અખંડ આનંદની પ્રસાદી (ફેબ્રુઆરી2015)–ત્રણ

અખંડ આનંદની પ્રસાદી (ફેબ્રુઆરી2015)

જોયેલું ને જાણેલું વિભાગ—(પાના: 90 થી 91)

 

(1)માણસાઈ//બાબુલાલ ગોર

બસ મુંદ્રા બસ સ્ટેશનથી રવાના થઈ. ભુજ તરફ આગળ વધી રહી હતી. વૅકેશન—લગ્નસરાની સીઝનના કારણે બસમાં ભરે ગિરદી હતી. ઉનાળાની ગરમી તથા ગિરદીના કારણે બસ ચાલતી તો જ રાહત રહેતી. તેમાંય આગલા વર્ષનું ચોમાસું કચ્છ માટે કારમું રહેલું, એટલે બસની બારી બહાર તો સૂકી ધરતીનું ઉગ્ર તાપમામ દઝાડતું હોય તેમ લાગતું.

બસ રવાના થયા પછી થોડીવારે મોટાકપાયા ગામ આવતાં બસ થોભી. એકાદ બે પ્રવાસીઓ ઊતર્યા તે સાથે માતા—પુત્રી એમ બે રબારણ બહેનો બસમાં ચડવા પ્રયત્ન કરી રહી હતી. હટાણું કરી ગાંસડી બસમાં મૂકવામાં તકલિફ થી રહી હતી. આ બંનેને સાવ નજીકના બરાયા ગામ જવાનું હતું.

બરાયા ગામ નદીને કાંઠે આવેલું હોવાથી ઘાસ—પાણીના આશરે ત્યાં તેમના વાંઢિયા રાખ્યા હતા. નજીકમાં જ ઊતરવાનું હોવાથી સમય તથા મહેનત બચી જાય એ આશયથી ગાંસડી મહામહેનતે અંદર મૂકીબંને બહેનો પોતાના શરીરેને સંભાળતી, દીકરીના હથમાં સિંગતેલનું પવાલું હતું તેને સંભાળતી બસમાં ચઢી. બસનો દરવાજો બંધ કરી, લોક કરી, કંડકટરે બસ રવાના કરવા ડ્રાઈવરને સંજ્ઞા કરી.

જે પ્રવાસીઓને અગવડ પડી રહી હતી તેઓ કાનાફૂસી કરવા લાગ્યા. ‘આ તો અડબૂથ જ રહ્યા ! બસમાં ચડવાનું પણ ભાન નથી..!’

આ વાક્યો પેલી બંને બહેનો મૂંગે મૂંગે સહન કરી રહી ત્યાં કોઈ પ્રવાસીનો ધક્કો લાગ્યો ને દીકરીના હાથમાંનું તેલનું પવાલું પડી ગયું ને તેમાંનું તેલ ઢોળાઈ ગયું. માથી નિસાસો નંખાઈ ગયો, ‘હે …દીકરી…તેલ ઢોળાઈ ગયું…. ’ મા-દીકરી બંનેના ચહેરા રડમસ થઈ ગયા.

આ વખાના સમયમાં માંડ ખરીદેલું મોંઘામૂલનું તેલ ઢોળાયું. ઉપરથી ચોખલિયા પ્રવાસીઓ ઉપાલંભ ને ઉપહાસ દર્શાવતા કહેવા લાગ્યા, ‘આવી રીતે બસમાં ચડાતું હશે…બસ પણ બગાડી…કપડાં પણ બગડશે….!’

પણ પોતાની ફરજ પૂરી કરી ઘર તરફ જઈ રહેલા, બસમાં બેઠેલા એક ડ્રાઈવર ભાઈનો અંતરાત્મા આ જોઈને રડી ઊઠ્યો. પ્રવાસીઓની ગિરદી વચ્ચેથી માર્ગ કરી, રબારણ બાઈઓની નજીક આવી, તેમને 50 રૂપિયા ધર્યા ને કહ્યું,

‘બહેનો , મારા ખિસ્સામાં આ નાનકડી રકમ છે, તે તમે રાખો, ને જરાય મૂંઝાશો નહીં.’

એ બહેનો ઉપકારવશ દૃષ્ટિથી સામે જુએ છે ત્યાંતુરત બરાયા ગામ આવ્યું. બસ થોભી ને અન્ય પ્રવાસીઓ સાથે તેમણે પણ ઊતરી જવું પડ્યુ.

વર્ષો પહેલાંનું આ દૃશ્ય આજે પણ જ્યારે યાદ આવે છે ત્યારે કવિ શેષની પેલી કાવ્ય પંક્તિઓ આપોઆપ ગણગણી જવાય છે:

‘દયા હતી ના, ન’તું કોઈ શાસ્ત્ર,

ત્યાં તો હતી કેવળ માણસાઈ.’

******

65, ભાનુશાલીનગર, કર્મભૂમિ એપાર્ટમેન્ટની સામે,

ભુજ-કચ્છ—370001

 

(2)

અનુભવીની અવગણનાની કિંમત//કે.જી.વ્યાસ

(પાના:90-91)

1966માં હું જૂનાગઢ જિલ્લાના ઉના-દેલવાડા પાસે આવેલ દીવ નામના ટાપુમાં ભારત સરકારની નોકરીમાં હતો. મારાં પત્ની દેલવાડાના પ્રાથમ્જ્ક આરોગ્ય કેંદ્રમાં હેલ્થ વિઝિટર હતાં. હું દેલવાડાથી દીવ અપ-ડાઉન કરતો. દેલવાડાથી દીવ લગભગ છ કિલોમીટર હતું. એ સમયે દીવ-ઘોઘલાની ખાડી ઉપર બ્રિજ બંધાયો નહોતો તેથી ખાડી પાર કરવા ઘોઘલાથી મછવામાં દીવ જતો-આવતો. મછવામાં લગભગ 50-60 વ્યક્તિઓનો સમાવેશ થતો. મછવાના પેસેંજર ની આવન-જાવનનો કોંટ્રેક્ટ વયોવૃદ્ધ મહમદભાઈ માલમને મળ્યો હતો. ખૂબ જ સાલસ સ્વભાવના આ માલમ દીવની જેટી ઉપર બેસતા. તેમના ત્રણ ખારવાઓ લાંબા લાંબા વાંસથી મછવો ચલાવતા.

હું રોજ આ અનુભવી માલમ સાથે દરિયાલાલની રસભરી વાતો કરતો. એક સમી સાંજે દીવની જેટી ઉપરથી હું મછવામાં બેસવાની તૈયારી કરતો હતો ત્યાં માલમે મને ઘોઘલાની દિશામાં ઝળૂંબતી વાદળી દેખાડી કહ્યુંકે ‘વ્યાસ સાહેબ ! આ વાદળી જોરદારવરસશે, વાવડો ફૂંકાતા દરિયો ગાંડોતૂર થશે તેથી તમે હમણાં ન જાવ તો સારું.’

મને દરિયાખેડુની વાત દમ વિનાની લાગતાં પ્રત્યુત્તરમાં ‘મને તરતાં આવડે છે’જેવી બાલિશ વાત કરી અને દીવ હાઈસ્કૂલના પરિચિત વિદ્યાર્થીઓસાથે વાતો કરતો મછવામાં ગોઠવાઈ ગયો.

મછવો ખાડીના મધ્યભાગે પહોંચતાં વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડ્યો, પાણીના લોઢ ઊછળવા લાગ્યા, મછવાનો કૂવાસ્તંભ આડો પાડી દેવાયો અને દિશાહીન મછવો ખાડીમાંથી ખુલ્લા દરિયા તરફ ઘસડાવા લાગ્યો. ખારવા વિદ્યાર્થીઓ ટપોટપ દરિયામાં કૂદી પડ્યાપણ આમ કરવાની મારી હિંમત ન ચાલી.શૂન્યમનસ્ક ઊભો હતો ત્યારે ખારવા વિદ્યાર્થીમાંના એકે મને ધક્કો મારી દરિયાના ઊછળતા લોઢમાં ધકેલ્યો. સ્વિમિંગ પુલમાં તરતાં શીખેલો તેથી દરિયાના આવા વિકરાળ પાણીમાં મૂંઝાઈ ગયો. આમતેમ ફેંકાવા લાગ્યો અને એવા વિકટ સમયે ગોવિંદ ફુલબારિયા નામના વિદ્યાર્થીએ મને તેના ખભે બેસાડી લગભગ અડધા કલાકે ઘોઘલા ગામને કિનારે ઉતાર્યો. ભયંકર ડરના માર્યા ગોવિંદના માથાના વાળ મેં કચકચાવીને પકડ્યા હતા તે ક્ષોભના માર્યા છોડી, તેની માફી માગી, પણ જે સાંભળવા એ ઊભો રહ્યો નહોતો.

બે દિવસની રજા રાખીને , ત્રીજે દિવસે ઘોઘલાથી મછવામાં બેસીને, દરિયાલાલના રૌદ્ર સ્વરૂપને યાદ કરતાં કરતાં દીવની જેટી ઉપર ઊતર્યો ત્યારે મેં અનુભવી માલમની અવગણના કરવા બદલ માફી માગી. ત્યારે આ દરિયાદિલ આદમીએ કહેલા શબ્દો આજે પણ યાદ છે, જે આ પ્રમાણે છે, ‘સાહેબ ! વાદળ, પવન, અને દિશા આ દરિયાના પાણીની દોસ્તીએ અમને ઘણું શીખવ્યું છે . અનુભવના આધારે કહેવાતી વાતને સ્વીકારવાની રાખો.’

અનુભવીની અનુભવવાણીને અવગણવાની આકરી કિંમત મેં ચૂકવી હતી. મોતને મેં તે દિવસે વેંત જેટલે છેટેથી જોયું હતું.

*********************

40, ભગવતી કૃપા સોસાયટી, કેનાલ રોડ, ઘોડાસર, અમદાવાદ-380050

ફોન: ( 079) 25322446

 

 

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 529,194 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
ફેબ્રુવારી 2015
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
232425262728  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: