સિવડાવવો હોય કે ગોદડી બનાવવી હોય તો મને સારું આવડે છે એમ આસપાસનાં ઘરોમાં કહેતી ફરું છું પણ હમણાં તો કામ મળવાની બહુ મુશ્કેલી છે.’

એવામાં એક દિવસ 200-250 કિ.મી. દૂર રહેતા એના કાકા થોમસે પોતાના પાડોશી પાસે લખાયેલો પત્ર 8-10 દિવસ પછી મળ્યો, જેમાં લખ્યું હતું કે, ‘કાકાની તબિયત જરાય સારી રહેતી નથી. તું જેમ બને તેમ જલદી આવી જા.’ પત્ર વાંચીને એલિયા અને ગ્રેસીની નજરો  એકબીજા સાથે મળી. એ નજરોમાં છૂપાયેલો જે ભાવ હતો એ બંને સમજતાં હતાં. વાત એમ હતી કે, થોમસ અંકલે લગ્ન નહોતાં કર્યાં.એમની પાસે પુષ્કળ મિલકત હતી અને એમણે એલિયાને પોતાનો એક માત્ર વારસદાર નીમ્યો હતો.

ગ્રેસીએ કહ્યું, ‘એલિયા, જેમ બને તેમ જલદી તું નીકળી તો જા પણ આટલે દૂર જવાનું ગાડીભાડું, વળી બે રાત ક્યાંક ધરમશાળામાં વીતાવવી પડશે એના પૈસા-આ બધું ક્યાંથી કાઢીશું?’

‘એની તું ફિકર ન કર, ઓચિંતો કંઈ તાકીદનો ખર્ચ આવી પડે તો કામ લાગે એમ કરીને મેં થોડા પૈસા જૂના જેકેટના ખીસામાં મૂકીને ખીસું સીવી લીધેલું જેથી એ પૈસાને હાથ લગાવી જ ન શકાય. એ પૈસા મને વાટખર્ચી માટે થઈ રહેશે.’

ગ્રેસી ખુશ થઈ ગઈ. ‘બસ, તો તો વાંધો નહીં . થોડી બચત તો મેં પણ કરી છે અને એ અનાજની કોઠીમાં છુપાવીને રાખી છે. એમાંથી તને રસ્તામાં ખાવા ચાલે એવી કંઈક વાનગી હું બનાવી આપીશ.’બોલતાં બોલતાં ગ્રેસીનું ધ્યાન એલિયાના ફાટેલા બૂટ તરફ ગયું ને એના અવાજમાં ઉદાસી આવી ગઈ.

‘બીજો બધો બંદોબસ્ત તો થઈ જશે  એલિયા પણ તારા આ ફાટેલા બૂટનું શું કરીશું? એ હવે સંધાવી શકાય એવા પણ રહ્યા નથી. ’   ‘ચિંતા શું કરવા કરે છે? ફાટેલા બૂટ સાથેની મારી આ છેલ્લી મુસાફરી છે. પછી તો નવાનક્કોર, ચમચમતા બૂટ લઈ શકીશું ને?’

બે ટ્રેન અને એક બસમાં મુસાફરી કરીને ત્રીજે દિવસે કાકાને ઘરે પહોંચી શકાય. પહેલી રાત્રે ટ્રેને એક અંધારિયા ગામમાં પહોંચાડ્યો. ત્યાં એણે સાવ સસ્તા ભાડાની ધર્મશાળા શોધી કાઢી. ફાટેલા બૂટનાં તળિયામાંથી કાંકરા ખૂંચતા હતા અને પગની પાનીમાંથી લોહી નીકળતું હતું. ખૂબ થાક્યો હતો એટલે એને થયું કે, ભોંય પર પાથરેલી શેતરંજી પર પડતાંની સાથે ઊંઘ આવી જશે. પણ એવું ન થયું.

સૂતાં સૂતાં એને બૂટનાં જ વિચાર આવવા લાગ્યા. આ બૂટ સાથે હજી બે દિવસ કેવી રીતે નીકળશે ? વળી આવા ચીંથરાં જેવા બૂટ પહેરીને કાકાને ઘરે જશે તો કેવું લાગશે? ધર્મશાળાની ઓરડીમાં એની સાથે બીજા મુસાફરો પણ સૂતા હતા. ચોકીદારે ઓરડાની બહાર પરસાળમાં લટકાવેલા ફાનસનું, અજવાળું અંદર આવતું હતું. એના પ્રકાશમાં એણે જોયું કે, એક મુસાફરે પોતાના બૂટ કાઢીને પગ નજીક મૂકી રાખેલાને ને એ અને એનો સાથીદાર બંને ઘસઘસાટ ઊંઘતા હતા.

પડખાં ફરી ફરીને થાક્યો ત્યારે એલિયા ધીમેથી ઊઠ્યો. જરાય અવાજ ન થાય એનું ધ્યાન રાખીને પેલા બૂટની જોડી ઉપાડી. એને લાગ્યું કે,પોતાના બૂટ કરતાં આ બૂટની હાલત ઘણી સારી હતી. ઝડપથી બૂટ એણે પોતાના થેલામાં મૂકી દીધા અને સડસડાટ ધર્મશાળાના દરવાજામાંથી બહાર નીકળી ગયો.

રેલવે સ્ટેશનતરફ જતા રસ્તા પર જઈ એણે પેલા બૂટ પહેરીને પોતાના બૂટ હાથમાં પકડી લીધા. એને થયું કે હવે તો એકદમ ઝડપથી ચાલી શકાશે પણ શી ખબર કેમ , પગમાં જાણે મણમણનું વજન આવી ગયું હોય એમ પગ ઊપડતા જ નહોતા ! એનું મન એને કહેતું હતું , ‘પેલો પ્રામાણિક એલિયા એ તું જ કે? તો પછી આજનો આ બૂટચોર એલિયા કોણ છે? તું  આવું કેવી રીતે કરી શકે?’

માંડમાંડ અડધો રસ્તો કપાયો પણ હવે એનાથી કે ડગલું ય આગળ વધી નહોતું શકાતું. એને થયું, કોઈને મારી ચોરીની ખબર પડે કે નહીં પણ મારું અંતર મને જિંદગીભર  માફ નહીં કરે. એ પાછો ફર્યો. પેલા માણસના પગ પાસે જેમ હતા તેમ બૂટ મૂક્યા ત્યારે એ હળવો ફૂલ બની ગયો. ફરીથી એણે પોતાના ફાટેલા બૂટ પહેરી લીધા.

ત્રીજા દિવસની સાંજે થાકીને લોથ થયેલો એ અંકલ થોમસના ઘરે પહોંચ્યો. કાકા દેખાયા નહીં. બે-ત્રણ પાડોશીઓ બેઠા હતા. એલિયાએ પોતાની ઓળખાણ આપી ત્યારે પેલા પત્ર લખનાર પાડોશીએ ગુસ્સે થઈને કહ્યું, ‘ક્યાં સુધી કાકા રાહ જુએ તારી? દસ દિવસ થયા તને પત્ર લખ્યાને. એ પછી તાર પણ કર્યો  હતો. કાકાનો જીવ તો તારામાં જ હતો. ‘એટલે? કાકા.’

‘હા, આજે સવારે જ એમનું અવસાન થયું. તું ન આવ્યો એટલે બહુ રોષે ભરાયેલા હતા.એમણે છેલ્લે છેલ્લે પોતાનું વીલ બદલી નાખ્યું અને કહ્યું કે, એલિયાને જો મરતા કાકાને મળવાની કંઈ પડી ન હોય તો મારી તમામ મિલકત અનાથ બાળકો માટે આપી દઉં.’

એલિયાએ પાછા ફરીને ગ્રેસીને બધી વાત કહી સંભળાવી. કંઈક ઊંડો વિચાર કરીને એ બોલી, ‘ચાલો, જે થયું તે બહુ સારું થયું . જે સંપત્તિ મળ્યા પહેલાં જ માણસ પોતાની ઈમાનદારી ખોઈ દે એને એ ન મળે તે જ સારું.’ એલિયાએ કહ્યું, ‘તારી વાત સાવ સાચી છે ગ્રેસી ! ને જૂતા ભલે ફાટ્યા હોય ,આપણું નસીબ થોડું જ ફાટ્યું છે ?’બંને હસી પડ્યાં

–આશા વીરેન્દ્ર

(ગ્રેજિયો ડેલૅડાની સ્વીડીશ વાર્તાને આધારે)

[ભૂમિપુત્ર:01/09/2015]

Advertisements
વિશે

I am young man of 77+ years

Posted in miscellenous
One comment on “
  1. k કહે છે:

    very insightful story! thank you for sharing

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

વાચકગણ
  • 303,817 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 285 other followers

તાજા લેખો
તારીખીયું
જાન્યુઆરી 2016
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« એપ્રિલ   ફેબ્રુવારી »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: