અખંડ આનંદની પ્રસાદી (ફેબ્રુઆરી2015)–1

 

અખંડ આનંદની પ્રસાદી (ફેબ્રુઆરી2015)

જોયેલું ને જાણેલું વિભાગ—(પાના: 87 થી 88)

 

ભૂતપૂર્વ રાજવીની અદ્ ભુત વિરક્તિ//હિમા યાજ્ઞિક

પ્રસંગ તો ઘણાં વર્ષો પહેલાંનો છે, પરંતુ અમારા મિત્ર સુરેશભાઈ મહેતાના વડીલબંધુ કીર્તિભાઈએ જાતે અનુભવેલો સાચો કિસ્સો છે.

સન 1947માં ભારતના ભાગલા પડ્યા તે પહેલાં કાઠિયાવાડમાં માણાવદર ગામ એક નવાબી રિયાસત હતી. ત્યાંના નવાબ –ગુલામ મોઈનુદ્દીનખાન બાબી –એટલે કે “ખાનસાહેબ” એક પ્રજા વત્સલ, માયાળુ અને દરિયાદિલ રાજવી હતા. સ્પોર્ટસ્ માટેનો પ્રેમ તો જાણે રગેરગમાં વહેતો હતો. ખુદ પોતે ક્રિકેટ, હૉકી અને પોલોના ઉચ્ચ કક્ષાના ખેલાડી હતા. સન 1940ના અરસામાં માણાવદરની હૉકી ટીમને ન્યૂઝીલૅન્ડલઈ જઈ ત્યાંની બધી મેચો જીતી આવેલા. આ રેકોર્ડ અકબંધ આજે પણ સચવાયેલો છે.

ભારતના વિભાજન વખતે જે રાજવીઓ રાતોરાત પાકિસ્તાન ચાલ્યા ગયેલા તેમણે લેવાય તેટલી સંપત્તિ સાથે લીધેલી. કેટલી અને કઈ કઈ એ તો કોને ખબર? પણ કહેવાય છે કે આ ખાનસાહેબે સોનું, ઝવેરાત કે રોકડ નાણું નહિ પણ પોતાનાં અતિ વહાલાં એવાં ક્રિકેટનાં સાધનો, હૉકી અને પોલો રમવાની સ્ટીક્સ પ્લેનમાં મુકાવી હતી.

ત્યારબાદ ઘણા વર્ષો વીતી ગયાં. સન 1956માં કીર્તિભાઈ એડનથી સ્ટીમરમાં ભારત આવવા રવાના થયા. આ કારગો-શીપને ફ્યુઅલ લેવા માટે કરાંચી એક દિવસ રોકાવાનું થયું. માણાવદરના જૂના મિત્રોને મળવાની કીર્તિભાઈને અણધારી તક મળી.

અને પછી તો સૌ લંગોટિયા મિત્રો સાથે કરાંચી પોર્ટ ઉપર જ “તને સાંભરે રે, મને કીમ વીસરે રે !”જેવી ગોઠડી મંડાણી. પરંતુ, ભાગલાને કારણે છૂટી ગયેલા વતનનો ઝુરાપો—એ જ બધી વાતોનું તારણ હતું. બધા મિત્રો એ ઝુરાપો પ્રેમરૂપે કીર્તિભાઈ ઉપર વરસાવી રહ્યા હતા. ત્યાં તો કોઈને ખાનસાહેબ સાંભર્યા, અને આ સરઘસ તો ખાનસાહેબને મળવા ઊપડ્યું.

પણ, ખાનસાહેબના ઘરમાં એન્ટ્રી મારતાં કીર્તિભાઈએ શું જોયું?

લીલાછમ સોરઠના સાડા એકત્રીસ ગામનો ધણી, માણાવદરના જોરાવરબાગ પેલેસના ચાલીસ રૂમો અને સાડા સાત એકરના મઘમઘતા બગીચાનો માલિક, માણાવદર જેવા નાનકડા ગામમાં પણ વિશ્વકક્ષાની બે બે સ્પોટ્ ર્સ ક્લબ બંધાવનાર સ્પોટ્ ર્સ પ્રેમી, પતંગબાજીથી પોલો સુધીના ખેલયજ્ઞોના આયોજન દ્વારા સમગ્ર ભારતના શ્રેષ્ઠ ખેલાડીઓને આમંત્રણ આપનાર દિલેર યજમાન, પોતાના પ્રિય ‘કમાલબાગ’ના દરબાર હોલમાં પ્રસિદ્ધ ગાયક કુંદનલાલ સાયગલનો પ્રોગ્રામ ગોઠવી તેની એક સુરીલી તાન ઉપર આફરીન થઈને પોતાની દિલોજાન ‘બેન્ટલી’કાર હોંશેહોંશે ભેટ આપી દેનાર એ દિલદાર નવાબ—માણાવદરના ખાનસાહેબ તે સમયે…

પાકિસ્તાન સરકારે તેમને ફાળવેલા તદ્દન મામૂલી, ખોલકી જેવા નાના સાંકડા ઘરની પરસાળમાં, દીવાલ ઉપર કોલસાથી આંકેલી વિકેટોની આગળ, બિલકુલ સાદા લેબાસમાં, ઊભા રહીને બેટિંગ કરતાં કરતાં પોતાનું દિલ બહેલાવી રહ્યા હતા. આ જોઈને કીર્તિભાઈ તો ઠંડા જ થઈ ગયા.

તો આ બાજુ ખાનસાહેબ મિત્રોના ખભે તેડેલા એવા કીર્તિભાઈ સામે થોડી વાર તો તાકી જ રહ્યા !જાણે કશું યાદ કરતા ન હોય ! અને પછી બૂમ પાડી, “અરે ! યે તો અપને અમુભાઈ શેઠ કા લડકા હૈ, બચ્ચા, તુમ બૉલિંગ બહુત અચ્છી કરતા થા. ચલો, આ જાઓ ! હમારે સામને બૉલિંગ કરો.”

કીર્તિભાઈએ ફરમાઈશને દાદ આપવી જ રહી. થોડા બોલ ફેંક્યા પણ ખરા, અને ત્યાર પછી ખાનસાહેબે ખૂબ પ્રેમથી, લાગણીથી, ભાવુકતાથી જૂનું જૂનું બધું યાદ કરીને માણાવદરની પોતાની છૂટી ગયેલી ધરતીના કણકણના અને જણજણના સામાચાર પૂછ્યા.

પ્રિન્સ અસ્સલમ નવાબસાહેબના મોટા દીકરા, કીર્તિભાઈ બાળપણથી જ તેમના દિલોજાન દોસ્ત, એટલે માણાવદરના જોરાવરબાગ પેલેસમાં કીર્તિભાઈને વારંવાર જવાનું બનતું. આથી જ નવાબસાહેબની અંગત જાહોજલાલીના તેઓ સાક્ષી હતી.

કીર્તિભાઈ મનોમન સરખામણી કરવા લાગ્યા. ક્યાં એ જૂની જાહોજલાલી અને ક્યાં આ કરાંચીની બદ્ હાલી ! આ તે કેવી અવદશા? કીર્તિભાઈ ઢીલા પડી ગયા, આંખો તગતગી ઊઠી, ચહેરા પર વેદના છવાઈ ગઈ. પણ ખાનદાન ખાનસાહેબે તરત બાજી સંભાળી લીધી, અને કીર્તિભાઈને ખભે હાથ મૂકી કહે, “જે જ્યારે હતુ6 ત્યારે ખૂબ માણ્યું. હવે એ નથીતો શોક શું કરવો? બાદશાહત તો ગઈ—હવે આ બૅટ અને બૉલ તો છે ને? તો તેના વડે દિલ બહેલાવી રહું છું.”

ખાનસાહેબના કથનમાંઆછી વેદનાના ઓછાયા હેઠળ પ્રામાણિકાનાસક્તિ અને “રિયલ સ્પોટ્ ર્સમેન સ્પિરિટ ” છતાં થતાં હતાં,વૈભવ—વિલાસ પ્રત્યેની વિરક્તિ—ડીટેચમેન્ટ—મનને કેવી ઊંડી શાંતિ આપે છે !

સાચે જ કહ્યું છે–

“રાતો છે ઉદયે રવિ, અસ્તે રાતો જેમ,

સંપત્તિ-વિપત્તિમાં, મહાજન સમરૂપ તેમ.”

“સુખમાં નવ છકી જવું, દુ:ખમાં હિંમત ન હારવી ”—એ પ્રસિદ્ધ ઉક્તિને ખાનસાહેબે જીવી બતાવી.

****

એ/20, બાલાજી બંગલોઝ, રામાકાકાની દેરી સામે,

વડોદરા 391740

મો. 09898300344

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 535,836 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
ફેબ્રુવારી 2015
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
232425262728  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: