શુકદેવનો ધર્મદીપ//મકરંદ દવે

makarand
શુકદેવનો ધર્મદીપ//મકરંદ દવે//ચિરંતના//પાના: 30 થી 33

આપણી પૌરાણિક કથાઓને ઉપરછલી રીતે વાંચવાથી એના ભીતરના મર્મની ખબર નથી પડતી પણ જરા ઊંડા ઊતરીને જોઈએ તો આખી જીવનવાટ ઉજાળી મૂકે એવો પ્રકાશ એમાંથી પામી શકાય છે. જનક અને શુકદેવના જાણીતા પ્રસંગને અહીં એ રીતે અવલોકીએ.
વ્યાસે બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ માટે શુકદેવને જનક પાસે મોકલ્યા. શુકદેવ તો જનમના જોગી. મિથિલાના રાજમહેલમાં આવી જુએ છે તો જનકના ભોગ-વૈભવનો પાર નથી. એમને મનમાં થઈ જાય છેકે આવા વૈભવ વચ્ચે જનક પોતાનું બ્રહ્મજ્ઞાન કેવી રીતે જાળવી શકતા હશે? શુકદેવનો મનોભાવ જનક કળી ગયા. તેમણે શુકદેવને તેલથી ભરેલુ6 એક કોડિયું ચેતાવી આપ્યું. અને સિપાહીઓને આજ્ઞા કરી કે આ દીવા સાથે શુકદેવને નગરમાં ફેરવો. જો દીવો બુઝાઈ જાય તો શુકદેવને ગરદન મારજો. શુકદેવ તો કોડિયાની સંભાળ રાખતા નગરમાં ફર્યા. પાછા મહેલમાં આવ્યા ત્યારે જનકે પૂછ્યું: ‘કેમ ! નગરના રંગરાગ બરાબર જોયા ને?’
શુકદેવ કહે: ‘એની સામે નજર નાખવાની યે કોને પડી હતી ! મારું ધ્યાન તો આ કોડિયા પર કેન્દ્રિત હતું.’
જનકે કહ્યું: ‘આ રાજવૈભવો વચ્ચે હું પણ મારી આત્મ-જ્યોતિ એ રીતે જ જાળવીને ચાલું છું.’
શુકદેવની આંખો ઊઘડી ગઈ. આત્મજ્ઞાન માટે માત્ર વનમાં એકાંતસેવન કરવાની જરૂર નથી; સંસારના સુખોપભોગ વચ્ચે રહીને પણ માણસ પોતાના અંતરનો દીવો કેવી રીતે ઠરવા નથી દેતો એ તેમણે જોયું. શુકદેવે વનમાં વિચરી વિચરીને મેળવેલું જ્ઞાન મિથિલાના રાજમહેલમાં પૂર્ણતાને પામ્યું.વ્યાસ ભગવાને પૂર્ણતાની દીક્ષા માટે જ પોતાના આત્મવાન પુત્રને જીવનમુક્ત રાજા જનક પાસે મોકલ્યો હતો.
હવે આ કથાના કેન્દ્રમાં જે દીવો છે તેના પર આપણે નજર ઠેરવીએ. એક તરફ સિપાહીઓની માથે તોળાઈ રહેલી તલવારોથી ડરતા, ધ્રૂજતા અને બીજી તરફ નગરના રંગરાગ ચોરીછૂપીથી જોઈ લેવા મથતા માનવીના હાથમાંનું આ કોડિયું નથી; એક અત્યંત સજાગ , સાવચેત અને ધ્યેયનિષ્ઠ માનવીનો આ દીવો છે.જે કર્તવ્ય સોંપવામાં આવ્યું છે તે બરાબર બજાવવાનો એનામાં દૃઢ સંકલ્પ છે. જે કાર્ય હાથમાં લીધું તે અધવચ્ચે રખડે એ જ એને મૃત્યુ સમુ લાગે છે. જો એ ડરપોક હોત તો છલોછલ ભરેલું કોડિયું ક્યાંક ભયથી ઢળી પડત અને લોલુપ હોત તો કોઈ અસાવધ પળે દીવો સાચવવાનું એને ભાન જ ન રહેત. આ આત્મદીપને જલતો રાખવાનો એક અડગ નિરધારાને સતત જાગૃતિ શુકદેવના પગલે પગલે વરતાઈ આવે છે. આપણે શુકદેવની સાથે સાથે આગળ વધીએ. દીવો કેવી રીતે જલતો રહે છે તે પર વિચાર કરતા જઈએ. દીવાને જલતો રાખનાર કઈ વસ્તુઓ છે? માટીનું કોડિયું, તેલ, વાટ અને જ્યોતિ. હવે તમે બરાબર જોશો તો આ ચારે ચીજો આપણા ચાર પુરુષાર્થ – ધર્મ, અર્થ, કામ અને મોક્ષ—નાં પ્રતિક છે, દીવો આ રીતે જીવનાં સાધનો અને તેના યથાર્થ વિનિયોગનો સંદેશા આપી જાય છે. માટીનું કોડિયું એ દીવાનો આધાર છે. એ જ રીતે ધર્મ એ આપણા સમગ્ર જીવનનો આધાર છે. એને આધારે જ બીજા પુરુષાર્થો—અર્થ અને કામની પ્રાપ્તિ—કરીએ તો મોક્ષ સહેજે સાંપડે.અર્થ એ કોડિયાનું તેલ છે. ધર્મની મર્યાદામાં રહીને મેળવેલી સંપત્તિ એકોડિયાનું તેલ. ધર્મનું ઉલ્લંઘન કર્યા વિનાસંપત્તિનો ઉપયોગ થાય તો એ બંધનનો સામાન નથી બનતી કે વેડફાઈ નથી જતી;કામના દ્વારા કામનાને સાર્થક કરે છે. એ કેવી રીતે ? દીવાની વાટ પર નજર નાખતાં એ સ્પષ્ટ થશે. વાટ તેલમાં ડૂબી નથી જતી.તેલમાં રહેવા છતાં તેલથી ઉપત ઊઠે છે. એ જ રીતે કામનાની વાટ પણ ભોગ-સામગ્રીમાં ડૂબી જવી ન જોઈએ. હજુ ઉચ્ચ, હજુ સુંદરની ઝંખના ઉપર ઊઠતી જાય તો એ ઝંખના જ જ્યોતિ બની જાય છે. પ્લેટોએ બહુ સરસ રીતે માનસશાસ્ત્રીય સત્ય કહ્યું છે: બાય કન્ટેમ્પ્લેટિંગ ધ બ્યુટીફુલ, વી એલિવેટ અવરસેલ્વ્ઝ.(સૌંદર્યનું ચિંતન કરતાં કરતાં આપણે પોતે જ ઊંચે ચડીએ છીએ.) આમ ધર્મ દ્વારાસંયમિત અને ઊર્જિત જીવનમાં મુક્તિનો પ્રકાશ અને આનંદ આપમેળે પ્રગટે છે. ગીતામાં ભગવાને કહ્યું છે : ધર્મવિરુદ્ધો ભૂતેષુકામોડસ્મિ ભરતર્ષભ,(7-11) એ પણ આવા સત્ત્વગુણયુક્ત કામના સ્વરૂપ વિષે છે. સત્ત્વનો સ્વભાવ જ દીપશિખાની જેમ ઊંચે ચડવાનો છે. એટલે ધર્મની લક્ષ્મણરેખામાં રહેલ અર્થ અને કામને આસુરી વૃત્તિઓ ઢસડી જતી નથી અને અને પછાડી શકતી નથી. એક સ્વાભાવિક ક્રમમાં જ વૃત્તિઓનું ઊર્ધ્વીકરણ થાય છે અને તે ઉપશમ પામે છે. કર્મ કરતાં કરતાં કર્મની આસક્તિમાંથી વાનો આ રાજમાર્ગ છે. ભગવાને ગીતામાં જનકની યાદ અપાવીને આવી જીવનસિદ્ધિને બિરદાવી છે. કર્મણૈવ હિ સંસિદ્ધિમ આસ્થિતાજનકાદય: (3-20)
ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ રીતે એકબીજાને સહાય કરતા કેવું પરમ સિદ્ધિનું અજવાળું પાથરે છે તે આપણે કોડિયાના નિર્માણમાં જોયું. પરમ જ્યોતિ માટેની પૂરક સામગ્રી આપણને જન્મની સાથે જ જડી છે પણ એનો સપ્રમાણ અને વિવેકયુક્ત ઉપયોગ ન કરવામાં આવે તો આપણે માટે છતે દીવે અંધારું જ છે. આપનું આ શરીર માટીનું કોડિયું છે. શરીરમાદ્યં ખલુ ધર્મસાધનમ્. એમાં દિવેલ શું છે? આહાર, વિહાર, નિદ્રા, ગીતા કહે છે તેમ જો એ ‘યુક્ત’ નહીં હોય તો કામનાની વાટને જ ડુબાડી દેશે, શરીરને બ્રહ્મજ્યોતિને બદલે રોગ અને શોકનું ઘર બનાવી દેશે અને કદાચ થોડાઘણા બૌદ્ધિક જ્ઞાનનો દીવો બળશે તો તેમાં પ્રસન્નતાની જ્યોતિને બદલે અસંતોષનો ધુમાડો નીકળશે. વ્યર્થતાની મેશ બાઝશે. જેમ વધુ પડતાં આહાર-વિહાર-નિદ્રા હાનિકારક છે એમ એના ત્યાગનો અતિરેક પણ ધર્મનો અર્થ સારતો નથી, એનાથી આત્મજ્યોત પ્રજ્વલિત થવાને બદલે ચણચણ્યા કરશે અને જ્યોતિને સ્થાને જીવન સૂકા રૂની જેમ રાખ થઈ જશે.
ધર્મમય જીવનથી, શુદ્ધ અને યુક્ત આહારવિહારથી શરીરમાં એક જાતની પ્રાણશક્તિ ઉત્પન્ન થાય છે. મનને, બુદ્ધિને, અંતરાત્માને પ્રકાશિત કરતી આ પ્રાણશક્તિ મોક્ષ ભણી લઈ જાય છે. એ જ રીતે દીવો હવામાં રહેલા પ્રાણવાયુનો ઉપયોગ કરી પ્રકાશ પાથરતો જાય છે પણ વાયુ અધિક હોય તો દીવાને બુઝાવી નાખે છે, અને પ્રાણવાયુ વિનાના સ્થાનમાં દીવો પ્રક્ટતો જ નથી. શુકદેવનો ધર્મદીપ આમ આપણને જીવનની સામગ્રીની યથાર્થ ઉપયોગ કરવા પ્રેરે છે. ખુલ્લી તલવારે ચાલ્યા આવતા મહાકાળના પ્રહરીઓ અને આ રંગબેરંગી દુનિયાનાં પ્રલોભનો આપણી સામે જ છે પરંતુ એકથી ગભરાયા વિના અને બીજાથી લોભાયા વિના આપણે ધર્મદીપને દૃઢતાથી પકડી આગળ વધીએ. ભરી બજારમાં ચાલ્યા જતા શુકદેવ આપણને દીવે દીવો ચેતાવી લેવાનું સાનમાં સમજાવી જાય છે. આત્મદીપ પ્રગટ્યો તો શું વનમાં, શું જનમાં, ક્યાંયે અંધારું નહીં રહે.

Advertisements
વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

વાચકગણ
  • 300,782 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 285 other followers

તાજા લેખો
તારીખીયું
માર્ચ 2015
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ફેબ્રુવારી   એપ્રિલ »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: