અખડ આનંદની પ્રસાદી-જાન્યુઆરી-2015

અખડ આનંદની પ્રસાદી-જાન્યુઆરી-2015

[‘અખંડ આનંદ’/જાન્યુઆરી ’15 /જોયેલું ને જાણેલું વિભાગ]

(પાના: 89-90)

(1)‘ચીકી દેવા પાછં ક્યારે આવશો?’//દીનાબહેન અનિલકુમાર

થોડાં વરસો પહેલાં શિયાળામાં મારા પતિદેવ મારા માટે ચીકી લાવ્યા. મને ચીકી બહુ જ ભાવે. સોફા પર બેઠાં બેઠાં ચીકી ખાઈ રહી હતી ને મનમાં જાણે શું વિચાર આવ્યો ને મારા હાથમાં ચીકીનું બટકું એમ જ રહી ગયું !

મને થયું કે જગતમાં એવી ઘણીય દીકરીઓ હશે કે જેઓનાં મા કે બાપ નહીં હોય કે મા-બાપ બંને નહીં હોય, તેઓને કોણ ચીકી ખવડાવતું હશે? મન ચકરાવે ચડ્યું. મેં મનોમન નક્કી કરી લીધું કે એવી કેટલીક દીકરીઓને જ્યાં સુધી ચીકી ન ખવડાવું ત્યાં સુધી મારે પણ હવે ચીકી ખાવી નહીં.

મારા મનની વાત મેં પતિદેવને કહી. બીજે દિવસથી મારા પતિએ એવી સંસ્થાની તપાસ આદરી કે જે જ્યાં રહીને મા કે બાપ કે મા-બાપ બંને જીવિત ન હોય તેવી દીકરીઓ સ્કૂલમાં અભ્યાસ કરતી હોય. અંતે એક સંસ્થા અમારા ધ્યાન પર આવી, જે રાજકોટમાં અમારા ઘરથી આશરે પચીસ કિ..મી. દૂર ‘હાઈ-વે’પર હતી. તેનો કૉન્ટેક્ટ નંબર મેળવી, સંસ્થાના વ્યવસ્થાપક સાથે વાત કરી અને જણાવ્યું કે અમે સંસ્થામાં રહેતી દીકરીઓને ચીકી ખવડાવવા ઈચ્છીએ છીએ. વાત સાંભળી તે ભાઈ કહે, ‘તમારો વિચાર ઉમદા છે, તમે એક કામ કરો, બે દિવસ પછી રવિવારે બપોરે ચાર વાગ્યે અહીં આવી જાવ અને તમારા હાથે જ દીકરીઓને ચીકી આપો.’

સંસ્થામાં દીકરીઓની સંખ્યા 85 હતી. બજારમાં ચીકીના ભાવ કિલોના 140 થી 180 સુધી હતા. હોલસેલમાં ખરીદીએ તો દસ પંદર ટકા જેટલી છૂટ આપવા વેપારી સંમત હતા. અમારા ઘરમાં જે ચીકીનું બોક્સહતું તેમાં ચીકી બનાવનારનું નામ –સરનામું અને ફોન નંબર હતાં. મારા પતિએ ત્યાં સંપર્ક કર્યો અને મૂળ હેતુ જણાવ્યો અને85 બોક્સ ચીકીની જરૂરિયાત કહી. તે ભાઈએ અમને વેપારી છૂટ આપી. રૂપિયા 110ના કિલો લેખે ચીકી આપશે તેમ જણાવ્યું. મારા પતિએ તેમને હોમ ડિલિવરી કરવા જણાવી સરનામું અને અમારા ફોન નંબર લખાવી દીધાં અને કહ્યું, ‘અમારે તો આવતી કાલ બપોર સુધીમાં જ ચીકી જોઈએ છે.’તો તે ભાઈ કહે, ‘અમારા વર્કશોપ પર આવીને લઈ જજો.’

બીજા દિવસે રવિવારે સવારે દસેક વાગે હું ને મારા પતિદેવ પેલા ભાઈના વર્કશોપ પર ચીકી લેવા જવાની તૈયારી કરતા હતા ત્યાં ‘ડૉરબેલ’ વાગી. મારા પતિએ બારણું ખોલ્યુંતો સામે એક દૂબળા ભાઈ બંને હાથમાં મોટા થેલાઓ ઊંચકીને ઊભા હતા અને બોલ્યા, ‘હું ચીકી લાવ્યો છું.’અમે એમને અંદર બોલાવ્યા અને એમણે ડાઈનિંગ ટેબલ પર ચીકીનાં 85 બોક્સ મૂક્યાં.

અમે તેમનો હ્રદયપૂર્વક આભાર માન્યો અને ચા-પાણી પાઈ વિવેક જતાવ્યો. તે ભાઈએ અમને ચીકીનું બિલ આપ્યું. બિલ જોઈ મારા પતિ બોલ્યા, ‘ભાઈ, તમારી ભૂલ થાય છે, તમે બિલમાં 110ના બદલે 90 રૂપિયા ભાવ ભર્યો છે.’જવાબમાં તે ભાઈ કહે, ‘અમે ક્યારે આવું પુણ્યનું કામ કરવા જવાના હતા? મને થયું કે ઈશ્વરે સામે ચાલીને આ મોકો આપ્યો છે તો હું પણ થોડુંક પુણ્ય કમાઈ લઉં. એટલે મેં અમારી તદ્દન પડતર કિંમતથી પણ ઓછા ભાવે બિલ બનાવ્યું છે અને હોમ ડિલિવરી દેવા, દસ કિ.મી.થી મારા અંગત વાહનમાં આવ્યો છું.’અમે બંને ભાવસભર આંખોથી એમને નીરખી રહ્યા અને પેમેન્ટ આપી દીધું.

તે દિવસે ચાર વાગ્યે અમે અમારા વાહનમાં ચીકીનાં બોક્સ લઈને જઈ ચઢ્યાં પેલી સંસ્થા પર અને વ્યવસ્થાપકને મળ્યાં. એક પછી એક બધી દીકરીઓને ચીકીનાં બોક્સ આપ્યાં. છેલ્લી હારમાં બેઠેલી સાતેક વર્ષની દીકરી મારી સામે ભાવસભર આંખો માંડી બોલી, ‘હવે તમે ક્યારે પાછાં ચીકી દેવા આવશો???’

આજે જ્યારે પણ હું ચીકી ખાઉં છું ત્યારે ક્યારેક એ આંખો મારી સમક્ષ હાજર થઈ જાય છે અને હું ઊંડા વિચારમાં ગરકાવ થઈ જાઉં છું ને ઈશ્વરને પ્રાથું છું કે હે ઈશ્વર ! તું ગરીબી ભલે આપે પન કોઈ નાના બાળકનાં મા-બાપને ન છીનવે.

*******

મ્યુનિસિપલ હોલ પાસે, વ્રજ ગાર્ડન, કૃષ્ણનગર,

શેરી નંબર 10, રાજકોટ—360004

————————————————-

(2) હે પ્રભુ !… આ દેશમાં… //અરુણ ત્રિવેદી

(પાના:91 થી 93)

15-16 વર્ષ પહેલાં અમે ધોલેરા(બંદર) વિસ્તારના ભાણગઢ ગામે એક બાળરોગ નિદાન કૅમ્પનું આયોજન કરેલું.અમદાવાદના બાળરોગ નિષ્ણાત ડૉ.જિતેશ રાવલ આ કૅમ્પમાં એમની સેવા આપવા આવેલા.

ભાણગઢ ગામની સ્કૂલમાં અમે આ કૅમ્પનું આયોજન કરેલું. ડૉક્ટર પૂરી લગનથી તમામ બાળકોને તપાસી, દ્વા આપતા જતા હતા. રાજપુર ગામના એક બાળ દર્દીનું નામ બોલવામાં આવ્યું. આ બાળકને તપાસતાં જ ડૉ.જિતેશભાઈની આંખો પહોળી થઈ ગઈ.

‘આ બાળકને તાત્કાલિક નજીકની હૉસ્પિટલમાં દાખલ કરવો પડશે.’અમે બધા લાચાર હતા. નજીકમાં તો ભાવનગર લગભગ સાઈઠ કિ.મી. દૂર હતું. અમારી મૂંઝવણ ડૉક્ટર સમજી ગયા. બાળકને શરીરમાં પાણીની કમી છે. અતિશય કમજોરી છે. કહી આગળનું વાક્ય એમણે મને એમની બાજુમાં બોલાવી મારા કાનમાં કહ્યું: ‘બાળકને બચવાના ખાસ કોઈ ચાન્સ નથી, સિવાય હૉસ્પિટલ.’

હું મૂંઝાયો. અમારા ભાણગઢના દવાખાનામાંથી ડૉ.શુક્લ સાહેબે થોડાં ઈન્જેકશનો લાવી આપ્યાં. એમાંનું એક ઈન્જેકશન તથા ડૉ. જિતેશભાઈએ એમની સાથે લાવેલાં ઈન્જેકશનોમાંથી બીજું એક ઈન્જેકશન કાઢી આ બાળકને આપી દીધું. અમારા આશ્ચર્ય વચ્ચે જોયું, તો આ ઈન્જેકશનના મારથી એ બાળક માંડ માંડ રડી શકતું હતું ! એના ઉપર ખૂબ માખીઓ બણબણતી હતી. એ બાળકની મા લાચારવશ અમને બધાંને તાકી રહી હતી.

ભાણગઢના બે-ત્રણ સમજદાર ગ્રામજનોને અમે આ બાળકની ગંભીરતાની જાણ કરી. એનો ભાવનગરનો તમામ ખર્ચ ઉપાડવા પણ અમે તૈયાર હતા. પણ, એ બાળકની માનો એક જ જવાબ હતો. ‘એના બાપની ગેરહાજરીમાં હું કાંઈ કરી શકું તેમ નથી. બાળકને કશુંક થાય તો એ સુરતથી કામ ઉપર આવીને મને જીવતી મારી નાખે…’

–એ બાઈને સમજાવવી અઘરી હતી. ભાણગઢના ગ્રામજનો પણ એને સમજાવવામાં પાછા પડ્યા. આ તરફ બાળકની સ્થિતિ ડૉ.જિતેશભાઈને અકળાવી રહી હતી. એ દર પંદર-વીસ મિનિટે ઊભા થઈ, આ બાળકને તપાસતા હતા. અને કહેતા ‘ઈંજેકશનની અસર ખાસ થતી નથી. આને જરૂરી છે, એવાં ઈન્જેકશન હૉસ્પિ

ટલ સિવાય શક્ય નથી. પ્લીઝ… એની માને સમજાવો…’ એ બાળકની મા ખૂબ લાચાર હતી. એને પણ એના દીકરાની આ સ્થિતિનો હવે બરાબર ખ્યાલ આવી ગયો હતો, પણ એ બાપડી એના ઘરવાળાને પૂછ્યા વિના કોઈ જ નિર્ણય લેવા અસમર્થ હતી.

ડૉક્ટરે ફરી ઈન્જેકશન તૈયાર કરી પેલા બાળકને આપી દીધું. બાળકની હાલત જેટલી દયનીય હતી, એનાથી અનેકગણી દયનીય હાલત એની જનેતાની હતી. જે અમને તથા ડૉ.જિતેશભાઈને અકળાવી રહી હતી.

કૅમ્પ પૂરો થયો. જમવામાં ડૉ.જિતેશભાઈએ કશું જ લીધું નહીં.મારા આગ્રહને વશ થઈ એમણે ફક્ત કૉફીને ન્યાય આપ્યો. પેલા બાળકની ચિંતા ડૉક્ટરને સતાવી રહી હતી. ગ્રામજનો તથા ભાણગઢના ડૉક્ટરનો આભાર માની, અમે અમદાવાદ તરફ પાછા ફર્યાં. રસ્તામાં ડૉક્ટર જિતેશભાઈને વાતે ચડાવવાના અમે ઘણા પ્રયત્નોકર્યા. પણ છેલ્લે એમણે એક જ વાત કરી: ‘જ્યાં સુધી પેલા રાજપુરવાળા બાળકના સમાચાર મને નહીં મળે ત્યાં સુધી મને ચેન નહીં પડે.’

એ અરસામાં ભાણગઢ તરફ ટેલિફોનની કોઈ જ સુવિધા ન હતી. મારી જવાબદારી હવે એ હતી કે ગમે તેમ કરીને એ બાળકની તપાસ કરી ડૉ. જિતેશભાઈને જાણ કરવી.

ત્રણ દિવસ પછી, અમારા ભાણગઢ સ્થિત દવાખાનાનો ઓપીડી દિવસ હતો. સવારમાં જ ભાણગઢ જતાં પહેલાં ડૉ.શુકલ સાહેબને રાજપુરવાળા બાળકનો રિપોર્ટ મેળવવા મેં એમને ધંધૂકા ફોન કરીને વિનંતી કરી. સાંજે ધંધૂકાથી ડૉ. શુક્લ સાહેબનો ફોન પન આવી ગયો, ‘ચિંતા કરશો નહીં. આજે જ આપણા ઓપીડીમાં એ બાઈ, બાળકને લઈને આવી હતી. બાળકને હવે ઘણું જ સારું છે. એની મા ખાસ એને બતાવવા જ મારી પાસે આવી હતી. અને રડવા સિવાય એની પાસે આભાર માનવા કોઈ શબ્દો ન હતા.

મેં તરત જ ડૉ.જિતેશ રાવલને ફોન જોડ્યો. બાળકના સુખરૂપ સમાચાર મળતાં જ એમના ગળે ડૂમો ભરાઈ આવ્યો. ડૉક્ટર ઘણીવાર સુધી કશું જ બોલી શક્યા નહીં. અંતમાં એમણે એટલુ6 જ કહ્યું, ‘થેન્ક ગોડ, તેં અમારો કૅમ્પ સફળ બનાવ્યો.’

આજે પણ આ પ્રસંગ યાદ આવે છે, ત્યારે અચુક ઈશ્વરને કાકલૂદી કરું છું, ‘હે પ્રભુ ! આ દેશમાં વધુ ને વધુ ડૉ.જિતેશ રાવલ સાહેબ જેવા, દર્દી માટે ચિંતા કરનારા, એના સ્વાસ્થ્ય માટે ચિંતિત રહેનારા ડૉક્ટરોને તું જન્મ આપજે…’

*********

3, આશીર્વાદ ફલેટ, લાવણ્ય પાછળ, વાસણા,અમદાવાદ -380007 મો: 9825612348

Advertisements
વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

વાચકગણ
  • 303,818 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 285 other followers

તાજા લેખો
તારીખીયું
જાન્યુઆરી 2015
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ડીસેમ્બર   ફેબ્રુવારી »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: