આખરે સ્વર્ગમાં/બાલકોનું મહાભારત/રમણલાલ શાહ

 

Mahabharat-kurukshetra-war-kauravas-pandavas

આખરે સ્વર્ગમાં

 

[બાળકોનું મહાભારત//રમણલાલ નાનાલાલ શાહ//વિરલ પ્રકાશન] –ભાગપાંચમામાંથી

જુગાર રમીને હારી જવાથી પાંડવો વનમાં જવા નીકળ્યા હતા. તે રીતે આજ ફરીથી વનમાં જવા નીકળ્યા. અગાઉની ને અત્યારની વાત જુદી હતી. હસ્તિનાપુરનાં નગરજનોએ આંસુભીની આંખે તેમને વિદાય દીધી. લાંબે લગી બધાં વળાવવા આવ્યાં. આખરે યુધિષ્ઠિરે હાથ જોડી સૌને પાછા ફરવા વિનંતી કરી, ને પરીક્ષિત રાજાની આણ માનવા સૂચના દીધી. એમની સાથે એક કૂતરો પણ પાછળ પાછળ જતો હતો.

અનેક તીર્થસ્થાનોમાં ફરતા ફરતા પાંડવો ઉત્તર દિશામાં આવેલા પર્વતરાજ હિમાલયની તળેટીઆગળ આવી પહોંચ્યા. એમણે ધીમે ધીમે હિમાલય ઉપર ચડવા માંડ્યું.

પણ પહાડની બરફવાળી જમીન લગી પહોંચ્યા ત્યાં જ દ્રૌપદી ઢગલો થઈ જમીન ઉપર ઢળી પડી.

ભીમે યુધિષ્ઠિરને પૂછ્યું: “મોટાભાઈ, આપણી પરમ પ્રિય દ્રૌપદી સદાચારિણી અને સુશીલ હતી. આજ એ અહીં કેમ ઢળી પડી? ”

યુધિષ્ઠિરે કહ્યું: “હે ભીમ, શાસ્ત્રની સાખે દ્રૌપદી આપણા પાંચેની પત્ની હતી, છતાં એ અર્જુન ઉપર વિશેષ પ્રેમ રાખતી હતી. સદાચારિણી અને સતી સ્ત્રીમાં એટલું પણ દૂષણ ગણાય. એ કારણથી આજ આ પરમ પવિત્ર જમીન ઉપર એ સદાની શાંતિમાં સૂતી છે.”

આગળ ચાલતાં એક જગાએ સહદેવ પણ એ રીતે નિસ્તેજ બની ઢળી પડ્યો.

ભીમના પૂછવાથી યુધિષ્ઠિરે ખુલાસો કર્યો: “સહદેવને એની વિદ્વત્તાનું બહુ અભિમાન હતું. માણસ જેમ વિદ્વાન હોય તેમ એણે નમ્રતાવધારે કેળવવી જોઈએ. એની આવડતના ગુમાનેઆજ એને અહીં પડવું પડ્યું છે.

વળી સૌ આગળ ચાલ્યા.

એક દિવસ નકુળ પણ એ જ રીતે પડ્યો.

ભીમે દયામણે મોંએ એનું કારણ પૂછ્યું.

ધર્મરાજ યુધિષ્ઠિરે કહ્યું: “પ્રિય ભાઈનકુળને આખી દુનિયામાં સૌથી સુંદર પોતે છે એનું અભિમાન હતું. જે દેહનો એક વેળા તો નાશ થવાનો જ છે, તે ઉપર આટલું બધું ગુમાન રાખવું વાજબી નથી, એના અવગુણને લીધે આજ એનો નાશ થયો.”

એને તજી બાકીની મંડળી આગળ વધી.

આગળ જતાં મહાવીર અર્જુન પણ નિસ્તેજ બની જમીનૌપર ઢળી પડ્યો.

ભીમે આંખમાં આંસુ સાથે પૂછ્યું: “દેવ !આપણો પ્રિય ભાઈ અર્જુન કેમ આ દશાને પામ્યો? ”

ધર્મરાજ બોલ્યા: “અર્જુન પરાક્રમી હતો.પણ એને એની શક્તિનો ગર્વ હતો. એને જેટલું અભિમાન હતુંએટલું પરાક્રમ એ કરી શક્યો નથી. આજ એ પાપે એ પણ પડ્યો.”

આખરે ભીમ પણ પડ્યો. એનું બધું કૌવત ઓસરી ગયું. એ પડતાં પડતાં બોલ્યો : “મોટાભાઈ, તમારો માનીતો એવો હું આજ કેમ આ દશાને પામ્યો છું?”

યુધિષ્ઠિર બોલ્યા: “ભાઈ ભીમ, તું બીજા બધાને મગતરા જેવા ગણતો હતો. અને તારી જાતને મહા બળવાન માનતો હતો. તારામાં રહેલા અહંકારે આજ તારી આ દશા કરી છે.”

હવે માત્ર એકલા યુધિષ્ઠિર. તે કૂતરાની સાથે પહાડ પર આગળ જવા લાગ્યા.

એટલામાં એક રમણીય વિમાન એમની પાસે આવ્યું. વિમાનમાં દેવરાજ ઈન્દ્ર બેઠેલા હતા. તે યુધિષ્ઠિરને કહેવા લાગ્યા: “ધર્મરાજ, ચાલો હું તમને સ્વર્ગમાં બોલાવવા આવ્યો છું.”

યુધિષ્ઠિર બોલ્યા: “દેવ, મારી પ્રિય પત્ની અને ચાર ભાઈ હિમાલયમાં ઢળી પડ્યાં છે. એમના વગર હું સ્વર્ગમાં આવવા ઈચ્છતો નથી.”

ઈન્દ્ર બોલ્યા: “વત્સ, એ બધાં સ્વર્ગમાં ગયાં.”

યુધિષ્ઠિર કહે : “ભલે ત્યારે, પણ મહારાજ આ કૂતરો મારો સંગાથી છે, એ પણ મારી સાથે જ સ્વર્ગમાં આવશે. ”

ઈન્દ્ર હસીને બોલ્યા: “મહારાજ, આપ તો હંમેશાં સ્વચ્છ અને પવિત્ર રહો છો. હવે અંતકાળની વેળાએ સ્વર્ગમાં જતી વેળા આ અપવિત્ર પ્રાણીને સાથે લેવાનો આગ્રહ શા માટે ?”

યુધિષ્ઠિર દૃઢતાથી બોલ્યા: “દેવરાજ ! ક્ષમા કરજો. મારી સંગાથે ઠેઠ હસ્તિનાપુરથી આ કૂતરો આવ્યો છે. મારે આશરે એ જીવ અહીં લગી આવ્યો છે. હું એને તજીને સ્વર્ગના સુખને ખાતર પણ આપની સાથે આવી શકું એમ નથી. ભલે મારું થવાનું હોય તે થાય.”

યુધિષ્ઠિરની પ્રતિજ્ઞા સાંભળી કૂતરાએ પોતાનું સ્વરૂપ તજી દીધું, અને સાક્ષાત્ ધર્મનું રૂપ ધારણ કરીનેબોલ્યા: “વત્સ, તારી કસોટી કરવા જ મેં કૂતરાનો વેશ લીધો હતો. તારી ટેકને ધન્ય છે. તારા ઉપર પ્રસન્ન થઈ હું તને વરદાન આપું છું કે તું સદેહે સ્વર્ગમાં જઈ શકીશ. મરણ પામ્યા વગર કોઈ સ્વર્ગમાં જઈ ન શકે એ નિયમ છતાં તારા ધર્મ ને નીતિના પ્રભાવને લઈને તને હું આ વરદાન આપું છું.”

યુધિષ્ઠિરને વિમાનમાં બેસાડી તેઓ સ્વર્ગમાં લાવ્યા.

પણ સ્વર્ગમાં પોતાના ભાઈઓ તથા દ્રૌપદીને ન જોવાથી યુધિષ્ઠિર બોલ્યા: “મારા ભાઈઓ અને પત્ની જ્યાં હોય ત્યાં મને લઈ જાઓ.”

ઈન્દ્ર તેમને બીજી જગાએ લઈ જવા લાગ્યા.

જતાં જતાં યુધિષ્ઠિરે દુર્યોધનને દેવતાની સભામાં બેસી પ્રસન્નચિત્તે આનંદવિનોદ કરતો જોયો. પણ ક્યાંય ભીમ,અર્જુન, કર્ણ વગેરે ભાઈઓ ને દ્રૌપદી ન દેખાયાં.

એમણે અકળાઈ જઈને પૂછ્યું : “જેના લીધે ધરતી પરથી લાખો માણસોને મરવું પડ્યું એ અહીં સ્વર્ગમાં લહેર કરે છે; ને મારાં કુટુંબીજનો અહીં દેખાતાં નથી, એ શું?”

નારદે ખુલાસો કર્યો: “દુર્યોધન લડતાં લડતાં સામી છાતીએ ઘા ઝીલી પડ્યો ને મૂઓ. એ કારણથી એ સ્વર્ગમાં આવ્યો છે. તમારી ઈચ્છા છે તો તમારાં કુટુંબીજનો પાસે લઈ જવાની વ્યવસ્થા કરીશ.”

ઈન્દ્રે એક દેવદૂતને બોલાવ્યો. ધર્મરાજને એમનાં કુટુંબીજનો પાસે લઈ જવા કહ્યું.

દેવદૂત ધર્મરાજને નરકને રસ્તે લઈ ગયો. એ રસ્તો બહુ ભયાનક હતો. માત્ર પાપી લોકોને નરકમાં અનેક જાતનાં દુ:ખો ભોગવવાં પડતાં હતાં, તે જોઈ યુધિષ્ઠિર ત્યાં થંભી ગયા.

એટલામાં એમના કાને અવાજ આવ્યો: “મહારાજ, કૃપા કરી અહીં જ ઊભા રહો. જતા ન રહો. આપના શરીરના પવિત્ર વાયુથી અમને બળ્યાજળ્યા જીવોને બહુ સુખ મળે છે, ને અમારાં સંકટો હળવાં થાય છે. ”

યુધિષ્ઠિરે ચારે બાજુ નજર કરીપણ કોઈ દેખાયું નહિ. એ બોલ્યા: “મને બોલાવનારા કોન છે?”

ચારે બાજુથી અવાજ આવ્યા: “હું ભીમ છું. “ “હું અર્જુન છું.” “હું કર્ણ છું.” “હું નકુળ છું.” “હું દ્રૌપદી છું.” “અમે દ્રૌપદીનાં પુત્રો છીએ.”

યુધિષ્ઠિરને બહુ દિલગીરી થઈ. એમણે દેવદૂતને સ્વર્ગમાં પાછા જવા કહ્યું. ને પોતે ત્યાં નરકમાં જ પોતાનાં સગાંસંબંધીઓની વચમાં વાસ કરશે એમ જાહેર કર્યું.

જોતજોતામાં એ બનાવટી નરકસ્થાન અદૃશ્ય થઈ ગયું. દિવ્ય પ્રકાશ અને મનોહર સુવાસથી ચારે દિશાઓ હસી ઊઠી. યુધિષ્ઠિરને નવાઈ લાગી.

દેવરાજ ઈન્દ્ર પ્રગટ થયા, ને ખુલાસો કર્યો. “સ્વર્ગના નિયમો અચળ છે. જેનાં પુણ્ય પુષ્કળ હોય ને પાપ ઓછાં હોય તેમને પહેલાં પાપના ફળરૂપી નરકનાં દુ:ખો થોડા વખત માટે જ ભોગવી લેવાં પડે છે, ને પછી સદાકાળને માટે સુખ ભોગવવા તે પ્રાણી સ્વર્ગમાં જાય છે, તમારાં ભાંડુંઓ અને પત્ની પોતાનાં થોડાં પાપના ફળરૂપ નરકનાં દુ:ખ ભોગવી હવે સ્વર્ગમાં ગયાં છે, દુર્યોધનના પુણ્યનું ફળ પૂરું થશે એટલે એનાં પાપકર્મોનું ફળ ભોગવવા એને નરકમાં જવું પડશે. તમે યુદ્ધમાં અશ્વત્થામા વિષે શક પડતી વાત કરી દ્રોણને છળ્યા હતા. તમારા એ પાપના ફળરૂપે તમારે આટલી નરકની વેદના સહેવી પડી. હવે તમે સૌ ખુશીથી સ્વર્ગમાં ચાલો.”

એ રીતે મહાભારતની કથા અત્રે પૂરી થઈ.

Advertisements
વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

વાચકગણ
  • 303,972 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 285 other followers

તાજા લેખો
તારીખીયું
માર્ચ 2015
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ફેબ્રુવારી   એપ્રિલ »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: