“કરણી તેવી પાર ઉતરણી”

“કરણી તેવી પાર ઉતરણી”

[બાળકોનું મહાભારત//રમણલાલ નાનાલાલ શાહ//વિરલ પ્રકાશન] –ભાગપાંચમામાંથી

(પાના27 થી 34)

તળાવની પાળે તેના મિત્રો સાથે દુર્યોધન વાતો કરતો હતો, તે જંગલવાસી ભીલ લોકોએ સાંભળી. તેઓ જાણતા હતા કે પાંડવો દુર્યોધનની શોધમાં જ છે, એટલે એમણે રાતોરાત પાંડવોની છાવણીમાં જઈ પાંડવોને દુર્યોધનની છુપાવાની જગાની ભાળ આપી દીધી. યુધિષ્ઠિરે તેમને મનમાન્યો સરપાવ આપી રાજી કર્યા.

રાત પડી ગઈ. લડાઈનો કોલાહલ શમ્યો. છતાં કૌરવ છાવણીમાં કોઈ યોદ્ધો પાછો ન ફર્યો, એટલે છાવણીમાં રહેલી સ્ત્રીઓને ચિંતા પેઠી. તપાસ કરતાં તેમને ખરી સ્થિતિ સમજાઈ ગઈ.

બાળક, જુવાન ને વૃદ્ધ કૌરવ સ્ત્રીઓએ સત્યાનાશ વળી ગયું જોઈ ચારે બાજુ ભયાનક રોકકળ શરૂ કરી. કૌરવોની છાવણીમાં ઠેરઠેર મરશિયા ગવાવા લાગ્યા. એ અભાગી સ્ત્રીઓના વિલાપથી પથ્થરનાં પૂતળાં પણ પીગળી જાય એવો દયામણો દેખાવ થઈ રહ્યો. કોઈ સૈનિક પણ એમની તહેનાત માટે કે એમના રક્ષણ માટે સાથે આવે એમ રહ્યું ન હતું ! લાચાર બની કૌરવ-સ્ત્રીઓ અંધારી રાતે પડતી આખડતી, રડતી કકળતી,લોકોને ભાઈ-બાપુ કરી રસ્તો પૂછતી, હસ્તિનાપુર ભણી જવા લાગી. સત્તાના મદમાં એક સતી સાધવી સ્ત્રીને રંજાડનાર કુલાંગાર કૌરવોના પાપે આજ હજારો સ્ત્રીઓ અકાળે વિધવા બની રડતી કકળતી મધરાતે ઘેર જવા નીકળી. દુર્યોધને જે ખેરનાં બી વાવ્યાં, ને એનો સર્વનાશ થઈ ગયો.

યુયુત્સુથી આ દયાજનક દેખાવ જોઈ ન શકાયો. પાંડવ છાવણીમાંથી યુધિષ્ઠિરની રજા લઈ તે કૌરવ-સ્ત્રીઓની પાસે ગયો, ને તેમને હસ્તિનાપુર પહોંચાડવા ચાલ્યો.

દુર્યોધન હજુ બચી ગયો હતો, એ બનાવથી પાંડવો ચિંતામાં હતા. એટલામાં રાની લોકોએ ભાળ આપી એટલે પાંડવો બીજે દિવસે સવારે શ્રીકૃષ્ણને લઈ તળાવ આગળ ગયા.

તળાવમાંથી દુર્યોધન કેમે કર્યો બહાર ન નીકળ્યો.

બધા મૂંઝાયા.

આખરે શ્રીકૃષ્ણે રસ્તો બતાવ્યો. દુર્યોધન બહુ ઘમંડી ને અભિમાની હતો. એમણે

એને સખત મહેણાં ને આકરાં વેણ સંભળાવવાની યુદ્જિષ્ઠિરને સલાહ આપી.

યુધિષ્ઠિર દુર્યોધનને પડકારીને કહેવા લાગ્યા: “ભાઈ દુર્યોધન !અગિયાર અક્ષૌહિણી સેનાને સફાચટ કરી નાખી, આખા કૌરવકુળનું નિકંદન કાઢ્યું, છતાં તારો જીવ તને આટલો બધો વહાલો છે? હિચકારા ! તારી લડવાની ઈચ્છા ક્યાં જતી રહી? નામર્દની માફક પાણીમાં પોરો બની ભરાઈ ગયો ! ક્ષત્રિય થઈ અંતે યુદ્ધમાં પીઠ ફેરવી ! તારો મિજાજ આજ ક્યાં ગયો ? જે મોં ઉપર હંમેશાં અભિમાન ને અણનમ અક્કડાઈનાં દર્શન થતાં હતાં તે તારું મોં તો આજે બતાવ ! ક્ષત્રિય બચ્ચો થઈ આમ સંતાકૂકડી રમતાં ક્યાંથી શીખ્યો ? મર્દ હો તો આવી જા બહાર? ”

દુર્યોધનને પગથી માથા લગી ઝાળ ચડી. તે પાણીમાં રહ્યો રહ્યો બોલ્યો: “યુદ્ધમાં હું એકલો પડી ગયો છું. મને બહુ થાક લાગ્યો છે. તમને પણ લાગ્યો હશે. થોડો વખત થોભી જાઓ. હું નાસી જવાનો નથી. થોડોએક આરામ લઈ હું જરૂર યુદ્ધ કરવા આવીશ.”

યુધિષ્ઠિર બોલ્યા: “દુર્યોધન, હવે તો તને માર્યા વગર આરામની વાત જ નથી. ભલો થઈને સાચા મરદની જેમ બહાર આવી જા. આખા કુળનો ને લાખો મનુષ્યોનો નાશ કરાવી શા સુખે તું આરામ લેવા તળાવમાં પડ્યો છે ? ”

ધર્મરાજનાં તાતાં તીરે જેવાં વેણ અભિમાની દુર્યોધનથી વધુ વાર સહન ન થઈ શક્યાં. એ બહાર નીકળ્યો. એ બોલ્યો: “તમે આટલા બધા છો ને હું એકલો છું. તમે હથિયારવાળા છો ને હું હથિયાર વગરનો છું. હવે કહો, શી રીતે યુદ્ધ કરવા ચાહો છો?”

યુધિષ્ઠિર બોલ્યા: “તું કવાચ પહેરી લે, અને જે હથિયાર લેવાનાં હોય તે લઈ લે. પછી તારી ઈચ્છામાં આવે તેની સાથે યુદ્ધ કર. જો તું એને હરાવીશ તો આખું રાજ્ય તારું.”

યુધિષ્ઠિરનાં આવાં વચનો સાંભળી શ્રીકૃષ્ણ તો ઠંડાગાર થઈ ગયા, એ ચિડાઈને યુધિષ્ઠિરને કહેવા લાગ્યા: “યુધિષ્ઠિર, હું સમજી ગયો કે પાંડવોના નસીબમાં જ વનવાસ મેળવવાનું લખ્યું છે ! તે સિવાય ચાલીચલાવી તમે ઉદાર બની આવી રીતે પોતાના જ પગ ઉપર કુહાડો ન મારત.”

કૃષ્ણની ચિંતા જોઈ ભીમસેન બોલ્યો: “કેશવ ! નાહક શું કામ ફિકર કરો છો? આજ હું દુર્યોધનને જીવતો જવા દેવાનો નથી.”

દુર્યોધને ભીમની સાથે ગદાયુદ્ધ કરવાનું પસંદ કર્યું

એ જ અરસામાં ત્યાં બળરામ (શ્રીકૃષ્ણના મોટા ભાઈ) તીર્થયાત્રા કરતા આવી ચડ્યા. દુર્યોધન બળરામનો શિષ્ય હતો, એટલે એમની આજ્ઞાથી સૌ કુરુક્ષેત્રના મેદાનમાં ગયા.

બંને વચ્ચે ગદાયુદ્ધ શરૂ થયું.

ભીમસેન આજ વર્ષોની દાઝ કાઢી દુર્યોધન ઉપર તૂટી પડ્યો. પણ દુર્યોધન કાંઈ ઊતરે એમ ન હતો. એને તો જીવનમરણનો આજ આખરી ફેંસલો હતો. એટલે ભીમસેને એના ઉપર જોરથી હુમલો કર્યો તેથી ચિડાઈ એણે ઘુમાવીને ગદા એટલા જોરથી ભીમની છાતીમાં મારી કે બે ક્ષણ ભીમ હચમચી ગયો. જો બીજો કોઈ હોત તો એના ત્યાં જ પ્રાણ નીકળી જાત.

ભીમે પણ દુર્યોધનને વળતો જવાબ બરાબર આપ્યો. એવા જોરથી એને ગદા મારી કે એ બેભાન બનીને પડ્યો. પાંડવો હરખથી ગાજી ઊઠ્યા, પન એ આનંદના પોકારો કાને પડતાં જ દુર્યોધનની મૂર્છા વળી. એ સચેત થઈ ગયો. ખૂબ ક્રોધમાં આવી એણે એટલા બળથી ભીમ ઉપર મારો ચલાવ્યો કે ભીમનાં સાંધેસાંધા ઢીલા થઈ ગયા.

આખરે અર્જુને ભીમસેનને ઈશારતથી સાથળ ઉપર પંજો મારી બતાવ્યો. ભીમસેન સમજી ગયો. એણે ભારે જોર કરી ગદા ઊંચકી, દુર્યોધનના સાથળ ઉપર ઘા કર્યો.

તમ્મર ખાઈ દુર્યોધન ઊંધે માથે ઢળી પડ્યો.

ભીમસેને દુર્યોધનના માથામાં કકડાવીને લાત મારી એને લાંબો છડ કરી દીધો,ને બોલ્યો : “પાપી ! ઘમંડી ! સતી દ્રૌપદીનું ભરસભામાં અપમાન કરી જે સાથળ ઉપર બેસવા તું એને નિર્લજ્જતાથી કહેતો હતો તે સાથળ તોડી નાખવાની મારી પ્રતિજ્ઞા આજ હું પૂરી કરું છું. તે જે કર્મો કર્યાં છે તેનો તને આજે મારા હાથે પૂરેપૂરો બદલો મળે છે, તેથી મને બહુ આનંદ થાય છે. હા…શ !આજ મારી વર્ષોની વેર લેવાની લાલસા સંતોષાઈ છે. હવે મને દ્રૌપદીને તથા મારા ભાઈઓને નિરાંતે ઊંઘ આવશે ! ”

દુર્યોધનને આ રીતે નિયમવિરુદ્ધ માર્યો જોઈ બળરામ ભીમ ઉપર બહુ ખિજવાઈ ગયા. ગદાયુદ્ધમાં નાભિની નીચેના ભાગ પર ઘા કરવાની સખત મનાઈ છે. એ આજે ભીમસેનની બરાબર ખબર લઈ પાડત પણ શ્રીકૃષ્ણે મોટા ભાઈને યુક્તિપ્રયુક્તિથી શાંત પાડ્યા. બળરામ ક્રોધમાં ને ક્રોધમાં ત્યાંથી ચાલ્યા.

દુર્યોધન પડ્યો પડ્યો બોલ્યો: “કૃષ્ણ ! હત્યારા ! મામાનો ઘાત કરનારા ! ભરવાડનું એઠું ખાઈ અલમસ્ત બનેલા હ્રદયહીન અધર્મી ! તેં જ આ બધાં કારસ્તાન કર્યાં છે. તારાં જ કરતૂકોથી ભીષ્મ, દ્રોણ, કર્ણ વગેરે માર્યા ગયા છે. તારા જ અધર્મે આજ હું મરું છું.”

શ્રીકૃષ્ણ ખડખડ હસતા બોલ્યા: “દુર્યોધન ! અંતકાળે પણ તારો બકવાસ નથી છોડતો? તેંઆખી જિંદગીમાં જે જે અધર્મો કર્યાં છે તે યાદ કર. તેં કેટલાં પાપો કર્યાં છે તેની શુ6 તને ખબર નથી? જેવી કરણી તેવી ઉતરણી, એ આ દુનિયાનો નિયમ છે. તને તારાં બૂરાં કર્મોનો આજ યોગ્ય બદલોમળે છે, તેમાં મને શું કામ વગોવે છે? ભગવાનનું નામ લઈ હવે તારો અંતકાળ સુધારી લે. ”

દુર્યોધન બોલ્યો: “મારા મોતને વારંવાર સંભારવાથી શો લાભ? હા, હું મરીશ, પન સાચા વીરની રીતે મરીશ. પથારીમાં પડી, સડી કે ગળાઈ જઈને મરવા કરતાં સાચા યોદ્ધાને છાજે એવા મારા મોતથી મને શા માટે સંતાપ થાય ? મારા હજારો સંબંધીઓ સામે મોંએ યુદ્ધ કરી વીરગતિ ને પામ્યા છે. હું પણ એ માર્ગે જઈશ. આથી વધારે રૂડું મરણ બીજું કયું હોઈ શકે? હવે તમે અહીંથી નિરાંતે જઈને અમારાં મડદાંના ઢગ ઉપર તમારા સિંહાસન માંડો ! વીરોથી વાંઝણી થયેલી ધરતી ઉપર ખુશખુશાલ મહાલો. ચારે બાજુ ભયંકર શોક ને સંતાપની હોળી સળગી રહી છે. એવા ઉજ્જડ-વેરાન પ્રદેશમાં રાજ કરી તમારી કીર્તિને વધારો !”

પાંડવોના શિર નીચા નમી ગયાં, યુધિષ્ઠિરની આંખમાંથી આંસુનુ6 એક બિંદુ સરી પડ્યું.

આખરે સાંજ પડવા આવી હતી એટલે શ્રીકૃષ્ણ પાંડવોને લઈ નદીતીરે ગયા, ને છાવણીઓ ઠોકી રાતની રાત ત્યાં વાસો કર્યો.

 

Advertisements
વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

વાચકગણ
  • 292,844 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 285 other followers

તાજા લેખો
તારીખીયું
માર્ચ 2015
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ફેબ્રુવારી   એપ્રિલ »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: