એ સોનેરી ક્ષણ

(9)

એ સોનેરી ક્ષણ

(પાના: 31 થી 33)

તર્પણ ભાગ-2//અશા વીરેન્દ્ર//યજ્ઞ પ્રકાશન

ભલે હું અમેરિકન માતા-પિતાનો, અમેરિકામાં જન્મેલો અને ત્યાં જ ઊછરેલો એક માત્ર દીકરો છું; પણ શી ખબર કેમ, હું સ્વભાવે અત્યંત લાગણીશીલ છું .ફકત હું જ શા માટે? મારાં મા-બાપ પણ એકમેકને એટલો પ્રેમ કરે અને એકબીજાની એટલી કાળજી કરે કે આ ભૌતિકતા પાછળ દોડનારા દેશ માટે તો નવાઈની વાત જ કહેવાય !

મમ્મી હંમેશા મારી અને ડેડની પસંદ-નાપસંદો, અગવડ-સગવડનો ખ્યાલ રાખતી. કદી એણેકોઈ પાસે કશું માગ્યું નથી કે નથી કંઈ અપેક્ષા રાખી. પણ મને કોઈક રીતે ખબર પડી ગયેલી કે મમ્મીને સ્ટ્રોબેરીઝ બહુ ભાવે છે. દરેક વીક એન્ડમાં હું મમ્મી-ડેડીને મળવા અચૂક જતો અને જ્યારે જાઉં ત્યારે ખાસ યાદ રાખીને સ્ટ્રોબેરીઝનું બોક્સ તો લઈ જ જતો.

‘બેટા !તું ગયે વખતે લાવેલો એમાંથી કેટલી બધી સ્ટ્રોબેરીઝ હજી ફ્રીજમાં પડી છે. દર વખતે શા માટે લાવે છે?’

મમ્મી ભલે આમ કહેતી હોય પણ હું જાણું છું કે, પોતાનો દીકરો યાદ રાખીને એને માટે કોઈ ચીજ લાવે એનાથી એને કેટલો ઊંડો સંતોષ મળે છે ! ડેડી પણ અમારો આ કાયમનો સંવાદ સાંભળીને ધીમું ધીમું મલકાયા કરતા. એક શનિવારે હું એમને મળવા ગયો ત્યારે ડેડીએ કંઈક નિરાશાભર્યા સ્વરે કહ્યું, ‘બેટા, અમે બંને હવે વધુ ને વધુ વૃદ્ધ થતાં જઈએ છીએ. ઘરની બધી વ્યવસ્થા અમારાથી સંભાળાતી નથી, મને લાગેછે કે, અમે કોઈ સારા નર્સિંગ હોમમાં રહેવા જતાં રહીએ તો વધુ સારું પડે.’ મારાં માતા-પિતા જીવનના ઉત્તરાર્ધ ભણી ધકેલાઈ રહ્યાં છે એ હકીકતનો સ્વીકાર કરવાનું મને ગમ્યું તો નહીં પણ મેં એમને જવાબ આપ્યો,

‘ઈન્ટરનેટ પર સર્ચ કરીને હું કોઈક સરસ જગ્યા શોધી કાઢીશ. તમે ચિંતા ન કરશો.’ પછી તેઓ બંને ‘જીવનસંધ્યા નિવાસ’માં રહેવા ગયાં. દર અઠવાડિયે સ્ટ્રોબેરિઝ લઈને એમને મળવા જવાનો મારો ક્રમ ચાલુ જ હતો. ત્યાંથી પાછા ફરતી વખતે મને ઉદાસી ઘેરી વળતી. હું જોઈ શકતો કે, ડેડી કરતાં પણ મમ્મી પર ઘડપણ વધુ ઝડપથી પોતાનો પંજોફેલાવી રહ્યું હતું. એ વધુ વાંકી વળી ગઈ હતી. મોઢા પર કરચલીઓ વધી રહી હતી અને ખૂબ ભૂલકણી થતી જતી હતી, પણ એનું માયાળુ હાસ્ય એવું ને એવું અકબંધ રહ્યું હતું એનો મને ખૂબ આનંદ હતો.

‘હજી ગઈકાલે જ તો ગુલાબનાં ફૂલો લઈને આવ્યો હતો. આજે ફરી શા માટે લાવ્યો?’ એ મને પૂછતી. લાગણીપૂર્વક, કોમળતાથી એને માથે હાથ ફેરવતાં હું કહેતો, ‘મમ્મા, ગઈકાલે નહીં, ગયા અઠવાડિયે આવ્યો હતો અને ગુલાબનાં ફૂલ નહીં પણ તને ભાવતી સ્ટ્રોબેરીઝ લાવ્યો હતો. યાદ આવ્યું?

હં…હં… કહેતાં હસીને એ કંઈક વિચારમાં પડી જતી. એકની એક વાત નાના બાળકની માફક એને વારંવાર સમજાવવી પડે અથવા વારેઘડીએ એને એક જ જવાબ આપ્યા કરવો પડે તો યે મને કોઈ દિવસ કંટાળો કે ગુસ્સો નહોતો આવતો. જો કે, એ હતી જ એવી કે, કોઈ એની પર ગુસ્સે થઈ જ ન શકે.

થોડા મહિનાઓ પછી ડેડીએ કરેલી વાતે મને ઊંડો આઘાત આપ્યો. ‘ગઈ કાલે ડૉક્ટર રાઉન્ડ પર આવ્યા હતા. તારી મમ્મીના થોડા ટેસ્ટ કરાવ્યા હતા. એ જોઈને અને તારી મમ્મીને તપાસીને એમણે કહ્યું કે…કે… કે શું?’ હું એકદમ અધીરો થઈ ગયો.

‘એને અલ્ઝાઈમર (સ્મૃતિભ્રંશ) છે. એની યાદશક્તિ બહુ ઝડપથી નાશ પામતી જાય છે. ’ કદાચ એવો સમય પણ આવે કે, એ તને અને મને સુદ્ધાં ઓળખી નહીં શકે.’આ બોલતી વખતે ડેડી મહાપરાણે પોતાની આંખોને કોરી રાખવા મથતા હતા પણ હું મારાં આંસુઓને રોકી ન શક્યો. મારું મન કેમે કરીને માનવા તૈયાર નહોતું કે, મારી જન્મદાતા, મારાં ઝાઝેરાં જતન કરનાર મા એક દિવસ એના જ હાડમાંસથી ઘડાયેલા એના આ દીકરાને ઓળખશે પણ નહીં ! ધારવા કરતાં એ દિવસ જલદી જ આવ્યો. એક અઠવાડિયે જ્યારે હું એમને મળવા ગયો ને મમ્મીને ભેટીને મેં ‘કેમ છે?’એમ પૂછ્યું. એના જવાબમાં એ જે રીતે હસી એમાં મારી ઓળખાણનો કોઈ અણસાર નહોતો. હું તરત સમજી ગયો કે, એણે મને ઓળખ્યો નથી. આ પરિસ્થિતિમાં શું કરવું એ ન સૂઝતાં મેં પાસે પડેલી સ્ટ્રોબેરી એકએક કરીને એના મોંમાં મૂકવા માંડી. દર વખતે એ ‘થેન્ક-યૂ’ કહીને મીઠું હસતી. પણ અત્યારનો એનો વ્યવહાર કોઈ અજાણી વ્યક્તિ સાથેનો હોય એવું લાગતું હતું.

હું ચૂપચાપ એની બાજુમાં બેઠો ને એનો હાથ મારા હાથમાં લઈને પંપાળવા લાગ્યો. અચાનક મારી હથેળી ત્રણ વખત દબાવી ને પછી હસવા લાગી. આ સાથે જ એક વખત ડેડીએ કહેલી વાત મને સાંભરી આવી.

‘તને જાણીને નવાઈ લાગશે દીકરા, પણ લગ્ન પછીના શરૂઆતના દિવસોમાં અમે એકબીજા સાથે બહુ ઓછું બોલતાં પણ અમારો પ્રેમ એટલો પરિપક્વ હતો કે, એને શબ્દોના સહારાની જરૂર ન પડતી. અમારા બંને વચ્ચે મૌન સંવાદ રચાતો.’ ‘એ કેવી રીતે શક્ય છે?’

‘ઘણી વખત સૂર્યાસ્ત ટાણે અમે દરિયાકિનારે કલાકો સુધી ચૂપચાપ બેઠાં હોઈએ ત્યારે તારી મમ્મી હળવેથી મારી હથેળી ત્રણ વખત દબાવતી.’

‘એટલે શું? મને સમજાયું નહીં.’

‘એનો અર્થ આય લવ યુ. (હું તને ચાહું છું) હવે સમજ્યો?’

‘વેરી ઈન્ટરેસ્ટીંગ ડેડી, પણ પછી તમે એનો જવાબ કેવી રીતે આપતા? ’ ‘ હં…યંગમેન, આજે ને આજે બધી ટીપ્સ લઈ લેવી લાગે છે, કેમ? તો સાંભળ, જવાબમાં હું બે વખત એની હથેળી દાબીને જણાવતો કે, મીટુ—(હું પણ)

અત્યારે મને ડેડીની કહેલી એ વાત યાદ આવી ને મેં મમ્મીની હથેળી જેવી બે વાર દબાવી કે તરત એનો ચહેરો ખીલી ઊઠ્યો. એણે કહ્યું, ‘માણસની જિંદગીમાં સૌથી વધુ જરૂરી શું હોય છે, ખબર છે? એને કોઈ ચાહતું હોય, કોઈ ભરપૂર પ્રેમ કરતું હોય. સમજાય છે મારી વાત?

હું એને ભેટી પડ્યો. એના ગાલ ચૂમતાં ચૂમતાં કહેવા લાગ્યો, ‘સમજાય છે, મને તારી વાત બરાબર સમજાય છે. ને તું પણ સમજી લે કે, હું તને ચાહું છું તને ખૂબ…ખૂબ… ખૂબ પ્રેમ કરું છું.’ અમારી અંતિમ મુલાકાતની એ સોનેરી ક્ષણ સદાને માટે મારે હૈયે જડાઈ ગઈ છે.

(લેરી જેમ્સની અંગ્રેજી વાર્તાને આધારે)

 

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 522,839 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
જાન્યુઆરી 2015
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: